સારાઈ અને બૂરાઈ ખરેખર શું છે? દરેકમાં બન્ને હોય છે

18 March, 2019 02:50 PM IST  |  | ફાલ્ગુની જડિયા-ભટ્ટ

સારાઈ અને બૂરાઈ ખરેખર શું છે? દરેકમાં બન્ને હોય છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આજકાલ મને એક નવો ચસકો લાગ્યો છે. ઇન્ટરનેટ પર બધી જૂની સિરિયલો જોવાનો. ‘નુક્કડ૨, ‘બ્યોમકેશ બક્ષી, ‘વાગ્લે કી દુનિયા’થી લઈ ‘ખીચડી’ અને ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ વગેરે મારો ફેવરિટ ટાઇમપાસ બની ગઈ છે. શું થાય? ગમે તેટલું કરું તોય હવેની નવી સિરિયલો માટેનો ટેસ્ટ હું ડેવલપ કરી જ શકતી નથી. લગ્નમાં જવાની હોય એ રીતનાં કપડાં અને દાગીના પહેરી ઘરમાં ફરતી, મોટા મોટા ચાંદલા અને લાઉડ મેકઅપ લગાડેલી મહિલાઓ મને કેમેય કરીને ગોઠે નથી પડતી. બલકે, એનાથી પણ વધારે કંટાળો તો તેમની માનસિકતાનો આવે. ખરાબ હોય તે એટલી ખરાબ હોય કે ખુદ આપણને પણ ટીવીની અંદર ઘૂસી તેને બે-ચાર તમાચા મારી દેવાની ઇચ્છા થઈ આવે અને સારી હોય તો એટલી સારી હોય કે આપણને તેની સારાઈનો પણ ત્રાસ થવા માંડે!

વાસ્તવમાં આપણે ગમે તે કહીએ, જીવન તો ગ્રે રંગે જ રંગાયેલું છે. નથી પૂર્ણપણે સારું કે નથી પૂર્ણપણે ખરાબ. બધાના જીવનમાં થોડાં સુખ છે તો થોડાં દુ:ખ પણ છે. આપણે બધા મઝધારના પ્રવાસીઓ છીએ. આપણી અંદર પણ કેટલીક સારાઈઓ છે તો કેટલીક ખરાબીઓ. એ તો આપણે આપણી અંદરની ખરાબીઓને કેટલા પ્રમાણમાં દબાવીને રાખીએ છીએ અને આપણી અંદરની સારાઈઓને કેટલા પ્રમાણમાં કાર્યરત થવા દઈએ છીએ તેના આધારે વ્યક્તિ તરીકે આપણે સારા છીએ કે ખરાબ એનો નિર્ણય લેવાતો હોય છે.

રોજિંદા વ્યવહારમાં પોતાના કામથી કામ રાખે અને કોઈને નડે નહીં તેવી વ્યક્તિને આપણે સારી વ્યક્તિ તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ શું આટલા માત્રથી કામ પતી જાય છે? કેટલાકને મન આટલું પૂરતું છે. તો વળી કેટલાક પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓની સીમારેખામાં રહેવાને સારાઈ માને છે. કેટલાકનું માનવું હોય છે કે તમે પોતાની સાથે બીજાની ભલાઈનો પણ કેટલો વિચાર કરો છો એ પણ એટલું જ મહત્વનું છે. તો વળી કેટલાક તેનાથી પણ આગળ વધીને એવું પણ માને છે કે જરૂર પડે ત્યારે હાથ અને જાતથી ઘસાઈને પોતાના ભોગે પણ જે બીજાનું ભલું કરે એ જ વ્યક્તિ ખરા અર્થમાં સારી છે.

