વાળ નહીં કપાવું એવું નક્કી કરનારા 10 વર્ષના છોકરાએ જ્યારે વાળ કપાવ્યા..

12 February, 2021 01:00 PM IST  |  Mumbai | Varsha Chitalia

વાળ નહીં કપાવું એવું નક્કી કરનારા 10 વર્ષના છોકરાએ જ્યારે વાળ કપાવ્યા..

વાળ નહીં કપાવું એવું નક્કી કરનારા 10 વર્ષના છોકરાએ જ્યારે વાળ કપાવ્યા...

ત્યારે જબરજસ્ત ઇમોશનલ માહોલ ખડો થઈ ગયો હતો. હમઉમ્ર છોકરીઓને ઇર્ષા થઈ આવે એવા સુંદર, લાંબા અને જથ્થાદાર વાળ ધરાવતા થાણેના માહિર દેઢિયાએ તેના ૩૬ ઇંચ લાંબા વાળ કૅન્સરના દરદીઓના ચહેરા પર ખુશી લાવવા માટે ડોનેટ કર્યા એની પ્રેરણાત્મક દાસ્તાન વાંચીને તમારા ચહેરા પર પણ મુસ્કાન આવી જશે

વાળની લેન્ગ્થ ૩૬ ઇંચ. મમ્મી માથામાં તેલ નાખીને બે ચોટલા ઓળી આપે પછી સ્કૂલમાં જવાનું. દસ વર્ષની ઉંમર સુધી સલૂનમાં ન ગયેલા થાણેમાં રહેતા માહિર દેવેન દેઢિયાને કૅન્સરના દરદીઓ માટે હેર ડોનેટ કરવાની ઇચ્છા થતાં સાત ફેબ્રુઆરીએ ઝૂમ પર લાઇવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. અનેક લોકોની સમક્ષ વાળમાં પહેલી વાર કાતર ફરી ત્યારે તેનાં મમ્મી-પપ્પા સહિત ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. આટલી નાની ઉંમરે કૅન્સરપીડિતોનું દરદ સમજનારા આ ગુજ્જુ બૉયે વાળ કેમ વધારેલા અને હવે કેમ કપાવ્યા એની દાસ્તાન બહુ જ પ્રેરણાદાયી છે.
આ રીતે કર્યું ડોનેટ
પંદર દિવસ પહેલાં અચાનક માહિરે કહ્યું કે વાળ ડોનેટ કરવા છે. હેર તેનો ફર્સ્ટ લવ હોવાથી વાત સાંભળીને અમે સ્તબ્ધ થઈ ગયા એમ જણાવતાં દેવેનભાઈ કહે છે, ‘નાનપણથી તેને પોતાના વાળ અતિ પ્રિય હતા. મમ્મી સિવાય કોઈને પણ માથામાં હાથ ફેરવવાની ઘસીને ના પાડી દેતો માહિર વાળ દાનમાં આપવાની વાત કરે ત્યારે સ્વાભાવિક છે આશ્ચર્ય થાય. પહેલાં તો તેના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કર્યો. વાસ્તવમાં એણે ઇન્ટરનેટ પર વાંચ્યું હતું કે કૅન્સરની સારવાર દરમિયાન માથાના વાળ ખરી જતાં દરદીઓ હતાશ થઈ જાય છે.
તેમના ચહેરા પર ખુશી લાવવા વાળ ડોનેટ કરવા જોઈએ.’
ડોનેશન આપવા માટે રૂપિયા હોવા જરૂરી નથી, તમને ગમતી વસ્તુ પણ આપી શકાય. માહિર કહે છે, ‘બીજાને મદદ કરીએ એ ભગવાનને ખૂબ ગમે એવું પેરન્ટ્સ હંમેશાં કહેતા. દુનિયામાં ઘણાબધા લોકો મની વગર બીજાને હેલ્પ કરે છે. કૅન્સર પેશન્ટ માટે ઘણા લોકો હેર ડોનેટ કરતા હોય છે એવું જાણ્યા પછી વાળ કપાવવાનો વિચાર આવ્યો હતો. મારા વાળ મેળવીને કોઈના ચહેરા પર સ્માઇલ આવશે. જોકે છેલ્લી ઘડીએ રડવું આવી ગયું હતું, કારણ કે આઇ લવ માય હેર વેરી મચ. પછી મમ્મી-પપ્પાએ મોટિવેટ કર્યો.’
