કેન્દ્રીય અને સ્વકેન્દ્રીય : હાથી અને ઘોડા વચ્ચે કેટલો ફરક હોય?

08 January, 2020 04:35 PM IST  |  Mumbai | Manoj Joshi

કેન્દ્રીય અને સ્વકેન્દ્રીય : હાથી અને ઘોડા વચ્ચે કેટલો ફરક હોય?

હંમેશાં કહેવાતું રહ્યું છે કે કેન્દ્રીય હોવું જોઈએ, કેન્દ્રીય હોવાથી જ કામ કરવા માટેની ધગશ ઉમેરાય અને કેન્દ્રીય હોઈએ તો જ જીવનમાં તમે ગોલને પામી શકો. ડૉક્ટર બનવા માટે પણ આ જ વાત લાગુ પડે અને એક ઍક્ટર, સારા ઍક્ટર બનવા માટે પણ આ જ વાત લાગુ પડે. કેન્દ્રીય હોવું જ જોઈએ. દરેકેદરેક વ્યક્તિએ કેન્દ્રીય થવું જ જોઈએ અને બનવું જ જોઈએ, પણ વાત કેન્દ્રીય બનવાની છે, સ્વકેન્દ્રીય બનવાની નહીં. સ્વકેન્દ્રીય હોવું અને કેન્દ્રીય હોવું એ બન્ને વચ્ચે મસમોટો તફાવત છે. સ્વકેન્દ્રીય બનવાથી કે પછી સ્વકેન્દ્રીય હોવાથી વિકાસ થતો હોય છે, પણ એ વિકાસ પામી લીધા પછી એક સમયે, એક તબક્કે એકલા પડી જવાનો ભય સતત અકબંધ રહે છે એટલે સ્વકેન્દ્રીય થઈને એકલા પડી જવા કરતાં બહેતર છે કે માત્ર કેન્દ્રીય, કામની બાબતમાં કે પછી દિશાની બાબતમાં કેન્દ્રીય રહેવામાં આવે અને સૌકોઈ સાથે સંબંધોથી કપાઈ જાય એના કરતાં તો બહેતર છે કે કેન્દ્રીય બનીને, દિશાવિહીન ન થવું અને સૌકોઈ સાથે પણ જોડાઈ રહેવું.

કેટલાંક પ્રોફેશન એ પ્રકારનાં છે પણ ખરાં જેમાં કેન્દ્રીય અને સ્વકેન્દ્રીય એ શબ્દો વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસાઈ જતી હોય છે અને વ્યક્તિ પોતાની આજુબાજુનું સર્કલ તોડીને એ દિશામાં આગળ વધી જાય છે, જ્યાં તેણે એકલા પડી જવું પડે છે. હું હંમેશાં કહું છું કે સફળતાનો આનંદ સહિયારો જ આવે અને સહિયારા આનંદમાં જ ખુશી હોય છે. આ સહિયારી ખુશી મેળવવા જતાં બને કે ક્યારેક તમે કોઈ તકને છોડી પણ હોય અને ક્યારેક તમે કોઈ તક ધારતા હો, ઇચ્છતા હો તો પણ એને લઈ ન શક્યા હો, પણ એ રીતે બે ડગલાં પાછળ રહી જવામાં કાંઈ ખોટું નથી. ઊગવાનું સાથે હોય અને લહેરાવાનું પણ સાથે હોય. જો આ કામ ન થઈ શકે તો તમે કોઈ જ લાયકાત નથી ધરાવતા એવું માની લેવામાં સહેજ પણ ખોટું નથી, કારણ કે સ્વકેન્દ્રીય બનનારાઓને મળનારી સફળતામાં અનેક લોકોના નિસાસા જોડાયેલા હોય છે. આગળ વધો, પુષ્કળ સફળતા પામો, પણ એ સફળતામાં કોઈનો અપજશ કે નિસાસા ન હોવા જોઈએ. હું કહીશ કે એ પ્રકારે આગળ વધવાનો કોઈ અર્થ પણ નથી. દુનિયા તમારાં વખાણ કરતાં થાકતી ન હોય અને તમારી સામે જોવા માટે પરિવારનું કોઈ સભ્ય રાજી ન હોય ત્યારે સમજવું કે ભૂલ તમે કરી છે અને તમને સફળતા આપવાની ભૂલ કુદરત કરી બેઠી છે. કુદરતને અફસોસ થવાનું શરૂ થાય એ પહેલાં સ્વકેન્દ્રીયપણાને તરછોડી દેવું જોઈએ. જો તમે વિકાસ ઇચ્છતા હો, આગળ વધવાની ભાવના ધરાવતા હો અને જો તમે નવી ઊંચાઈઓ હાંસલ કરવા માગતા હો તો સ્વકેન્દ્રીયપણાને છોડવાની તૈયારી રાખવી પડશે. મોટા ભાગના કદીવાિસ્સામાં એવું પણ બનતું હોય છે કે સ્વકેન્દ્રીયપણાને કારણે આસપાસના સૌકોઈ છોડીને નીકળી જવા માંડે અને એ પછી બહાનું ઈર્ષ્યાનું કે સ્વાર્થનું ધરી દેવામાં આવે, પણ હકીકત જુદી હોય છે.

જો હકીકતને વાજબી રીતે સ્વીકારવાની તૈયારી નહીં હોય તો દરેક વાતમાં જવાબ તમને સાંપડી જશે, પણ એ જવાબ પછી પણ તમે સાચા નહીં હો એ હકીકત પણ અકબંધ રહેશે. બહેતર છે કે કેન્દ્રીય બનીને આગળ વધો અને સાથે રહેલા સૌકોઈને પણ આગળ લઈ જવાની પ્રક્રિયા કરો. આ જ જીવન છે, આ જ જીવનનો ક્રમ છે.

manoj joshi columnists