કચ્છની 264 પ્રાથમિક સ્કૂલો શા માટે બંધ થઈ રહી છે?

26 November, 2019 04:29 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છની 264 પ્રાથમિક સ્કૂલો શા માટે બંધ થઈ રહી છે?

સ્કૂલ

ગુજરાત સરકાર ગુજરાત રાજ્યની ૫૩૫૦ સ્કૂલો બંધ કરી એને અન્ય સ્કૂલોમાં સમાવેશ કરવા જઈ રહી છે. એ પૈકી ૨૬૪ પ્રાથમિક સ્કૂલો કચ્છ જિલ્લાની પણ છે. ગુજરાત સરકારને આવું કરવાની શા માટે જરૂર પડી? એક તરફ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણમાં કરેલા નવતર પ્રયોગોની સફળતાના દાવા કરે છે તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં સ્કૂલોને અન્ય સ્કૂલોમાં મર્જ કરવાની જરૂર શા માટે પડી રહી છે? વિપક્ષો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો ઉઠાવી સરકાર સામે પ્રશ્નો કરી રહ્યા છે ત્યારે ખરી સ્થિતિ શું છે અને શા માટે છે એ માટે અનેક મુદ્દાનો અભ્યાસ કરવો જરૂરી છે. કચ્છની જે સ્કૂલો મર્જ થઈ રહી છે એ જોતાં અંતરિયાળ વિસ્તારોમાં રોજગારીની સમસ્યા હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

એક તરફ ગુજરાત સરકાર સ્કૂલોમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા લાખોનો ખર્ચ કરી રહી છે. બીજી તરફ વર્તમાનપત્રો દર્શાવે છે કે ગુજરાતની સરકારી પ્રાથમિક સ્કૂલોના ૮૦ ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા જ નથી આવડતું. આ બે વિરોધાભાસી સ્થિતિ છે. સરકાર શિક્ષકોને દોષી માની રહી છે, સમાજનો કહેવાતો ડાહ્યો વર્ગ પણ શિક્ષકોને સલાહ આપવા નીકળી પડ્યો છે. તો શિક્ષકો સરકારની અસ્પષ્ટ નીતિઓ અને વારંવાર કરાતા પ્રયોગોને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરિસ્થિતિ કંઈક વિચિત્ર છે.

એ હકીકત છે કે ૨૦૦૧ પછી ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર નીચું ઊતરતું રહ્યું છે. એ પણ હકીકત છે કે સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જઈ રહી છે. કચ્છની વાત કરીએ તો ૨૦૦૧થી ૨૦૧૯ વચ્ચે આવેલા સામાજિક બદલાવ, ઔદ્યોગિકીકરણને પગલે વિવિધ સમૂહોનું સ્થળાંતર, બદલાયેલું આર્થિક ચિત્ર જેવાં અનેક કારણો જે મૂળમાં પડ્યાં છે એની ચર્ચા કોઈ કરતું નથી. સરકારે પ્રાથમિક સ્કૂલોના વહીવટ અને ખાનગી સ્કૂલો સંદર્ભની નીતિઓ બાબતે લીધેલા નિર્ણયો જે હકારાત્મક હતા છતાં એની અસરો નકારાત્મક પડી છે એ વિશે કોઈ બોલતું નથી. વારંવાર બદલાતો અભ્યાસક્રમ, અભ્યાસક્રમની નીતિઓ, પાઠ્યપુસ્તકોનું સ્વરૂપ એ વિશે પણ કોઈ સમીક્ષા કરવા તૈયાર નથી. સરકારી સ્કૂલોમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા હકારાત્મક કાર્યક્રમોનું સ્વરૂપ પ્રજાલક્ષી બનવાને બદલે રાજકીય બની ગયું. પરિણામે એ ઉત્સવ બનવાને બદલે એક પ્રકારની પ્રક્રિયા બની ગઈ. બે દાયકામાં સરકારે પ્રાથમિક શિક્ષણમાં એટલા પ્રયોગો કરી નાખ્યા છે કે સ્કૂલો અને તંત્રની શૈક્ષણિક અને વહીવટી બેય સ્થિતિ હંમેશાં પ્રવાહી અને અસ્થિર જ રહી છે.  એ પણ હકીકત છે કે ગુજરાત સરકાર શિક્ષકોને જેટલું રક્ષણ અને સુવિધા આપે છે એટલું અન્ય રાજ્યો નથી આપતા. શિક્ષકોની ભરતીપ્રક્રિયા અને બદલી સંદર્ભે ગુજરાત સરકાર જેવી સુલભ નીતિઓ અન્ય રાજ્યોમાં નથી. આ બધાને પરિણામે ન સરકારના હેતુઓ સરે છે કે ન તો શિક્ષકોની મહેનતનું પરિણામ આવે છે.

