બાળકોના રૂમની લાઇટ રાત્રે વહેલી બંધ થાય એ જોવાની જવાબદારી કોની છે?

06 December, 2019 01:03 PM IST  |  Mumbai | Varsha Chitaliya

બાળકોના રૂમની લાઇટ રાત્રે વહેલી બંધ થાય એ જોવાની જવાબદારી કોની છે?

ફાઈલ ફોટો

તાજેતરમાં ચીનના એક પ્રાંતના શિક્ષણ વિભાગે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હેલ્થને નજરમાં રાખી બાળકો માટે રાતે દસ વાગ્યા પહેલાં સૂઈ જવાનો નિયમ બનાવ્યો છે. આપણા દેશમાં આવી સભાનતા કેમ જોવા મળતી નથી એ સંદર્ભે વાલીઓ અને વહીવટકર્તાઓનું શું કહેવું છે એ જાણીએ.

આપણા પાડોશી દેશ ચીનમાં હાલમાં વાલીઓ અને શિક્ષણ વિભાગ આમનેસામને આવી ગયા છે. બન્ને વચ્ચે ખાસ મુદ્દે વિવાદ થતાં મામલો પેચીદો બન્યો છે. વાત એમ છે કે ચીનના એક પ્રાંતના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે ૩૨ સૂત્રો સાથેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ એજન્ડામાં બાળકો માટે હોમવર્ક કરતાં ઊંઘ મહત્વની છે એ બાબત ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે હોમવર્ક અધૂરું રહી જાય તો વાંધો નહીં, પણ બાળકોએ રાત્રે વહેલા સૂવું ફરજિયાત છે. હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના રૂમની લાઇટ રાત્રે દસ વાગ્યે અને પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોના રૂમની લાઇટ રાત્રે નવ વાગ્યે બંધ થઈ જવી જોઈએ. જોકે વાલીઓએ આ નિયમનો વિરોધ નોંધાવતાં વિવાદ થયો છે. 

શિક્ષણ વિભાગની માર્ગદર્શિકામાં દર્શાવેલા ઉપરોક્ત નિયમ સંદર્ભે વાલીઓનું કહેવું છે કે આ તો હોમવર્ક કરફ્યુ છે. બાળકોને આમ પણ ભણવું ગમતું નથી એમાં જો આવો નિયમ બનાવવામાં આવે તો તેમને ભાવતું મળી જશે ને તેઓ હોમવર્ક કર્યા વગર જ સૂઈ જશે. કેટલાક વાલીઓનું કહેવું છે કે હોમવર્ક નહીં કરવાના કારણે તેમનાં બાળકો આજના કમ્પેટિટિવ વર્લ્ડમાં ટકી નહીં શકે.   

