એક ગુલાબી રંગનું પંખી

20 June, 2021 09:15 AM IST  |  Mumbai | Hiten Anandpara

ઓણ સાલ પણ સારા વરસાદની આગાહી દેશ માટે રાહત આપનારી છે. વસંત રાવલ ‘ગિરનારી’ આપણી નિરાશ આંખોને આશાનાં ચશ્માં પહેરાવે છે...  

મિડ-ડે લોગો

પંખી તો ઊડતા ભગવાન છે એવું રમેશ પારેખે અમથું નથી કહ્યું. કુદરતે સર્જેલી જીવસૃષ્ટિ નીરખવાનું કૌતુક જો આપણામાં જીવંત હોય તો આ શ્વાસો પંખીની પાંખો જેવા હળવા થઈ જાય. ભલે આપણે પંખીઓ જોડે ટૉક-શો ન કરી શકીએ પણ મૂંગી-મૂંગી આપલે કરવાની તક મળે તોય એને પાછલા જન્મનાં પુણ્ય સમજવાં. શૈલેન રાવલ કુદરતની સહજતાને નીરખે છે...
આવશે તો મન મૂકીને આવશે
પંખીઓ થોડા પૂછીને આવશે?
બારીઓ થોડી ઉઘાડી રાખીએ
લહેરખી શીળી ઝૂમીને આવશે
ડોરબેલમાં પંખીનો કેદ થયેલો ટહુકો વાગે એ રીતે પંખીઓ ટહુકતાં નથી. એ તો સૂરજ ઊગવાની સાથે ટહુકાના રિંગટોન મોકલતાં થઈ જાય. કુદરતે ગોઠવેલું ટાઇમટેબલ તેઓ બખૂબી પાળે છે. સૂરજ સાથે જાણે તેમની પંખી-ક્લૉક એવી રીતે ગોઠવાઈ ગઈ હોય કે ‘ખૂબસૂરત’ ફિલ્મની દીના પાઠકની ભૂમિકા પ્રમાણે બધું નિયમાનુસાર થાય. પ્રવીણ શાહ આ અનુપમ સૃષ્ટિને પામે છે...
પૂર્વમાં છે આગમન આદિત્યના
સાત ઘોડા પર થયા અસવાર છે
ચાંદ-તારા ને વિહરતાં પંખીઓ
એ જ તો આ સૃષ્ટિનો શણગાર છે
દૃશ્યો આપણાં મૂક શિક્ષક છે. માળામાં ઈંડાં સેવતા કે નાનાં બચ્ચાંની સંભાળ રાખતા પંખીને જોઈને થાય કે વહાલ અને વાત્સલ્ય વગરની જિંદગી પાણી વગરના કૂવા જેવી બની જાય. સમડીના ચકરાવા જોઈને થાય કે આપણે પણ એની જેમ ભવફેરા ફરી રહ્યા છીએ. ચોર્યાસી લાખમાંથી આ કયો ચકરાવો હશે એનો વિચાર કરીએ તો ચક્કર ખાઈ જવાય. ઈવનિંગ વૉક પરથી પાછા ફરતી વખતે બાય મિસ્ટેક વહેલી લટાર મારવા આવી આવેલા ચાંદને કોઈ ચબરાક પંખી ચાંચમાં ઉપાડી માળામાં સંતાડી તો નહીં દેને, એવી મીઠી ધાસ્તી થાય. આથમતી સાંજે કલબલતી કાબરટોળી મોટા ઝાડ પર કોવિડ ગાઇડલાઇન્સની ધજ્જિયાં ઉડાવી વાર્તાલાપ કરે તો મશીનગનધારી સૈનિકને પણ ઊભા રહી સાંભળવાનું મન થઈ જાય. જિજ્ઞેશ વાળા કહે છે એ હળવાશ મળવી અને મેળવવી એ ભારે અઘરું કામ છે...
ધૂણો નાખી જાગું છું, વરસોથી અંદર
હળવે હળવે બંધ અમારી આંખ થવા દે
ખૂબ ગયો છું થાકી આ જંજાળ ઉપાડી
ભારવિહોણી પંખીની આ પાંખ થવા દે