સરકાર જે સ્કૂલો બંધ કરવા જઈ રહી છે એ ક્યાં છે અથવા શા માટે એની જાણકારી નથી. અહીં એક મુદ્દો એ ધ્યાનમાં લેવો ઘટે કે ૨૦૦૧ની સરખામણીમાં બે દાયકા પછી વસ્તીવધારા દર ઘટ્યો છે. એની સામે સ્કૂલોની સંખ્યા વધી છે. ગુજરાત સરકારની જે-તે વખતની ઉદાર નીતિને કારણે હંગામી કે સ્થાયી વસાહતોમાં નવી સ્કૂલો ચાલુ કરવામાં આવી હતી. બીજી બાજુ સરકાર ખાનગી સ્કૂલોને મંજૂરી આપવામાં પણ ઉદાર રહી છે. પરિણામે વસ્તીના હિસાબે સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે. બે દાયકા પછી રોજગારીની બદલાતી સ્થિતિને કારણે એક તો વસ્તીનું સ્થળાંતર થઈ ગયું છે. સરકારે એક શિક્ષકવાળી સ્કૂલોમાં ઓછામાં ઓછા બે શિક્ષકો મૂકવાની નીતિ અપનાવી, પરિણામે શિક્ષકોની સંખ્યામાં વિદ્યાર્થીઓની તુલનામાં વધારો થયો. આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ૨૫ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત થઈ ત્યારે પ્રજા એવું સમજી હતી કે ગરીબ વાલીઓનાં બાળકોને સરકાર ખરેખર ખાનગી શાળામાં મફત શિક્ષણ આપી રહી છે, પરંતુ એવાં બાળકોની ફીની રકમ સરકાર ખાનગી સ્કૂલોને સીધી આપી રહી છે એ પ્રજાના ધ્યાનમાં આવેલ નથી. એક તરફ સરકાર પાસે પોતાની સ્કૂલો છે, બીજી તરફ એ સ્કૂલોમાં દાખલ થનાર વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં દાખલ થવા ખુદ સરકાર જ પ્રોત્સાહન આપી રહી છે. આ એકદમ વિરોધાભાસી સ્થિતિ છે. પરિણામે ખાસ કરીને શહેરોની સરકારી સ્કૂલોની સંખ્યા ઘટી રહી છે. હવે સ્થિતિ એ થઈ છે સરકારને એવી સ્કૂલો વહીવટી કારણોસર મોંઘી પડી રહી છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા જ નથી. ગામડાંઓની વાત કરીએ તો કચ્છમાં એવાં કેટલાંય ગામડાં છે જ્યાં મકાનો તો દેખાય છે, પણ વસ્તી નથી. એ વસ્તી જિલ્લામાં કે જિલ્લા બહાર સ્થળાંતર થઈ ગઈ છે. એવાં ગામડાંઓમાં ઓછા વિદ્યાર્થીઓ માટે સ્વતંત્ર સ્કૂલો ચલાવવી આર્થિક અને વહીવટી રીતે મોંઘું પડી રહ્યું છે. એ શાળાઓ મર્જ થાય એનો વિરોધ શિક્ષકો એટલા માટે કરી રહ્યા છે કે જો સ્કૂલ બંધ થાય તો શિક્ષકને પણ અન્યત્ર જવું પડે.

