થેંક્યુ કહેવું શા માટે જરૂરી છે? ગ્રેટીટ્યૂડને બનાવો આદત

20 February, 2020 06:02 PM IST  |  Mumbai Desk | Ruchita Shah

થેંક્યુ કહેવું શા માટે જરૂરી છે? ગ્રેટીટ્યૂડને બનાવો આદત

દિવસમાં જેટલી વાર થૅન્ક યુ શબ્દ બોલશો, લખશો અને અનુભવશો એટલું તમારી હેલ્થ માટે અને તમે જેને કહી રહ્યા છો તેની હેલ્થ માટે પણ સારું. તમારા હૃદયના ધબકારા ઘટાડવાથી લઈને તમારી ઊંઘ, તમારી રોગપ્રતિકારક શક્તિ, તમારા સંબંધો, તમારા જીવનના મહત્ત્વના નિર્ણયો એમ બધું જ તમે કેટલા થૅન્કફુલ છો એના પર નિર્ભર કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે કૃતજ્ઞતાની લાગણી હોય એ લોકો વધુ ખુશ અને તંદુરસ્ત હોય છે. તેમનામાં ડિપ્રેશન અને સ્ટ્રેસનાં લક્ષણો ઓછાં હોય છે. આવું શું કામ એ પાછળનાં કારણો વિશે આજે જાણીએ