પેરન્ટ્સનું આ પ્રકારનું થિન્કિંગ વિશ્વમાં બધે જ જોવા મળે છે. બાળકોને સમજાવવા સહેલાં છે, પેરન્ટ્સને સમજાવવા અઘરા છે એવો મત વ્યક્ત કરતાં કાંદિવલીની પવાર પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલ ડૉ. પ્રમિલા કુડવા કહે છે, ‘સરકાર અને સ્કૂલ નિયમો બનાવે એને ફૉલો કરવાની જવાબદારી વાલીઓની છે. અર્લી ટુ બેડ ઍન્ડ અર્લી ટુ રાઇઝ હેલ્ધી લાઇફ-સ્ટાઇલનો મંત્ર છે. ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘ બરાબર ન થાય તો બીજા દિવસે તમે બગાસાં ખાધા કરો અને કોઈ કામમાં ચિત્ત ન લાગે. આ વાત કોઈને સમજાવવાની જરૂર નથી, બધાને ખબર છે. બાળકો વહેલાં સૂતાં નથી, કારણ કે તેમના ડૅડી રાતે મોડા આવે છે. હોમવર્ક કરવા જાગવાની જરૂર નથી. અડધાથી પોણા કલાકમાં થઈ જાય એટલું જ હોમવર્ક સ્કૂલમાંથી મળતું હોય છે, પણ પેરન્ટ્સને તેમનું સંતાન વધુ ભણ-ભણ કરે એમાં રસ છે એટલે ટ્યુશનનો ભાર વધારે છે. ચાલુ ક્લાસમાં બાળકો બગાસાં ખાતાં હોય, ઊંઘ બરાબર ન થાય એટલે ક્લાસમાં કૉન્સન્ટ્રેશન ન રહે, તેમની વર્તણૂકમાં ચીડિયાપણું જોવા મળે. આ બાબત પેરન્ટ્સને ઘણી વાર કૅલેન્ડરમાં લખીને આપવામાં આવે છે. અરે, તેમના માટે વર્કશૉપ રાખીએ છીએ. અમે એ પણ જોયું છે કે બપોરની શિફ્ટમાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓ વધુ ફ્રેશ હોય છે અને ક્લાસરૂમમાં જલદી સેટલ થઈ જાય છે. મારું ઑબ્ઝર્વેશન કહે છે કે પ્રૉબ્લેમ બાળકોનો નહીં, પેરન્ટ્સનો છે. હોમવર્ક અને ઊંઘ વચ્ચે બૅલૅન્સ જળવાઈ રહે એવું ટાઇમટેબલ તેમણે બનાવવું જોઈએ.’

હોમવર્ક કરફ્યુ સંદર્ભે પોતાનો અભિપ્રાય આપતાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા પ્રિહાનના પપ્પા મોનાંક શાહ કહે છે, ‘વહેલાં સૂવું અને વહેલાં ઊઠવું એ બાળકો અને પેરન્ટ્સ બન્નેના સ્વાસ્થ્ય માટે સારું છે, પણ પ્રૅક્ટિકલી શક્ય નથી. મારો સન હજી પ્રી-પ્રાઇમરીમાં છે તેથી પંદરથી વીસ મિનિટમાં હોમવર્ક થઈ જાય છે. જેમ-જેમ ઉપલા સ્ટાન્ડર્ન્ડમાં જશે હોમવર્કનું પ્રેશર વધવાનું છે તેથી પેરન્ટ તરીકે મને લાગે છે કે ઊંઘ માટે થઈને હોમવર્ક સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું આજના સ્પર્ધાત્મક માહોલમાં શક્ય નથી. હેલ્થ અને હોમવર્ક વચ્ચે બૅલૅન્સ કરવું પેરન્ટ્સ માટે ટાસ્ક છે. મૉર્નિંગ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો પાસે બપોરનો સમય ફાજલ હોય છે ત્યારે હોમવર્ક કરી લે એ બેસ્ટ આઇડિયા છે, પરંતુ બન્ને પેરન્ટ વર્કિંગ હોય ત્યાં આ આઇડિયાને અમલમાં મૂકવો અઘરો છે. અમારી પાસે તેની સાથે રમવાનો અને ભણાવવાનો સમય રાતે જ હોય છે.’      

બાળકો વહેલાં સૂઈ જાય એ માટે શિક્ષણ વિભાગ જ નહીં, ચીનની સરકાર પણ કટિબદ્ધ છે.  આજકાલ બાળકોમાં વિડિયો ગેમ્સનો ક્રેઝ વધતાં તેઓ રાત્રે મોડે સુધી જાગે છે એ બાબતને ધ્યાનમાં રાખી ત્યાંની સરકારે રાતના દસથી સવારના આઠ વાગ્યા સુધી વિડિયો ગેમ્સ રમવા પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે એટલું જ નહીં, વિડિયો ગેમ્સ રમવાની સમયમર્યાદા દોઢ કલાક નક્કી કરવામાં આવી છે.