વાસ્તવમાં ગુજરાત સરકાર સ્કૂલો બંધ નથી કરી રહી, પણ મર્જ કરી રહી છે જેની ચર્ચા રાજ્યમાં થઈ રહી છે. વર્તમાનપત્રો અને વિપક્ષો સ્કૂલો બંધ થઈ રહી છે એવું કહે છે. વિપક્ષોને સરકારને વખોડવાનું કારણ મળ્યું છે, પરંતુ ‘એ નહીં તો શું’ એનો જવાબ કોઈ પાસે નથી. સ્કૂલો મર્જ કરવાનો મુદ્દો ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં ત્રણેક વર્ષ પહેલાં પણ ઊઠ્યો હતો. કોઈ કારણસર એ દિશામાં કાર્યવાહી થઈ નહીં, પરંતુ હવે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે જે સ્કૂલની વિદ્યાર્થી અંતર્ગત સંખ્યા ૩૦થી નીચે છે એ સ્કૂલને વહીવટી રીતે બંધ કરી તે વિદ્યાર્થીઓને નજીકની શાળામાં દાખલ કરવા. આ મુદ્દો ન માત્ર વાલીઓને, શિક્ષકોને પણ સ્પર્શે છે. વાલીઓ માટે સ્કૂલના અંતરનું બહાનું છે તો શિક્ષકોને પોતાની બદલીનો ભય છે. કચ્છમાં જે સ્કૂલો મર્જ થઈ રહી છે એ પૈકીની સૌથી વધુ રાપર તાલુકામાં છે જેની સંખ્યા ૫૯ છે. તો લખપત, ભુજ, નખત્રાણા, અબડાસા અને માંડવીની સંખ્યા પણ ત્રીસ ઉપરની છે. મર્જ થનારી સ્કૂલો મોટા ભાગની વાંઢોમાં છે અથવા વાડી વિસ્તારોમાં આવેલી છે. જે તાલુકાઓમાં વધુ સ્કૂલો મર્જ થઈ રહી છે એના પરથી એવું કહી શકાય કે એ તાલુકાઓમાંથી વસ્તી શહેરોમાં સ્થળાંતર થઈ છે, કેમ કે કચ્છનાં છ મોટાં શહેરો જ્યાં નગરપાલિકા આવેલી છે એ શહેરોમાં ખાનગી સ્કૂલોની સંખ્યા વધી હોવા છતાં શહેરની સ્કૂલોને મર્જ કરવાની સ્થિતિ ઊભી થઈ નથી. આ મુદ્દો માત્ર સ્કૂલો પૂરતો નથી કે માત્ર શિક્ષણનો નથી. આ મુદ્દો રોજગારીનો પણ છે. અબડાસાના કોઈ સમયનાં સમૃદ્ધ ગામડાં અત્યારે ખાલી થઈ રહ્યાં છે. વેપારી પ્રજા ગુજરાત બહાર વસી ગઈ છે, અન્ય વર્ગ રોજગારી માટે મોટાં ગામ કે શહેરો તરફ સ્થળાંતર કરી ગયો છે. એવું માંડવી તાલુકામાં પણ છે. કચ્છમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના શ્રમિકો મોટી સંખ્યામાં રોજગારી અર્થે આવી રહે છે. તેઓ સતત સ્થળાંતર કરતા રહે છે જેની સારી અને માઠી અસર સ્કૂલોની સંખ્યા પર પડે છે. સરકાર શિક્ષકો પર સંખ્યા વધારવાનું દબાણ કરી રહી છે. વિદ્યાર્થીઓ ક્યાંથી લાવવા એ શિક્ષકો માટે પ્રાણપ્રશ્ન છે. સ્થિતિ થોડી હાસ્યાસ્પદ પણ છે. સરકાર આ બધી બાબતોના મૂળમાં જવાને બદલે એવા ઉપાયો અજમાવે છે જેનાથી સરવાળે કોઈને લાભ થવાનો નથી.

columnists kutch