રુચિતા શાહ
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક ને હાથ; બહુ દઈ દીધું નાથ, હવે ત્રીજું નથી જોઈતું
ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિની જેમ જીવવાની સલાહ કેટલાક વૈજ્ઞાનિકો પણ આપી રહ્યા છે. ઇતિહાસ ગવાહ છે કે માણસમાત્રની અંતિમ ખોજ હૅપિનેસની જ છે. જીવનની પ્રત્યેક ક્રિયા પાછળનું આપણું મુખ્ય ધ્યેય શું હોય છે? આનંદ મેળવવાનું જને? ભાવતી વસ્તુ ખાઈને, મનગમતાં કપડાં પહેરીને, આકર્ષક જગ્યાએ જઈને ખુશી મેળવવી, સૅટિસ્ફકૅશન મેળવવું એ એક જ ગોલ નથી? ‘સાચું સુખ ક્યાં છે?’ આધ્યાત્મિક પુસ્તકોમાં પણ આ પ્રશ્ન ખૂબ ચર્ચાયો છે. સુખ બહાર નથી પણ અંદર છે એમ કહીને સ્પિરિચ્યુઅલિટીમાં અંદરની યાત્રા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભૌતિકવાદીઓએ બાહ્ય સાધનસામગ્રીઓ અને સોશ્યલ સ્ટેટસમાં સુખને શોધ્યું છે. સુખ કેમ મળે એ વિષય પર વિજ્ઞાન દ્વારા પણ વારતહેવારે શોધસંશોધનો થતાં રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગભગ અડધો ડઝન જેટલી જુદી-જુદી ફૉરેન યુનિવર્સિટીઓના સંશોધકો એક વાત પર સહમત થયા છે કે જે લોકો કૃતજ્ઞ હોય છે, જે લોકો પોતાને મળેલી તમામ સારી બાબતો માટે ઉપકારવશ થઈ શકે છે એ લોકો સૌથી સુખી છે. કદાચ આ જ કારણ છે કે વિશ્વના ઘણા દેશોમાં થૅન્ક્સગિવિંગ વીક્સ અને થૅન્ક્સગિવિંગ ડેની રંગેચંગે ઉજવણી થતી હોય છે. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ જર્નલ ઑફ પૉઝિટિવ સાઇકોલૉજીમાં એક અભ્યાસ પ્રકાશિત કર્યો છે, જેમાં તેમનું કહેવું છે કે જે લોકો પોતાને મળેલી સારી બાબતો પ્રત્યે આભારવશ હોય છે એટલે કે જેમની અંદર ગ્રૅટિટ્યુડનો ભાવ ઊંડે સુધી હોય છે તેમનું સ્ટ્રેસ-લેવલ ઓછું થઈ જાય છે, તેમના પલ્સ રેટ અને બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, જીવનમાં હકારાત્મકતા વધે છે, ઉદારતા અને સંવેદનશીલતાનો ગુણ વિકસે છે, એકલતાનો ભાવ દૂર થાય છે. જર્નલ ઑફ સાઇકોસમૅટિક રિસર્ચમાં પબ્લિશ થયેલો બીજો એક રિપોર્ટ કહે છે કે રાતના સમયે આપણને મળેલી હકારાત્મક બાબતોનો આભાર માનીએ તો સ્લીપ ક્વૉલિટી સુધરે છે. કેટલાક નિષ્ણાતો ગ્રૅટિટ્યુડનો ગુણ હોય તેમના આપસી સંબંધો પણ સુધરેલા હોય એ વાત સ્વીકારી ચૂક્યા છે. વૈજ્ઞાનિકો જોકે સાથે એ પણ કહે છે કે ગ્રૅટિટ્યુડનો ભાવ પરિણામ ત્યારે જ આપે છે જ્યારે એમાં સાતત્ય ભળેલું હોય.
અહીં સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર શીતલ મહેતા કહે છે, ‘કોઈનો આભાર માનવાથી અને આપણને જે મળ્યું છે એને લઈને ઉપકારવશ ભાવ તમારા મગજ અને હૃદય બન્નેને હળવાશભર્યાં રાખે છે. જે થઈ રહ્યું છે અને જે થયું છે એ બાબતનો રાજીપો નકારાત્મક લાગણીઓને તમારી આસપાસ ફરકવા દેતો નથી. માનવ મગજને સતત સૅટિસ્ફૅક્શનની નીડ હોય છે. ઉપકારવશ થવાને કારણે તમારામાં સહજ રીતે સંતુષ્ટિનો ભાવ પણ ડેવલપ થઈ જાય છે. મારી પાસે એક દરદી આવેલો. તેની પાસે દુનિયાભરની ફરિયાદોનું એક લાંબું લિસ્ટ હતું. તેને એમ જ હતું કે તેની સાથે કંઈ સારું થઈ જ નથી રહ્યું. આ અસંતોષે તેને અંદરથી પીડવાનું શરૂ કર્યું હતું. તેનામાં ઘણાં નેગેટિવ ઇમોશન્સ જગાવી દીધાં હતાં. ધીમે-ધીમે ડિપ્રેશનમાં સરી રહ્યો હતો. એવામાં એક ઑફિસનો મિત્ર તેની પાસે આવ્યો અને તેણે તેની પાસે આર્થિક સહાય માગી, કારણ કે તેની વાઇફને કૅન્સર ડિટેક્ટ થયું હતું અને દવામાં તેમની મોટા ભાગની મૂડી ખર્ચાઈ ગઈ હતી. એ મિત્રએ ઘણા પાસે મદદ માગી પણ બધાએ ના પાડી. છેલ્લે આ ભાઈએ મદદ કરી. લગભગ ૧૮ મહિનાના અંતે મિત્રની વાઇફ સંપૂર્ણ સાજી થઈ ગઈ. ત્યારથી આ બન્ને હસબન્ડ-વાઇફ તેને ફાઇનૅન્શિયલ હેલ્પ કરનારા ભાઈને થૅન્ક યુના મેસેજ કરતા. ધીમે-ધીમે પેલામાં પૉઝિટિવિટીનો સંચાર થવો શરૂ થયો. પોતાને મળેલી સારી બાબતો પર તેનું ધ્યાન કેન્દ્રિત થયું. જે કામ સાઇકોથેરપી ન કરી શકી એ કામ નિયમિત આવતા થૅન્ક યુના મેસેજે કરી દેખાડ્યું.’
કૃતજ્ઞતા મહેસૂસ કરનાર અને તમે જેની સામે એ વ્યક્ત કરો છો એ બન્નેને હકારાત્મકતાથી ભરી દે છે એમ જણાવીને શીતલ મહેતા કહે છે, ‘આભારની લાગણીને કારણે જે હકારાત્મક લાગણીઓ તમારા શરીરમાં હૅપી હૉર્મોન્સને જનરેટ કરે છે. જેમ નેગેટિવિટી અને સ્ટ્રેસ એક ચેઇનની જેમ કામ કરે છે એવું જ પૉઝિટિવિટીનું પણ છે. તમારી ફિઝિકલ, ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ અને મેન્ટલ હેલ્થ એમ દરેક રીતે એ પૉઝિટિવ ઇફેક્ટ આપે છે. ગ્રૅટિટ્યુડનો ભાવ તમારા શરીરમાં ડોપામીન નામના હૉર્મોનનો કુદરતી રીતે જ સ્રાવ વધારે છે જે તમારી રૅશનાલિટી વધારે છે. દુનિયાના ઘણા દેશોમાં જુદી-જુદી રીતે ફેસ્ટિવલના રૂપે થૅન્ક્સગિવિંગ ડેને વણી લેવાયો છે. આપણી પરંપરામાં પણ આભાર વ્યક્ત કરવાની વાત ખૂબ સહજ છે. આપણે ત્યાં કોઈ પૂજા-અનુષ્ઠાનો થશે તો એમાં પણ પહેલાં ઈશ્વરનો આભાર માનવાનો, ભોજન કરતાં પહેલાં આ ભોજન મળ્યું એ માટે કૃતજ્ઞતાયુક્ત પ્રેયર કરવાની, માતાપિતાને પગે લાગવાની ક્રિયા પણ તેમના પ્રત્યેનો અનુગ્રહ વ્યક્ત કરવાની જ એક રીત છે.’

