‘નારી તું ના હારી’ ઉક્તિને યથાર્થ પુરવાર કરતો અદ્ભુત દસ્તાવેજ

28 July, 2021 06:43 PM IST  |  Mumbai | Rashmin Shah

આઇપીએસ ઑફિસર બનવું પણ જે સમયમાં અઘરું હતું એ સમયમાં કિરણ બેદીને આઇપીએસ ઑફિસર બનવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એ વિચારને તેમણે અમલમાં કેવી રીતે મૂક્યો એ વાત ‘આઇ ડેર’માં હૃદયસ્પર્શી રીતે કહેવામાં આવી છે

‘નારી તું ના હારી’ ઉક્તિને યથાર્થ પુરવાર કરતો અદ્ભુત દસ્તાવેજ

એક તો આઝાદીકાળની સંકુચિત માનસિકતા અને એમાં પણ એક જ ફૅમિલીમાં ચાર દીકરીઓ. હવે દીકરો આખી જિંદગી ઓશિયાળો બનીને રહેશે એવી દાદાની માનસિકતા અને એ માનસિકતા વચ્ચે મનમાં ઘુઘવાટા મારતો વિદ્રોહ. વિદ્રોહની વચ્ચે એક દિવસ બસ એમ જ, સાવ એમ જ, રસ્તા પર બેઠેલા બાર્બર પાસે વાળ કપાવવા બેસીને બૉયકટ કરાવી નાખેલા વાળ અને રિક્ષાવાળા સાથે થયેલી લપમાંથી પોલીસ ઑફિસર બનવાનો ઝબકી ગયેલો વિચાર. આ વિચાર વચ્ચે ટેનિસ કોર્ટમાં આગળ વધતી કરીઅર અને આંખ સામે રહેલી શાંતિમય મૅરેજ લાઇફ.
આપણે વાત કરીએ છીએ દેશનાં પહેલાં આઇપીએસ ઑફિસર કિરણ બેદીની લાઇફની. પરમેશ દંગવાલે લખેલી કિરણ બેદીની બાયોગ્રાફી ‘આઇ ડેર’ની. આ બાયોગ્રાફીની મોટામાં મોટી ખાસિયત એ છે કે નેવુંના દશકમાં લખાયા પછી ‘આઇ ડેર’ને અપડેટ કરવાનું કામ ખુદ કિરણ બેદીએ કર્યું છે. કિરણ બેદીની લાઇફ કોઈ પણ મસાલા હિન્દી ફિલ્મ કરતાં સહેજ પણ ઓછી કે ઊતરતી નથી એ તમે ‘આઇ ડેર’ વાંચીને સરળતા સાથે સમજી જશો. બાયોગ્રાફીના દરેક ચૅપ્ટર પર તમારી આંખ સામે આજનાં કિરણ બેદી આવશે અને મનમાં એક જ વિચાર : આ લેડી કંઈક નવું કરવા માટે જ જન્મી છે.
અઢકળ પુસ્તકો પછી પણ...
બાયોગ્રાફી પબ્લિનશ થઈ એ પહેલાં કિરણ બેદી ઑલરેડી એક બુક પોતે લખી ચૂક્યાં હતાં અને તેમના પોતાના મનમાં પણ બાયોગ્રાફીનો જ વિચાર હતો. જોકે તેમને એવું લાગતું હતું કે પોતે જ પોતાની વાત કરતાં જો વખાણ કરી બેસશે તો એ આત્મશ્લાઘા લાગશે અને એટલે તેમણે આ કામ પરમેશ દંગવાલને સોંપ્યું. જોકે એક હકીકત એ પણ છે કે બાયોગ્રાફીનો એકેએક શબ્દ તેમની આંખ નીચેથી પસાર થયો, રીરાઇટિંગ પણ કર્યું અને એડિટિંરગ પણ જાતે જ કર્યું. 
કિરણ બેદીએ અનેક પુસ્તકો લખ્યાં છે અને એ પુસ્તકોમાંથી અઢળક પુસ્તકો બે-ત્રણ અને ચાર લૅન્ગ્વેજમાં ટ્રાન્સલેટ પણ થયાં છે. જોકે એ પછી પણ કિરણ બેદીએ ક્યારેય પોતાની પર્સનલ વાત કહેવા માટે ‘આઇ ડેર’ સિવાયનું કોઈ માધ્યમ પસંદ કર્યું નથી. જ્યારે પણ જરૂર લાગી ત્યારે તેમણે ‘આઇ ડેર’માં જ ઉમેરણ કર્યું છે. કિરણ બેદીએ પોતે અઢાર બુક્સ લખી છે તો તેમની પરમિશન સાથે તેમના પર ૧૪ બુક લખાઈ છે. તેમને જાણ પણ ન હોય અને એમ છતાં તેમના પર બુક લખાઈ હોય એવી દેશમાં ૭૦ બુક પ્રસિદ્ધ થઈ છે.
થ્રૂ આઉટ મિશન ઇમ્પૉસિબલ 
ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જે સમયે પુરુષો પણ જૉઇન થવા રાજી નહોતા એવા સમયે કિરણ બેદીએ આઇપીએસ બનવાનો વિચાર કર્યો અને એ એક વિચારે દેશભરમાં કેવો તહલકો મચાવી દીધો એની વાત ‘આઇ ડેર’માં છે. કિરણ બેદી સાથે રહીને તૈયાર કરવામાં આવેલી આ બાયોગ્રાફી દેશની બાર લૅન્ગ્વેજમાં પબ્લિશ થઈ તો પ્રિયંકા ચોપડાથી માંડીને કંગના રનોત સુધ્ધાંએ એના રાઇટ્સ માટે પ્રયાસો કર્યા, પણ કોઈને રાઇટ્સ મળ્યા નહીં. કિરણ બેદી તેમને જ રાઇટ્સ આપવા માગે છે જે તેમની ઇચ્છા મુજબનું કાસ્ટિંગ પણ લાવી શકે. ચારેક વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય અને કાજોલ સાથે આ કામ આગળ વધારવામાં આવ્યું હતું, પણ આ બન્ને ઍક્ટ્રેસ ફિઝિકલ ટ્રેઇનિંગ લેવા રાજી ન હોવાથી વાત પડી ભાંગી. કિરણ બેદી માને છે કે ‘આઇ ડેર’ પરથી તો જ ફિલ્મ બનાવવી જો એ ઑસ્કર ઍવોર્ડ લાવી શકે એ સ્તર પર બનવાની હોય. કિરણ બેદીએ કહ્યું છે, ‘બેસ્ટ કરવું અને બેસ્ટ કરવા માટે હિંમત કરવી એ બે જ સક્સેસની કી છે.’
કિરણ બેદીને મૅગ્સેસે અવૉર્ડ સહિત વિશ્વભરના ૬૦ માનવંતા અવૉર્ડ્સ મળ્યા છે. થોડા સમય પહેલાં જ પૉન્ડિચેરીના ગવર્નરપદેથી રિટાયર થયાં અને હવે ફરીથી પોતાના એનજીઓના કામમાં લાગ્યાં છે.

