દર ત્રણ મહિને દસ દિવસની ડિટૉક્સ ડાયટ અચૂક કરવાની

07 December, 2021 04:31 PM IST  |  Mumbai | Rashmin Shah

આ નિયમ બનાવ્યા પછી હવે તેની બૉડીમાં એનર્જીનો રીતસરનો ધોધ વહે છે એવું સ્વીકારીને તે કહે છે કે દરેક લેડીએ ડિટૉક્સ ડાયટ કરવી જ જોઈએ

દર ત્રણ મહિને દસ દિવસની ડિટૉક્સ ડાયટ અચૂક કરવાની

સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘શું થયું?’ અને ‘લવની ભવાઈ’ જેવી અનેક ગુજરાતી ફિલ્મો, ‘તેરા યાર હૂં મૈં’ જેવી પૉપ્યુલર ટીવી સિરિયલ કરનારી અને આવતા દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટણી સાથે કરણ જોહરની ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળનારી કુંપલ પટેલનો આ નિયમ છે. આ નિયમ બનાવ્યા પછી હવે તેની બૉડીમાં એનર્જીનો રીતસરનો ધોધ વહે છે એવું સ્વીકારીને તે કહે છે કે દરેક લેડીએ ડિટૉક્સ ડાયટ કરવી જ જોઈએ

