15 November, 2026 07:30 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
એ રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અંધારું કંઈક વધુ ઘનઘોર હતું. નવેમ્બરનો અંત નજીક હતો અને વરસાદે કારતક મહિનામાં પણ દેખા દીધી હતી. આકાશમાં છવાયેલાં કાળાંડિબાંગ વાદળોને કારણે તારા દેખાતા નહોતા. ગોરેગામ ફ્લાયઓવર વરસાદી ઝાપટાં પછી ભીનો હતો અને વાહનોની હેડલાઇટ્સ ભીના રસ્તા પર લાંબા લિસોટા પાડતી આગળ વધતી હતી. રાતે અઢી વાગ્યે ગોરેગામ પોલીસની પૅટ્રોલિંગ વૅનની હેડલાઇટના અજવાળામાં એક ભયાનક દૃશ્ય ચમક્યું.
સર્વિસ રોડની સાઇડમાં વરસાદી પાણીનાં ખાબોચિયાં અને કાદવ વચ્ચે એક છોકરી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. તેનો કાળો બુરખો ફાટીને ચીંથરેહાલ હતો, માથાના પાછળના ભાગમાંથી વહેતું લોહી કાન પર રેલાતું હતું. તેનો ડાબો હાથ વિચિત્ર ખૂણે વળી ગયો હતો અને તે શ્વાસ લેવા માટે ફાંફાં મારતી હતી.
પીસીઆર વૅનના કૉન્સ્ટેબલ જાધવે તરત કન્ટ્રોલ રૂમને મેસેજ પાસ કર્યો અને ઍમ્બ્યુલન્સે છોકરીને બાંદરાની ભાભા હૉસ્પિટલ પહોંચાડી કે તરત ટ્રૉમા સેન્ટરમાં ડૉક્ટરોની દોડધામ શરૂ થઈ.
થોડી વારમાં ઇમર્જન્સી વૉર્ડના
કાચના દરવાજાને ધક્કો મારીને એક આધેડ અંદર ધસી આવ્યો. ઉંમર આશરે પંચાવન વર્ષ, ખીચડી જેવી સફેદ-કાળી દાઢી, આંખોમાં ગભરાટ અને શરીર પર સફેદ સલવાર-કમીઝ.
‘ડૉક્ટરસા’બ... મેરી શબાના બચેગી ના? ખુદા કે વાસ્તે કુછ કીજિએ...’
એ આધેડનો અવાજ કરગરતો-ધ્રૂજતો હતો.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના સિનિયર ઇન્સ્પેક્ટર સામત પાટીલને હાઇવેની આ ઘટનાની જાણ થઈ કે તરત તે હૉસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે પેલા આધેડને બાજુની બેન્ચ પર બેસાડ્યો.
‘તમારે આ છોકરી સાથે શું રિલેશન, તમારું નામ...’
‘ઇકબાલ શેખ, સા’બ.’ ઇકબાલે પોતાની ઓળખ આપી, ‘આ... આ મારી બીવી છે. અમે મીરા રોડ રહીએ છીએ. અમારા એક રિલેટિવ અંધેરીમાં બીમાર છે, તેને ત્યાં જઈને અમે રાતે પાછાં આવતાં હતાં ત્યાં ગોરેગામ ફ્લાયઓવર પાસે રિક્ષા બગડી. અમે બીજી રિક્ષા શોધવા રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે સ્પીડમાં આવતી બ્લૅક એસયુવી ગાડી તેને ટક્કર મારીને ભાગી ગઈ... હું થોડો આગળ ચાલતો હતો, તે પાછળ રહી ગઈ. બધું તબાહ થઈ ગયું, હું બરબાદ થઈ ગયો...’
ઇકબાલ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.
એક લાચાર પતિનું આક્રંદ સ્વાભાવિક હતું. સામાન્ય હિટ-ઍન્ડ-રન કેસ જેવો આ કેસ હતો, પણ હા, ઇન્સ્પેક્ટર પાટીલને ઇકબાલ અને તેની બીવીની ઉંમરનો ફરક ચચરી ગયો. અલબત, એ કમ્યુનિટીમાં આ પ્રકારના ફરક કંઈ અસામાન્ય નથી એવું ધારીને તેણે ઑપરેશન થિયેટર તરફ નજર કરી અને એ જ વખતે ઑપરેશન થિયેટરની લાલ લાઇટ બંધ થઈ. સિનિયર સર્જન ડૉ. મહેતા બહાર આવ્યા, તેમના ચહેરા પર માયૂષી હતી.
‘શી ઇઝ નો મોર... બ્રેઇન હૅમરેજ...’
ઇકબાલ જમીન પર ફસડાઈ પડ્યો, તે છાતી કૂટવા માંડ્યો અને તેનું આ રીઍક્શન વાજબી હતું.