ફરી વાતનો દોર હાથમાં લેતાં દેવેનભાઈ કહે છે, ‘માહિર પોતાના નિર્ણયમાં મક્કમ છે એવું કન્ફર્મ થયા બાદ હેર ડોનેશન કઈ રીતે કરવું એની જાણકારી મેળવવા ઇન્ટરનેટ પર ખણખોદ કરી. મુંબઈની તાતા કૅન્સર હૉસ્પિટલે કાઉન્સેલરનો નંબર આપ્યો અને કાઉન્સેલર દ્વારા ‘હેર ફૉર હોપ ઇન્ડિયા’ના પ્રેમી મૅથ્યુ સાથે વાત થઈ. હાલમાં તેઓ દુબઈમાં હોવાથી ઝૂમ પર લાઇવ પ્રોગ્રામ રાખવાનું નક્કી થયું. અમે વિચાર્યું હતું કે ઘરમાં જાતે ચોટલી કાપી નાખવી અને પછી સલૂનમાં જઈ વ્યવસ્થિત હેરસ્ટાઇલ કરાવી લેવી. જોકે, માહિરના નિર્ણયથી પ્રભાવિત થઈ મુલુંડસ્થિત હિપસ્ટર સલૂને આખો કાર્યક્રમ આયોજિત કરવાની તૈયારી બતાવી. પ્રેમી મૅથ્યુએ માહિરના વાળની લેન્ગ્થ અને ઘેરાવો જોઈ પાંચ ચોટલી વાળીને આવવાની ભલામણ કરી હતી. સલૂનમાં અમે ચાર જણ ગયા હતા. પહેલી ચોટલી મેં કાપી, બીજી તેની મમ્મીએ અને ત્રીજી મારી ભાણેજ ધ્રુવી બૌઆએ કાપી હતી. આ વાળને કુરિયર દ્વારા મોકલવાના છે. એમાંથી કૅન્સર પેશન્ટ માટે વીગ બનાવવામાં આવશે.’
હેર સાથે પ્રેમ
માહિરને વાળ પ્રત્યે જેટલો પ્રેમ હતો એટલો જ લગાવ તેની મમ્મીને પણ હતો. રીટાબહેન કહે છે, ‘સંતાનના જન્મના અમુક મહિના બાદ વાળ ઉતારવાની પ્રથાને અમારામાં ચીડ જુવાર કહે છે. માહિર છ મહિનાનો હતો ત્યારે દેશમાં જઈ વિધિવત આ કાર્ય કર્યું હતું. ત્યાર બાદ સલૂનમાં જઈને વાળ કપાવીએ એટલો ગ્રોથ આવતાં ઘણો સમય લાગ્યો. દોઢેક વર્ષની ઉંમરે વાળ કપાવવા લઈ ગયા તો ખૂબ રડવા લાગ્યો એટલે પાછા આવી ગયા. એ દિવસે તેને તાવ ચડી આવ્યો. બે-ત્રણ વાર પ્રયત્ન કરી જોયો. દર વખતે રડવા લાગે અને તાવ ચડી આવે. સમજણો થશે ત્યારે વાત એમ વિચારી અમે પ્રયાસ છોડી દીધો. જોકે સમજણો થયા પછી પણ માહિર વાળ કપાવવા તૈયાર ન થયો. તેણે હઠ પકડી કે લાઇફમાં ક્યારેય વાળ કપાવવા નથી.’
રીટાબહેન જણાવે છે કે માહિરની બધી ચૉઇસ અને ઍટિટ્યુડ છોકરા જેવા છે, ફક્ત વાળને લઈને પઝેસિવ હતો. માથામાં તેલ નાખવાનું, શૅમ્પૂ કરવાનું, ચોટલા વાળવા બધું મારી પાસે જ કરાવે. અમારી વચ્ચે કનેક્ટિવિટીનું મુખ્ય સાધન હવે નથી રહ્યું. ગળગળા અવાજે તેઓ કહે છે, ‘રાત્રે વાળમાં મારી આંગળી ફરે પછી તેને ઊંઘ આવે. પોતાના વાળનો તકિયો બનાવીને સૂતો હતો. બૉય થઈને ચોટલી ઓળે છે એમ કહી સ્કૂલમાં બધા ચીડવતા. જોકે ટીચર્સનો સપોર્ટ હોવાથી ઇગ્નૉર કરતાં શીખી ગયો. માહિરના લાંબા સુંવાળા વાળ જોઈને ગર્લ્સને પણ ઈર્ષ્યા થતી. શૉપિંગ કરવા જાઉં ત્યારે ફૅન્સી હેરબૅન્ડ સહિત જાતજાતની હેર ઍક્સેસરીઝ ખરીદી લાવું. નાનપણમાં દીકરી જેવાં લાડ લડાવ્યાં છે. ફ્રૉક પણ પહેરાવતી. વાળ કાપી નાખ્યા પછી ઘણુંબધું મિસ થઈ રહ્યું હોય એવું લાગે છે. રૂટીન લાઇફ ચેન્જ થઈ ગઈ છે. હવે સ્કૂલમાં બાબરી પાડીને જશે ત્યારે કેવો લાગશે એવું વિચારીને આંખમાં આંસુ આવી જાય છે.’
થાણેની યુનિવર્સલ હાઈ સ્કૂલના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા માહિરે વાળ ડોનેટ કર્યા છે એવી જાણ થયા બાદ ટીચર્સ અને સ્કૂલ ફ્રેન્ડ્સે ઑનલાઇન ક્લાસમાં અપ્રિશિયેટ કર્યું હતું. મૂળ વાગડ વીસા ઓસવાળ જૈન સમાજના દેવેન દેઢિયા લેડીઝ ગાર્મેન્ટના શોરૂમમાં જૉબ કરે છે, જ્યારે તેમનાં વાઇફ રીટા હોમમેકર છે. માહિર તેમનું એકમાત્ર સંતાન છે.
લાંબો ચોટલો કપાઈ જતાં માથા પરથી ભાર હળવો થયો હોય એવું લાગે છે, પણ ગમતું ન હોવાથી માહિર ફરીથી વાળ ગ્રો કરવા માગે છે.

