આયારામ ગયારામ આઉટ ને આયારામ આયારામ ઇન

03 July, 2022 09:09 AM IST  |  Mumbai | Aashutosh Desai

ભારતીય રાજકારણમાં ક્યારેય જોવા ન મળી હોય એવી નવી પરિભાષા

આયારામ ગયારામ આઉટ ને આયારામ આયારામ ઇન

આશુતોષ દેસાઈ
feedbackgmd@mid-day.com
રાજકારણમાં જ્યારે-જ્યારે પૉલિટિકલ પાર્ટીની ક્રાઇસિસ વિશે વાત નીકળે કે દલ-બદલની ઘટનાઓ વિશે વાત થાય ત્યારે ‘આયારામ ગયારામ’વાળી ઉક્તિ ક્યાંથી અને કઈ રીતે આવી એ વિશેની વાત થયા વિના રહેતી નથી, પરંતુ ૧૧-૧૨ દિવસની જબરદસ્ત નાટકીય ઘટનાઓ બાદ ગયા સપ્તાહમાં મહારાષ્ટ્રના રાજકારણમાં જે બન્યું એ જોતાં એમ કહેવું પડે કે અહીં ‘આયારામ ગયારામ’ જેવું નહીં, પરંતુ ‘આયારામ આયારામ’ જેવું કંઈક રાંધવાની કોશિશ થઈ છે. આયારામ ગયારામવાળી આખી કહાની શું છે એ વિશે તો વાત કરીશું જ, પરંતુ એ ઘટના પછી આપણા દેશના બંધારણમાં જે એક મોટો ફેરફાર થયો એ વિશે આજે વિગતે ચર્ચા કરવી છે.
કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી થયાનાં અઢી વર્ષ પછી એવી ધમરોળાઈ એવી ધમરોળાઈ કે ખુરસી તો ઊથલી જ પડી, સાથે-સાથે ખુરસી પર બેઠેલાઓ પણ ઊથલી પડ્યા, પરંતુ પક્ષ એનો એ જ રહ્યો અને ધમરોળાયેલી ખુરસી પર એક નવા મુખ્ય પ્રધાનને બેસાડીને હાલ પૂરતી તો પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરવામાં આવી, પણ એ સ્થિર થઈ એમાં આ વખતે સૂત્રધાર બીજો હતો, રંગમંચ પરનો અભિનેતા બીજો હતો અને સ્પૉટલાઇટની બહાર રહી બૅકસ્ટેજમાં કામ કરનારો તો વળી કોઈક ત્રીજો જ હતો. પરિણામ એ આવ્યું કે અમે રંગમંચના બાદશાહ છીએ એવું સમજનારા બધા નબળા કલાકારો પણ મૂકપ્રેક્ષક બનીને રહી ગયા. 
જોકે તોફાન હજીય સદંતર શમ્યું નથી. સુપ્રીમ કોર્ટની તલવાર હજીય આ નવી સરકાર અને એના પદાધિકારીઓ પર લટકે જ છે, જેની આગામી સુનાવણી આ મહિનાની ૧૧મીએ થશે એવું નિર્ધારવામાં આવ્યું છે. આ કોર્ટકેસનો મામલો કંઈક એવો છે કે શિવસેનાના વડપણ હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર દ્વારા ડેપ્યુટી સ્પીકરનો હવાલો આપી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેનાના બળવાખોર ગ્રુપના ૧૬ વિધાનસભ્યોનું સભ્યપદ રદ કરીને તેમને તેમના પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યા છે અને આ ૧૬ સભ્યો જે પણ દાવો કરી રહ્યા છે એ ખોટો છે. 
લગભગ બે અઠવાડિયાં પહેલાં ઉદ્ધવ ઠાકરે ‘સરકાર બચાવો’ની પળોજણમાં અટવાયા હતા, જે ન બચી અને હાથમાંથી ગઈ. આખરે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજે ટકોરા તો માર્યા, પરંતુ એનો ખાસ કોઈ ફાયદો હાલને તબક્કે તેમને થઈ રહ્યો હોય એવું જણાતું નથી. જોકે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે એ પહેલાં કંઈ જ કહી શકાય નહીં. જોકે ઉદ્ધવ ઠાકરેના માથે તો હવે ‘સરકાર બચાવો અભિયાન’ કરતાંય વધુ મોટી મુશ્કેલી આવી પડી છે. હવે ઉદ્ધવ ઠાકરે પાર્ટી બચાવોની મહામહેનતમાં જોતરાઈ ગયા છે. ૧૨ વિધાનસભ્યોથી શરૂ થયેલી વાત એકનાથ શિંદે છેક ૩૯ સભ્યો સુધી લઈ આવ્યા અને ઉદ્ધવની શિવસેના પાસે કુલ ૫૫માંથી માત્ર ૧૬ ધારાસભ્યો જ રહી ગયા.
