તૂ હી તો હૈ રાહ જો સુઝાએ તૂ હી તો હૈ અબ જો યે બતાએ

19 August, 2022 03:51 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

ફિલ્મ ‘સ્વદેસ’ના આ સૉન્ગમાં એ. આર. રહમાને પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે મ્યુઝિક બૅકસીટ પર હશે અને તેમણે એવું જ કર્યું. તમે ડ્રાઇવર હો અને એ પછી પણ તમે કંઈ બોલ્યા વિના પાછળની સીટ પર ચાલ્યા જાઓ એ મહાનતાથી સહેજ ઓછું નથી

`સ્વદેશ`નો સીન

જો તમને દરેક તબક્કે એવું લાગતું હોય કે તમે સર્વોપરી છો એવું પુરવાર કર્યા કરો તો તમે ક્યારેય ઉન્નત સ્થાન પર ન પહોંચો. એ. આર. રહમાન જે જગ્યાએ છે એ જ દેખાડે છે કે તેને બીજાના કામની કદર કરતાં પણ એટલી જ આવડે છે અને તે એમાં પણ માહેર છે.

આપણે વાત કરીએ છીએ ‘સ્વદેસ’ અને એના ગીત ‘યે જો દેશ હૈ તેરા, સ્વદેસ હૈ તેરા...’ની.

મ્યુઝિક એ. આર. રહમાન અને ગીતકાર જાવેદ અખ્તર. મેં તમને ગયા શુક્રવારે કહ્યું એમ, મને હંમેશાં લાગ્યું છે કે આશુતોષ ગોવારીકરની સૌથી અન્ડરરેટેડ જો કોઈ ફિલ્મ હોય તો એ ‘સ્વદેસ’ છે. ખબર નહીં કેમ, પણ ‘લગાન’ પછી આવેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કરિશ્મા દેખાડ્યો નહોતો, પણ એનો અર્થ એવો ન કરી શકાય કે ફિલ્મ નબળી હતી. ના, જરા પણ નબળી નહોતી. અમેરિકાથી એક સાયન્ટિસ્ટને માત્ર દેશપ્રેમ પાછો ખેંચી લાવે છે એ વાત કરતી આ ફિલ્મ ખરેખર બહુ અસરકારક પુરવાર થઈ હતી. અનેક લોકો આ ફિલ્મ જોઈને પાછા ઇન્ડિયા આવી ગયા. આ અનેક લોકોમાં જો કોઈ એકનું મારે નામ ગણાવવું હોય તો હું એ નામ આપીશ, ગયા વર્ષે પદ્‍મભૂષણ મેળવનાર ભારત બાયોટેકના ક્રિષ્ના ઇલ્લાનું. હા. કોવૅક્સિન બનાવીને દુનિયાભરની આંખોમાં તાજ્જુબ આંજી દેનારા ક્રિષ્ના ઇલ્લા આજે પણ પોતાની ફેવરિટ ફિલ્મની યાદીમાં ‘સ્વદેસ’ને સૌથી ઉપર મૂકે છે.

ક્રિષ્નાજીને સતત એવું થયા કરતું હતું કે પોતે અમેરિકામાં શું કરી રહ્યા છે. આ જ દિવસો દરમ્યાન તેમને તેમનાં મમ્મીએ કહ્યું કે ‘યાદ રાખજે બેટા, પેટ ૬ ઇંચનું છે. એમાં વધારે કશું ભરાવવાનું નથી.’ આ શબ્દો મનમાં ચાલતા હતા એ દરમ્યાન ‘સ્વદેસ’ રિલીઝ થઈ. ક્રિષ્નાજી અને તેમનાં વાઇફ ફિલ્મ જોવા ગયાં અને ફિલ્મ જોતાં-જોતાં જ ક્રિષ્નાજીએ નિર્ણય લઈ લીધો કે તેઓ ઇન્ડિયા પાછાં જશે. ક્રિષ્નાજીને ફાઇનલ નિર્ણય લેવામાં મદદ કરનાર આ ફિલ્મ આપણે ત્યાં નબળી રહી, પણ સાવ સાચું કહું તો આ ફિલ્મ નબળી નહોતી રહી, પણ આ ફિલ્મને સબળી દેખાડનારું કોઈ સામે નહોતું આવ્યું.