કાયદાકીય પ્રક્રિયા મુજબ ઇકબાલે પોતાનું આધારકાર્ડ જમા કરાવી, કાગળો પર સહી કરી. પોસ્ટમૉર્ટમની પ્રાથમિક પ્રોસીજર પૂરી કરી ઇકબાલ સવારે પોણાછ વાગ્યે બૉડી લઈને ઍમ્બ્યુલન્સમાં નીકળી ગયો. એ જ દિવસે બપોરે જોગેશ્વરીના કબ્રસ્તાનમાં ચાર-પાંચ લોકોની હાજરીમાં શબાનાની દફનવિધિ કરવામાં આવી. કબરની તાજી માટી પર ગુલાબની પાંદડીઓ વેરી ઇકબાલ ત્યાંથી રવાના થઈ ગયો.
lll
ક્રાઇમ બ્રાન્ચે આ કેસ ટ્રાફિક પોલીસને સોંપી ફાઇલ બંધ કરવાની તૈયારીમાં કરી લીધી હતી, પણ ૪૮ કલાક પછી પાટીલને ફોન આવ્યો. ફોન પર ભાભા હૉસ્પિટલના ફૉરેન્સિક એક્સપર્ટ ડૉ. કામત હતા.
‘પાટીલ, તમે મળવા આવી શકો? પેલી ગોરેગામ હાઈવેવાળી છોકરીનો ઑટૉપ્સી રિપોર્ટ આવી ગયો છે, મારે તમને કંઈક દેખાડવું છે.’
કામતના અવાજમાં રહેલી ગંભીરતા પારખી ઇન્સ્પેક્ટર પાટીલ રવાના થયા.
lll
‘પાટીલ, તમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે.’ કામતની સામે એક્સ-રે અને ઑટૉપ્સી રિપોર્ટ પડ્યા હતા, ‘ઇકબાલે જે હિટ-ઍન્ડ-રનની વાત કરી, એ ખોટી છે.’
‘કઈ રીતે?’
કામતે એક્સ-રે લાઇટ બૉક્સ પર લગાવીને આંગળી ચીંધી.
‘સી ધીસ... એ છોકરીના શરીર પર જે ઈજાનાં નિશાન છે, એ ગાડીની ટક્કરનાં નથી. જો ગાડીએ ટક્કર મારી હોત તો પગ કે કમરના ભાગે ફ્રૅક્ચર હોત. અહીં તેના ડાબા હાથનું હાડકું અંદાજે છ મહિના પહેલાં તૂટેલું હતું, પ્રૉપર ટ્રીટમેન્ટ નહીં મળવાને લીધે હાથ સહેજ વળેલો રહેવા માંડ્યો. છોકરીની પીઠ અને ખભા પર ચાબુક કે જાડા ચામડાના બેલ્ટનાં જૂનાં, કાળાં પડી ગયેલાં નિશાન છે. તેને લાંબા સમયથી મારવામાં આવતી હશે.’
પાટીલની આંખોમાં લોહી ઊભરાઈ આવ્યું, કામતે વાત આગળ વધારી.
‘સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તેના માથાના પાછળના ભાગમાં જે ઘા હતો, એ રોડ પર પછડાવાથી નથી થયો. એ કોઈ નક્કર, લોખંડના સળિયા કે પાઇપથી કરવામાં આવેલો અટૅક છે. આ ઍક્સિડન્ટ નથી લાગતો પાટીલ, આ ડોમેસ્ટિક વાયલન્સ લાગે છે.’
એક શાતિર ગુનેગારે પોલીસને મૂર્ખ બનાવીને મર્ડરને ઍક્સિડન્ટ બનાવી દીધો અને પુરાવારૂપ લાશને કબરમાં દફન પણ કરી નાખી.
પાટીલ ટીમ સાથે તરત જ મીરા રોડ જવા રવાના થયા.
lll
રાતે આઠ વાગ્યે ટીમ ઇકબાલે હૉસ્પિટલમાં લખાવ્યું હતું એ મીરા રોડના નયાનગર પાસે આવેલી નૂર મંજિલ સોસાયટીના સરનામે પહોંચી. થર્ડ ફ્લોર પર ફ્લૅટ નંબર ૩૦૪ પર જઈને પાટીલે જોયું, ડોર લૉક હતો.
‘આ ઇકબાલ શેખ ક્યાં ગયા છે?’ પાટીલે પાડોશીને પૂછ્યું, ‘તેનું ઘર બંધ કેમ છે?’