આવી પરિસ્થિતિ સર્જાવાને કારણે વાતો એવી શરૂ થઈ ગઈ કે આ આખી રમત પાછળ ખુદ ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના ઝૂંટવીને રાજકીય રીતે તેમને ખતમ કરી દેવાની ચાલ છે. લોકો કહેવા માંડ્યા કે નક્કી પિતા દ્વારા ઊભી કરાયેલી પાર્ટીમાંથી તેમના જ પુત્રને દૂર કરી દેવામાં આવશે! એવું બનશે કે નહીં એ માટે આપણે બધાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોવાની રહેશે. બાકી ત્યાં સુધી તો બધા રાજકીય પંડિતો અને કાયદા તથા બંધારણના જાણકારો જાતજાતના તર્ક-વિતર્ક કરતા રહેવાના. 
આખો મામલો શું છે?
મહા વિકાસ આઘાડી સરકાર માટે વિધાન પરિષદની ચૂંટણીનાં વિપરીત પરિણામ આવ્યાં એ જ દિવસે રાતે આ સરકારને ઉથલાવવાની દિશામાં મંડાણ થઈ ગયાં હતાં. એકનાથ શિંદે પોતાની સાથે અમુક વિધાનસભ્યોને લઈને રાતોરાત સુરત પહોંચી ગયા અને એક પછી એક બળવાખોરોની સંખ્યામાં ઉમેરો થતો ગયો. બળવાખોરીને ડામવા માટે શિવસેનાએ પણ કાઉન્ટર અટૅક શરૂ કરી દીધો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું કહેવું છે કે જ્યારે કોઈ સરકાર પાડવાની કોશિશ કરી રહ્યું હોય એવા સમયે પાર્ટીએ મીટિંગ બોલાવી હોય અને એમાં કોઈ વૅલિડ કારણ વગર વિધાનસભ્યો ગેરહાજર રહે તો તેમની ખિલાફ સ્પીકર કે પ્રો-ટેમ સ્પીકરને ફરિયાદ કરીને તેમને પાર્ટીમાંથી બરતરફ કરી શકાય છે અને આ જ કારણસર તેમણે ૧૬ બળવાખોર વિધાનસભ્યોને બરતરફ કરવા પ્રો-ટેમ સ્પીકર અથવા તો ઉપાધ્યક્ષને કહ્યું અને તેમણે એ માન્ય રાખ્યું. 
જોકે આ કાર્યવાહી થઈ એ પહેલાં બે અપક્ષ વિધાસભ્યોએ ઉપાધ્યક્ષ નરહરિ ઝીરવળ સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી હતી જે તેમણે ઠુકરાવી દીધી હતી. નોંધવા જેવી વાત એ છે કે જેના પર આરોપ હતો તેણે જ નિર્ણય આપી દીધો કે પોતે દોષમુક્ત છે.
એ દરમ્યાન એકનાથ શિંદેના ગ્રુપે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને ૧૬ વિધાનસભ્યોની બરતરફીને ગેરકાયદે હોવાનું કહીને પડકારી. બીજી બાજુ શિવસેના તરફથી એક અરજી કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે વિધાનસભ્યોની બરતરફીનો મામલો પેન્ડિંગ હોવાથી વિધાનભવનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ ન લાવી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે એ વાત માન્ય નહોતી રાખી અને ગવર્નરના મહા વિકાસ આઘાડીને બહુમતી પુરવાર કરવાના આદેશ પર કોઈ સ્ટે નહોતો આપ્યો. આ બધાની વચ્ચે ફ્લોર ટેસ્ટ થાય એ પહેલાં જ ઉદ્ધવ ઠાકરેએે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું અને બીજા દિવસે બધાને એક પછી એક આંચકા આપીને બીજેપીએ પહેલાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવ્યા અને ત્યાર બાદ જાણે ઍન્ટિ-ક્લાઇમૅક્સ બાકી હોય એ રીતે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનવાની ફરજ પાડવામાં આવી.
ભાગ્યે જ જોવા મળે એવી આ રાજકીય રમતમાં હવે બધાની નજર સુપ્રીમ કોર્ટ પર છે જે ૧૧ જુલાઈએ આખા મામલાની સુનાવણી કરવાની છે, જેમાં ઘણા મુદ્દા પર સ્પષ્ટતા થવાની શક્યતા છે, કારણ કે મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આઝાદ ભારતમાં આજ સુધી જોવા નથી મળી.