ક્યાંય આશુતોષ ગોવારીકર પાછળ નહોતા, ક્યાંય શાહરુખ ખાનનો પણ આ ફિલ્મમાં વાંક નહોતો. રહમાન અને જાવેદ અખ્તર પણ અદ્ભુત કામ કરી ગયા હતા. ફરક માત્ર એટલો હતો કે આ ફિલ્મે લોકોને અંદરથી ધ્રુજાવી નાખ્યા હતા. મારા જેવા કેટલાય યંગસ્ટર્સ આ ફિલ્મ પછી ફૉરેન જવાના પ્લાન પડતા મૂકીને ઇન્ડિયામાં રહેવા માટે પ્લાનિંગ બનાવવા માંડ્યા હતા.

હું કહીશ કે આ જ સિનેમાની તાકાત છે, જે તમને તમારા મૂળ વિચારથી, તમને તમારા હેતુથી બીજી દિશામાં વાળી દે. આ કામ ‘પુષ્પા’ ન કરી શકે, આ કામ ‘આરઆરઆર’ કે પછી ‘વિક્રમ’ ન કરી શકે. આ કામ માત્ર અને માત્ર ‘સ્વદેસ’ અને એ પ્રકારની ફિલ્મો કરી શકે જે ખરા અર્થમાં સિનેમા છે. કોઈને વધારે પડતું લાગી શકે, પણ હું કહીશ કે ‘સ્વદેસ’ માટે ખરેખર આશુતોષ ગોવારીકરનું સન્માન થવું જોઈતું હતું.

તમે આંકડા મગાવીને જોઈ લો.

‘સ્વદેસ’ રિલીઝ થયા પછી ગુજરાત અને પંજાબમાંથી ફૉરેન જનારાઓના આંકડા ઘટી ગયા હતા. હમણાં મારી ‘પેટીકોટ’ ફિલ્મના કો-ઍક્ટર મનોજ જોષીએ ફૉરેન જવા આતુરતાથી ટળવળતા ગુજરાતીઓ પર બહુ લંબાણપૂર્વક લખ્યું અને બહુ સાચું લખ્યું. આપણને ગુજરાતીઓને ફૉરેનનો મોહ છે, પણ ‘સ્વદેસ’ રિલીઝ થઈ એ સમયે ખરેખર મોહ ઘટી ગયો હતો અને મોહ ઘટાડવામાં જો કોઈ કારણભૂત બન્યું હોય તો એ આ ગીત. હા, આ ગીતની અસર એવી તીવ્ર હતી. 
‘યે જો દેશ હૈ તેરા, સ્વદેસ હૈ તેરા
તુઝે હૈ પુકારા...
યે વો બંધન હૈ, જો કભી ટૂટ નહીં સકતા
મિટ્ટી કી હૈ જો ખુશબૂ, તૂ કૈસે ભુલાયેગા
તૂ ચાહે કહી જાએ, તૂ લૌટ કે આયેગા...’
જાવદે અખ્તરના આ શબ્દોમાં જે તાકાત છે એ તાકાત તેમને જ સમજાય જેઓ પોતાના વતનથી દૂર હોય. આવી અસર મેં બે જ ગીતોની જોઈ છે. એક, આનંદ બક્ષીએ લખેલું ‘ચિઠ્ઠી આઇ હૈ....’ ગીતે. આ ગીત વિશે તો આપણા પંકજ ઉધાસ પોતે જ વિગતવાર આપણે ત્યાં લખી ચૂક્યા છે એટલે હું એના વિશે વધારે વાત નથી કરતો, પણ એ તો કહીશ જ કે ‘નામ’નું એ ગીત અને ‘સ્વદેસ’નું આ ગીત. આ બન્ને ગીતોએ લોકોને દેશની જબરદસ્ત યાદ અપાવી અને એ યાદ સહન નહીં કરી શકનારા પ્રેમથી, સહર્ષ પાછા આવ્યા.
તમે જુઓ તો ખરા જાવેદસા’બના શબ્દો... 
આફરીન, આફરીન, આફરીન.
જુઓ તમે જ.
‘યે પલ હૈ વહી
જીસ મેં હૈ છૂપી પૂરી એક સદી, સારી ઝિંદગી
તૂ ના પૂછ રાસ્તે મેં કાહે આયે હૈં 
ઇસ તરહ સે દો રાહેં
તૂ હી તો હૈ રાહ જો સુઝાએ
તૂ હી તો હૈ અબ જો યે બતાયે
ચાહે તો કિસ દિશા મેં જાએ
વહી દેશ
યે દેશ હૈ તેરા, સ્વદેસ હૈ તેરા...’

