વિલ બનાવ્યું?

27 December, 2018 12:55 PM IST  |  | Apara Mehta

વિલ બનાવ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ

ફ્રેન્ડ્સ, મેં મોટી અને જૉઇન્ટ ફૅમિલીના વિષય પર આધારિત હોય એવી ખૂબ સિરિયલો કરી છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે હું પોતે રિયલ લાઇફમાં તો સાવ નાના કહેવાય એવા પરિવારમાં જ જીવી છું. અગાઉ મેં કહ્યું છે, પણ આજે ફરી વાર વાત નીકળી છે એટલે કહી દઉં છું કે હું મારા પેરન્ટ્સનું એકમાત્ર સંતાન, મારે કોઈ ભાઈ કે બહેન નહીં. મારો જન્મ થયો ત્યારે જ દાદા-દાદીની ગેરહયાતી હતી. હા, અદ્ભુત કહેવાય એવાં મારાં નાના-નાની હતાં, પણ મને તેમની સાથે પણ નાનપણનો થોડો જ સમય રહેવા મળ્યું. હું નાની હતી ત્યારે જ તેમનો દેહાંત થયો એટલે પછી બાકી બચ્યાં ત્રણ જણ. હું અને મારાં મમ્મી-પપ્પા. આમ જોઈએ તો આજના સમયમાં તો આ એક પર્ફેક્ટ ફૅમિલી જ કહેવાય.

નાની હતી ત્યારે બધા મને સ્કૂલમાં પૂછતા કે તને કેટલાં ભાઈ-બહેન છે તો મને જવાબ આપવામાં તકલીફ પડતી. હું ધીમેકથી કહેતી કે એક પણ ભાઈ કે બહેન નથી, હું એકલી જ છું. મારો જવાબ સાંભળીને બધા મારી સામે સૅડ થઈને જોતાં કે બિચારીને કોઈ ભાઈબહેન નથી. તેમનાં ઊતરેલાં મોઢાં જોઉં ત્યારે મને દુ:ખ થતું અને હકીકતમાં પણ મને દુ:ખ થતું. તહેવાર આવે ત્યારે એકલી હોઉં એવી ફીલિંગ્સ પણ આવતી. ખાસ કરીને રક્ષાબંધન કે પછી જાગરણના દિવસો હોય ત્યારે. પણ સાચું કહું તો મને ક્યારેય એ વાત મારા પેરન્ટ્સને પૂછવાની અગત્યની નહોતી લાગી કે મારે કેમ ભાઈબહેન નથી.

લોકો મને એવું પણ પૂછતાં કે તું એક જ છો તો તને ક્યારેય એકલું નથી લાગતું? તો હું જવાબમાં સ્પષ્ટ ના પણ પાડી દેતી અને હકીકત પણ હતી કે મને ક્યારેય એકલું લાગતું નહોતું. મારા મતે તો હું એક હોઉં એ બહુ સામાન્ય વાત હતી. તમે માનશો નહીં પણ એક તબક્કો એવો પણ આવ્યો કે કોઈને ભાઈ-બહેન હોય એ મને ઍબ્નૉર્મલ લાગવા માંડ્યું અને મને લાગવા માંડ્યું કે તમારી સાથે શૅરિંગ કરી શકે એવો કોઈ ભાઈ કે બહેન હોય એ તમને કેવી રીતે ગમી શકે? સાચું કહું તો અમુક બાબતમાં મારી આ ફીલિંગ આજ સુધી અકબંધ રહી છે. ખાસ કરીને પેરન્ટ્સની બાબતમાં. મમ્મી-પપ્પાને કેવી રીતે કોઈની સાથે શૅર કરી શકાય, એ તો મારાં જ હોય અને મારાં જ રહેવાં જોઈએ. ઘરમાં મારી ચીજ જેમ પડી હોય એમ જ પડેલી હોવી જોઈએ. આ આધિપત્યની જે લાગણી છે એ મારા મનમાં કાયમ રહી છે અને એમાં મને કશું ખોટું પણ નથી લાગતું. હું કહીશ કે મારાં મમ્મી અત્યંત મૉડર્ન વિચારોનાં છે. તેમની ઉંમર અત્યારે ૮૬ વર્ષની છે, પણ અમુક બાબતમાં તે મારા કરતાં પણ વધારે ફૉર્વર્ડ વિચારધારા ધરાવે છે. હું મારી દીકરી અને મમ્મી સાથે રહું છું. આમ અમે એક ઘરમાં કુલ ત્રણ જણ થઈએ. હું નહીં, પણ મારી મમ્મી જ એવું માને છે કે થ્રી ઇઝ કંપની ઍન્ડ ફોર ઇઝ ક્રાઉડ.