હાલમાં એક ખૂબ મોટો વર્ગ શિવસેનાએ ઍન્ટિ ડિફેક્શન લૉની પરિસ્થિતિનો સામનો કરવો પડશે એવી શક્યતા વિશે વાત કરી રહ્યો છે. શક્યતા ઘણીબધી છે. સુપ્રીમ કોર્ટ આ આખા મામલાને કઈ રીતે જોશે અને શું જજમેન્ટ આપશે એ વિશે ધારણા મૂકવી પણ જોખમકારક છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે લોકશાહી ધરાવતા દેશમાં એક પૉલિટિકલ પાર્ટીને પોતાની અંગત મિલકત માનનારને પોતાના જ પક્ષના કાર્યકરો કે નેતાઓ કે જનતા વહેલા-મોડા એ વહેમમાંથી બહાર કાઢી જ મૂકતા હોય છે. પછી એ દગાખોરીથી હોય, સત્તાપલટથી, પક્ષપલટાથી હોય, શક્તિ-પ્રદર્શનથી હોય કે ઍન્ટિ ડિફેક્શન લૉ દ્વારા હોય. 
ઍન્ટિ-ડિફેક્શન લૉ શું છે?
સામાન્ય રીતે એક પક્ષ વિચારધારા દ્વારા સર્જાતો હોય છે. કોઈ એક યા એકથી વધુ વ્યક્તિઓ એક વિચારધારામાં માનતા હોય તો તેઓ ભેગા મળે છે. ભેગા મળી તેમની એ વિચારધારા પર કામ કરવા પ્રેરાય છે. ધીરે-ધીરે તેઓ બીજા અનેક લોકોને પોતાની વિચારધારા વિશે જણાવે છે. તેમને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરે છે, જેથી સંખ્યાબળ વધે અને તેમની એ વિચારધારા એક લક્ષ્યમાં પરિવર્તિત કરી શકાય; જાહેર ભાષણ, અંગત મુલાકાત, સોશ્યલ મીડિયા જેવી અનેક રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે અને આ રીતે એક પૉલિટિકલ પાર્ટીની રચના થાય છે, જે પછીથી લોકશાહી દ્વારા ચાલતા આપણા દેશમાં લોકો માટે કામ કરવાના આશયથી લોકપ્રતિનિધિ બનવા માટે ચૂંટણી લડે છે. 
હવે આ બધાનો એક સીધો અર્થ શું છે? એ જ કે મેં કોઈ એક પાર્ટીના ઉમેદવારને એટલા માટે વોટ આપ્યો છે, કારણ કે હું એ પાર્ટીની વિચારધારા સાથે સહમત છું અને હું એ ઉમેદવારને એટલા માટે જિતાડવા માગું છું, કારણ કે તે આ વિચારધારા અને એ માટેનાં જરૂરી કામને આગળ વધારશે એવી મને આશા છે, પરંતુ બને છે એવું કે જનતાની સેવા કરવાનો ભેખ ધારી નીકળેલા મોટા ભાગના નેતાઓ ચૂંટાયા બાદ જનતાની દરકાર કરવા કરતાં પોતાની દરકાર કરવાનું વધુ પસંદ કરે છે, આથી જ્યાં, જ્યારે અને જે રીતે કોઈ અંગત લાભ મળતો જણાય કે તકસાધુ જનપ્રતિનિધિ પક્ષપલટો કરીને બીજા પક્ષમાં સામેલ થઈ જાય છે. મતલબ કે તમે એક એવા વ્યક્તિને વોટ આપ્યો હતો જે સુધારાવાદી વિચારસરણી ધરાવતા પક્ષનો ઉમેદવાર હતો, પરંતુ ચૂંટાયા બાદ તે જુનવાણી વિચારસરણી ધરાવતા પક્ષમાં સામેલ થઈ ગયો. તો સૌથી પહેલાં તમને શું વિચાર આવશે? ‘મારી સાથે દગો થયો, મારો વોટ બેકાર ગયો.’ ખરું કે નહીં? આ કારણથી ભારતના સંવિધાનમાં ૧૯૮૫માં એક કાયદો લાવવામાં આવ્યો, જેનું નામ છે, ‘ઍન્ટિ ડિફેક્શન લૉ.’
બાવનમા અધિનિયમ સંશોધન તરીકે લવાયેલા આ કાયદાને એક સીધી-સરળ વ્યાખ્યા દ્વારા જણાવવો હોય તો કહી શકાય કે આ કાયદો ‘પક્ષાંતર વિરોધી’ કાયદો છે. મતલબ કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ તેના જે-તે કાર્યકાળ દરમ્યાન પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં સામેલ થઈ શકે નહીં.
થોડી વિગતે આ વિશે વાત કરીએ. ૧૯૮૫માં રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે આ કાયદો અમલમાં આવ્યો હતો. તો આ પક્ષાંતર વિરોધી કાયદો એમ કહે છે કે સંસદ, વિધાનભવન અને વિધાન પરિષદમાં ચૂંટાયેલો કોઈ પણ જનપ્રતિનિધિ જો તેના કાર્યકાળ દરમ્યાન દળ બદલે તો સૌથી પહેલાં તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. જો તે રાજીનામું નહીં આપે તો પણ પક્ષ બદલવાને કારણે તેનું સભ્યપદ રદ થયેલું ગણાશે. મતલબ કે તમે જે પક્ષના ઉમેદવાર તરીકે જીત્યા હો કમસે કમ એ કાર્યકાળ દરમ્યાન તો તમારે એ પક્ષ સાથે રહેવું જ પડે.
