તમે ક્યારે-ક્યારે બન્યા છો ભ્રષ્ટાચારનો‌ શિકાર?

09 December, 2019 02:03 PM IST  |  Mumbai | Ruchita Shah

તમે ક્યારે-ક્યારે બન્યા છો ભ્રષ્ટાચારનો‌ શિકાર?

ભ્રષ્ટાચાર

વિકાસની દિશામાં કરપ્શન સ્પીડબ્રેકરનું કામ કરે છે છતાં આપણે ત્યાં એક્સ્ટ્રા આવકની લાલચે લોકો ગમે એવા નીચલા સ્તરે ઊતરવામાં અચકાતા નથી. સામાન્ય જનતા પણ પોતાનું કામ ઝડપથી થાય અથવા પોતાની મર્યાદાઓ છુપાવીને કામ કઢાવવા માટે અધિકારીઓની બગડેલી નિયતને પોષવાનું કામ કરી લેતા હોય છે. આજે આંતરરાષ્ટ્રીય ઍન્ટિ કરપ્શન ડે નિમિત્તે મુંબઈના કેટલાક ગુજરાતીઓ શૅર કરે છે શહેરમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતા કિસ્સા...

આ વર્ષે ૫૧ ટકા ભારતીયોએ પોતાનું કામ કઢાવવા માટે સરકારી અધિકારીઓને લાંચ-રુશવત આપી હતી. હાશકારાની વાત એ છે કે ગયા વર્ષ કરતાં આ પ્રમાણ ઘટ્યું છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ ઇન્ડિયાએ કરેલા આ સર્વેમાં ૨૦ રાજ્યોના ૨૪૮ તાલુકાઓ સામેલ હતા. લગભગ બે લાખ લોકોએ એમાં ભાગ લીધો હતો. વિશ્વમાં કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સમાં ભારતનો નંબર ૧૭૫માંથી ૭૮મો છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં કરપ્શન સૌથી મોટી નડતર હોય છે. સર્વેક્ષણમાં ૨૪ ટકા નાગરિકોએ વર્ષ દરમ્યાન ઘણી બધી વાર લાંચ આપ્યાનું કબૂલ્યું છે. ૪૪ ટકા લોકોએ કમ્પ્યુટરાઇઝ્‍ડ સિસ્ટમ હોય એટલે કે બધું જ ડિજિટલી ચાલતું કામ હોય છતાં લાંચ આપ્યાનું અને સીસીટીવી કૅમેરા હોવા છતાં અધિકારીઓએ લાંચ લીધાનું સ્વીકાર્યું હતું. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વઆખામાં કરપ્શનનાં જાળાં ફેલાયેલાં છે, પરંતુ આપણે ત્યાં નીચેથી ઉપર સુધી મોટા ભાગના વિભાગોમાં કામ કરતા અધિકારીઓ કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને કેટલીક વાર તો આંચકો લાગે એવી રીતે લાલચ લોકોને મૂલ્યનિષ્ઠાની ઐસી કી તૈસી કરવા પ્રેરે છે. અમે ‘મિડ-ડે’ના માનવંતા વાચકમિત્રો પાસે તમારા જીવનમાં આવેલા ભ્રષ્ટાચારના પ્રસંગો વિશે પૂછ્યું છે. પોતાની ઓળખ છુપાવીને કેટલાક લોકોએ શહેરમાં ચાલતા આવા એક્સ્ટ્રા આવકના ધંધાનું વર્ણન કર્યું છે એના પર ચર્ચા કરીએ.