નૉર્મલી આવી વાતની લોકોને નવાઈ લાગે, પણ સાચું પૂછો તો મારાં મમ્મીનો આ જ સ્વભાવ છે અને આ જ સ્વભાવ મારામાં આવ્યો છે. મને લાગે છે કે મારી અને મારા પેરન્ટ્સની લાઇફમાં એક બહુ મોટી સમાનતા છે અને એ સમાનતા એટલે એક બાળકની ઝંખના. મારા પેરન્ટ્સમાંથી મારા પપ્પા તો અત્યારે હયાત નથી એટલે મમ્મી સાથે જ બધી જૂની વાતો થઈ શકે. થોડા દિવસો પહેલાં મેં મમ્મીને પૂછ્યું હતું કે મમ્મી, તમે લોકોએ કેમ બીજા બાળકનો વિચાર ન કર્યો તો તેમણે મને કહ્યું કે અમારું પહેલેથી જ નક્કી હતું કે જે કોઈ બાળક હશે તે એક જ હશે, નો શૅરિંગ. કોઈ ભાગ પાડવાની વાત જ નહીં અને એવું કરવાનું પણ નહીં. જે કંઈ હશે એ બધું એક જ બાળકનું. મારા નસીબમાં પણ એ જ આવ્યું અને મારે અને દર્શનને પણ એક જ દીકરી છે, ખુશાલી.

આ તો થઈ મારા ઘરની અને મારા નાનપણની વાત, પણ મારાં જે જગ્યાએ મૅરેજ થયાં એ ઘરમાં પણ સભ્યો બહુ ઓછા છે. મારા હસબન્ડ દર્શનને એક મોટા ભાઈ છે. તે, તેમનાં વાઇફ અને તેમને એક દીકરો. આજના સમયની એક પર્ફેક્ટ ફૅમિલી છે આ.

જ્યારે પણ હું લોકોના મોઢે મોઓઓઓટી ફૅમિલી વિશે સાંભળું ત્યારે મને નવાઈ લાગે કે આ બધા એકસાથે મોટા થયા પછી પણ સાથે જૉઇન્ટ ફૅમિલીમાં કઈ રીતે રહી શકતા હશે? અગાઉ મેં કહ્યું એમ, મારી બધી સિરિયલ્સમાં પણ મોટી ફૅમિલી જ જોવા મળે છે. એ સિરિયલ જોઈને ઘણા મને કહેવા આવે કે અમે ચાલીસ જણ એક છત નીચે રહીએ છીએ અને અમે એકાવન જણ એક છત નીચે રહીએ છીએ.

મારા હિસાબે મેં જેટલા કિસ્સા જોયા-સાંળ્યા એ પ્રમાણે મોટા થયા પછી સંતાનો વચ્ચે પ્રૉપર્ટી કે પૈસાના ભાગ પાડવાના આવે ત્યારે સંતાનોને ખૂબ પ્રૉબ્લેમ થાય છે. એમાં પણ જો બિઝનેસ પણ બધાનો સાથે હોય તો-તો ખાસ તકલીફો પડે. મારા એક રિલેટિવની વાત કરું તમને. તેમનો એક બંગલો હતો જે તેમણે ખૂબ સંઘર્ષ પછી પ્રેમથી બનાવ્યો હતો. આ જે બંગલો હતો એ તેમનો જીવ હતો એવું કહું તો પણ ચાલે. ફૅમિલીમાં પાંચ બાળકો હતાં. ત્રણ ભાઈઓ અને બે બહેનો. એક ભાઈ પિતા સાથે બંગલોમાં રહેતો અને છેલ્લી ઘડી સુધી તેણે જ પિતાની સારસંભાળ રાખી. છેલ્લે જ્યારે વડીલ ગુજરી ગયા ત્યાં સુધી કોઈ આવ્યંત નહીં કે કોઈએ જવાબદારી લીધી નહીં, પણ જ્યારે બંગલો વેચવાની વાત આવી કે તરત જ બધાં હાજર થઈ ગયાં. હવે બધાંને ભાગ જોઈતો હતો. વડીલનાં અંતિમ વર્ષોમાં દવા પાછળ ખૂબ પૈસો ખર્ચાયો હતો, પણ એ સમયે કોઈ ભાઈ-બહેન ભાગ આપવા આવ્યાં નહીં; પણ પ્રૉપર્ટીના જેવા ભાગ પડવા શરૂ થયા કે તરત જ બધાં પહોંચી ગયાં. આ તો હજી ઠીક છે, પણ ઘણી વાર તો બધાં એકબીજા સામે ર્કોટમાં પણ ચડે છે અને કોર્ટે ચડ્યા પછી નાનપણમાં સાથે ઊછર્યાં હતાં એ પ્રેમ પણ ભૂલી જાય છે. મને ક્યારેય સમજાયું નથી કે એક જ માબાપનાં સંતાનો અચાનક કેમ બદલાઈ જાય. આવા ઘણા કિસ્સા તમે પણ સાંળ્યા હશે.