‘સાહેબ, તેની પત્નીનું બે દિવસ પહેલાં ઍક્સિડન્ટમાં મોત થયું. દફનવિધિ પછી ઇકબાલભાઈને ઘરમાં મન નહોતું લાગતું એટલે તે થોડા દિવસ પોતાને ગામ ગયા.’ પાડોશીએ ડીટેલ આપી, ‘બપોરે ૪ વાગ્યે જ તે પોતાના ૩ વર્ષના દીકરા અરમાન સાથે ગયા.’
‘તેની પત્ની શબાનાનો નૅચર કેવો હતો? ક્યારેય કોઈ સાથે લડાઈ, ઝઘડો...’
‘અરે ના સાહેબ, અમે તો તે બિચારીનો ચહેરો પણ માંડ જોયો હશે.’ પાડોશીની આંખોમાં સહેજ ભીનાશ આવી, ‘હંમેશાં બુરખામાં જ હોય. ઇકબાલભાઈ તેને ઘરની બહાર નીકળવા જ નહોતા દેતા. ક્યારેક રાતે તેના ઘરમાંથી રડવાનો કે કંઈક તૂટવાનો અવાજ આવતો, પણ અમને થાય કે આવું તો ઘરમાં ચાલ્યે રાખે...’
પાટીલને મનોમન ખાતરી થઈ ગઈ કે ઇકબાલ ભાગી ગયો છે.
પાટીલે ફ્લૅટનું લૉક તોડાવ્યું.
બે રૂમના એ સામાન્ય ફ્લૅટની અંદરનો માહોલ વિચિત્ર હતો. બહારથી અંદર જોઈ ન શકાય એ માટે બારીઓ પર જાડા કાળા પડદા હતા. ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો, જાણે ઉતાવળમાં કોઈએ ઊથલપાથલ મચાવી હોય.
lll
‘ક્યા હાલ પાટીલભાઉ?’ ઇકબાલના ઘરમાં જ હતા ત્યારે ઇન્સ્પેક્ટરને ફોન આવ્યો, ‘સબ ખૈરિયત?’
‘ના રે, પોલીસને શું ખૈરિયત?’ પાટીલે હસતાં-હસતાં કહ્યું, ‘આજા, મીરા રોડ. કુછ મસાલા દૂંગા... લોકેશન ભેજતા હૂં...’
ફોન અલ્તાફનો હતો. અલ્તાફ મુંબઈના અંડરવર્લ્ડ, જૂના ક્રિમિનલ્સથી લઈને સાઉથ મુંબઈથી છેક મીરા રોડની તમામ બદનામ ગલીઓની નસનસમાં ઊતરેલો હતો. પાટીલ અને અલ્તાફની જૂની ઓળખાણ હતી. ઘણી વાર બન્ને એકબીજાના પૂરક પણ બન્યા હતા.
lll
ઇકબાલના ઘરના કબાટના નીચેના ખાનામાંથી ફાઇલ મળી, જેમાં શબાના અને ઇકબાલનું નિકાહનામું હતું તો શબાનાના રૅશન-કાર્ડ અને આધાર કાર્ડની ઝેરૉક્સ પણ હતી.
અલ્તાફે નિકાહનામું ધ્યાનથી જોયું અને તેની આંખો સંકોચાઈ.
‘પાટીલભાઉ, આ જુઓ. નિકાહનામા પર પાંચ વર્ષ પહેલાંની ડેટ છે અને ભિંડી બજારની મસ્જિદ-એ-નૂરના કાઝીનો સિક્કો છે.’ અલ્તાફે પાટીલ સામે જોયું, ‘ભાઉ, હું ભિંડી બજારમાં જ મોટો થયો છું, આ મસ્જિદ તો પંદર વર્ષ પહેલાં જ મ્યુનિસિપાલિટીએ ડિમોલિશનમાં તોડી નાખી... આ રજિસ્ટ્રેશન નંબર... ખોટો છે...’
lll
પાટીલે મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ બોર્ડ, આધાર ઑથોરિટી અને મ્યુનિસિપાલટી ડેથ-બર્થ રજિસ્ટ્રીમાં તપાસ કરાવી. બપોર સુધીમાં જે રિપોર્ટ આવ્યો એ શૉકિંગ હતો.
મુંબઈના જ નહીં, દેશના કોઈ પણ ડૉક્યુમેન્ટ્સ પર શબાના શેખ નામની કોઈ સ્ત્રીનો જન્મ, અભ્યાસ કે નિકાહ ક્યારેય નોંધાયા જ નહોતા. શબાનાનું આધાર કાર્ડ પણ નકલી હતું, જેને બે દિવસ પહેલાં જોગેશ્વરીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી, તેનું કોઈ કાનૂની અસ્તિત્વ જ નહોતું, સરકારી ચોપડે તે ક્યારેય જન્મી નહોતી, છતાં તે મરી ગઈ હતી. શબાના એક બેનામી જિંદગી હતી.
lll
‘ગજબ વાત છે, ભાઉ...’ અલ્તાફે ચાની ચુસકી લેતાં પાટીલ સામે જોયું, ‘જો તે શબાના નહોતી, તો તે હતી કોણ? કોઈ ૨૧ વર્ષ સુધી પોતાની ઓળખ વગર કેવી રીતે જીવી શકે, અને ઇકબાલ તેને આખી દુનિયાથી છુપાવતો કેમ રહ્યો?’