આ સિવાય દળ-બદલ કાનૂનમાં બીજી પણ કેટલીક બાબતો છે જેમ કે સંસદભવન, વિધાનભવનમાં થનારી કોઈ પણ ચર્ચા કે વોટિંગ દરમ્યાન પાર્ટીના ચૂંટાયેલા દરેક સભ્યોને પક્ષમાં વોટિંગ કરવા કે ગેરહાજર રહેવા માટે વ્હિપ જાહેર કરવામાં આવે છે અને પક્ષના દરેક વિધાનસભ્યે અથવા સંસદસભ્યએ એનું પાલન કરવાનું હોય છે. જો કોઈ એનું ઉલ્લંઘન કરે તો તેની સામે જે-તે પાર્ટી કાર્યવાહી કરી શકે છે જેમાં સભ્યપદેથી દૂર કરવાની પણ જોગવાઈ છે.
તો હવે પ્રશ્ન એ થાય કે આ સભ્યપદ રદ કરવા વિશે કે કાનૂની અથવા ગેરકાનૂની ઠેરવવા વિશે નિર્ણય કોણ કરે? સ્પીકર, અને જો સ્પીકર નહીં સ્થાપિત કરાયા હોય તો ડેપ્યુટી સ્પીકર. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ જ હોદ્દાની વ્યક્તિને કારણે કોર્ટકેસ બન્યો છે.
આપણને બધાને ખબર છે કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ આ ચારેયમાં ચૂંટાયેલા કે મોકલવામાં આવેલા દરેક જનપ્રતિનિધિની પાર્ટી પોતાના સભ્યોમાંથી કોઈ એક નેતાને વ્હિપ તરીકે નિયુક્ત કરે છે, જેને ગુજરાતીમાં સચેતક પણ કહેવામાં આવે છે. આ વ્હિપનું કામ હોય છે પાર્ટીની વાત, આશય કે નિર્ણય વિશે ચૂંટાયેલા સભ્યોને જણાવવાનું. મતલબ કે આજે ફલાણા મુદ્દા પર સંસદમાં વોટિંગ થશે તો આપણે કોના પક્ષમાં વોટિંગ કરવું, વોટિંગ કરવું કે નહીં. આવી બધી અનેક બાબતો વિશે પાર્ટીમાં જે નિર્ણય લેવાયો હોય એ વ્હિપ જે-તે હાઉસના સભ્યોને જણાવે છે અને તેમણે એ અનુસાર વર્તવાનું હોય છે. બીજા હોય છે સ્પીકર, જેણે સંસદ કે વિધાનભવનનું પ્રતિનિધિત્વ કરીને સત્ર દરમ્યાન રોજેરોજની કાર્યવાહી પાર પાડવાની હોય છે. આ સ્પીકર એવો હોદ્દો છે જે દળ-બદલ કાયદા અંતર્ગત કોઈ સભ્યની સભ્યતા રદ પણ કરી શકે અને તેની સભ્યતા ગેરકાનૂની પણ ઠરાવી શકે. વ્હિપ દ્વારા જો કોઈ સભ્ય વિશે સ્પીકરને ફરિયાદ કરવામાં આવે અથવા પ્રમાણ આપવામાં આવે તો એ સંદર્ભે સ્પીકર જે-તે સભ્યનું સભ્યપદ રદ પણ કરી શકે છે.
જ્યારે આ કાયદો રચાયો હતો ત્યારે કોઈ પાર્ટીના વન થર્ડ સભ્યો જો પાર્ટી છોડીને બીજા પક્ષમાં ચાલી જાય તો એને કાયદેસરની મંજૂરી આપવામાં આવી હતી. તેને દળ-બદલનો કાયદો લાગુ પડતો નહોતો, પરંતુ પછીથી એમાં ફેરફાર કરીને સભ્યસંખ્યા ટૂ-થર્ડ કરી નાખવામાં આવી. જે વિશે ચોખવટ એ આપવામાં આવી કે ટૂ-થર્ડ મૅજોરિટી સભ્યો જો કોઈ એક પક્ષ છોડી બીજા પક્ષમાં ચાલી જાય તો તેને દળ-બદલ નહીં, પણ એક અલગ ગ્રુપ તરીકે માન્યતા આપવામાં આવે છે જે કોઈ બીજા પક્ષ સાથે વિલીન પણ થઈ શકે છે, પોતાની અલગ પાર્ટી બનાવી શકે છે અથવા તો જે પાર્ટીમાં હતા એ પાર્ટીને ટેકઓવર કરી શકે છે, પણ એ માટે ઇલેક્શન કમિશનની પરવાનગી મળવી જરૂરી છે અને એ એક લાંબી પ્રોસીજર છે. 
કાયદો લાવવાની જરૂર કેમ ઊભી થઈ?