આવા નિયમો આવકાર્ય છે, પણ ઇમ્પ્લિમેન્ટ કરવું પૉસિબલ નથી એમ જણાવતાં ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ પંડ્યા કહે છે, ‘કાયદો કદાચ બનાવી લઈએ તો પણ કેટલા પેરન્ટ્સ એને ફૉલો કરવાના છે? આ બાબતે સરકાર, સ્કૂલ અને વાલીઓ વચ્ચે મતભેદ સર્જાયા વગર ન રહે. જોકે હોમવર્ક ન કરે તો પણ ચલાવી લેવું જેવો નિયમ હોવો ન જોઈએ. આપણે ત્યાં પહેલેથી જ આઠમા ધોરણ સુધી નાપાસ કરવા પર પ્રતિબંધ છે જેના લીધે કેટલાંય બાળકો અભ્યાસ પર ધ્યાન આપતાં નથી. હોમવર્કને સાઇડ ટ્રૅક પર મૂકી દો તો સાવ જ નહીં ભણે. ગ્રામીણ વિસ્તારમાં રાતે વીજળી કાપ હોય છે તેથી બાળકો વહેલું હોમવર્ક પતાવી સૂઈ જાય છે, જ્યારે મુંબઈ જેવા શહેરમાં તો પેરન્ટ્સ જ રાતે દસ વાગ્યે ઘરે આવતા હોય ત્યાં બાળક ક્યાંથી સૂવાનું? હોમવર્કમાં છૂટછાટ આપીશું તો તેઓ મોબાઇલમાં પડ્યા રહેશે. બાળકો અભ્યાસ પર ધ્યાન આપે અને સ્માર્ટફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ માટે શિક્ષણ વિભાગે સ્કૂલમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ઘરમાં નિયમો બનાવવાની જવાબદારી પેરન્ટ્સની રહે છે.’

બાળકોની હેલ્થને લઈને જે સભાનતા અન્ય દેશોમાં જોવા મળે છે એવી આપણા દેશમાં હજી સુધી જોવા મળી નથી. આ બાબત આપણે ઘણા પાછળ છીએ. બાળકોની હેલ્થ માટે સરકારી ધોરણે કડક નિયમો બનાવવાનો વિચાર આવ્યો છે?        આ સંદર્ભે સ્પષ્ટતા આપતાં રાજેશ પંડ્યા કહે છે, ‘હજી સુધી આ દિશામાં સરકારે કોઈ નક્કર પગલાં લીધાં નથી. વિદેશમાં દરેક બાળક માટે એક જ લેવલની સ્કૂલો હોય છે. અહીં પછાત વર્ગ અને શ્રીમંત વર્ગ માટેની સ્કૂલો જુદી છે એ મુખ્ય અડચણ છે. સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રૉપર મિડ-ડે મીલ પણ નથી મળતું. સમયાંતરે ઇન્સ્પેક્શન થવું જોઈએ અને ફૂડની ક્વૉલિટી સુધારવી જોઈએ એના પર કોઈ ધ્યાન આપતું નથી તો હેલ્ધી ડાયટ માટે બ્રેક જેવો નિયમ શું કામનો? પ્રાઇવેટ સ્કૂલો પોતાની રીતે કેટલાક નિયમો બનાવી શકે છે, પરંતુ કાયદો ન ઘડી શકે. સરકારી ગાઇડલાઇન્સને ફૉલો કરવી તેમના માટે ફરજિયાત છે.’

વિદ્યાર્થીઓની હેલ્થ માટે વર્ષમાં એક વાર સ્કૂલ તરફથી મેડિકલ ચેકઅપ હોય છે એવી માહિતી આપતાં ડૉ. પ્રમિલા કુડવા કહે છે, ‘વિદ્યાર્થીઓની હેલ્થ સારી રહે અને તેઓ હેલ્ધી લાઇફ-સ્ટાઇલને ફૉલો કરે એવા પ્રયાસો અમારા ચાલુ જ હોય છે. તેઓ ટિફિનમાં હેલ્ધી નાસ્તો લાવે છે કે નહીં એ બાબત શિક્ષકો ધ્યાન આપતાં હોય છે. મૉર્નિંગ સ્કૂલનાં બાળકો માત્ર દૂધ પીને સ્કૂલમાં આવી જાય છે. રાતે મોડાં સૂએ અને સવારે ઉતાવળમાં તેઓ નાસ્તો સ્કિપ કરે છે. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ નાસ્તો સ્કિપ ન કરે એ માટે મૉર્નિંગ એસેમ્બલી (સવારની પ્રાર્થના) બાદ અને પિરિયડ શરૂ થાય એ પહેલાં દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત પલ્પી ફ્રૂટ્સ અને નટ્સ ખાવાનો નિયમ બનાવ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ હેલ્ધી રહે, પરંતુ પેરન્ટ્સના સપોર્ટ વગર પૉસિબલ નથી.’

