એક માલિનીના જન્મને કારણે ઊગી નીકળી એક મૂવમેન્ટ

03 December, 2022 08:49 PM IST  |  Mumbai | Pallavi Acharya

પચાસ વર્ષ પહેલાં મીઠુ આલુર નામની મહિલાએ પોતાની સેરિબ્રલ પૉલ્ઝી ધરાવતી દીકરીના જન્મ પછી આવાં બાળકોને સક્ષમ બનાવવાનું બીડું ઝડપી લીધું હતું જે આજે આખા ભારતમાં એક અનોખી જ્યોત જલાવી રહ્યું છે

એક માલિનીના જન્મને કારણે ઊગી નીકળી એક મૂવમેન્ટ

શારીરિક અને માનસિક અક્ષમ વ્યક્તિને દિવ્યાંગનો દરજ્જો આપવાની પહેલ તો છેક હમણાં થઈ, પરંતુ પચાસ વર્ષ પહેલાં મીઠુ આલુર નામની મહિલાએ પોતાની સેરિબ્રલ પૉલ્ઝી ધરાવતી દીકરીના જન્મ પછી આવાં બાળકોને સક્ષમ બનાવવાનું બીડું ઝડપી લીધું હતું જે આજે આખા ભારતમાં એક અનોખી જ્યોત જલાવી રહ્યું છે

 ૧૯૭૨માં ત્રણ બાળકોથી શરૂ થયેલી આ સંસ્થાનું કામ હવે ૧૬ દેશોમાં હજારો બાળકોને શિક્ષણ આપવા સુધી ફેલાયું છે.

પડકારો અનેક હતા
દિવ્યાંગ બાળકોને કોઈ વાત સમજાવવી જ જ્યાં અઘરી છે ત્યાં તેમને શિક્ષણ આપવું અને તેઓ પણ કામ કરીને સ્વમાનભેર જીવતા થાય એ માટે મથવું એ અતિકપરું કામ છે. ડૉ. મીઠુ આલુર કહે છે, ‘આ કામ માટે અપાર ધીરજની જરૂર હતી. એવી ધીરજ કેળવી શકે એવાં ટીચર્સ ટ્રેઇન કરવા એ સૌથી મોટો પડકાર હતો. એટલે દિવ્યાંગ બાળકોને શીખવવા ઉપરાંત શિક્ષકોને શીખવવું પણ બહુ જરૂરી હતું. આ સંસ્થામાં ખૂબ કમ્પૅશનેટ ટીચર્સ છે.’