હું મૉર્નિંગ પર્સન છું. મારા દિવસની શરૂઆત છ વાગ્યાથી થાય અને એટલે જ મને વહેલા જાગનારાઓ વધારે ગમે. કામને કારણે મારા શેડ્યુલમાં થોડો ચેન્જ આવે પણ બાકી મારું રૂટીન ફિક્સ હોય. ફિટનેસનો પહેલો નિયમ છે કે તમે તમારા રૂટીન સાથે જોડાયેલા રહો અને કોઈ પણ જાતની મોટી અડચણ વિના એમાં ચેન્જ ન આવે એની ડિસિપ્લિન જાળવો. જે ડિસિપ્લિનમાં માને છે એ ફિટનેસની બાબતમાં પણ થોડા અવેર હોય એવું મારું ઑબ્ઝર્વેશન રહ્યું છે. 
જાગીએ ત્યારે ફ્રેશનેસ પ્રૉપર હોય એટલે પહેલું કામ વર્કઆઉટ કરવાનું હોવું જોઈએ. મૉર્નિંગ વર્કઆઉટ બેસ્ટ છે, કારણ કે એ સમયે મૅક્સિમમ એનર્જી હોય. બીજું કે વર્કઆઉટ સમયે તમારું બ્રીધિંગ ફાસ્ટ હોય એટલે તમે મૅક્સિમમ ઑક્સિજન લેતા હો છો. સવારના સમયે ફ્રેશ ઑક્સિજન શરીરને મળે તો એ પણ વધારે લાભદાયી છે.
ગુજરાતી છું એટલે હું કહીશ કે આપણે જેટલી ચીવટ બિઝનેસ, એજ્યુકેશન અને ફૅમિલી ગેટ-ટુગેધરમાં દાખવીએ છીએ, મજા કરવામાં ગાળીએ છીએ એટલી ચીવટ હેલ્થ માટે નથી દાખવતા. કદાચ એને કારણે ગુજરાતીઓમાં ઓબેસિટીનું પ્રમાણ વધારે જોવા મળતું હશે. ઍવરેજ પાંત્રીસ વર્ષની આસપાસ પહોંચી ગયેલી વ્યક્તિનું પેટ બહાર આવે તો બધા એને ‘શેઠ’ કહીને મજાક કરશે પણ કોઈ એનું ધ્યાન હેલ્થ બાબતમાં નહીં દોરવે. હેલ્થનો એક નિયમ છે. એ જે સમયે હાથમાંથી સરકવાની શરૂ થાય એ પછી એને ફરીથી પાટા પર લાવવી અઘરી છે એટલે ક્યારેય એ હાથમાંથી ન છૂટે એનું ધ્યાન રાખવું જોઈએ.
વર્કઆઉટ છે ઇમ્પોર્ટન્ટ | તમારા મસલ્સને સ્ટ્રેચ કરે કે સ્ટ્રેસ આપે એવું વર્કઆઉટ ન હોવું જોઈએ. મેં ઘણા લોકો જોયા છે જે મૉર્નિંગમાં બે કલાક પછી સાંજે પણ બે કલાક જિમ કરે. એવું ન કરવું જોઈએ. આવું કરીને આપણે ક્યાંક ને ક્યાંક મસલ્સ અને બૉડીને સ્ટ્રેસ આપી બેસતા હોઈએ છીએ. જરૂરી નથી કે તમે એ વર્કઆઉટ ફૉલો કરો જે સેલિબ્રિટી કરે છે. રૂટીન લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોએ પોતાના કામ મુજબનું વર્કઆઉટ ફૉલો કરવું જોઈએ. 
હું કહીશ કે નૉર્મલ લાઇફસ્ટાઇલ ધરાવતા લોકો માટે બૉડી ફિટ રહે અને હેલ્થ પર્ફેક્ટ રહે એ પહેલી પસંદ હોવી જોઈએ. બૉડીનો દરેક ભાગ શેપમાં રહે અને એક્સ્ટ્રા ફૅટ ન હોય એનાથી બેસ્ટ વર્કઆઉટ બીજું કોઈ હોઈ ન શકે.
મારી વાત કરું તો હું વર્કઆઉટ જિમમાં કરું છું અને જો અર્લી મૉર્નિંગની શિફ્ટ હોય તો હું બૉડી વૉર્મઅપ અને નૉર્મલ એક્સરસાઇઝ ઘરે કરું. જિમ વર્કઆઉટની વાત કરું તો એ એકથી દોઢ કલાકનું હોય છે જેમાં અપર, લોઅર, આર્મ્સ જેવા પાર્ટ પર હું મારા શેડ્યુલ મુજબ વર્કઆઉટ કરું. ઘરે વર્કઆઉટ કરું ત્યારે એમાં કાર્ડિયો, સ્કિપિંગ અને સૂર્યનમસ્કાર હોય છે. સૂર્યનમસ્કાર જેવી અકસીર એક્સરસાઇઝ કોઈ નથી એવું હું કહીશ. સૂર્યનમસ્કારથી બૉડીની તમામ એટલે કે અગિયાર મેજર ઑર્ગન સિસ્ટમનું વર્કઆઉટ થાય છે, જે બહુ જરૂરી હોય છે.
ખાને મેં ક્યા હૈ? | મેથીના દાણા રાતે પલાળ્યા હોય એ પાણી પીવાનું, મેથી ચાવી જવાની અને એ પછી હૂંફાળું પાણી અને ચાર બદામ. આ મારા દિવસની શરૂઆત છે. મેથી અને બદામ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, ડિટૉક્સ માટે બેસ્ટ કહેવાય તો ગરમ પાણી મેટાબોલિઝમ માટે બેસ્ટ કહેવાય. એ પછી વર્કઆઉટ આવે અને વર્કઆઉટ પછી થોડાં ડ્રાયફ્રૂટ, ખજૂર અને ગ્રીન ટી લેવાનાં. કૅલરી બર્ન કર્યા પછી ખજૂર ખાવી ખૂબ જ સારી છે. 
મારી એક ખાસ વાત કહું તમને. હું થોડા-થોડા સમયના અંતરે ચોક્કસ પ્રકારની ડાયટ સિસ્ટમ ફૉલો કરું જેમાં દિવસ દરમિયાન મારે સૅલડ અને ફ્રેશ ફ્રૂટ ખાવાનાં હોય. આ એક પ્રકારની ડિટૉક્સ ડાયટ છે અને એને પ્યૉર નૅચરલ ડાયટ કહો તો પણ ચાલે. સૅલડમાં બેલ પેપર, બ્રૉકલી અને અલગ-અલગ સીડ્સ, પનીર અને બૉઇલ કરેલાં વેજિટેબલ હોય. આ બધા પર બ્લૅક પેપર અને રૉક સૉલ્ટ ઍડ કરવાનું. આ સૅલડથી ખાધા પછી જરા પણ સ્ટમક હેવી નથી થતું. મેં જે ડાયટ સિસ્ટમની વાત કરી એમાં દસ દિવસ સુધી દર કલાકે કે પછી ભૂખ લાગે ત્યારે આ સૅલડ ખાવાનું. સૅલડમાં પનીર એટલા માટે કે પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે તો ફ્રૂટ્સ વિટામિન્સ આપે અને વેજિટેબલ્સ ફાઇબર આપે. હું ત્રણથી ચાર મહિને દસ દિવસ માટે આ ડિટૉક્સ ડાયટ ફૉલો કરું અને એ પણ એકદમ સ્ટ્રિક્ટ્લી.
રૂટીન ડાયટ મુજબ લંચમાં બ્રાઉન રાઇસ, દાળ, શાક અને મકાઈનો રોટલો કે બાજરીનો રોટલો હોય. શાકમાં હંમેશાં સીઝનલ વેજિટેબલ્સ હોય. સાંજે ભૂખ લાગે ત્યારે ગ્રીન ટી અને થોડાં ડ્રાયફ્રૂટ્સ. મને ચા અનહદ ભાવે, એક સમય હતો કે હું દિવસમાં દસથી બાર ચા પીતી પણ મેં એ સંપૂર્ણ રીતે છોડી દીધી છે. હવે ફક્ત ગ્રીન ટી જ પીઉં છું. હવે બહુ ઇચ્છા થાય ત્યારે હું જૅગરી પાઉડર નાખેલી અડધો કપ ચા પીઉં અને એ પણ મહિનામાં એકાદ વાર. ડિનર હું આઠ પહેલાં જ લઉં જેમાં સ્પ્રાઉટ્સ હોય અને મોડેથી ભૂખ લાગે તો ફ્રૂટ્સ.

ગોલ્ડન વર્ડ્સ
ફૂડ સિવાય બૉડીમાં બીજું કશું જતું નથી તો જે નાખીએ છીએ એને બરાબર બહાર કાઢવાની પ્રક્રિયા પણ કરવી જોઈએ.

columnists Rashmin Shah