‘એનો જવાબ ઇકબાલના ઘરમાં જ ક્યાંક હશે, અલ્તાફ. ચાલ, ફરી મીરા રોડ જઈએ.’ પાટીલ ઊભા થયા, ‘આ વખતે દીવાલની એકેએક ઈંટ ચેક કરીશું...’
lll
ફૉરેન્સિક ટીમ સાથે પાટીલ અને અલ્તાફ નૂર મંજિલના ફ્લૅટ પર પહોંચ્યા. ગાદલાં ચીરીને જોવામાં આવ્યું, કબાટનાં ચોરખાનાં તપાસાયાં. ચેક કરતાં એક જગ્યાએ લાદીનો એક ટુકડો થોડો ઢીલો લાગ્યો. પાટીલે હથોડીથી એ લાદી ઉખેડી. નીચે એક નાનું બૉક્સ હતું. બૉક્સ ખોલતાં એમાંથી જૂના કાગળોની ગંધ આવી.
એ કાગળોમાં મુંબઈ સેન્ટ્રલ નજીકની એક ઉર્દૂ-અંગ્રેજી માધ્યમની સ્કૂલની ફીની જૂની રિસીપ્ટ મળી. ૧૦ વર્ષ જૂનું સ્કૂલ રિપોર્ટ કાર્ડ પણ એમાં હતું અને એક જૂનો બ્લૅક-ઍન્ડ-વાઇટ પાસપોર્ટ સાઇઝ ફોટો પણ હતો. ફોટામાં ૧૧ વર્ષની એક છોકરી બે ચોટલા વાળીને ઉદાસ ચહેરે જોતી હતી. રિપોર્ટ કાર્ડમાં નામ લખ્યું હતું ‘શબાના’.
પાટીલે વાલીના ખાનામાં નજર કરી અને એ વાંચતાંની સાથે પાટીલ અને અલ્તાફના પગ નીચેથી જમીન સરકી ગઈ.
વાલીમાં પિતા તરીકે સહી હતી : ઇકબાલ શેખ.
lll
‘આ માણસ કેટલો નીચ અને વિકૃત છે...’ અલ્તાફને કંપારી છૂટી ગઈ હતી, ભાઉ, જે છોકરીને ૧૦ વર્ષ પહેલાં આ નરાધમે સ્કૂલમાં દીકરી બતાવીને ભણાવી, જે તેને અબ્બુ કહીને બોલાવતી હશે, એ જ છોકરી યંગ થતાં તેણે પોતાની પત્ની બનાવી? બાપ અને પતિનો આ કેવો નાપાક ખેલ...’
‘અલ્તાફ, આ માણસ નથી, શેતાન છે. એ જ્યાં પણ છુપાયો હોય, શોધવો પડશે.’
lll
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઇકબાલ શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી. મુંબઈનાં તમામ રેલવે-સ્ટેશન, બસડેપો અને હાઇવે પર પોસ્ટર લાગી ગયાં. ઇકબાલનો મોબાઇલ સ્વિચ-ઑફ હતો, પણ સાઇબર સેલ તેના જૂના કૉલ રેકૉર્ડ્સ તપાસતી રહી. તપાસમાં ખબર પડી કે ઇકબાલ અવારનવાર ડોંગરીમાં આવેલા એક અત્તરના વેપારીને ફોન કરતો.
lll
‘સર, મેરી કોઈ ગલતી નહીં હૈ...’ જરાક અમસ્તા મેથીપાકમાં પેલા વેપારીએ કબૂલી લીધું, ‘બસ, વો મેરા દોસ્ત થા... હમણાં કલાક પહેલાં ડોંગરીના ચાર નળ એરિયામાં આવેલા પબ્લિક ફોન પરથી ઇકબાલનો ફોન આવ્યો, તેને પૈસાની જરૂર છે.’