કરવાનું શું?
ગ્રૅટિટ્યુડ જર્નલ બનાવો : વૈજ્ઞાનિકો એક ગ્રૅટિટ્યુડ જર્નલ બનાવવાનું સજેશન આપે છે, જેમાં રોજ નવી ત્રણ વસ્તુ લખવાની જેના માટે તમે થૅન્કફુલ બનવાની લાગણી અનુભવો છો. આખા દિવસમાં તમારે ત્રણ વસ્તુ, ઘટના કે વ્યક્તિ એવી શોધવાની છે જેને તમે ડાયરીમાં ટપકાવી શકો જેને માટે તમે ઉપકારવશતા અનુભવો છો.
ઉજવણી કરીએ : ઉજવણી માટે દરેક વખતે અવસરની રાહ ન જોવાની હોય. તમે જ્યાં હો ત્યાં રહીને, જે માહોલમાં છો એ માહોલમાં રહીને સેલિબ્રેશન કરી શકો છો. સંશોધકો કહે છે કે જે બાબત માટે તમે આભારવશ હો એને જો
સેલિબ્રેટ કરો તો તમને મળી રહેલા બેનિફિટ્સ બેવડાઈ જશે.
ગમતાનું કરીએ લખાણ : યસ, તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ત્યાં સુધીનાં સંશોધનો થયા છે જેમાં તમે જો તમારા સારા અનુભવોને બે મિનિટ સુધી લખો તો એ બધું જ જાણે ફરીથી અનુભવી રહ્યા હો એવી એની ઇફેક્ટ થાય છે. સુખને દોહરાવવાથી, એને રિપીટ કરવાથી એ વધે છે.
મેન્ટલી આભાર માનો : ઘણીબધી બાબતો એવી છે જેને માટે આપણે જે-તે વ્યક્તિને મળીને
થૅન્ક યુ નથી કહી શકવાના તો શું કરવું? મનોમન કહી દો. જેમ કે સવારે ઊઠીને તમે ચા બનાવીને ચા પી રહ્યા છો ત્યારે આ ચા પી શકવા માટે જવાબદાર દૂધવાળો, ચાની પત્તી તમારા સુધી પહોંચાડનારા ખેડૂતથી લઈને દુકાનવાળો, એ ચા અને પાણીનું સર્જન જે કુદરતે કર્યું એ મધર નેચર આમ દરેકેદરેક આસ્પેક્ટનો આભાર માનો. દિલના ઊંડાણથી એ આભારની ભાવનાથી હૃદયને છલોછલ કરી દો. આવું તમે પ્રત્યેક બાબતમાં કરી શકો એમ છો.
બોલચાલમાં પણ : રોજ તમારો દિવસ શાંતિથી પસાર થાય એ માટે કેટલા બધા લોકોનો હાથ હોય છે. સવારે ઘરે આવતા દૂધવાળાથી લઈને તમને ભોજન પીરસતી પત્ની, તમને ઑફિસ પહોંચાડતો રિક્ષાવાળો, તમને સહાયભૂત થતા તમારા સહકર્મચારીઓ અને મદદનીશો. તમે કેટલીવાર થૅન્ક યુ કહો છો તેમને? હવેથી શરૂ કરો. તમારા માટે કંઈ પણ ભોગ આપ્યો હોય એવી દરેક વ્યક્તિને થૅન્ક યુ કહેવાનું શરૂ કરી દો.