મને લાગે છે કે આ જે તકલીફો છે એ તકલીફો ભાઈની વાઇફ કે પછી બહેનનો હસબન્ડ એટલે કે જમાઈ આવે ત્યારે શરૂ થતી હોય છે. ઘણી વાર તો પ્રૉપર્ટીના કારણે એવું પણ બને છે કે ભાઈ પોતાના નાના કે મોટા ભાઈ સાથે કે પછી ભાઈ પોતાની નાની કે મોટી બહેન સાથે બોલવાનું પણ બંધ કરી દે. મેં એવું પણ જોયું છે કે વર્ષોથી ફૉરેનમાં સેટલ થયા હોય, મિલિયન્સ ડૉલર કમાયા હોય; પણ વડીલોપાર્જિત મિલકતની વાત આવે કે તરત જ એ લેવા હાજર થઈ જાય. નાનપણમાં ભાઈબહેન એકબીજા માટે જેટલું જતું કરે છે એ બધું આવી સિચુએશનમાં સાવ ભુલાઈ જાય છે. હું જનરલ વાત કરું છું. આપણે ત્યાં એવા પણ કિસ્સાઓ બનતા હશે કે ભાઈએ બહેન માટે કે બહેને ભાઈ માટે પોતાનો ભાગ જતો કર્યો હોય અને સંબંધોની મીઠાશ જિંદગીભર અકબંધ રાખી હોય.

આજે હું જે કહેવા માગું છું એ વાત કદાચ કોઈને ન ગમે, પણ હું માનું છું માબાપે પોતાની હયાતીમાં જ વિલ બનાવી લેવું જોઈએ જેથી એકની કે પછી બન્નેની હયાતીમાં કોઈ પ્રૉબ્લેમ ન થાય અને છોકરાઓ અંગત રીતે એકબીજા સામે લડવા ઊભા ન થાય. જે પેરન્ટ્સ એવું નથી કરતા એ પેરન્ટ્સ અજાણતાં જ પોતાનાં સંતાનોને એકબીજા સામે લડાઈનો વારસો આપતા જાય છે. બીજી એક ખાસ વાત, જેમને એક જ બાળક છે તેમના પેરન્ટ્સે પણ પોતાની હયાતીમાં એ એક બાળકનું નામ દરેક જગ્યાએ દાખલ કરાવી દેવું જોઈએ, કારણ કે એક સંતાન હોય છે તેણે પણ એ પ્રૂવ કરવાનું હોય છે કે તે એકમાત્ર વારસદાર છે. આ વાતની મને હમણાં જ ખબર પડી. મારાં બહુ સારાં ફ્રેન્ડ એવાં ઍક્ટ્રેસ રીમા લાગુનો દેહાંત થયો એ બધાને ખબર છે, પણ એ કોઈને નથી કે ખબર કે રીમાબહેનને એક જ દીકરી હોવા છતાં વિલ નહીં હોવાના કારણે હવે તેણે પ્રૉપર્ટી પોતાના નામે કરવા માટે ખૂબ બધી જગ્યાએ ફરવું પડે છે અને રીતસરનો ત્રાસ સહન કરવો પડે છે. જોકે એમાં તો રીમાબહેનની નાની ઉંમર પણ જવાબદાર છે, પણ ફ્રેન્ડ્સ, એવો કૉન્ફિડન્સ રાખવો અર્થહીન છે. જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક હેરાન ન થાય તો નૉમિનેશન કરવા જેવું નાનું કામ તો યાદ રાખીને કરી લેવું જોઈએ. પાંચ મિનિટનું આ કામ છે એટલે એમાં વધુ સમય પણ નથી બગડવાનો.

જ્યારે પણ હું લોકોના મોઢે મોઓઓઓટી ફૅમિલી વિશે સાંભળું ત્યારે મને નવાઈ લાગે કે આ બધા એકસાથે મોટા થયા પછી પણ સાથે જૉઇન્ટ ફૅમિલીમાં કઈ રીતે રહી શકતા હશે? અગાઉ મેં કહ્યું એમ, મારી બધી સિરિયલ્સમાં પણ મોટી ફૅમિલી જ જોવા મળે છે. એ સિરિયલ જોઈને ઘણા મને કહેવા આવે કે અમે ચાલીસ જણ એક છત નીચે રહીએ છીએ અને અમે એકાવન જણ એક છત નીચે રહીએ છીએ.

columnists