આપવાનું શીખેલું સંતાન ક્યારેય દુખી ન થાય

21 January, 2023 12:32 PM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

ગઈ દિવાળીની વાત છે. બન્યું એવું કે દિવાળીના દિવસોમાં દર વર્ષે દુકાનના માણસોને જેમ બોનસ અપાતું હતું એવી જ રીતે ત્યારે પણ બોનસ આપવાનું તંત્ર ગોઠવાઈ ગયું હતું

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આમ જોવા જાઓ તો તે બાળકની ઉંમર હશે કદાચ ૧૫-૧૬ આસપાસની, પણ સંસ્કારો તેના ખૂબ સારા. વર્તનમાં નમ્રતા, સ્વભાવમાં શીતળતા અને વ્યવહારમાં કોમળતા અને સૌથી સારી વાત એ કે તે બાળકના સમસ્ત પરિવાર પાસે પણ આ જ ગુણવૈભવ.

ગઈ દિવાળીની વાત છે. બન્યું એવું કે દિવાળીના દિવસોમાં દર વર્ષે દુકાનના માણસોને જેમ બોનસ અપાતું હતું એવી જ રીતે ત્યારે પણ બોનસ આપવાનું તંત્ર ગોઠવાઈ ગયું હતું. દરેક માણસને જે રકમ આપવાની હતી એ રકમ કવરમાં પૅક કરીને એ તમામ કવર ઘરે લાવવામાં આવ્યાં. ઘરે લક્ષ્મીપૂજન થાય અને એ પૂજન પછી એ કવર માણસોને આપવાના હોય. આ વર્ષોથી નિયમ હતો. ઘરે આવેલાં એ કવરો પર આ બાળકની નજર ગઈ અને તેણે તેના પપ્પાને પૂછ્યું,
‘આ કવરો શેના છે?’
‘બોનસના...’
જવાબ મળ્યો કે બાળકે બીજો સવાલ પૂછ્યો,
‘કોને આપવાના છે?’
‘માણસોને...’
‘શા માટે?’
‘દિવાળીના હિસાબે...’ પપ્પાએ પ્રેમથી જવાબ આપ્યો, ‘દિવાળીએ આપણે આપણા સ્ટાફને બોનસ આપવાનું હોય એટલે કવર બનાવ્યાં છે.’
‘આપણે દર વરસે આપીએ છીએ?’ 
જવાબ જેવો હકારમાં આવ્યો કે બાળકે પપ્પા પાસેથી બધાં જ કવર માગી લીધાં. પપ્પાને નવાઈ લાગી, તેમણે પ્રેમથી પૂછ્યું, ‘તું કરીશ શું એનું?’
‘મારે કામ છે...’ બાળહઠ શરૂ થઈ, ‘મને આપોને...’
પપ્પાએ દીકરાનું મન રાખવા માટે તેને કવર આપ્યાં અને પછી તે બાળકની હરકત જોવા લાગ્યા. તે બાળકે પોતાની પાસે બચતની જે પણ રકમ હતી એમાંથી ૫૦-૫૦ રૂપિયા કાઢી દરેક કવરમાં મૂકી દીધા. 
બન્યું એવું કે કવર હતાં કુલ ૧૮ અને બાળકની પાસે કુલ રકમ હતી ૮૫૦ની. ૫૦ રૂપિયા ઓછા પડ્યા. તેણે પપ્પા પાસે ઉધાર માગ્યા અને પપ્પાએ તરત દીકરાને પ૦ રૂપિયા આપ્યા એટલે દીકરાએ છેલ્લા કવરમાં મૂકી દીધા.
‘આ શું કર્યું તે?’
સહજ રીતે જ પપ્પાએ દીકરાને પૂછ્યું.
‘દુકાન તરફથી માણસોને જે બોનસ અપાતું હોય એમાં મારા તરફથી આ ૫૦ રૂપિયા વધારાના.’ 
બાળકની ભાવનાને સમસ્ત પરિવારે વધાવી તો લીધી. સવાલ એ છે કે આજે કયા પરિવારમાં બાળકને આ પ્રકારના સંસ્કારોનું સિંચન આપવામાં આવે છે? આપવાનું શીખવશો તો સંતાન જીવનમાં ક્યારેય દુખી નહીં થાય.

columnists