ઈશ્વર કોનો? - (લાઇફ કા ફન્ડા)

16 January, 2019 11:25 AM IST  |  | Heta Bhushan

ઈશ્વર કોનો? - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક વખત સાધુસંતો, મૌલવીઓ, પૂજારીઓ, કથાકારો, જ્ઞાની વિદ્વાનો વચ્ચે એક વાદવિવાદ થયો કે આ ઈશ્વર... આ સ્વર્ગમાં બેઠેલા ભગવાન... આ સૃષ્ટિના સર્જનહાર કોના? બધા પોતાની દાવેદારી નોંધાવવા લાગ્યા. જ્ઞાનીઓ કહે, અમે ભગવાનનાં શાસ્ત્રોના જાણકાર એટલે ઈશ્વર અમારો છે, પછી તમારા બધાનો. સંતો કહે, અમે સંસાર ત્યાગી ઈશ્વરને જ ભજીએ એટલે ઈશ્વર પહેલાં અમારો. મૌલવીઓ કહે, અમે દિવસમાં પાંચ વાર નમાજ અદા કરીએ એટલે અમારો છે અલ્લા. પૂજારીઓ કહે, અમે ઈશ્વરને રોજ શણગારીએ, રોજ પૂજાપાઠ કરીએ, ભોગ ધરાવીએ, આરતી કરીએ. આ બધું ઈશ્વરને ખૂબ જ ગમે એટલે ઈશ્વર અમારો છે. કથાકારો કહે, અમે ઈશ્વરની વાત બધે ફેલાવીએ, બધા ભક્તોને ઈશ્વર વિશે સમજાવીએ, ઈશ્વરના ભક્તો વધારીએ એટલે ઈશ્વર અમારો છે. વાદવિવાદ વધતો ગયો.

અને હવે એનો કોઈ જવાબ ન મળતાં બધા ઈશ્વરની પાસે જ પહોંચ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ, હવે તમે જ કહો કે સૌથી પહેલાં તમે કોના? ભગવાન હસ્યા. કોઈ જવાબ ન આપ્યો.

એક છોકરીએ ઑફિસમાં જવાનું મોડું થતું હોવા છતાં રસ્તા પર અચાનક પડી જનાર અજાણ્યાને એક મીઠું સ્મિત આપી ઊભા કર્યા અને પાણી પાયું. ઈશ્વરે આંગળી ચીંધી કહ્યું, હું આ છોકરીનો. એક મૉડર્ન કૉલેજિયન છોકરાએ પોતાના ગરીબ મિત્રની ફી ચૂપચાપ ભરી દીધી. ઈશ્વરે તેની તરફ આંગળી ચીંધી કહ્યું, હું આજે આ છોકરાનો. પાડોશનાં બે ઘરોમાં આમ ઝઘડો હતો, પણ પાડોશની ગૃહિણી બીમાર છે જાણી પાડોશણે ઝઘડો ભૂલી તેમના ઘરે જમવાનું મોકલાવ્યું. ઈશ્વર હસ્યા અને તેની તરફ આંગળી ચીંધી.

આમ તો ઈશ્વરે આવા અનેક લોકો તરફ એક પછી એક આંગળી ચીંધી. જેઓ ક્યારેય ઈશ્વર કોનો? એના પર વાદવિવાદ કરતા નહોતા, પણ પોતાની રીતે કોઈને એક સ્મિતની ભેટ આપતા હતા, કોઈને મદદ કરી તેના સૂના જીવનમાં ખુશી લાવતા હતા, કોઈને સાથ આપી તેના અંધકારભર્યા જીવનમાં પ્રેરણા અને હિંમતનો દીપ જલાવતા હતા, દરેક સાથે પ્રેમથી જીવતા હતા.

આ પણ વાંચો : પ્રેમની મોસમ - (લાઇફ કા ફન્ડા)

આ બધા બહુ જ્ઞાની, સાધુસંત, પૂજારી, કથાકાર, મૌલવી નહોતા, સામાન્ય જન હતા, પણ તેઓ ઈશ્વરને પ્રશ્ન પૂછતા નહોતા કે તમે કોના? પણ શ્રદ્ધાથી ઈશ્વર સમક્ષ મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ કે ગુરદ્વારામાં જઈને અથવા ત્યાંથી પસાર થતાં મસ્તક ઝુકાવતા હતા. આસ્થાથી નમન કરતા હતા.

columnists