ક્યાંથી લાવું આત્મવિશ્વાસ? (લાઇફ કા ફન્ડા)

13 January, 2020 04:28 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

ક્યાંથી લાવું આત્મવિશ્વાસ? (લાઇફ કા ફન્ડા)

૧૫ વર્ષના સોહને આત્મહત્યાની કોશિશ કરી, કારણ, ભણવું બહુ ગમતું નહીં. ન તે હોમવર્ક સમયસર કરતો કે ન પ્રોજેક્ટ-વર્ક પૂરું કરતો. માર્ક સાવ ઓછા આવતા. બધા ટીચરો તેને ખિજાતા, અપમાન કરતા એટલે બધા તેના પર હસતા અને રોજ આવી પરિસ્થિતિનો સામનો કરી સોહન થાકી ગયો હતો, કંટાળી ગયો હતો. રિઝલ્ટ આવ્યું, પણ માર્ક સાવ ઓછા આવ્યા. શાળામાં ટીચરો ખિજાયા અને ઘરે મમ્મી-પપ્પા પણ ખિજાયાં એટલે સોહને સાવ અંતિમ પગલું ભર્યું. તે ઉંદર મારવાની બધી દવા પી ગયો. સમયસર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો એથી બચી ગયો.

સોહનનો મોટો ભાઈ રોહન; આર્મીમાં ઑફિસર હતો. તે સોહને આત્મહત્યા કરવાની કોશિશ કરી એ સાંભળીને દોડી આવ્યો. સોહન હૉસ્પિટલથી ઘરે આવ્યો. પપ્પા તેનાથી વધુ નારાજ હતા. મમ્મી વધુ ધ્યાન રાખતી હતી. એક દિવસ સાંજે રોહને નાના ભાઈ સોહનને પૂછ્યું, ‘લિટલ બ્રધર, તું અને હું ફ્રેન્ડ છીએ. તું મને કહે શું તકલીફ છે? હું તને સાચો રસ્તો બતાવીશ. આત્મહત્યા કરવી એ તો કાયરતાની નિશાની છે. એમ કરવાથી તું બધાના દુ:ખનું કારણ બનીશ.’ સોહન થોડી વાર ચૂપ રહ્યો, પછી ધીમેકથી પોતાનું રિઝલ્ટ બતાવ્યું. સતત ઘટતા જતા માર્ક અને શાળામાં રોજ મળતી સજા વિશે, બધાની મજાક વિશે બધી વાત કરી.
રોહન બોલ્યો, ‘અરે દોસ્ત, આટલી નાની વાતમાં કોઈ આત્મહત્યા કરે. સૌથી પહેલાં રિઝલ્ટ ખરાબ આવે તો બધા ખિજાય જ. માટે તારે રિઝલ્ટ સારું લાવવું પડે. તારો પ્રૉબ્લેમ છે આત્મવિશ્વાસની કમી. તારામાં પોતાની જાત પર વિશ્વાસ જ નથી. કોઈ કામ તું બરાબર કરતો નથી. તને ભરોસો જ નથી કે તું કરી શકીશ, પછી એ પ્રોજેક્ટ હોય કે હોમવર્ક કે પછી પરીક્ષાનાં પેપર.
રોહને કહ્યું, ‘દોસ્ત, આમ તો આત્મવિશ્વાસ અંદરથી જ જાગે અને એને જગાડવા માટે આપણે કોઈ પણ કામ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવું, સમયસર પૂરું કરવું અને જાતે અમુક કસરત, ખાનપાનના નિયમોનું પાલન કરવું. કોઈ સ્પોર્ટ્સ ગેમ રમવી. દરેક કામ કંટાળાથી નહીં, લગનથી કરવું. તું શાળામાં મનથી ભણવામાં ધ્યાન આપ, સમયસર હોમવર્ક કર, પરીક્ષામાં વહેલી તૈયારી કર તો તારું રિઝલ્ટ સુધરશે અને સફળતા મળશે તો જાત પર આત્મવિશ્વાસ પણ વધશે. તકલીફોથી ભાગી છૂટવું કોઈ રસ્તો નથી. આત્મવિશ્વાસથી તકલીફોનો સામનો કરવાથી જ સફળતા મળે છે.’ સોહનને આત્મવિશ્વાસ અંદરથી જ જગાડવો પડશે એ સમજાઈ ગયું.
- હેતા ભૂષણ

columnists heta bhushan