કયા દિવસો સારા? - (લાઇફ કા ફન્ડા)

29 March, 2019 12:34 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

કયા દિવસો સારા? - (લાઇફ કા ફન્ડા)

એક નગરશેઠને ચાર દીકરા હતા. બધા સમજદાર અને હોશિયાર. સંપ પણ સારો. શેઠજીએ ચારે દીકરાનાં લગ્ન સમજદાર સારી યુવતીઓ શોધીને કરાવ્યાં. વહુઓ પણ ડાહી હતી, હળીમળીને રહેતી અને પરિવારનું વાતાવરણ હંમેશાં આનંદમય જ રહેતું. શેઠ-શેઠાણીને સંતોષ હતો. શેઠજીએ વેપાર-ધંધામાં બધા પુત્રોને તેમની આવડત પ્રમાણે જવાબદારી આપી દીધી હતી. હવે શેઠ-શેઠાણી ઘરનો ભાર વહુને વહેંચવાનું નક્કી કરવા માગતાં હતાં, પણ નક્કી કરી શકતાં નહોતાં કે કયો ભાર કોને સોંપવો.

એક દિવસ શેઠ અને શેઠાણીએ ચારે વહુને બોલાવીને પૂછ્યું, ‘તમે ચારે જણ વિચારીને કહો કે કયા દિવસો સારા કહેવાય?’ વહુઓ હોશિયાર હતી. સમજી ગઈ કે આ પ્રશ્ન કંઈ એમ જ પૂછવામાં નથી આવ્યો. નક્કી અમારી પરીક્ષા લેવાઈ રહી છે. બધી વહુઓએ વિચારવાનો સમય માગ્યો. શેઠ અને શેઠાણીજીએ કહ્યું, ‘ઠીક છે. સાંજે જવાબ આપજો.’

સાંજે ચા લઈને નાની વહુ આવી અને તેણે કહ્યું, ‘મા-બાપુજી હું તમારા પ્રશ્નનો જવાબ આપું તો મારા મતે દિવસો શિયાળાના સૌથી સારા. સરસ ખુશનુમા વાતાવરણ. ઠંડીમાં મનગમતા ભાવતાં ભોજન ખવાય. પ્રસંગમાં તૈયાર થઈ મહાલી શકાય,’ અને તેણે ઘણાં કારણ આપ્યાં. થોડી વાર રહી ત્રીજી વહુ આવી તે નાસ્તો બનાવીને લઈ આવી હતી. તેણે કહ્યું, ‘મા-બાપુજી, મારો જવાબ છે કે દિવસો તો વરસાદના સૌથી સારા, કારણ વરસાદ જ પાણી આપે. વરસાદ જ પાક ઉગાડે.’ તેણે પણ ઘણાં કારણો આપ્યાં.

બીજી વહુ આવી શરબત લઈને. બોલી, ‘મા-બાપુજી, મારા માટે દિવસો તો ઉનાળાના સારા. ધોમધખતો તડકો પડે, પણ બધા રોગના જંતુઓ નાશ પામે, સાફસફાઈ થઇ શકે.’ તેણે પણ ઘણાં કારણો આપ્યાં. સૌથી મોટી પહેલી વહુ છેક રાત્રે આવી ગરમ દૂધ આપી બોલી, ‘મા-બાપુજી, મેં ઘણું વિચાર્યું. મને લાગે છે કોઈ પણ દિવસ હોય જે દિવસ સુખમાં વીતે, ખુશીથી વીતે તે સારા. પછી ભલે સૂકો રોટલો મળે કે પાંચ પકવાન. બધા સાથે મળી પ્રેમથી રહે એ દિવસો સારા.’

આ પણ વાંચો : ખુશ રહેવાના રસ્તા (લાઇફ કા ફન્ડા)

બધી વહુઓના જવાબ સાંભળી શેઠ-શેઠાણીએ નિર્ણય લીધો. ઘરની જવાબદારીઓમાં નાની વહુને મહેમાનોની આગતાસ્વાગતા કરવાની અને નાના-મોટા પ્રસંગ આયોજિત કરવાની જવાબદારી આપી. ત્રીજી વહુને ઘરના રસોડાની અને ભોજનની જવાબદારી આપી. બીજી વહુને ઘરની સાફસફાઈ અને બધાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જવાબદારી આપી, અને મોટી વહુને ઘરની અને તિજોરીની ચાવી સોંપી બધાને એકજૂટ રાખવાની જવાબદારી સોંપી.

columnists