આપણા દેશને આઝાદી મળી ત્યારથી આખા દેશની જનતામાં એક સૌથી મોટી પણ ખોટી માન્યતા છે. ચૂંટણીમાં ઊભેલો ઉમેદવાર આપણો પ્રતિનિધિ થઈને સાંસદ કે વિધાનભવનમાં જઈ રહ્યો છે. ત્યાં જઈને તે આપણો અવાજ બનશે, આપણો લાભ જોશે, આપણા ઉદ્ધાર વિશે વિચારશે અને કામ કરશે. આ બધી ખૂબ મોટી ભ્રમણાઓ છે. એક વાર ચૂંટણીનાં પરિણામ આવી જાય અને ઉમેદવાર ચૂંટાઈ જાય પછી મહદંશે જનપ્રતિનિધિ જનતાનો નહીં, પોતાનો વિચાર કરે છે. જનતાને લાભ નહીં પોતાને કયા લાભ થાય છે એ વિશે વિચારે છે. આથી જ લાભ દેખાય ત્યાં જતા રહેવાની માનસિકતા આજની નથી, વર્ષોની રહી છે. ચૂંટાયેલા એક એક સભ્યને પોતાની તરફ કરી લેવા માટે પાર્ટીઓ કે સત્તાધીશો જ નહીં, વિપક્ષો પણ પાવરથી લઈને પૈસા સુધીની બધી જ લાલચ આપતા હોય છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ. જોકે હવે આ બાબત આપણે માટે એટલી સહજ થઈ ગઈ છે કે કોઈ નેતાને પોતાની બાજુ કરવા માટે ‘એક્સવાયઝેડ’ પૈસા આપવામાં આવ્યા. એવું જાણવા મળે તો પણ આપણને નવાઈ નથી લાગતી. એ માટે હાલના સમયમાં એક શબ્દ ખૂબ જાણીતો થયો છેલ, હૉર્સ ટ્રેડિંગ. આખરે ૧૯૮૫ની સાલમાં સરકારે સ્વીકાર્યું કે તમે આમ સાવ પોતાના લાભ માટે મન થાય ત્યારે એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં ચાલી જાઓ એ નહીં ચાલે, કારણ કે સરવાળે જોવા જઈએ તો પક્ષબદલથી જનતા અને રાજકીય પાર્ટી બન્નેને નુકશાન થતું હતું, આથી લાગ્યું કે બસ, હવે તો કાયદો બનાવવો જ પડશે.
આયારામ ગયારામ 
પણ શું તમને એ ખબર છે કે મૂળ આ કાયદો ૧૯૮૫માં નથી આવ્યો. એનાં મૂળિયાં તો છેક ૧૯૬૭ની સાલમાં છે. ૧૯૬૬ની સાલમાં પંજાબ રાજ્યથી અલગ થઈ હરિયાણા નામનું એક નવું રાજ્ય બન્યું હતું. ૧૯૬૭ની સાલમાં નવા બનેલા હરિયાણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું. ૮૧ વિધાનસભ્યો (એ સમયે)ની સીટવાળા આ રાજ્યમાં હસનપુર નામના વિસ્તારમાંથી ‘ગયાલાલ’ વિધાયક તરીકે જીત્યા અને તેમણે વિધાનસભા તરફની વાટ પકડી. હવે તો જોકે હસનપુરનું નામ પણ બદલાઈ ગયું છે. આજના હરિયાણાનું હોડલ એટલે ૧૯૬૭નું હસનપુર. વાત કંઈક એવી છે કે ૧૯૬૬ સુધી આ ગયાલાલ ખુદ કૉન્ગ્રેસના સભ્ય હતા, પરંતુ ૧૯૬૭ની ચૂંટણીમાં હસનપુરની રિઝર્વ કૅટેગરીની સીટથી ચૂંટણી લડવા માટે કૉન્ગ્રેસ પાર્ટીએ તેમને ટિકિટ ન આપતાં કોઈ બીજાને ટિકિટ આપી કૉન્ગ્રેસનો ઉમેદવાર બનાવ્યો. આ વાતથી રિસાયેલા ગયાલાલે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. લડ્યા તો લડ્યા, જીતી પણ ગયા. હવે એ સમયની વિધાનસભાની ચૂંટણીમાં ગયાલાલ જેવા કુલ ૧૬ નિર્દલીય ઉમેદવારો ચૂંટાયા હતા. જેમાંના મોટા ભાગના ઉમેદવારો કૉન્ગ્રેસના જ બળવાખોર ઉમેદવારો હતા. ૮૧માંથી કુલ ૪૮ સીટ જીતનાર કૉન્ગ્રેસ ભાગવત દયાળ શર્માને મુખ્ય પ્રધાન બનાવે છે અને સરકાર રચાય છે, પરંતુ આ સરકાર ૧૦ દિવસ પણ ટકી નહીં. માત્ર ૬ જ દિવસ બાદ કૉન્ગ્રેસના ચૂંટાયેલા ૧૨ વિધાનસભ્યોએ કૉન્ગ્રેસ છોડી દીધી અને જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. આ જનતા પાર્ટીમાં એ સમયે ગયાલાલ પણ સામેલ થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસોમાં જ ગયાલાલનું મન બદલાયું અને તેઓ ફરી પાછા કૉન્ગ્રેસમાં સામેલ થઇ ગયા, પણ કેટલા સમય માટે? માત્ર ૯ કલાક માટે. હા, ૯ જ કલાકમાં તેમણે ફરી કૉન્ગ્રેસ પાર્ટી છોડી અને ફરી જનતા પાર્ટીમાં જતા રહ્યા, પરંતુ હજીય તેમને ચેન પડી રહ્યું નહોતું એથી થોડા જ દિવસોમાં ફરી તેમણે જનતા પાર્ટી સાથેનો નાતો તોડ્યો અને કૉન્ગ્રેસમાં સામેલ થઈ ગયા. આ રીતે માત્ર ૧૫ દિવસના સમયગાળામાં ગયાલાલે ચાર-ચાર વાર પાર્ટી બદલી હતી. આખરે કૉન્ગ્રેસના જાણીતા નેતા રાવ બીરેન્દ્ર સિંહ ગયાલાલને ચંડીગઢ લઈ ગયા અને ત્યાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન તેમણે કહ્યું કે ગયારામ હવે આયારામ થઈ ગયા છે. આ ઘટના બાદ ‘આયારામ ગયારામ’ની ઉક્તિ રાજકારણમાં એટલી પ્રખ્યાત થઈ ગઈ કે આજે દલબદલુ નેતાઓના પ્રણેતા તરીકે ગયાલાલને ગણાવવામાં આવે છે.
તર્કવિતર્ક
હવે ૧૯૮૫ની ૧ માર્ચથી અમલમાં આવેલો આ ઍન્ટિ ડિફેક્શન લૉ વાસ્તવમાં તો રાજકારણમાં અને સરકારમાં સ્થિરતા લાવવાના આશય સાથે આમેજ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે એનો ખૂબ હોશિયારીપૂર્વક હથિયાર તરીકે પણ ઉપયોગ કરાય છે, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઍન્ટિ ડિફેક્શન લૉ કંઈક ડિફેક્ટ કાઢી શકે એવું જણાતું નથી. સૌથી પહેલાં તો એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે બન્નેમાંથી એકેય નેતાએ પોતાની પાર્ટી છોડી હોય કે કોઈ બીજા પક્ષમાં સામેલ થવાની ઇચ્છા દેખાડી હોય એવું નથી. તો આ દૃષ્ટિએ ઍન્ટિ ડિફેક્શન લૉ લાગુ પડી શકે નહીં. તો પછી પક્ષના વ્હિપની કોઈ વાત નહીં માની હોય અને વ્હિપ દ્વારા સ્પીકરને સદસ્યતા રદ કરવા બાબતે કહેવામાં આવ્યું હોય એવું બની શકે? તો સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યારે બરખાસ્ત થઈ ગયેલી શિવસેનાની આઘાડી સરકારમાં શાસક પક્ષના પ્રતિનિધિ નેતા તરીકે એકનાથ શિંદેને જ નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીજૂં, આ બાબતે ઍન્ટિ ડિફેક્શન લૉનો સંખ્યાબળવાળો મામલો કામમાં આવે છે. કુલ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંના ટૂ-થર્ડ વિધાનસભ્યો હાલમાં એકનાથ શિંદે પાસે છે, ઉદ્ધવ ઠાકરે પાસે નહીં. આથી ઉદ્ધવ ઠાકરે કે કોઈ કાયદો ટેક્નિકલી એકનાથ શિંદે અને તેના સાથીઓને શિવસેનાના વિધાનસભ્યપદથી બેદખલ કે ડિસ્ક્વૉલિફાઇડ કરી શકે નહીં. વળી એકનાથ શિંદે ગ્રુપના નેતાઓએ ડેપ્યુટી સ્પીકરની ખુદની સદસ્યતા અને માન્યતા સામે જ પ્રશ્નો ઉઠાવ્યા હોય ત્યારે કોર્ટ દ્વારા આ દલીલો અવગણી કોઈ જજમેન્ટ આપવું ખૂબ અઘરું થઈ પડે એમ જણાય છે, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભામાં મામલો અલગ છે. અહીં શિંદે ગ્રુપના ધારાસભ્યોએ પોતાની પાર્ટી શિવસેના છોડી નથી કે બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના કોઈ ધારાસભ્યએ પણ પાર્ટી નથી છોડી. એથીઍન્ટિ ડિફેક્શન લૉ અહીં લાગુ પડી શકે એવું કદાચ હજી કહી શકાય નહીં. 