દરેક સમાજમાં હંમેશાં સબળા લોકો દ્વારા ઓછા સક્ષમ અથવા અક્ષમ લોકો જાણે-અજાણે સાઇડલાઇન થતા આવ્યા છે ત્યારે શું શારીરિક અને માનસિક સક્ષમ અને અક્ષમ લોકોને સાથે રાખી શકાય? તમે કહેશો ના. કદાચ દરેક ના કહે, કારણ કે અક્ષમ લોકો આ સમાજના સક્ષમોની દોટમાં સાથે રહીને કશું પણ કરી શકે એવી ગુંજાઈશ નથી એવું આપણે માની બેઠા છીએ. એટલે જ  ‘તારે ઝમીં પર’ના ટેણિયા ઈશાન અને ‘કોઈ... મિલ ગયા’ના રોહિતની જેમ એને હર કદમ પર હાંસીપાત્ર બનવું પડે છે. જોકે ‘સ્પૅસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા`નાં ચૅરપર્સન મીઠુ આલુર જન્મથી માનસિક અક્ષમતા ધરાવતા લોકોને મેઇન સ્ટ્રીમ સાથે લઈ આવવા માટે ૫૦ વર્ષથી મથી રહ્યાં છે અને એનાં સારાં પરિણામો પણ દેખાઈ રહ્યાં છે.
પાંચ દાયકાથી વધુ સમય પહેલાં કલકત્તામાં રહેતાં ડૉ. મીઠુ આલુરના ઘરે દીકરી જન્મી ત્યારે કદાચ તેમને પોતાને પણ ખબર નહોતી કે આ દીકરી મીઠુબહેનને એક મિશન આપવાની છે અને દેશના અનેક લોકો માટે આશાનું કિરણ બનવાની છે. ડૉ. મીઠુ કહે છે, ‘મેડિકલ નેગ્લિજન્સના કારણે મારી દીકરીના જન્મનો સમય લંબાઈ ગયેલો. એને કારણે તેના મગજને ભારે નુકસાન થયું.  એને કારણે મારી દીકરી માલિની સેરિબ્રલ પૉલ્ઝીનું નિદાન થયું. આવાં બાળકોને ઉછેરવાનું, તેમને નૉર્મલ લાઇફ જીવતાં કરવાનું કામ બહુ જ અઘરું હતું. મને આ કામ કેટલું અઘરું છે એની ખબર નહોતી, પણ મારે તો મારી દીકરીને એ તમામ શિક્ષણ અને તકો આપવાં હતાં જે એક નૉર્મલ બાળકને મળે. બહુ શોધખોળ કર્યા પછી મેં જોયું આવાં બાળકોના શિક્ષણ માટે ભારતમાં કંઈ જ નહોતું. બસ, મેં ઠાની લીધું કે કોઈ નથી કરતું તો હું પોતે કરીશ. મેં મારી દીકરી અને બીજાં આવાં બે બાળકો સાથે એક સંસ્થા શરૂ કરી. સેરિબ્રલ પૉલ્ઝી કે અન્ય ડિસેબિલિટી ધરાવતાં બાળકોને જરૂરી થેરપી, એજ્યુકેશન, કાઉન્સેલિંગ અને સપોર્ટ સિસ્ટમ બને એ હેતુ હતો. અને એમાંથી જન્મી સ્પૅસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા.’
વિવિધ અક્ષમતાઓ માટે 
ઘરમાં બાળકના આગમન સાથે સાતમા આસમાનમાં વિહરતાં કેતન અને કામિની સીધાં ભોંય પર પટકાયાં જ્યારે ડૉક્ટરે નિદાન કર્યું કે આ બાબાને ન્યુરો મસ્ક્યુલર તકલીફ છે. સામાન્ય બાળકોની જેમ તે બોલીચાલી કે સમજી નહીં શકે. આ દંપતી પર આભ તૂટી પડ્યું. આખી જિંદગી આ છોકરાને ઊંચકીને ફેરવવો પડશે અને જ્યારે તેઓ નહીં હોય ત્યારે આ છોકરાનું કોણ? નિષ્ણાત ડૉક્ટર પાસે જાણવા મળે કે આ બાળકને જન્મજાત પૅરૅલિસિસ છે અને એનો કોઈ ઇલાજ નથી કેમ કે તેના બ્રેઇનમાં ઈજા પહોંચી છે, મગજનો લકવો સહિતની અન્ય ન્યુરો મસ્ક્યુલર તકલીફો, સેરિબ્રલ પૉલ્ઝી, ઑટિઝમ, બૌદ્ધિક વિકલાંગતા સહિતની અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ સમાજમાં માનભેર જીવી શકે, પોતાનું કમાઈને આત્મનિર્ભર બની જીવી શકે એ માટે સ્પૅસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા તેમને તૈયાર કરી રહી છે. આ સેવા સંસ્થાનું નામ હવે એબલ ડિસેબલ ઑલ પીપલ ટુગેધર ADAPT (ઍડૅપ્ટ) છે.
હવે તો આ સંસ્થા ડૉ. મીઠુ આલુરની બીજી દીકરી જેવી બની ગઈ છે અને દુનિયાભરના દિવ્યાંગો માટે એમાં કામ થાય છે. શિક્ષણ મેળવવાનો દરેકને હક છે પછી તે સક્ષમ હોય કે અક્ષમ કે દિવ્યાંગ. એ મુખ્ય વિચાર સાથે ભારતીય શિક્ષાપદ્ધતિમાં ફેરફાર લાવવામાં ઘણા અંશે સફળ થયાં છે ડૉ. મીઠુ આલુર. ૧૯૬૬થી તેઓ દિવ્યાંગો માટે ખાસ શિક્ષણપદ્ધતિ વિકસાવવા માટે કામ કરી રહ્યાં હતાં. ૧૯૭૨માં મુંબઈમાં આ પદ્ધતિ સાથે તેમણે સંસ્થાની સ્થાપના કરી. ૩ બાળકોથી શરૂ થયેલી આ સંસ્થા આજે ભારતનાં ૧૬ રાજ્યોમાં કાર્યરત છે