શીખવી ન શકાય એવી આ સદ્બુદ્ધિ કેળવવાની ક્ષમતા જાતે જ લાવવી પડશે

18 January, 2020 02:37 PM IST  |  Mumbai | Manoj Joshi

શીખવી ન શકાય એવી આ સદ્બુદ્ધિ કેળવવાની ક્ષમતા જાતે જ લાવવી પડશે

સિવિક સેન્સ.

આ શબ્દને સાદી ભાષામાં સમજાવવાનો હોય તો કહેવું પડે કે જાહેર જીવનમાં રહેવાની કળા અને આ કળા કોઈ હિસાબે એકડા-બગડાની જેમ શીખવી ન શકાય કે પછી એની મહારત હાંસલ કરવાનો કોઈ રસ્તો દર્શાવી ન શકાય. આ કળા માત્ર ને માત્ર જાતમાં કેળવી શકાય, પણ ક્યારેય એને શીખવી ન શકાય. હવે મુદ્દો એ છે કે જાતમાં કઈ રીતે આ કળાને ડેવલપ કરી શકાય? સદ્બુદ્ધિથી અને આસપાસમાં રહેલા સૌકોઈના આચરણથી. તમે જુઓ કે મંદિરમાં કોઈ ચંપલ કે શૂઝ પહેરીને નથી જતું. કોઈ એટલે કોઈ પણ નહીં. સમજણ આવ્યા પછી બાળક પણ મંદિરમાં શૂઝ પહેરીને જવાની ભૂલ નથી કરતું. કારણ શું? કારણ એ જ કે આ સદ્બુદ્ધિ તેને સૂતાં-બેસતાં-ખાતાં-પીતાં કે પછી શ્વસનપ્રક્રિયા કરતાં દરેક તબક્કે શીખવવામાં આવી છે. આ પ્રક્રિયાને સમજાવવા સભાનપણે પ્રયાસ થયો છે અને એ જ પ્રયાસનું પરિણામ એ આવ્યું છે કે મંદિર સાથે કઈ રીતે રહેવું, મંદિરમાં કયા પ્રકારની વર્તણૂક કરવી એની સમજણ બાળ અવસ્થામાં જ આવી જાય છે. સિવિક સેન્સનું પણ એવું જ છે. જે તમે કરશો એ નવી પેઢી કરશે.

આગળ વાત વધારતાં પહેલાં મારે કહેવું છે કે આજની નવી પેઢીની સિવિક સેન્સ આપણી જનરેશન કરતાં ૧૦૦૦ ગણી ચડિયાતી છે એની ના નથી જ નથી, પણ એ સિવિક સેન્સ તેમના પૂરતું સીમિત છે. એને આગળ કઈ રીતે લઈ જવી એના પર તેમણે વિચાર નથી કર્યા. હા, અમુક યંગસ્ટર્સ તેના પરિવારના સભ્યોની સાથે ચોખ્ખાઈ અને સ્વચ્છતાની બાબતમાં કડક થઈને વર્તે છે પણ અમુક પરિવાર પૂરતી આ વાત સીમિત છે. બાકીના સૌકોઈ પોતાના પૂરતી આ સેન્સ રાખે છે અને એનું પાલન કરે છે. એમાં પણ કાંઈ ખોટું નથી, પરંતુ મુદ્દો અહીં પૂરો નથી થતો. મુદ્દો છે એકેક બાબતમાં સિવિક સેન્સના અમલનો, એકેક બાબતમાં નાનામાં નાની સમજણના ઉપયોગનો.

સિવિક સેન્સનું પાલન સૌકોઈએ અસરકારક રીતે કરવું પડશે. જો હું પાળીશ તો મારા પછીની જનરેશનમાં એનું વાવેતર થશે અને મારા પછીની જનરેશનમાં એનું વાવેતર થશે તો જ એના પછીની જનરેશનમાં એ ઊગીને આંખે વળગશે. આજે તમે યુરોપના દેશોમાં જઈને જુઓ સાહેબ, એક જગ્યાએ સ્વચ્છતાનું બોર્ડ નથી માર્યું, એક જગ્યાએ કોઈ નિયમાવલિની યાદી નથી લટકતી કે કોઈ જગ્યાએ ડરાવવામાં નથી આવ્યા કે અહીં આવું કે તેવું કરવાથી તમારે યુરો અને પાઉન્ડમાં દંડ ભરવો પડશે. ના, એવું કાંઈ નથી અને એ પછી પણ એકેક માણસની સિવિક સેન્સ તમે જુઓ તો તમારું હૈયું ગદ્ગદ થઈ જાય. તમે ભૂલથી પણ સિગારેટનું જિલેટીન એટલે કે પેલું ટ્રાન્સપરન્ટ રેપર પણ ફેંક્યું હોય કે કહો કે તમારાથી એ પડી ગયું હોય તો આજુબાજુમાં રહેલા સૌકોઈના ચહેરાના ભાવ બદલાઈ જાય. જો તમે ઇરાદાપૂર્વક ફેંક્યું હોય તો કોઈ ટોણો મારીને એ ઉપાડે અને તમને હાસ્યાસ્પદ રીતે પૂછે ઃ ઇન્ડિયન?

આ જે હાસ્યાસ્પદ રીત છે પૂછવાની એ રીતને હાંકી કાઢવાનો સમય આવી ગયો છે. જરા વિચાર તો કરો કે તમે કચરો કરો અને લોકો તમારા દેશનું નામ લઈ લે એ કેવી બીભત્સ ઓળખ કહેવાય?

manoj joshi columnists