આપણે ત્યાં જન્મથી લઈને વ્યક્તિના મૃત્યુ સુધીના સમયમાં સતત લાંચ આપતા રહેવું પડે એવી સ્થિતિ છે એમ જણાવીને પ્રવીણ શાહ (નામ બદલ્યું છે) કહે છે, ‘બાળકનો જન્મ થાય એ પછી મ્યુનિસિપાલિટીમાં તેનું નામ રજિસ્ટર્ડ કરાવવા માટે જાઓ ત્યાં તમારે પૈસા આપવા પડે અને ત્યાંથી લઈને મૃત્યુના સર્ટિફિકેટ સુધી આ ક્રમ સતત ચાલતો રહે છે. મને યાદ છે કે મારા નાના ભાઈને દીકરો થયો હતો. બીએમસીમાં તેનું નામ નોંધાવવા ગયા તો ત્યાંનો ક્લાર્ક કહે, ૫૦૦ રૂપિયા આપી દો ૧૫ મિનિટમાં નામ નોંધીને સર્ટિફિકેટ આપી દઉં. આપણે ત્યાં ડગલે ને પગલે ભ્રષ્ટાચાર છે. કેટલીક સરકારી હૉસ્પિટલોમાં અમે કામ કરીએ છીએ. સરકારી હૉસ્પિટલમાં મોટા ભાગે એક્સ-રે કે એમઆરઆઇના ઓછા ચાર્જ લાગતા હોય છે. એક હૉસ્પિટલમાં આવા જ એક એમઆરઆઇ મશીનને જાણીજોઈને ૫૦ પૈસાનો સિક્કો નાખીને બગાડી દેવામાં આવતું હતું જેથી દરદીઓએ નાછૂટકે નજીકમાં આવેલી પ્રાઇવેટ લૅબોરેટરીમાં જવું પડે. આ લૅબોરેટરીવાળા સાથે હૉસ્પિટલના ડીનનું પેશન્ટદીઠ ૫૦૦ રૂપિયાનું કમિશન ફિક્સ થયું હતું. સરકારી હૉસ્પિટલમાં આવનારા ગરીબ પેશન્ટનું જે કામ ૧૦૦૦ રૂપિયામાં થવાનું હતું એના તેઓ પ્રાઇવેટમાં ૩૦૦૦ રૂપિયા આપતા હતા. જોકે પછીથી એક સામાજિક સંસ્થાએ હૉસ્પિટલના તમામ રિનોવેશનની જવાબદારી પોતાની પાસે લઈ લીધી ત્યારથી મશીન બગડવાનું બંધ થઈ ગયું અને ડીનનો કટ પણ બંધ થઈ ગયો. એ પછી જોકે ડીનની પણ બદલી થઈ ગઈ હતી. કેટલાક બહારગામના પેશન્ટનું મૃત્યુ થાય તો તેની ડેડબૉડીને લઈ જવા માટે પોલીસની એનઓસી જોઈતી હોય તો પોલીસને પૈસા ખવડાવવા પડે. ધારો કે દરદીનો પરિવાર મૃતકનું પોસ્ટમૉર્ટમ ન થાય એવું ઇચ્છતો હોય તો ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરને ૫૦૦૦ રૂપિયા આપો તો એક કલાકમાં ડેડબૉડી સગાંસંબંધીઓને સોંપી દે. એટલે સુધી કે દરેક સરકારી હૉસ્પિટલમાં મેડિકલ સોશ્યલ ઑફિસર હોય, જો કોઈ દરદીની પહોંચ ન હોય અને કોઈ ઑપરેશનનો ખર્ચ લાખ રૂપિયા આવ્યો હોય તો પહેલાં તો રાજીવ ગાંધી યોજના અંતર્ગત તેને ૫૦,૦૦૦ રૂપિયા બાદ મળે, એ પછી પણ પૈસાની જરૂર હોય તો સામાજિક સંસ્થાના સહયોગથી આ સોશ્યલ ઑફિસર પોતાના તરફથી હજી ૨૦-૨૫ હજાર રૂપિયા ઓછા કરાવી શકે. જોકે એમાં પણ સોશ્યલ ઑફિસર પહેલાં કહે કે ૨૫,૦૦૦ રૂપિયામાં કરાવી આપીશ, પણ ૫૦૦૦ રૂપિયા ચાર્જ લાગશે. આ ૫૦૦૦ રૂપિયા તેના પોતાના ખિસ્સામાં. આવા તો અઢળક કિસ્સા છે જેમાં દવાના નામે, ઇલાજના નામે અપાતા પૈસા પણ આ વચેટિયા અધિકારીઓ ચાઉં કરવાની દાનત રાખતા હોય છે. હૉસ્પિટલના વૉચમૅન અને વૉર્ડબૉયથી લઈને સિક્યૉરિટી ગાર્ડ સુધી કરપ્ટ હોય છે. લૅબોરેટરીવાળાઓએ એક સામાજિક સંસ્થાને ૬૨ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તમે વિચારો કે તેઓ કેટલો સરચાર્જ લેતા હશે. ઘણ‌ી સરકારી હૉસ્પિટલોના કૅમ્પસમાં ઓલા, ઉબર જેવી પ્રાઇવેટ ટૅક્સીઓ રાતના સમયે પાર્ક કરી જાય અને એનો પાર્કિંગ-ચાર્જ જાય સિક્યૉરિટીના ગજવામાં.’