અચ્છા હમણાં એક વર્ષ પહેલાં બિહારની રાજનીતિમાં ચિરાગ પાસવાન સાથે ઘટેલી ઘટના તમને યાદ છે? ચિરાગ પાસવાનના પિતા રામ વિલાસ પાસવાનનું મૃત્યુ થયું કે તરત પક્ષમાં સત્તા માટેની લાલચ અને શક્તિ-પ્રદર્શન શરૂ થયું, કારણ કે બન્ને કદાવર નેતાઓએ પાર્ટીનો પૂરેપૂરો વહીવટ પોતાના હાથમાં લઈ લેવો હતો. ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસે ૬ વિધાયકમાંથીપાંચ વિધાયક પોતાની તરફ કરી લીધા અને પક્ષનો સાચો નેતા હું છું એમ કહેવા માંડ્યા. એટલું જ નહીં, પશુપતિ પારસ એવો પણ દાવો કરવા માંડ્યા હતા કે પક્ષ હવે બદલાવ માગે છે અને અમે ચિરાગ પાસવાનના કામ અને નિર્ણયોથી ખુશ નથી. સાથે જ તેમણે ગાઈવગાડીને એવું પણ કહેવા માંડ્યું કે સાચી એલજેપી પાર્ટી અમે છીએ. અમે જ તો એલજેપી ચલાવીએ છીએ.
કંઈક આવો જ કિસ્સો હાલમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં બન્યો છે. કોઈ એક નેતા કે તે નેતાના ગ્રુપને અઢી વર્ષ પછી હવે એવું લાગી રહ્યું છે કે તેમની પાર્ટી મુખ્ય વિચારધારા ખોઈ બેઠી છે અને એથી સરકારથી વિમુખ થઈ જવું બહેતર છે. પક્ષથી વિમુખ થવા વિશે અહીં ક્યાંય કોઈ વાત કહેવાઈ નથી. એક દૃષ્ટિએ જોવા જઈએ તો સંખ્યાબળના હિસાબે તો એકનાથ શિંદે ઊલટાનું ઍન્ટિ ડિફેક્શન લૉનો ફાયદો ઉઠાવી શકે છે, કારણ કે કાયદો કહે છે કે જો પક્ષમાં ભાગલા પડે અને એ ભાગલાને કાનૂની ઠરાવવા હોય તો ટૂ-થર્ડ મૅજોરિટી હોવી આવશ્યક છે. હવે જો એમ થાય તો સ્વાભાવિક છે કે એક ખૂણે આવી ગયેલા ટૂ-થર્ડ બધા ધારાસભ્યો કે સંસદસભ્યો ભેગા મળીને બાકીના વન-થર્ડ સભ્યોને ગેરકાયદે ઠરાવવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે ઍન્ટિ ડિફેક્શન લૉની આ સમજણને કામે લગાડી એકનાથ શિંદે પોતાનું ધાર્યું (અથવા રિમોટ જેના હાથમાં છે તેમાંનું ધાર્યું) કરી શકે એમ બને, કારણ કે હવે વિધાનભવનમાં વ્હિપ પણ પોતાનો અને સ્પીકર પણ.
સંખ્યાબળના હિસાબે જ એક સામાન્ય સમજ એવી છે કે શિવસેના પાસે કુલ ૫૫ વિધાનસભ્યો છે, જેમાંથી એકનાથ શિંદે જો ઍન્ટિ ડિફેક્શન લૉ નહીં લાગે એ વિશે વિચારતા હોય તો તેમની પાસે ઓછામાં ઓછા ૩૭ વિધાનસભ્યો હોવા જોઈએ. જ્યારે શિંદે પાસે તો ૩૯ સભ્યો છે. આથી તેમના પર ઍન્ટિ ડિફેક્શન લૉ લાગી શકે નહીં. વળી તેમણે તો પાર્ટી પણ બદલી નથી. તો અહીં એ જાણી લેવાની જરૂર છે કે ઍન્ટિ ડિફેક્શન લૉના શેડ્યુલ ૧૦માં ટૂ-થર્ડ મૅજોરિટી વિશે તો જણાવ્યું છે, પરંતુ એક જ પાર્ટીમાં સ્પ્લિટ વિશે કોઈ બાબત જણાવી નથી. એટલું જ નહીં, આ કાયદામાં એક જ પાર્ટીમાં બે ભાગલા પડી જાય તો એને પણ વાજબી કારણ તરીકે ગણ્યું હોય એવું જાણવા મળતું નથી. હા, પહેલં શેડ્યુલ-૧૦ના ત્રીજા પૅરાગ્રાફમાં એવું કહેવાયું હતું કે જો કોઈ પાર્ટીમાં ભાગલા પડે, સ્પ્લિટ થાય અને જો વન-થર્ડ સભ્યો પાર્ટી છોડી જાય તો એને કાયદાકીય દૃષ્ટિએ વાજબી કારણ ગણવામાં આવવું જોઈએ., પરંતુ ૨૦૦૩ની સાલમાં આ પૅરાગ્રાફ નંબર-૩ કાયદામાંથી જ હટાવી દેવામાં આવ્યો હતો. જોકે હોત તો પણ એ મહારાષ્ટ્રના કિસ્સામાં કામમાં આવે એમ નથી, કારણ કે જે વન-થર્ડ સભ્યો (ઉદ્ધવ ગ્રુપના) રહી ગયા છે તેમણે પણ શિવસેના હજી ક્યાં છોડી જ છે. 
