એક એવી કૅફે જ્યાં કશું જ રાંધેલું નથી મળતું

23 September, 2021 01:22 PM IST  |  Mumbai | Sejal Patel

અને છતાં અમે ત્યાં આંગળાં ચાટીને ખાધું. સંપૂર્ણપણે કાચું ભોજન પીરસતી ભારતની સૌથી પહેલી કૅફે ખૂલી છે વિલે પાર્લેમાં. અહીં તમને મા‌ત્ર સૅલડ અને જૂસ જ નહીં; દહીંવડાં, મૂઠિયાં, વીગન પુલાવ-કઢી જેવી વાનગીઓ પણ મળશે

એક એવી કૅફે જ્યાં કશું જ રાંધેલું નથી મળતું

શુગર-ફ્રી, ગ્લુટન-ફ્રી અને ડેરી-ફ્રી એટલે કે વીગન વાનગીઓ પીરસતી ઘણી ઈટરીઝ મુંબઈમાં મળશે; પણ સંપૂર્ણ કાચું જ ભોજન પીરસતી ભારતની સૌપ્રથમ કૅફે વિલે પાર્લેના સ્ટેશન રોડ પર ખૂલી છે. નામ છે ગ્લી ગોરમે. બી. વી. ચૌહાણ દ્વારા શોધાયેલી નવી ભોજનવ્યવસ્થા મુજબ અહીં સંપૂર્ણપણે રૉ ફૂડ જ મળે છે. યસ, કૅફેમાં સમ ખાવા પૂરતો પણ ચૂલો નથી. અહીં બધું જ રૉ ખાવાનું. કાચું એટલે સૅલડ અને ઘાસફૂસ જ એવું જો તમે માનતા હો તો અહીં આવીને ચકરાવે ચડી જશો. અહીં માત્ર જૂસ અને સૅલડ જ નથી; શાક, ફરસાણ અને મીઠાઈઓ પણ છે. તમને થશે કે ફરસાણ અને શાક કંઈ કાચાં થોડાં ખવાય? ભલે ફરસાણ તમે તળો નહીં, શેકવું તો પડે જ. કંઈ નહીં તો બાફવું તો પડે જને? સવાલ વાજબી છે. અમને પણ પહેલાં એમ જ હતું અને એટલે અમે એક બપોરે વિલે પાર્લેના સ્ટેશન રોડ પર મૅકડોનલ્ડ્સની સામે આવેલી કૅફેમાં પહોંચી ગયા. 
કોનું બ્રેઇન ચાઇલ્ડ?
ભોજનની વાત કરતાં પહેલાં જરાક વાત કરી લઈએ કે આ રૉ ફૂડનો કન્સેપ્ટ કયા બેઝનો છે. બી. વી. ચૌહાણની ન્યુ ડાયટ સિસ્ટમના મૂળ સિદ્ધાન્તોની વાત કરીશું તો વાત ફૂડને બદલે હેલ્થ પર ફંટાઈ જશે. એટલે એમાં ન પડતાં ખૂબ સાદી ભાષામાં કહીએ તો આ ડાયટમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને રૉ ફૂડનું કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે. બપોરે તમારે માત્ર ને માત્ર કાચું જ ખાવાનું અને સાંજે એક ટાઇમ તમે રાંધેલું ભોજન જમી શકો છો. આ કૅફેનો કન્સેપ્ટ ડેવલપ કર્યો છે હીના ટૂર્સ અને ખીચડી રેસ્ટોરાં ફેમ જિતેન્દ્રભાઈ શાહ અને વર્ષોથી ન્યુ ડાયટ સિસ્ટમના પ્રચારક અને વ્યવસાયે ઇન્ટીરિયર ડિઝાઇનર-બિલ્ડર રાજેન્દ્રભાઈ સરવૈયાએ. આ કન્સેપ્ટને એક્ઝિક્યુટ કરવાનું કામ કર્યું છે તેમના જ પરિવારજનોએ. હર્ષા સરવૈયા, સુશીલા શાહ અને શિખા સરવૈયાએ રૉ ફૂડની અવનવી રેસિપીઓ ડેવલપ કરીને એવું મેનુ તૈયાર કર્યું છે કે તમારો કાચા ભોજનને જોવાનો નજરિયો જ બદલાઈ જાય. સૌથી લાક્ષણિક વાત એ છે કે ગ્લી ગોરમેમાં પીરસાતું ભોજન આ બન્ને પરિવારોએ દાયકાઓની ટ્રાયલ ઍન્ડ ટેસ્ટ કરીને તૈયાર કર્યું છે અને કૅફેમાં જેવું પીરસાય છે એવું જ કાચું ભોજન તેમના પરિવારોમાં ખવાય છે. 
હેલ્ધીએસ્ટ ફૂડ 
હવે વાત કરીએ ફૂડની. આ ડાયટ સિસ્ટમ મુજબ સવારની શરૂઆત જૂસથી કરવાની હોય. એ માટે અહીં ઇમ્યુનિટી બૂસ્ટર પીણાંના મસ્ત ઑપ્શન્સ છે. ફુદીના-કોથમીરનો જૂસ, પાઇનૅપલ અને ઑરેન્જના જૂસ તેમ જ વીગન મિલ્કશેક્સ અહીં છે. જોકે વીગન છાશ અને ઠંડાઈ એ બે મસ્ટ ટ્રાય આઇટમ છે. કોકોનટ મિલ્કમાંથી બનાવેલી છાશ ખરેખર અમૃતપીણું છે. ઠંડાઈમાં પણ રિયલ રોઝના પેટલ્સની સોડમ મનને તરબતર કરે એવી છે. બાળકોને મજા પડી જાય એવી ફ્રૂટ્સ, ચૉકલેટ અને પીનટ બટરની સ્મૂધીઝ પણ અહીં છે. જોકે અમે એ ટ્રાય કરત તો પછી બાકીની ડિશ માટે પેટમાં જગ્યા ન બચત. ભરેલાં શાકભાજી અહીંની બેસ્ટ વાનગી છે. ટમેટાં, કાકડી, ભીંડી અને આલપીનોમાં સ્ટફિંગ ભરીને તૈયાર કરેલી આ ડિશમાં શાકભાજીનો ક્રન્ચ મજાનો છે. પર્પલ કૅબેજ, નારિયેળનું છીણ, ચપટીક પિન્ક સૉલ્ટ અને ગ્રીન ચિલીઝના ટચવાળું સ્ટફિંગ ભરેલી કાકડીના ચાર-પાંચ પીસ તો એમ જ વાતો કરતાં-કરતાં ઓહિયાં કરી જશો અને ખબર પણ નહીં પડે. 
સૅલડ આને કહેવાય
ગુજરાતીઓ માટે સૅલડ એટલે કાકડી, ટમેટાં, ગાજર અને કોબીજ. વધુમાં વધુ હવે એમાં કૉર્ન કે કૅપ્સિકમ ઉમેરાવાનું શરૂ થયું છે. સૅલડ એમ જ ગળે ઊતરે નહીં એટલે આપણે એમાં ચીઝ, મેયનીઝ અને ક્રીમવાળાં ડિપ્સ ઉમેરીએ. જોકે ગ્લી ગોરમેના વીગન સૅલડ્સમાં સ્વાદ અને સેહતની શુદ્ધતાનો અહેસાસ થાય એવો છે. મેક્સિકન, થાઈ, લેબનીઝ, પ્રોટીન પૅક્ડ, ક્રીમી પેસ્તો સૅલડ એમ અઢળક ઑપ્શન છે. એમાંથી અમે ઇટાલિયન સૅલડ ટ્રાય કર્યું. ઝુકીનીને નૂડલ્સની જેમ છીણી લેવામાં આવી છે અને એને કાજુના દૂધમાં મેરિનેટ કરીને એમાં બ્રૉકલી, ચેરી ટમેટો નાખવામાં આવ્યાં છે. ઉપરથી ઑરેગાનો, ચિલી ફ્લેક્સનું સીઝનિંગ સૅલડની તમારી વ્યાખ્યા જ ચેન્જ કરી દેશે. 
કાચું ફરસાણ આમ બને