રેલવેની ટિકિટના બુકિંગથી લઈને ટ્રેનની અંદર ટીસીઓ દ્વારા થતા ભ્રષ્ટાચારનો અનુભવ તમને થયો જ હશે. ટ્રાફિક-પોલીસ દ્વારા પણ લાંચ-રુશવત લેવાના પ્રસંગો સામાન્ય છે. પ્રવીણભાઈ કહે છે, ‘આજે કોઈ પણ કામ ઝડપથી થાય એવું ઇચ્છતા હોઈએ અને નકામી મગજમારી ન જોઈતી હોય તો કેટલીક વાર આપણે સાચા હોઈએ તો પણ સામેવાળાને પૈસા આપવા પડે. આપણે વેપારી માણસ છીએ અને થોડા રૂપિયા માટે કોઈ અધિકારીને નારાજ કરીને આપણી પળોજણ વધારવાનું ન પોસાય. મારી ગાડીનો કાચ સહેજ ટિલ્ટેડ છે. નિયમ મુજબ તમારી કારની વિન્ડોમાંથી કંઈ ન દેખાય તો એ કાયદાનો ભંગ છે. મારી કારની વિન્ડોના ગ્લાસ ટ્રાન્સપરન્ટ જ છે છતાં એનો રંગ સહેજ ડાર્ક હોવાને કારણે મોટા ભાગે હવાલદારો રોકે. ૫૦ રૂપિયાની નોટ પકડાવો એટલે બધા મુદ્દા બેસી જાય. મારા મિત્રની રેસ્ટોરાં છે. દર ૬ મહિને એ લોકોનું ચેકિંગ થાય. જ્યારે પણ ચેકિંગ થાય ત્યારે એ લોકોને સેફ્ટી મેઝર બરાબર છે કે નહીં એમાં રસ જ ન હોય. જો તમે ૨૧,૦૦૦ રૂપિયા રોકડા આપી દો તો ચેક કર્યા વિના ‘ઑલ ઓકે’નો રિપોર્ટ તેઓ બનાવી નાખે, અંદર પગલું પણ માંડ્યા વિના. પણ જો તમે પૈસા આપવામાં નનૈયો ભણ્યો તો તમે ગયા. કાં તો તેઓ કંઈ ન હોય તો પણ કાયદાની આંટીઘૂંટી દેખાડીને તમને ફસાવે. કંઈ ને કંઈ તો એવું નીકળે જ જે કાયદાકીય રીતે ફિઝિબલ ન હોય અથવા તો નથી એવું સાબિત કરી શકાય. આપણા દેશમાં એ રીતે સામાન્ય લોકોને ભ્રષ્ટાચાર ખૂબ સતાવે છે. બિલ્ડરોએ કટ આપવા પડે, બિલ્ડિંગ બનાવતાં પહેલાં એક પણ ફાઇલ ઉપર સુધીના ઑફિસરને અમુક ટકા પહોંચાડ્યા વિના પાસ ન થાય.’

શું કામ કોઈ ભ્રષ્ટાચાર કરવા પ્રેરાય?

દરેક માણસ છે અને ભગવાનમાં વિશ્વાસ ધરાવનારા લોકો પણ શું કામ ભ્રષ્ટાચાર સહજ રીતે કરી શકે છે એની પાછળની માનસિકતાનું વર્ણન કરતાં મનોચિકિત્સક ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘કોઈ પણ ખોટું કામ કરવામાં પહેલાં બે-ત્રણ વાર સંકોચ થાય પણ પછી એ જીવનનો હિસ્સો બની જાય. શરૂઆતમાં જે ખોટું લાગતું હોય એ પછીથી નૉર્મલ લાગે. જેમ કે પગાર ઉપરાંતની એક્સ્ટ્રા ઇન્કમ એ નૉર્મલ રૂટીન લાગે. તેમને એમાં અયોગ્ય જેવું કંઈ લાગે જ નહીં તો એમાંથી અટકે કેવી રીતે. જેમ કે એક જમાનામાં છોકરીઓનાં લગ્ન સાથે દહેજ લેવાની પ્રથા સામાન્ય હતી. એમાં કંઈ નવું નહોતું. દહેજ તો લેવાનું જ હોય એ વાત તેમને રોજ સવારે ઊઠીને બ્રશ તો કરવાનું જ હોય એવી સામાન્ય લાગતી. બીજી એક માનસિકતા હોય છે કે અમે આટલું સમાજ માટે કામ કરીએ છીએ તો અમે આટલું અમારા પરિવાર માટે ન કરીએ તો કોણ કરશે? ક્યાંક એવું પણ હોય કે જ્યારે આખું ગામ કરે છે તો મારે સત્યવાદી હરિશ્ચંદ્ર બનવાની શું જરૂર છે. ક્યાંક અસંતોષ રોગ બની ગયો હોય, ગમે એટલું મેળવે પણ સંતોષ જ ન થાય, ઓછું જ લાગે એટલે હદ વટાવીને પણ ભ્રષ્ટાચાર કરતા રાજકારણીઓને આમાં સમાવી શકાય. કેટલાક લોકોને શો-ઑફ કરવું હોય, હું શું છું એ નહીં, પણ મારી પાસે શું છે એ બાબતથી તેમને વધુ ફરક પડતો હોય.’

કેવી રીતે દૂર થાય‍?

- સિસ્ટમમાં બને એટલી ટ્રાન્સપરન્સી વધે અને ટેક્નૉલૉજીના ઉપયોગથી બધું જ ઑનલાઇન થવાનું શરૂ થાય.

- કરપ્શન દૂર કરવા માટે ઉપરથી નીચેના લેવલ પર સફાઈના પ્રયાસ કરવા જોઈએ. કરપ્શન કરનારાં મોટાં માથાંઓ પર જો દાબ મૂકવામાં આવે તો નાનાં તો આપમેળે કન્ટ્રોલમાં આવી જાય.

- મૂલ્યશિક્ષણનું જ્ઞાન વધુ ને વધુ પ્રબળ બનાવવામાં આવે.

columnists