આ શબ્દોની જે તાકાત છે એ તાકાતની અસર જ ફિલ્મમાં દેખાડવામાં આવી છે અને આ જ શબ્દોની તાકાત છે કે એ તાકાત લોકોના જીવનમાં પણ સીધી ઊતરી છે. આ ગીતના મેકિંગની વાત કરીએ તો આ ગીત પહેલેથી જ સ્ક્રિપ્ટમાં હતું, પણ એના શબ્દો માટે આશુતોષ ગોવારીકરથી માંડીને રહમાન સુધ્ધાં બહુ મૂંઝવણમાં હતા. રહમાનને એટલી ખબર હતી કે આ જે ગીત છે એ ફિલ્મને બહુ મોટો ટર્ન આપશે અને એટલે જ તેણે આ સૉન્ગમાં કોઈ એવું કામ નથી કરવાનું જે કામ બીજા સૉન્ગમાં થતું હોય.

જગતમાં સૌથી અઘરું કામ જો કોઈ હોય તો એ છે જાતને કન્ટ્રોલમાં રાખવાનું અને લોકો અહીં જ મોટી ભૂલ કરી બેસે છે. સંયમ જીવનમાં બહુ જરૂરી છે. દરેક તબક્કે કે પછી દરેક સમયે તમે તમારી જાતને ચૅલેન્જ આપ્યા કરો એ ન ચાલે. સમયે તમારે સામેની વ્યક્તિ સામે સરેન્ડર પણ કરવું જોઈએ અને ‘સ્વદેસ’ના આ સૉન્ગ સમયે રહમાને સ્વીકારી લીધું હતું કે જો એવા શબ્દો મળશે હું પોતે એ ચૅલેન્જને સ્વીકારીને હથિયાર હેઠાં મૂકી દઈશ અને ધી ગ્રેટ રહમાને એવું જ કર્યું.

જાવેદ અખ્તરે સૉન્ગનો ફાઇનલ ડ્રાફ્ટ મોકલ્યો એ પછી રહમાને સહર્ષ એ શબ્દોને સ્વીકારીને મ્યુઝિકને બૅકફુટ પર મૂકી દીધું અને માત્ર, માત્ર, માત્ર ગીતના શબ્દોને જ પ્રાધાન્ય આપ્યું. જો તમને દરેક તબક્કે એવું લાગતું હોય કે તમે સર્વોપરી છો એવું પુરવાર કર્યા કરો તો તમે ક્યારેય ઉન્નત સ્થાન પર ન પહોંચો. એ. આર. રહમાન જે જગ્યાએ છે એ જ દેખાડે છે કે તેને બીજાના કામની કદર કરતાં પણ એટલી જ આવડે છે અને તે એમાં પણ માહેર છે. તમે રહેમાનસરનું મ્યુઝિક જુઓ, તેમણે અનેક ગીતો એવાં બનાવ્યાં જેમાં પોતે બૅકસીટ પર ચાલ્યા ગયા હોય અને લિરિક્સને આગળ કરી દીધા હોય. આ પણ મહાનતાની એક નિશાની છે. એવી નિશાની જેમાં તમે સ્વીકારો છો કે અહીં મારે પાછળ રહેવું જોઈએ અને હું પાછળ રહીશ એ જ બેસ્ટ છે.

‘સ્વદેસ’નું આ સૉન્ગ એવું જ એક ગીત છે. આજે પણ હું એ સાંભળું છું ત્યારે અપસેટ થઈ જાઉં છું. અફકોર્સ દેશ નથી છોડ્યો એ વાતની આ અપસેટનેસ નથી, આ અપસેટનેસ એ વાતની છે કે હું મારા દેશ માટે હજી એવું કશું કરી નથી શક્યો. કાશ, મારે જે કરવું છે એ કરવાની તક મને વહેલી તકે મળે.

મને પણ અને તમને પણ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists