તમારા મોઢામાંથી આવતી વાસ માટે કયું કારણ જવાબદાર હોઈ શકે છે?

08 January, 2019 10:44 AM IST  |  | Jigisha Jain

તમારા મોઢામાંથી આવતી વાસ માટે કયું કારણ જવાબદાર હોઈ શકે છે?

પ્રતીકાત્મક તસવીર

શું તમે આખો દિવસ માઉથ ફ્રેશનર લઈને ફરો છો, કારણ કે તમને ડર છે કે કોઈ વ્યક્તિને તમારા મોઢામાંથી વાસ આવે નહીં?

શું તમને ડુંગળી-લસણ ખૂબ ભાવતાં હોવા છતાં તમે બહાર જાઓ ત્યારે એ ખાવાનું ટાળો છો, કારણ કે એનાથી મોઢું ગંધાય છે?

શું તમે જાત-જાતનાં માઉથ ફ્રેશનર અને જાહેર ખબરોમાં આવતી ટૂથપેસ્ટ જેનાથી મોઢામાં સદા તાજગી રહે એનાથી આકર્ષાયા કરો છો અને ખરીદ્યા કરો છો

મોઢામાંથી વાસ આવવી એ કોઈ પણ વ્યક્તિ માટે એક શરમજનક પરિસ્થિતિ છે. કોઈ પણ પ્રકારની દુર્ગંધ એ ખરાબ હાઇજીનની નિશાની માનવામાં આવે છે. મોઢામાંથી આવતી વાસ એ એક સામાજિક શિસ્તની વિરુદ્ધ માનવામાં આવે છે. આ પ્રૉબ્લેમ ધરાવનાર વ્યક્તિથી લોકો હંમેશાં દૂર ભાગતા હોય છે. મોટા ભાગના લોકો એની પાછળ અસ્વચ્છતાને કારણભૂત માને છે. આમ જેના મોઢામાંથી વાસ આવતી હોય તેને લોકો નાપસંદ એટલે કરતા હોય છે કેમ કે તે સ્વચ્છ વ્યક્તિ નથી, પરંતુ ઘણા લોકો એવા છે જે દરરોજ બે વાર બ્રશ કરે છે અને જમ્યા પછી કોગળા પણ કરે છે છતાં તેમના મોઢાંમાંથી વાસ આવે છે. સવારે જ્યારે ઊઠીએ ત્યારે તો લગભગ દરેક વ્યક્તિના મોઢામાંથી વાસ આવતી હોય છે, કારણ કે આખી રાત મોઢામાં લાળ જમા થાય છે અને એને કારણે વાસ આવે છે, પરંતુ દિવસ દરમ્યાન મોઢામાંથી આવતી વાસ એ ચિંતાનું કારણ હોય શકે છે. ભાગ્યે જ લોકોને ખબર હોય છે કે મોઢામાંથી આવતી વાસ એ બીમારીની નિશાની પણ હોય શકે છે.

કારણ જાણવું જરૂરી

મોઢામાંથી આવતી વાસ એટલે કે બૅડ બ્રેથથી બચવા પહેલાં તો એ જાણવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિને પોતાને આવો પ્રૉબ્લેમ છે, કારણ કે મોટા ભાગના લોકોને પોતાને ખબર નથી પડતી કે મારા મોઢામાંથી વાસ આવે છે, જે માટે ઘરના લોકો મદદરૂપ થઈ શકે છે. મોઢામાંથી આવતી વાસ એ ભલે કૉમન પ્રૉબ્લેમ લાગે, પરંતુ એ ટાળવાલાયક પ્રૉબ્લેમ નથી, કારણ કે દાંતના, શ્વાસના, પેટના બીજા મોટા રોગોનું એક મહત્વનું લક્ષણ છે. એથી પહેલાં વાસ પાછળના કારણને જાણી એને દૂર કરવી ખૂબ જરૂરી છે. આમ પણ દર ૬ મહિને એક વખત ડેન્ટલ ચેક-અપ કરાવવું ખૂબ જરૂરી છે. જો વાસનો પ્રૉબ્લેમ અવગણવામાં આવે તો ભવિષ્યમાં દાંતનો સડો, દાંતનું ઘસાય જવું કે દાંત ખવાઈ જવા કે પેઢાંની તકલીફ થઈ શકે છે. માટે વહેલાસર એનું નિદાન કરી ઇલાજ કરવો જરૂરી છે.