સ્કૂલની પીટીએ (પેરન્ટ્સ ટીચર્સ અસોસિયેશન) મીટિંગમાં વિદ્યાર્થીઓની હેલ્થ વિશે ચર્ચા થતી હોય છે. પેરન્ટ્સનાં સજેશન્સને ગંભીરતાથી લેવામાં આવે છે એમ જણાવતાં મોનાંક શાહ કહે છે, ‘છેલ્લાં ત્રણેક વર્ષથી પ્રિહાનની સ્કૂલમાં ડ્રાયફ્રૂટ્સ બ્રેક આપવામાં આવે છે. વેફર્સનાં પૅકેટ્સ ખાતી આજની જનરેશન માટે આ સારો નિયમ છે. આ ઉપરાંત થોડા સમય પહેલાં પીટીએ મીટિંગમાં ગર્લ્સ ટૉઇલેટમાં સૅનિટરી નૅપ્કિન્સ માટે અલગથી ડસ્ટબિન રાખવાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. સ્કૂલ મૅનેજમેન્ટે બીજા દિવસથી જ એને અમલમાં મૂકી હતી. પ્રિન્સિપાલની ઉપર પણ ચૅરમૅન અને અન્ય ઑથોરિટી હોય છે તેથી કેટલીક પ્રપોઝલને અમલમાં મુકાતાં સમય લાગે એ સ્વાભાવિક છે.’

ભારતમાં પછાત વર્ગ અને શ્રીમંત વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક તફાવત જોવા મળે છે તેથી કેટલાક નિયમો શક્ય નથી. કદાચ પ્રયાસ કરે તો વાલીઓ, સ્કૂલ મૅનેજમેન્ટ અને સરકાર વચ્ચે મતભેદ સર્જાય. વાસ્તવમાં બાળકો હેલ્ધી ફૂડ ખાય અને રાતે વહેલાં સૂઈ જાય એ જોવાની જવાબદારી પેરન્ટ્સની હોવી જોઈએ

- રાજેશ પંડ્યા, ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના વાઇસ પ્રેસિડન્ટ

મૉર્નિંગ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો પાસે બપોરનો સમય ફાજલ હોય છે ત્યારે હોમવર્ક કરી લે એ બેસ્ટ આઇડિયા છે, પરંતુ બન્ને પેરન્ટ વર્કિંગ હોય ત્યાં આ આઇડિયાને અમલમાં મૂકવો અઘરું છે. અમારી પાસે પ્રિહાન સાથે રમવાનો અને ભણાવવાનો સમય રાતે જ હોય છે

- મોનાંક શાહ, પીટીએ મેમ્બર

મૉર્નિંગ સ્કૂલનાં બાળકો માત્ર દૂધ પીને સ્કૂલમાં આવી જાય છે. તેઓ નાસ્તો સ્કિપ ન કરે એ માટે મૉર્નિંગ એસેમ્બલી બાદ અને પિરિયડ શરૂ થાય એ પહેલાં દરેક વિદ્યાર્થી માટે પલ્પી ફ્રૂટ્સ અને નટ્સ ખાવાનો નિયમ બનાવ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ હેલ્ધી રહે, પરંતુ પેરન્ટ્સના સપોર્ટ વગર પૉસિબલ નથી

- ડૉ. પ્રમિલા કુડવા, પવાર પબ્લ્કિ સ્કૂલનાં પ્રિન્સિપાલ

Varsha Chitaliya columnists