દહીંવડું સહેજ પણ કાચું રહી ગયું હોય તો એ કેમનું ગળે ઊતરે? પણ અહીં તો દહીંવડું રાંધ્યું જ નથી અને છતાં એ ટેસ્ટી છે; કેમ કે એ અડદની દાળનું નહીં, પૌંઆનું છે. દહીં પણ સિંગદાણાના દૂધમાંથી બનાવેલું છે અને દહીં જેવું જ ગાઢું ટેક્સ્ચર ધરાવે છે. એના પરનું સીઝનિંગ બધું જ આપણાં નૉર્મલ દહીંવડાં જેવું જ. જો કોઈને કીધું ન હોય કે આ કાચું દહીંવડું છે તો તેને અણસાર પણ ન આવે. એવું જ મૂઠિયાંનું છે. બારીક સમારેલી પાલક અને બારીક છીણેલી દૂધીમાં બાઇન્ડિંગ તરીકે પલાળેલા પૌંઆ અને બાકીનો બધો જ મસાલો મૂઠિયાં જેવો જ. દેખાવમાં સફેદ લાગે, પણ સ્વાદમાં ખબર ન પડે. આવી જ અનોખી ટેક્નિકથી બનાવેલાં ખીચું, વેજિટેબલ ઢોકળાં, ઉપમા, પુલાવ અને કઢી સુધ્ધાં અહીં રૉ ફૉર્મમાં જ મળે છે. અમે કાજુ-કારેલાંનું કાચું શાક ટેસ્ટ કર્યું એ તો સુપર સે ઉપર હતું. સાચું કહું તો અહીંની દરેક વસ્તુ ટ્રાય કરવા માટે બે-ત્રણ વિઝિટ કરવી પડે એમ છે. 
ગિલ્ટ-ફ્રી ગુણકારી મીઠાઈ
કોઈ પણ સ્પેશ્યલ ડાયટ હોય, એમાં મીઠાઈ પર રિસ્ટ્રિક્શન હોય જ હોય; પણ ન્યુ ડાયટ સિસ્ટમની વાત જુદી છે. આ કૅફેમાં તમને ફ્રેશ મીઠાઈઓ પણ અઢળક મળશે અને ડબ્બામાં ભરીને રાખી શકાય એવી સ્વીટ્સ પણ. ફ્રેશમાં ગાજરનો હલવો, બીટનો હલવો, મસ્ક મેલન, પમ્પકિન અને મૅન્ગોની મીઠાઈ મળે. દૂધીની ખીર અને સીઝનલ ફ્રૂટ્સની બાસુંદી પણ વીગન. આ ઉપરાંત ડબ્બો ભરીને રાખી મૂકી શકાય એવા તલના લાડુ, મેથીના લાડુ, સુજીના લાડુ, નારિયેળના લાડુ, ચૉકલેટ અને ૭ સીડ્સના લાડુ જેવી મીઠાઈઓ પણ ક્યાંય ચૂલાનો ઉપયોગ કર્યા વિના બનાવાઈ છે. બધી જ સ્વીટ ઑર્ગેનિક અને કેમિકલ-ફ્રી ગોળમાંથી બને એટલે ત્રણ-ચાર નાની લાડુડી પેટમાં પધરાવી દીધી હોય તોય ગિલ્ટ ન થાય. 
છેક છેલ્લે અમે જે પાચક મુખવાસ ખાધો એ પણ મજાનો. ચિયા સીડ્સ, પમ્પકિન સીડ્સ, અળસી, તલ જેવાં ‌સીડ્સની સાથે ખારેકનો બારીક ભૂકો અને ચપટીક પિન્ક સૉલ્ટ એમાં હતું જે મોં ચોખ્ખું કરી દે અને પાચન સતેજ. 

મીલ ઑપ્શન્સ પણ છે

આ ભોજનશૈલી પર આધારિત કૅફે છે એટલે એકાદ દિવસ આ ટ્રાય કરી લો એવું ન ચાલે. કાચું ભોજન એ લોકોની જીવનશૈલી બની શકે એ માટે અહીં ૩૫૦ રૂપિયાનું મેગા અને ૨૫૦ રૂપિયાનું મિની મીલ-બૉક્સ પણ મળે છે. શિખા સરવૈયા કહે છે, ‘અમે આ મીલ-બૉક્સનું મેનુ એવી રીતે તૈયાર કર્યું છે કે પંદર દિવસ સુધી એક પણ વાનગી રિપીટ ન થાય.’ છેલ્લા છ મહિનાથી સંપૂર્ણપણે રાંધેલું ભોજન છોડીને કાચું જ ખાનારા જિતુભાઈ કહે છે, ‘એક વાર તમે ટ્રાય કરશો તો એના ફાયદા તમને જાતે જ સમજાઈ જશે.’

 

columnists sejal patel