જંજાળમાંથી મુક્ત થવા માટે પ્રકૃતિ પાસે જવું પડે. એક તરફ પ્રકૃતિએ ફૂલ સર્જીને સૌંદર્યને સ્થાયી ભાવ આપ્યો છે તો બીજી તરફ પતંગિયાં ને પંખીઓ સર્જીને સૌંદર્યને ઉડાન આપી છે. આ બધું કંઈ તેણે માણસને ધ્યાનમાં રાખીને નથી સર્જ્યું પણ આપણે તો એવી જ તુમાખી, અભિમાન અને ગર્વ રાખવાં જોઈએ કે આ બધું મારા માટે જ સર્જાયું છે. આ પ્રકારનો અહંકાર જિંદગીને માટે ટૉનિક છે. અહીં ભાવ માલિકીપણાનો નથી, ભાવ પોતીકાપણાનો છે. તમારા હાથમાંથી ચણ ચણતું કબૂતર તમને જે એવરેસ્ટ-અનુભૂતિ આપે એ તમારી સ્ટેટ બૅન્કની પાસબુકમાં પ્રિન્ટ નહીં થઈ શકે. હજી તો રોટલી હાથમાં લીધી ન હોય ત્યાં ખેધીલો કાગડો બીજી જ સેકન્ડે બારીએ આવીને પાતાનો હક જતાવે તો એને ઋણાનુબંધ સમજવો. સંવેદનો શરીરની પાર વિસ્તરતાં હોય છે. કિરણસિંહ ચૌહાણ એની સાર્થકતા સમજાવે છે...   
એ જુએ ન કોઈ અડચણ
પંખી જ્યારે ચણ જુએ છે
તું જુએ ને તો જ લાગે
કોઈ અમને પણ જુએ છે
ઝીણકી ચકલી પોતાની ઝીણી આંખે આપણી સામે જુએ તો હૈયામાં કૂણી-કૂણી ઝંકૃતિ થવી જોઈએ. પંખીઓ કૌતુકના કીમિયાગરો છે. આપણે તો માત્ર પ્રસાદ ઝીલવાનો છે. જો આ વાત નજરઅંદાજ કરીશું તો મૅગી અસનાની જતાવે છે એ હકીકત પણ ધ્યાનમાં નહીં આવે...
પાંખ શેના કાજ છે ન્હોતી ખબર
એક પંખી ડાળ પર જીવી ગયું
ચાતકે બસ પ્રેમની પામી નજર
એટલે દુષ્કાળ પર જીવી ગયું
ઈશ્વર કરે દુકાળનો કપરો કાળ ક્યારેય ન આવે. છેલ્લા બે દાયકામાં જળસંચયની યોજનાઓને કારણે થોડી રાહત થઈ ગઈ છે અન્યથા હુલ્લડની જેમ દુકાળના સમાચાર પણ અખબારના પહેલા પાનાને પીડા આપવામાં નિયમિત હતા. ઓણ સાલ પણ સારા વરસાદની આગાહી દેશ માટે રાહત આપનારી છે. વસંત રાવલ ‘ગિરનારી’ આપણી નિરાશ આંખોને આશાનાં ચશ્માં પહેરાવે છે...  
મોજ મૂકીને ચણતાં પંખી સાહટિયામાં
પારેવાં... ને હોલા-તેતર, કાંઈ ઘટે નહીં
વીહ વીઘામાં વાવેતર ને ધિંગા ધોરી
કૂવામાં પણ પાણી નેસર, કાંઈ ઘટે નહીં
 ક્યા બાત હૈ
કોઈક ગુલાબી રંગનું પંખી
મારા ઘેઘુર ભૂરા માળામાં
લીલેરી ટહુકીઓ કરી
શ્રીગણેશ કરી જાય છે
લાલ-લીલા-પીળા શબ્દોથી
ગીતોની ગૂંથણી કરી
આસમાની રંગના છંદોમાં
મારા હૃદયને સ્પંદી જાય છે
કોઈક ગુલાબી રંગનું પંખી 
મારા હૈયાના બંધ બારણે
ઉદાસ આંગણે
અરંગી બધી ઉદાસીઓ પી જાય છે
ને ફેરફુદરડી રમી
ધમની-શિરાઓ કેરી ડાળીએ
હિંડોળી જાય છે
નવરંગી ફૂલોનાં ઉપવન
વાવી જાય છે
કોઈક, ગુલાબી રંગનું પંખી
મારા હૃદય આકાશમાં
કલરવી જાય છે
હૃદય ઊંડાણે
સપ્તરંગી તરંગો હચમચાવી જાય છે
કોઈક, ગુલાબી રંગનું પંખી
મારા...
હિના મોદી
કાવ્યસંગ્રહ : ઊર્મિના આકાશે

columnists hiten anandpara