ઇન્સ્પેક્ટર પાટીલે પોલીસની ચાર ટીમ ગોઠવીને ડોંગરીની સાંકડી અને ગીચ ગલીઓમાં નાકાબંધી કરી. બાતમીદારના ઇશારે પાટીલ અને તેમની ટીમ રહેમત મંજિલ નામની એક જર્જરિત ચાલના બીજા માળે પહોંચ્યાં કે સામેથી એક મહિલા કાળો બુરખો પહેરીને ઝડપથી નીચે ઊતરવા જતી હતી. તેની ચાલવાની ઢબ અને પગમાં રહેલા મોટા બૂટ જોઈને પાટીલ ઓળખી ગયા. તેમણે આગળ વધીને એકઝાટકે તેનો બુરખો ખેંચી લીધો. બુરખા નીચે ઇકબાલ શેખનો પરસેવે રેબઝેબ ચહેરો હતો.
‘ક્યાં ભાગે છે, ઇકબાલ?’
પાટીલની રિવૉલ્વર તેના લમણે અડી કે તરત ઇકબાલના ચહેરાનો રંગ ઊડી ગયો.
‘સાહેબ, મેં કંઈ નથી કર્યું... ખુદા કા વાસ્તા... મુજે છોડ દો...’
‘તારી ઍક્ટિંગ હવે કોર્ટમાં. ચાલ...’ પાટીલે હાથકડી પહેરાવતાં આજુબાજુમાં જોયું, ‘તારો દીકરો અરમાન ક્યાં, તે તો તારી સાથે હતો ને?’
ઇકબાલ ચૂપ રહ્યો.
lll
ઇન્ટરોગેશન રૂમમાં પૂછપરછનો દોર શરૂ થયો. શરૂઆતમાં ઇકબાલ દાવપેચ રમતો રહ્યો, પણ જ્યારે પાટીલે ચામડાના પટ્ટાની ભાષા શરૂ કરી, ત્યારે ઇકબાલની ઉસ્તાદી છૂટી ગઈ. કલાકના રિમાન્ડ પછી તે જમીન પર ફસડાઈ પડ્યો અને જ્યારે તેણે મોઢું ખોલ્યું ત્યારે હાજર દરેક પોલીસકર્મીનું લોહી થીજી ગયું.
lll
‘સાહેબ, શબાના ઍક્સિડન્ટમાં નથી મરી... મેં જ તેને મારી હતી.’ ઇકબાલે હાંફતા અવાજે કબૂલ્યું, ‘વો બદતમીઝ હો ગઈ થી. ઉસે મેરે અતીત કા પતા ચલ ગયા થા.’
‘શું ખબર પડી ગઈ હતી તેને, બોલ!’
‘મેં તેને ૨૦ વર્ષ સુધી બહારની દુનિયાથી દૂર રાખી, સાહેબ, પણ થોડા દિવસ પહેલાં તેને મારા કબાટમાંથી તેના નાનપણના કાગળો મળી ગયા. તેને સમજાઈ ગયું કે હું તેનો બાપ કે પતિ નથી. તે મારા બધા કાગળો લઈને અરમાન સાથે પોલીસ પાસે જવા રાતે બે વાગ્યે ઘરમાંથી ભાગી. હું પાછળ ગયો અને મેં તેને ગોરેગામ હાઇવે પાસે રોકી. તેણે રસ્તા વચ્ચે ચીસો પાડવાનું શરૂ કર્યું, મારો પિત્તો ગયો. મેં રિક્ષામાં પડેલી લોખંડની પાઇપથી તેને માથામાં માર્યું અને ઍક્સિડન્ટ લાગે એટલે તેને રોડ પર ફેંકી દીધી.’
‘હા, પણ અરમાન... એ ક્યાં છે?’
‘વહીં, જહાં ઉસે હોના ચાહીએ...’ઇકબાલે ઠંડા કલેજે કહ્યું, ‘તે શબાનાની નિશાની હતી. મીરા રોડથી નીકળ્યા પછી મેં તેને થાણે પાસે ખાડીમાં ફેંકી દીધો.’
આખો રૂમ સ્તબ્ધ થઈ ગયો. એક નરાધમ પોતાની જ કથિત પત્ની અને પોતાના જ લોહી એવા ૩ વર્ષના બાળકની આટલી નિર્દયતાથી હત્યા કરી શકે? આ માણસ નહીં, માણસના રૂપમાં રાક્ષસ હતો.
કાચની બારી પાછળ ઊભા રહીને આ બધું સાંભળતા અલ્તાફનું મગજ હજી પણ કોઈ બીજી જ વાત પર અટકેલું હતું. રૂમમાં આવી અલ્તાફ ઇકબાલની સામે બેઠો.
‘ઇકબાલ, તેં કીધું કે શબાનાને તારા ભૂતકાળની ખબર પડી ગઈ હતી. તેં શબાનાને તારી દીકરી બનાવી ક્યાંથી? ૨૦ વર્ષ પહેલાં તે તને ક્યાંથી મળી હતી? તેનાં અસલી મા-બાપ કોણ? તેનું સાચું નામ શું?’
અલ્તાફના એકધારા સવાલોથી ઇકબાલને કોઈ ફરક નહોતો પડ્યો.
‘મને કંઈ યાદ નથી. મેં તેને કચરાપેટીમાંથી ઉઠાવી હતી.’
અલ્તાફ સમજી ગયો કે ઇકબાલ આ વાત ક્યારેય નહીં કહે. કારણ સિમ્પલ હતું, જો છોકરીની અસલી ઓળખ સામે આવી જાય, તો ઇકબાલ પર વધુ એક કેસ લાગુ પડે.
lll
૧૯૯૫થી ૨૦૦૦ના વર્ષ વચ્ચે મુંબઈમાંથી ગુમ થયેલાં બાળકોની હજારો ફાઇલો, ધૂળ ખાતા ચોપડાઓ અને પીળા પડી ગયેલા કાગળો વચ્ચે અલ્તાફ ગોઠવાઈ ગયો.
૩ દિવસની અથાક મહેનત પછી, અલ્તાફના હાથમાં ૧૯૯૮ની એક ફાઇલ આવી. ફાઇલ પર લખ્યું હતું : ગિરગામ પોલીસ-સ્ટેશન - મિસિંગ પર્સન કેસ નં. ૧૧૪/૯૮.
ફરિયાદ સાઉથ મુંબઈના ગિરગામના એક જાણીતા વેપારી રમેશચંદ્ર જોશીએ લખાવી હતી. તેમની ૩ વર્ષની એકની એક દીકરી વિદ્યા ૧૯૯૮ની ૧૫ ઑગસ્ટની સાંજે લોઅર પરેલ સ્ટેશન બહારથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. રમેશચંદ્ર જોશી ફૅમિલી સાથે રિલેટિવનાં મૅરેજમાંથી પાછાં આવતાં હતાં ત્યારે ભીડ વચ્ચે વિદ્યાનો હાથ છૂટી ગયો અને એ પછી વિદ્યા ક્યારેય મળી નહીં. એ વખતે જોશીપરિવારનો ડ્રાઇવર ઇકબાલ શેખ હતો, ઇકબાલ પણ એ જ દિવસથી ફરાર હતો. પોલીસે એ સમયે ઇકબાલને ઘણો શોધ્યો, પણ તે ક્યાંય મળ્યો નહીં.
અલ્તાફના હાથ ધ્રૂજવા લાગ્યા. તેણે ફાઇલમાં સ્ટેપલ કરેલો ૩ વર્ષની વિદ્યાનો ફોટો બહાર કાઢ્યો. ફ્રૉક પહેરેલી, માથામાં નાનકડું બક્કલ લગાવેલી અને હસતી આંખોવાળી બાળકી. અલ્તાફે બાજુમાં શબાનાનો ફોટો મૂક્યો. બંનેના ચહેરાની બનાવટ, આંખોનો આકાર અને નાકની રેખા એકદમ મળતી હતી. અલ્તાફે મૅગ્નિફાઈંગ ગ્લાસથી બંને ફોટા ધ્યાનથી જોયા, બંનેના ડાબા કાનની બૂટની બરાબર નીચે એક નાનો મસો હતો.
જે આખી જિંદગી પોતાને મુસ્લિમ માનતી રહી, જેને ઇકબાલે બાળપણથી જ બંધ ઓરડામાં ગોંધી રાખીને, બુરખાની પાછળ કેદ રાખીને ‘શબાના’ બનાવી, એ હકીકતમાં એક હિન્દુ બ્રાહ્મણ પરિવારની દીકરી ‘વિદ્યા જોશી’હતી. ત્રણ વર્ષની માસૂમ ઉંમરે અપહરણ કરીને ઇકબાલે તેનું નામ, ધર્મ, સંસ્કાર અને તેની આખી ઓળખ ભૂંસી નાખી. તેને ખબર પણ નહોતી કે તે કોણ છે, તેનાં મા-બાપ કોણ છે. એક જીવતીજાગતી છોકરીની ઓળખ ચોરીને ઇકબાલે તેને પોતાના પાપની કઠપૂતળી બનાવી દીધી હતી.
lll
અલ્તાફ અને પાટીલ જોશીપરિવારના જૂના સરનામે ગિરગામ પહોંચ્યા. રમેશચંદ્ર જોશી અને તેમનાં પત્ની સુમિત્રાબહેન હજી પણ ત્યાં જ રહેતાં હતાં. દીકરી પાછી ફરશે એ આશાએ તેમણે ઘર નહોતું બદલ્યું.
‘આ... આ તો અમારો જૂનો ડ્રાઇવર ઇકબાલ...’ ઇકબાલનો ફોટો જોતાં જ રમેશચંદ્ર જોશીની આંખો પહોળી થઈ ગઈ, ‘આ જ મારી વિદ્યાને ઉપાડી ગયો હતો...’
‘આન્ટી, કદાચ... તમારી વિદ્યાનું નામ પછી શબાના હતું...’ ઇન્સ્પેક્ટર પાટીલે જોશીની સામે જોયું, ‘શબાના ગુજરી ગઈ છે...’
lll
સૌથી મોટો પડકાર હવે કોર્ટમાં આવવાનો હતો.
ઇકબાલ કોર્ટમાં ફરી ગયો અને કહેતો રહ્યો કે શબાના તેની પત્ની હતી. ચહેરાની સામ્યતાના આધારે કોર્ટ સ્વીકારવા તૈયાર નહોતી કે દફન થઈ એ ‘શબાના જ ‘વિદ્યા’ છે. કોર્ટને નક્કર પુરાવો જોઈતો હતો.
પાટીલ અને અલ્તાફ ત્રીજી વાર મીરા રોડવાળા ઇકબાલના ફ્લૅટ પર પહોંચ્યા. પાટીલે મનોમન નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હવે કોઈ સ્ટ્રૉન્ગ પુરાવો નહીં મળે ત્યાં સુધી તે આ ઘરમાંથી જશે નહીં.
પાટીલે આ વખતે તલાશીની શરૂઆત ઘરથી કરી. રસોડામાં ઉપરની અભરાઈ પર કાટ લાગેલા જૂના પતરાના ડબ્બા હતા, જેનો વર્ષોથી ઉપયોગ નહોતો થયો. પાટીલે એક પછી એક ડબ્બા નીચે ઉતાર્યા. એ ડબ્બામાં એક જૂનો ઘીનો ડબ્બો હતો. પાટીલે એ ખોલ્યો. અંદર જૂના છાપામાં વીંટાળેલી એક નાની ડાયરી હતી.
એ ડાયરી શબાનાની, ના, વિદ્યાની હતી.
પાટીલે ડાયરીનાં પાનાં ફેરવ્યાં. એમાં વિદ્યાએ પોતાના પર થતા જુલમની વાત લખી હતી અને ડાયરીનાં છેલ્લાં ૫૦ પાનાં વચ્ચેથી ચોરસ આકારે કાપીને અંદર એક નાનું પોલાણ બનાવ્યું હતું.
પાટીલે ધ્રૂજતા હાથે એ પોલાણમાં આંગળી નાખી. અંદરથી એક નાની પોટલી નીકળી. પોટલી ખોલતાં અલ્તાફ અને પાટીલની આંખો ચમકી. અંદર સોનાનું એક નાનકડું, જૂનું લૉકેટ હતું. ડબ્બી જેવા લૉકેટની એક બાજુ ગાયત્રી મંત્ર હતો અને બીજી બાજુએ ઝાંખી થયેલી તસવીર હતી, જેમાં રમેશચંદ્ર અને સુમિત્રાબહેન નાની વિદ્યાને તેડીને ઊભાં હતાં. ડાયરીના સૌથી છેલ્લા પાને વિદ્યાએ લખ્યું હતું :
‘મુઝે નહીં પતા મેરા વજૂદ ક્યાં હૈ. લેકિન યે લૉકેટ મેરી બચપન કી કિસી યાદ સે જુડા હૈ. ઇકબાલ મારાથી કંઈક છુપાવે છે. તે મારો બાપ નથી, મારો ખાવિંદ નથી. મારો ગુનેગાર છે... તે મને મારી નાખશે. જો હું મરી જાઉં, અને આ ચિઠ્ઠી કોઈના હાથમાં આવે, તો ઍટ લીસ્ટ મારા આત્માને મારા સાચા ઘરે પહોંચાડજો.’
વિદ્યા સંપૂર્ણપણે અજાણ નહોતી. ભલે ઇકબાલે તેને કેદ રાખી, ભલે તેનું બ્રેઇનવૉશ કર્યું, પણ લોહીનો સંબંધ અને સંસ્કાર ક્યારેય મરતા નથી. અપહરણ વખતે વિદ્યાના ગળામાં જે લૉકેટ હતું, તે ઇકબાલે ઉતારીને ફેંકી દેવાને બદલે કબાટમાં મૂકી રાખ્યું. મોટી થયા પછી વિદ્યાના હાથમાં એ લૉકેટ આવ્યું અને ત્યારથી તેના મનમાં શંકાનાં બીજ રોપાયાં. મરતાં પહેલાં તેને સમજાઈ ગયું કે તેનો સાચો ભૂતકાળ આ દુનિયાથી અલગ છે. તેણે પોતાનું એ નાનપણનું લૉકેટ ડાયરીમાં છુપાવી દીધાં.
ગિરગામથી જોશીદંપતીને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યાં. લૉકેટ જોતાં સુમિત્રાબહેન
ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં.
‘આ... આ મારી વિદ્યાનું લૉકેટ છે, સાહેબ. તેના પહેલા જન્મદિવસે અમે સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરાવીને પહેરાવ્યું હતું.’
હવે સત્ય સૂર્યપ્રકાશ જેવું સ્પષ્ટ હતું, પણ કાયદાની પ્રક્રિયા બાકી હતી.
ઇન્સ્પેક્ટર સામત પાટીલે બૉમ્બે હાઈ કોર્ટમાં સ્પેશ્યલ પિટિશન દાખલ કરી. તમામ પુરાવાઓ, ડાયરી, લૉકેટ અને ઇકબાલના સ્ટેટમેન્ટના આધારે કોર્ટે DNA ટેસ્ટ અને કબર ખોદવાની મંજૂરી આપી.
બે દિવસ પછી, જોગેશ્વરીના કબ્રસ્તાનની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ, ફૉરેન્સિક ડૉક્ટરોની ટીમ, પોલીસ-સ્ટાફ અને રમેશચંદ્ર જોશીની હાજરીમાં કબર નંબર ૪૨ ખોદવાનું શરૂ થયું.
વાતાવરણમાં ગજબનાક સન્નાટો હતો. કોદાળી અને પાવડાના અવાજ વચ્ચે જમીનમાંથી સફેદ કફનમાં લપેટાયેલો પાર્થિવ દેહ બહાર કાઢવામાં આવ્યો. કાલિનાની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં વિદ્યાનાં હાડકાં અને દાંતના સૅમ્પલ મોકલવામાં આવ્યા અને રમેશચંદ્ર અને સુમિત્રાબહેનના બ્લડ સૅમ્પલ પણ લેવાયા.
લૅબોરેટરીનો રિપોર્ટ હાઈ કોર્ટમાં રજૂ થયો, DNA પ્રોફાઇલિંગ ૯૯.૯૯% મૅચ. પુરવાર થયું કે મરનાર રમેશચંદ્ર જોશી અને સુમિત્રા જોશીની જૈવિક પુત્રી વિદ્યા જ છે.
આખરે, કાગળ પર શબાના મરી... અને ૨૦ વર્ષ પછી વિદ્યા ફરી જીવતી થઈ.
મુંબઈ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો. સામત પાટીલની તપાસ, અલ્તાફે શોધેલાં પ્રૂફ, ફૉરેન્સિક રિપોર્ટ અને વિદ્યાની ડાયરીએ ઇકબાલ શેખના બચવાના તમામ રસ્તા બંધ કરી દીધા. અપહરણ, બળાત્કાર, ઓળખચોરી, બાળકની હત્યા અને વિદ્યાની ક્રૂર હત્યાના આરોપ હેઠળ અદાલતે ઇકબાલ શેખને ‘રૅરેસ્ટ ઑફ ધ રૅર’ કેસ ગણીને ફાંસીની સજા ફટકારી. ચુકાદો સાંભળ્યા પછી પણ ઇકબાલના ચહેરા પર કોઈ અસર દેખાતી નહોતી.
lll
એ જ સાંજે ચંદનવાડી સ્મશાનગૃહમાં ચંદનનાં લાકડાં ખડકાયેલાં હતાં. ૨૦ વર્ષ સુધી જે દીકરી પારકા ધર્મ, પારકા નામ અને પારકા ઘરમાં અસત્યની કાળી ફ્રેમમાં કેદ રહીને ગુમનામ મરી, તેને તેના સગા પિતા રમેશચંદ્ર જોશીએ કાંધ આપી. લાલ રંગની સાડી અને ફૂલોથી સજાવેલી નનામી પર વિદ્યાનો કોહવાયેલો પાર્થિવ દેહ હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિદ્યાને મુખાગ્નિ આપ્યો ત્યારે સ્મશાનમાં પાટીલ અને અલ્તાફ ત્યાં હતા.
‘મંદિર અને મસ્જિદના મુંબઈમાં આજે માણસાઈ શરમાઈ ગઈ હતી, ભાઉ...’ અલ્તાફે પાટીલ સામે જોયું, ‘શેતાને એક માસૂમનું બચપણ, તેનો ધર્મ અને તેની જિંદગી છીનવી લીધાં, પણ આખરે જીત સત્યની થઈ. તે દીકરીના આત્માને પોતાનું ઘર, પોતાનું નામ અને પોતાની મુક્તિ મળી ગઈ.’
જૂઠની અંધારી ફ્રેમમાંથી શબાના, ના, વિદ્યા આઝાદ થઈ ગઈ હતી.
(સંપૂર્ણ)