અને હજારો પરિવારો માટે વરદાનરૂપ કામ કરી રહી છે. દિવ્યાંગ લોકો પણ શિક્ષણ મેળવી શકે એ માટે શિક્ષણનું જે મૉડલ તેમણે આપ્યું તથા શિક્ષણક્ષેત્રના તેમના પ્રદાનને લઈને સેન્ટ્રલ ઍડ્વાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશનમાં તેમને ૩ વાર નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં અને ૧૯૮૯માં આ કામ માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. ‘ઍડૅપ્ટ’ ને સમજવા માટે ફિલ્મકાર શ્યામ બેનેગલની ૧૪ મિનિટની ફિલ્મ ‘ઍડૅપ્ટ – અ વિઝન’ યુટ્યુબ પર જોવા મળી શકે છે. આ સંસ્થા અને તેનાં માત્ર સ્થાપક નહીં, તેનું હૃદય એવાં ડૉ. મીઠુ આલુરની એમાં વાત છે.
જિંદગી બદલાઈ રહી છે...
ભગવાને માણસનું સર્જન એટલું પર્ફેક્ટ કર્યું છે કે શરીરના કોઈ પણ એક અંગની અક્ષમતા એને લાચાર જિંદગી જીવવા મજબૂર કરે. એમાંય જન્મજાત ન્યુરો મસ્ક્યુલર તકલીફો અને વિકાસલક્ષી તકલીફો એ વ્યક્તિ જ નહીં, એનાં માબાપ અને પરિવારને પણ ભગવાનને ખૂબ બધું કોસવા માટે મજબૂર કરે છે. સમાજમાં તમે કેટલાય એવા લોકોને જોયા હશે જે તેમના માનસિક વિકાસની અક્ષમતાને લઈને જિંદગીભર લોકોમાં હાંસીપાત્ર બને, પરિવારને ઘણી વાર તેઓ બોજરૂપ લાગે, કારણ કે પેરન્ટે આવા સંતાનની બધી દિનચર્યા સાંભળવી પડે છે. બચપણથી લઈને તેઓ સાથે કોઈ નથી બેસતું કે નથી કોઈ વાત કરતું. સમાજમાં તેમની ગણના પાગલ કે અણસમજુની જ હોય છે. આ લોકો જેમ-તેમ જીવન પસાર કરતા હોય છે, પણ સ્પૅસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા, જે હવે ADAPT (એબલ ડિસેબલ ઑલ પીપલ ટુગેધર) નામે ઓળખાય છે એના લીધે આ લોકોની જિંદગી બદલાઈ રહી છે. બિપાશા પીએચડી થઈ ગઈ છે અને પોએટ છે, માલિની તાતા સન્સ કંપનીમાં ડાઇવર્સિટી ઑફિસર છે, કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, કોઈ કમ્પ્યુટર એક્સપર્ટ છે, કોઈ રિલાયન્સમાં કામ કરે છે તો કોઈ જર્નલિસ્ટ છે.
કેવાં છે સંસ્થાનાં કાર્યો?
સ્પૅસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા હવે ઍડૅપ્ટ એટલે કે એબલ ડિસેબલ ઑલ પીપલ ટુગેધરના નામે ઓળખાય છે, જેનો હેતુ આ નામ સાથે બહુ સ્પષ્ટ થઈ જાય છે. આ સંસ્થામાં નિષ્ણાત થેરપિસ્ટો, કુશળ, કર્મઠ અને અપાર ધીરજવાળી ટીચર્સ, ખંતીલાં રિસર્ચ સ્કૉલરો અને એટલી જ ખંતીલી અને કામને ભગવાન માનતી બાળકોને સાફ રાખતી ને સાચવતી બહેનો છે. ઍડૅપ્ટનાં કોલાબા, બાંદરા  (લીલાવતી હૉસ્પિટલ સામે), ચેમ્બુર અને ધારાવીમાં કેન્દ્રો છે. વિવિધ થેરપી ઉપરાંત સ્કૂલનું એજ્યુકેશન આપવામાં આવે છે. સંસ્થામાં સ્ટુડન્ટ માટે લાઇબ્રેરી છે, વિવિધ વર્કશૉપ છે જે તેમને વિવિધ હુન્નર શીખવે જેથી તેઓ પોતાના ખપપૂરતું કમાઈ શકે. સાથે કમ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે. ઍડૅપ્ટ’ના સ્પેશ્યલ એજ્યુકેશન વિભાગમાં બીએડ કે ઍડ્વાન્સ્ડ ડિપ્લોમા કરતાં ભારતીય જ નહીં, બાંગલાદેશ, ભૂતાન, કમ્બોડિયા, ચીન, ઇરાક, જૉર્ડન, મૉલદીવ્ઝ, મૉન્ગોલિયા, તાજિકિસ્તાન, ટોન્ગા અને વિયેટનામના નવજુવાન છે.
ધીરજભરી સેવાના પાંચ દાયકા
સ્પૅસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયા’ અથવા ‘ઍડૅપ્ટ’નાં પચાસ વરસોના કામને બિરદાવવા પૂર્વ ‘ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા’ જસ્ટિસ ચન્દ્રચૂડની નિશ્રામાં મુંબઈના એન.સી.પી.એ. સભાગૃહમાં ‘એબલ ડિસેબલ ઑલ પીપલ ટુગેધર’ એક મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગ બાળકોને બિરદાવવા ઉપરાંત આ લોકોને સાથે લઈ જીવનના ઊબડખાબડ રસ્તા પર હિંમતભેર અને આશા ભરીને ચાલનારા લોકોને પણ બિરદાવવાનો હતો.

columnists