ઓરલ હાઇજીન

મોટા ભાગના ડેન્ટિસ્ટ જેના પર સૌથી વધુ ભાર આપે છે એ છે ઓરલ હાઇજીન. મોઢું જેમાં દાંત,પેઢાં, જીભ, તાળવું બધાનો સમાવેશ થાય છે એ મોઢાની સંપૂર્ણ સફાઈ ખૂબ જરૂરી છે. જ્યારે આ ઓરલ હાઇજીન બરાબર નથી હોતું ત્યારે મોઢામાંથી વાસ આવે છે એ સમજાવતાં ડેન્ટલ સજ્ર્યન અને ઑર્થોડૉન્ટિસ્ટ ડો. રાજેશ કામદાર કહે છે, ‘જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ અને એ દાંત વચ્ચે ફસાઈ જાય કે જીભ પર ચોંટેલું રહી જાય અને બરાબર સાફ ન થાય અને લાંબો સમય સુધી ત્યાં જ રહી જાય તો એ ખોરાક કોહવાઈ જાય છે, જેને કારણે એની અંદર બૅક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે બૅક્ટેરિયા અમુક પ્રકારના દુર્ગંધવાળા ગૅસ ઉત્પન્ન કરે છે અને એમાંથી નીકળતા ગૅસને કારણે મોઢામાંથી વાસ આવે છે. દાંત પર રહેલા બૅક્ટેરિયા પેઢાંના રોગ માટે જવાબદાર છે. આ ઉપરાંત એને કારણે દાંત ખવાતા જાય છે. દાંતના કોઈ પણ પ્રૉબ્લેમનું એક મોટું લક્ષણ મોઢામાંથી આવતી વાસ છે.’

ઉપાય : જો વાસનું કારણ ઓરલ હાઇજીન હોય તો દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વાસ દૂર કરવા માટે માઉથવૉશનો પ્રયોગ કરતા હોય છે, પરંતુ ફક્ત માઉથવોશ મોંને સાફ કરે છે દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને નહીં, જે વાસ માટે જવાબદાર બને છે. માટે માઉથવૉશ કરતાં પણ વધુ જરૂરી બ્રશિંગ છે.

ડ્રાય માઉથ

મોઢામાંના બૅક્ટેરિયા ફક્ત ખોરાક રહી જવાથી જ જન્મે છે એવું નથી. વાસ માટે જવાબદાર બીજા મહત્વના કારણની વાત કરતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘ઘણી વખત કોઈ વ્યક્તિ પ્રવાહી ઓછું પીતી હોય. ખાસ કરીને પાણી ઓછું પિવાતું હોય તો મોઢું સૂકું થઈ જતું હોય છે. આ ઉપરાંત ઘણા લોકોને મોઢામાં લાળ ઓછી બનતી હોય છે. મોઢામાં સતત લાળ ઝરતી હોય ત્યારે મોઢું આપોઆપ ભીનું રહે છે, પરંતુ લાળ ઓછી ઝરે તો જે મોઢું સુકાય એ મેડિકલ કન્ડિશનને ડ્રાય માઉથ કહે છે. સૂકા મોઢામાં પણ બૅક્ટેરિયા ખૂબ જલદીથી ઉત્પન્ન થાય છે અને એ બૅક્ટેરિયાને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે.’

ઉપાય : જો વાસનું કારણ ડ્રાય માઉથ હોય તો દિવસ દરમ્યાન તમે બરાબર ૩ લીટર પાણી પીઓ છો કે નહીં એની કાળજી રાખવી જરૂરી છે. રાત્રે સૂતી વખતે પણ વ્યવસ્થિત પાણી પીને સૂઓ એટલે આખી રાતમાં મોઢું વધારે ડ્રાય નહીં થાય. આ ઉપરાંત જો લાળનો પ્રૉબ્લેમ હોય તો ડૉક્ટરની મદદ લો. આજકાલ એવી દવાઓ મળે છે જેને કારણે લાળનું ઉત્પાદન વધારી શકાય.

શ્વાસની તકલીફ

આ ઉપરાંત બીજું મહત્વનું કારણ જણાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શ્વસનને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ જેમ કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફમાં તેના મોઢામાંથી વાસ આવી શકે છે, કારણ કે જ્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે તે નાકથી શ્વાસ લેવાનું બંધ કરી દેતી હોય છે અને મોઢાથી શ્વાસ લેવાનું ચાલુ રાખે છે. આ કન્ડિશનમાં મોઢું વધારે પડતું ડ્રાય થઈ જાય છે અને ડ્રાય માઉથમાં સરળતાથી બૅક્ટેરિયા વધી જાય છે જેને કારણે વાસ આવે છે.’

ઉપાય : જો તમને શ્વાસને લગતા પ્રૉબ્લેમ હોય તો પણ મોઢું સૂકું થઈ જાય છે અને એમાંથી વાસ આવે છે. એટલે જો બીજાં કારણો લાગુ ન પડતાં હોય તો મોઢામાંથી આવતી વાસ તમારા શ્વાસની તકલીફ સૂચવે છે એ સમજીને ડૉક્ટરની મુલાકાત જરૂર લેવી જોઈએ.

બીજાં કારણો

જ્યારે કોઈ વ્યક્તિને પાચનને લગતા પ્રૉબ્લેમ્સ હોય - જેમ કે અપચો હોય કે કબજિયાત હોય ત્યારે તેના મોઢામાંથી વાસ આવી શકે છે.

આ ઉપરાંત કોઈ પ્રકારનું ગળામાં ઇન્ફેકશન થઈ ગયું હોય તો પણ મોઢામાંથી વાસ આવી શકે છે.

આ પણ વાંચો : ઓબેસિટી અને કૅન્સર વચ્ચેના ગાઢ સંબંધને ઓળખીએ

ડુંગળી, લસણ, કૉફી વધુ લેતા હોય, તમાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય એવી વ્યક્તિઓના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે.

columnists