તો હવે આ કાયદા અનુસાર માત્ર એક વિકલ્પ રહી જાય છે અને એ વિકલ્પ છે શેડ્યુલ-૧૦નો પૅરાગ્રાફ નંબર-૪, જેમાં જણાવ્યું છે કે જો કોઈ પાર્ટીના ટૂ-થર્ડ મૅજોરિટી જેટલા સભ્યો કોઈ બીજી પૉલિટિકલ પાર્ટીમાં મર્જ થઈ જાય તો તેમને ઍન્ટિ ડિફેક્શન લૉ લાગી શકે નહીં અને તેમની સદસ્યતા પણ રદ થઈ શકે નહીં, પરંતુ અહીં તો મામલો એવો પણ નથી. શિંદે રાજ ઠાકરેને ફોન કરે છે, બીજેપી સાથે મળીને સરકાર પણ બનાવે છે, પરંતુ કોઈની સાથે મર્જરની કોઈ વાત? ના ભાઈ, હમણાં હજી તો એવી કોઈ વાત બહાર આવી પણ નથી અને ટૂંક સમયમાં આવે એવું જણાતું પણ નથી. તો પછી સુપ્રીમ કોર્ટ કઈ રીતે આ આખી વાતને લેશે અને શું નિર્ણય આપશે? કારણ કે ઍન્ટિ ડિફેક્શન લૉ મહારાષ્ટ્રના હાલના રાજકારણમાં હથિયાર તરીકે નહીં તો સૉલ્યુશન તરીકે પણ કામ આવતો દેખાતો નથી.
હા, કેટલીક વિશેષ બાબતો જરૂર સામે આવી છે એમ કહી શકાય. જેને કારણે ફરી એક વાર મહારાષ્ટ્રનું રાજકારણ બદલાશે. બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વવાદી વિચારધારાથી પક્ષ શિવસેના રચાયો હતો અને આ નવી શિવસેના એ જ વિચારધારા આગળ વધારશે એવો સંદેશ આ ઊથલપાથલ દ્વારા જનતા સુધી પહોંચશે. જે મૂળ છબિ છેલ્લાં અઢી વર્ષમાં ખરડાઈ હતી એ ફરી સુધારી લેવાનો આ એક પ્રયત્ન ગણાશે. બીજી તરફ બીજેપી અને શિવસેના બન્ને એકસરખી વિચારધારા પર ચાલનારા પક્ષ છે એવો વિશ્વાસ બેસાડવાનો પ્રયત્ન થશે, જેનો બીજેપીને આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ફાયદો થશે. વળી શિવસેના પક્ષનો જ મુખ્ય પ્રધાન આરૂઢ થવાને કારણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કેસ વિશે પણ બરાબર કાળજી લઈ લેવામાં આવી છે. ૨૦૨૪ની તૈયારીની સાથે જ હાલના તબક્કે તો એવું જણાય છે કે ઍન્ટિ ડિફેક્શન લૉ આ બધા ફેરફારમાં લાગુ પડે કે નહીં પડે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પૉલિટિકલ કરીઅર, શિવસેનાના સ્થાપક પરિવારની ઇમેજ અને આદિત્ય ઠાકરેના ભવિષ્ય સામે ચોક્કસ પ્રશ્નાર્થ ઊભો કરશે.
છેલ્લા લગભગ પંદર દિવસ સતત ચાલેલા આખા નાટકમાં બીજેપી સદંતર ચૂપ રહી પોતાની રમત રમતી રહી. એકનાથ શિંદેને સેન્ટર સ્ટેજ પર ઊભા રાખીને બખૂબી રાજકારણ રમી ગયેલા બીજેપીએ જે રીતે ફડણવીસને મુખ્ય પ્રધાન નહીં બનાવી શિંદેના હાથમાં કમાન સોંપી છે એ જોતાં જણાય છે કે અહીં ‘આયારામ ગયારામ’ જેવું કંઈ નથી... અહીં તો બધું ‘આયારામ, આયારામ’ જેવું જ છે.

 ભાગ્યે જ જોવા મળે એવી આ રાજકીય રમતમાં હવે બધાની નજર સુપ્રીમ કોર્ટ પર છે જે ૧૧ જુલાઈએ આખા મામલાની સુનાવણી કરવાની છે. એમાં ઘણા મુદ્દા પર સ્પષ્ટતા થવાની શક્યતા છે, કારણ કે મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ આઝાદ ભારતમાં આજ સુધી જોવા નથી મળી.

columnists