આ મોમેન્ટ્સ કદી નહીં ભુલાય

(૧) દીકરાના વાળમાં તેની મમ્મીએ ઘણા એક્સપરિમેન્ટ્સ કર્યા છે. ત્રણ મહિના પહેલાં માહિરનાં ફઈના દીકરાનાં લગ્ન વખતે પ્રોફેશનલ હેરસ્ટાઇલિસ્ટ પાસે હેરસ્ટાઇલ કરાવી હતી.
(૨) દેશમાં જતા હતા ત્યારે રસ્તામાં ટિકિટ ચેકર આવ્યો. ટિકિટ પર મેલ (પુરુષ) લખેલું જોઈ ટીસીએ પેરન્ટ્સને ફાઇન ભરવાનું કહ્યું. તે માનવા જ તૈયાર નહોતો કે લાંબા વાળમાં બૉય હોઈ શકે. ટીસી સાથે થઈ રહેલી માથાકૂટ જોઈને આજુબાજુના પ્રવાસીઓ પણ માહિર સામે જોવા લાગ્યા હતા.
(૩) મૉલ્સ અને થિયેટરમાં માહિરને લઈ તેના પપ્પા વૉશરૂમમાં જતા ત્યારે ઘણા લોકો કહેતા કે ગર્લને જેન્ટ્સ ટૉઇલેટમાં કેમ લાવો છો? તેની મમ્મી સાથે મોકલવી જોઈએ. દેવેનભાઈ ઘણી વાર આવી કફોડી સ્થિતિમાં મુકાયા છે.
(૪) કપડાંની ખરીદી કરતી વખતે જો કંઈ કહો નહીં તો દુકાનવાળો માહિરને જોઈને ગર્લ્સના ડ્રેસ બતાવવા લાગ્યો હોય એવા તો અઢળક અનુભવો થયા છે.

thane columnists Varsha Chitaliya