સ્વભાવ જ વિચિત્ર હોય ત્યારે?
કેટલાક લોકો ગમે તેટલું ઇચ્છે તો પણ સ્વભાવગત રીતે જ પોતાને જે મળ્યું છે એને લઈને થૅન્કફુલ ન રહી શકે તો એનું શું? એવા લોકોએ શું કરવું? રિસર્ચરો એનો પણ ઉકેલ આપે છે. તેઓ કહે છે, ‘શરૂઆત કોઈ નાની બાબતથી કરો. સાવ નાનકડી બાબત જે તમારી પાસે છે, પણ બીજા પાસે નથી. મોટા ભાગે આ પ્રકૃતિના લોકો બીજાની તુલનાએ પોતાની પાસે શું નથી એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. ખોટી કમ્પૅરિઝનને કારણે તેઓ હંમેશાં દુઃખી રહે છે. હવે અહીં ઊંધું કરવાનું છે. બીજા કરતાં પોતાની પાસે શું વધારે છે એ જોવાનું છે. ધારો કે તમને બે ટાઇમનું પૂરતું મનભાવતું જમવાનું મળી રહ્યું છે અને દુનિયામાં એવા ઘણા છે જેમને ભૂખ્યા સૂવું પડે છે. એના માટે ઈશ્વરનો આભાર માની શકીએ. આવા ત્રણ પૉઇન્ટ રોજ વિચારો અને એ લખો. ધીમે-ધીમે ગ્રૅટિટ્યુડની આદત કેળવાઈ જશે.’

તમને ખબર છે?
જે લોકો ગ્રૅટિટ્યુડ જર્નલ બનાવીને એમાં નિયમિત થૅન્ક‍ યુ નોટના ત્રણ પૉઇન્ટ નોંધતા હતા તેમના ડેઇલી ફૂડ ઇન્ટેકમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
જાણી જોઈને થૅન્કફુલ રહેવાની પ્રૅક્ટિસ કરનારા લોકોના શરીરમાંથી કૉર્ટિઝોલ નામના સ્ટ્રેસ હૉર્મોનનું પ્રમાણ ૨૩ ટકા ઘટ્યું હતું.
કૃતજ્ઞતાને અપનાવનારાઓની એજિંગ પ્રોસેસ પણ ધીમી પડી જાય છે.
વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે જ્યારે આપણે ઍપ્રીશિયેટ કરીએ છીએ ત્યારે આપણી પૅરાસિમ્પથેટિક નામની નર્વસ સિસ્ટમ ઍક્ટિવેટ થાય છે જે આપણને શાંત પાડવાનું અને રિલૅક્સ કરવાનું કામ કરે છે.

ઘણી વાર મેં જોયું છે કે જે કામ સાઇકોથેરપી ન કરી શકે એ કામ ગ્રૅટિટ્યુડનો ભાવ કરી શકે છે. જીવનની તમામ તકલીફોનું મૂળ છે અસંતોષ. જે મળ્યું છે એનો કોઈ હરખ નથી અને જે નથી મળ્યું એની તરસ છે. એનાથી ઊંધું જો થાય અને જે છે એના માટેનો અનુગ્રહ અનુભવવા માંડીએ, એના માટેનો ઉપકારભાવ જાગે અને કૃતજ્ઞતાથી ભરી પડીએ તો એની અસર પણ રિવર્સ જ થવાની. - શીતલ મહેતા, સાઇકોથેરપિસ્ટ અને કાઉન્સેલર

columnists ruchita shah