સ્ટોરી શૉર્ટકટ

‘આઇ ડેર’નો આરંભ જ એ વાત ઍસ્ટૅબ્લિશ કરે છે કે અમ્રિતસરના પ્રકાશ લાલ પેશાવરિયાને ચાર દીકરીઓ છે અને એ દીકરીઓને લીધે આખા કુટુંબમાં સૌકોઈ પ્રકાશ સામે બિચારાના ભાવ સાથે જુએ છે. બીજા નંબરની દીકરી કિરણને એ બધું દેખાય છે, તે સમજે પણ છે અને એટલે જ તે નક્કી કરે છે કે ભલે તે દીકરી હોય પણ રહેશે દીકરો બનીને. એક દિવસ સ્કૂલથી પાછા આવતા રસ્તા પર બેઠેલા વાળંદ પાસે તે કોઈને કહ્યા વિના વાળ કપાવીને બૉયકટ કરી નાખે છે. સાઇક્લિંગ પણ શરૂ કરી દે છે અને એવી બધી ગેમ રમે છે જે છોકરાઓ જ રમતા. નાનપણમાં બનેલી ઘટના માનસિકતામાં કેવો ચેન્જ લાવે એ વાત કિરણ બેદીની ‘આઇ ડેર’માં સ્પષ્ટપણે દેખાય છે. કિરણ બેદી દેશ વતી ટેનિસ ચૅમ્પિયનશિપ પણ રમી ચૂક્યાં છે અને ટેનિસ રમતાં-રમતાં જ તેઓ ઇન્ડિીયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસની તૈયાર કરતાં હતાં. જોકે એક ઝઘડા પછી હસબન્ડ બ્રિજ બેદી મજાકમાં કહે છે કે તારે પોલીસમાં હોવું જોઈએ અને એ વાતને કિરણ બેદી સિરિયસ્લી લઈ લે છે અને આઇપીએસની તૈયારીઓ ચાલુ થાય છે.
દેશનાં પહેલાં આઇપીએસ ઑફિસર બનેલાં કિરણ બેદી ટ્રેઇનિંગમાં ગયાં ત્યારે ટ્રેઇનિંગ સેન્ટર પર મહિલાઓ માટે અલગ વૉશરૂમ પણ પહેલી વાર બન્યો અને રૂમ પણ પહેલી વાર બનાવવામાં આવ્યો. કિરણ બેદીએ કરેલાં અનેક કારનામાંઓ ‘આઇ ડેર’માં રજૂ થયાં છે જે વાંચતી વખતે ખરેખર મોઢામાંથી નીકળી જાય : સાચે જ, નારી તું ના હારી.

૧૯૯૬માં પબ્લિશ થયેલી ‘આઇ ડેર’ની પહેલી એડિશનની એક જ કૉપી માર્કેટમાં હોવાથી એ બુક અત્યારે ૩,૮૭૮ રૂપિયામાં વેચવા મૂકવામાં આવી છે.

columnists Rashmin Shah