અબ બસ : વાત જ્યારે પોતાના પરિવારની આવે ત્યારે ગંભીરતા આપોઆપ જન્મે

16 December, 2019 03:37 PM IST  |  Mumbai | Manoj Joshi

અબ બસ : વાત જ્યારે પોતાના પરિવારની આવે ત્યારે ગંભીરતા આપોઆપ જન્મે

આ હકીકત છે.

પોતાના પરિવારની વાત આવે ત્યારે ગંભીરતાને આપોઆપ જ શિંગડાં આવી જાય છે. બળાત્કારીઓને પણ આ જ વાત લાગુ પડે છે. જો તમે હૈદરાબાદ કેસને ફૉલો કરતા હો તો અને એ કેસના સમાચાર નિયમિત વાંચતા હો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે ડૉક્ટર પર બળાત્કાર કરી તેમની હત્યા કરનારા ચાર પૈકીનો એક આરોપી પોલીસને વિનંતી કરી ચૂક્યો છે કે આ મારી ભૂલ છે, મારા પરિવાર સાથે લોકો ખરાબ વર્તન ન કરે એનું ધ્યાન રાખવામાં આવે. જરા વિચારો કે આ લાગણી, આ પ્રેમ અને હવે કાયદાએ પણ આ જ વાતને સહજ રીતે જોઈ લેવાની જરૂર છે.

વાત પોતાના પરિવારની આવે કે તરત ભલભલા ચમરબંધીઓના મોતિયા મરી જાય છે. બળાત્કારના આરોપસર પકડાયેલા આરોપીની સજામાં એક સજા એ પણ ઉમેરાવી જોઈએ જેમાં તેના પરિવારે સહન કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. અહીં મને વધુ એક વખત ચોખવટ કરવી છે કે પરિવારનો વાંક નથી એ સૌકોઈ જાણે છે, પણ એમ છતાં પરિવાર દોષી છે એ પણ કબૂલ કરવાનું રહેશે. જો તમને તમારાં સંતાનોની વર્તણૂક કે પછી તેની સોબતનો અણસાર જ ન હોય તો તમારે સમજવું પડશે કે તમને માબાપ કે પરિવારજન ગણાવવાનો કોઈ હક નથી. તમારો દીકરો કોની સાથે ફરે છે, રખડે છે અને તેની સોબતમાં કેવા-કેવા લોકો છે એ જાણવું, જોવું એ પરિવારના સભ્યોની જવાબદારી છે. આ જવાબદારીને સભાનતાથી નિભાવવી પડશે. જો તમે એ નિભાવી ન શકતા હો કે પછી એ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા હો તો તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે.

માત્ર હૈદરાબાદમાં જ નહીં, દિલ્હીના નિર્ભયા કેસ પછી પણ એવી જ અવસ્થા ઊભી થઈ હતી કે એ આરોપીઓએ તેના પરિવારને કશું ન થાય એને માટે પોલીસને હાથ જોડ્યા હતા, કોર્ટમાં પણ એવી જ વિનંતી કરી હતી. જરા વિચાર તો કરો. એ નરાધમોને પણ છેલ્લે તો પરિવાર જ યાદ આવે છે. જે સમયે એવો કાયદો બનશે કે તેના પરિવારની સંપત્તિ ટાંચમાં લેવાશે કે પછી તેના પરિવારનું નાગરિકત્વ રદ કરી નાખવા જેવો મોટો કાયદો બનાવવામાં આવશે એ સમયે ગમે એવી વિકૃતિ મનમાં જન્મશે તો પણ એનો નાશ કરવાનો રસ્તો પણ પોતે જ વિચારશે. એ વિકૃતિનું કેવી રીતે શમન કરવું એનો વિચાર પણ તે જાતે જ કરશે અને કાં તો વિકૃત જન્મે એ પહેલાં પોતે જ તેની હત્યા કરી નાખશે. જરૂરી એ જ છે. જરૂરી વિકૃતિનું શમન જ છે. કાયદો એવો હોવો જોઈએ જેમાં વિચારમાત્રથી ધ્રુજારી છૂટી જાય. આજે જગતભરના મોટા ભાગના દેશોએ બળાત્કાર જેવા ગંભીર ગુના માટે અતિશય કડક કાયદા રાખ્યા છે અને એ રાખવા પાછળનું કારણ પણ એ જ છે કે એ પ્રકારનો વિચારમાત્ર મનમાં જ ડામી દેવામાં આવે.

શરૂઆત તમારે આકરા થઈને કરવી પડે. જો આકરા થવાની તૈયારી તમે ન રાખો તો તમારે ભોગવવાની તૈયારી રાખવી પડે. અત્યારે એવી જ પરિસ્થિતિ છે કે આપણા સમાજે બધું ભોગવવું પડી રહ્યું છે. શું કામ ભોગવે સમાજ, શું કામ ભોગવે બહેન-દીકરીઓ? કાયદો જ એવો બનાવો જેની આકરામાં આકરી સજાઓ મનમાં જ કુવિચારોને કચડી નાખવાનું કામ કરે.

columnists manoj joshi