મારાથી નહીં થાય - (લાઇફ કા ફન્ડા)

01 January, 2020 03:06 PM IST  |  Mumbai | Heta Bhushan

મારાથી નહીં થાય - (લાઇફ કા ફન્ડા)

વાત સાવ નાની છે, પણ સમજવા જેવી છે. ગણિતના સરે વર્ગમાં એક અઘરો દાખલો બોર્ડ પર લખ્યો અને કહ્યું કે ‘આજે તમારી આ સરપ્રાઇઝ ટેસ્ટ છે. મેં બોર્ડ પર જે દાખલો લખ્યો છે એ એક જ દાખલો છે, પણ ઘણો અઘરો છે. તમારામાંથી જે આ દાખલાનો જવાબ શોધી આપશે તેને હું ઇનામ આપીશ અને આ ટેસ્ટના દસ માર્ક પણ મળશે.’

સર આટલું બોલી ખુરશી પર બેસી ગયા. સરે જણાવ્યું છે કે અઘરો દાખલો છે એટલે ગણિતમાં નબળા વિદ્યાર્થીઓએ તો એને પૂરો વાંચવાની કોશિશ ન કરી અને મને નહીં આવડે એમ વિચારી બસ બેસી રહ્યા. નબળા વિદ્યાર્થીઓએ તો સાવ હાર માની લીધી. તેમના સિવાય દસ માર્ક મળવાના હતા એટલે સામાન્ય અને હોશિયાર એમ બધા વિદ્યાર્થીઓએ દાખલો વાંચી એનો જવાબ શોધવાનું શરૂ કર્યું. દાખલો અમુકને સમજાયો જ નહીં. તેમણે હથિયાર હેઠાં મૂક્યાં.

અમુક થોડા આગળ વધી અટકી ગયા. બસ, હવે વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ માની લીધું કે આ દાખલો મારાથી નહીં થાય અને પ્રયત્ન અધૂરો મૂકી બેસી ગયા.

અમુક હોશિયાર વિદ્યાર્થીઓ હજી કોશિશ કરી રહ્યા હતા. એક રીતે જવાબ ન આવે તો બીજી રીતે શોધવાનો, પરંતુ કોઈ પણ રીતે જવાબ મળતો ન હતો. એક-બે વિદ્યાર્થીઓએ તો દાખલામાં જ ભૂલ છે એમ કહી આગળ ગણવાનું છોડ્યું. બે મિત્રો સોમેશ અને લોકેશના પ્રયત્ન હજી ચાલુ હતા. થોડી વાર થતાં લોકેશ થાક્યો. તેણે પણ વિચાર્યું, બહુ અઘરો દાખલો છે, મારાથી નહીં થાય અને કંટાળીને આગળ ગણવાનું છોડ્યું.

સોમેશ બહુ મહેનતું હતો. તેણે વિચાર્યું, સરે દાખલો આપ્યો છે તો એનો જવાબ તો હશે જ અને કોઈ તો એ જવાબ શોધશે જ તો હું કેમ જવાબ શોધી ન શકું. સોમેશે પ્રયત્નો બંધ ન કર્યા. તે ગણતો રહ્યો. થોડી વધુ મહેનત બાદ તેને જવાબ મળી ગયો અને તેનો જવાબ સાચો હતો. આખા વર્ગમાં તે એક જ છોકરો હતો જે સાચો જવાબ શોધી શક્યો હતો. સરે તેને શાબાશી આપી, ઇનામ આપ્યું અને દસ માર્ક પણ મળ્યા.

આ નાનકડી વાત સમજીને આપણા જીવનમાંથી કાઢી નાખવા જેવા અમુક વાક્યો છે ‘મારાથી નહીં થાય’, ‘મને નહીં ફાવે કે મને નહીં આવડે’, ‘આ કામ હું ન કરી શકું’. ‘ભાઈ, આપણું તો કામ જ નહીં’ આવા વાક્યો આત્મવિશ્વાસના ઘાતક છે. એ માણસને સફળતાથી દૂર લઈ જાય છે. આવા ભ્રમમાંથી છૂટી આત્મવિશ્વાસ રાખી કોઈ પણ કામ કરવાથી વહેલી કે મોડી સફળતા મળે જ છે.

columnists