વાસ્તવમાં સારાઈ એ એક અત્યંત અંગત બાબત છે. તમે કોને સારાઈ ગણો છો એનો બધો આધાર તમારી વ્યક્તિગત વિચારધારા પર રહેલો છે. પરિણામે એવું પણ બની શકે કે તમે જેને સારાઈ ગણો છો એ જ બીજાને મન તમારો સૌથી મોટો દુર્ગુણ કે પછી તમારી સૌથી મોટી નબળાઈ પણ હોઈ શકે, જેમ કે મહાભારતમાં વનવાસનાં વર્ષો દરમ્યાન શાંતિ અને ધીરજ જાળવી રાખનાર યુધિષ્ઠિરની આ સારાઈ તેના ભાઈઓ અને ખાસ કરીને પત્ની દ્રૌપદીને મન તેનો સૌથી મોટો દુર્ગુણ છે, તેમ છતાં પોતાના સિદ્ધાંતો અને મર્યાદાઓને મહત્વ આપનાર યુદ્ધિષ્ઠિર કોઈનું નથી સાંભળતા અને એ જ કરે છે, જે તેમને યોગ્ય લાગે છે, પરંતુ એ જ યુદ્ધિષ્ઠિરના આ જ સિદ્ધાંતો દ્યુતક્રીડા સમયે ક્યાં ગયા એનો જવાબ આપણને કદાચ મહાભારતના અંત સુધી મળતો નથી.

તેવી જ રીતે પોતે ક્ષત્રિય ન હોવાને કારણે જે ગુરુએ પોતાને શિક્ષા આપવાની ના પાડી દીધી હતી એ જ ગુરુ દ્રોણ જ્યારે ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માગી લે છે ત્યારે પળભરનો પણ વિચાર કર્યા વિના અંગૂઠો કાપી આપનાર એકલવ્યની સારાઈ આપણને આર્ય પમાડે છે. કંઈક એવી જ રીતે સાધુવેશે આવેલા ઇન્દ્રને શરીર ચીરીફાડીને જન્મથી પોતાની સાથે જોડાયેલાં કવચ અને કુંડળ કાઢી આપનાર કર્ણનું આ દાનવીરપણું આપણામાં આર્યની સાથે અનુકંપા પણ જન્માવે છે, તો બીજી બાજુ પાંડવોને સામે ચાલીને રણમેદાનમાં પોતાને કેવી રીતે હરાવવો એનો રસ્તો દેખાડી આપનાર પિતામહ ભીષ્મ આપણને ભવ્ય લાગે છે, પરંતુ એ જ એકલવ્ય, કર્ણ અને ભીષ્મ જ્યારે ધર્મના આ યુદ્ધમાં કૌરવોનો પક્ષ લે છે ત્યારે તેમની અંદરની આ જ ભલમનસાઈ અને ભવ્યતા નાના થઈ જાય છે.

આ પણ વાંચો : તો ધૂળ પડી તારા જીવનમાં

રામાયણની સરખામણીમાં મહાભારત આપણને વધુ વાસ્તવિક લાગે છે, કારણ કે આ બધાં પાત્રો એકંદરે સારાં જ છે, છતાં આપણી જેમ તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક કેટલીક નબળાઈઓ તથા દુર્ગુણો રહેલાં છે, જે તેમને વધુ માનવીય બનાવે છે. બીજા શબ્દોમાં આપણી હવેની સિરિયલોની જેમ માત્ર વાઇટ કે બ્લૅક રંગે રંગાયેલા નહીં, પરંતુ મહાભારતની જેમ ગ્રે શેડ્સવાળાં પાત્રો જ વધુ સારાં લાગે છે, કારણ તે આપણા જેવાં છે. આપણે બધા પણ એકંદરે સારા જ છીએ, છતાં નાનીમોટી નબળાઈ આપણા બધામાં છે. બલકે, થોડી નબળાઈ હોવી આવશ્યક પણ છે. આ નબળાઈઓ જ છે, જે આપણને માનવીય બનાવે છે, જે આપણને પોતાને દૂર કરી વધુ સારા બનવા માટેનું કારણ પૂરું પાડે છે તથા આપણા જીવનને એક દિશા અને ધ્યેય પૂરાં પાડે છે. ટૂંકમાં સારા બનવા માટે પણ થોડા ખરાબ હોવું આવશ્યક છે, કારણ જ્યાં અંધકાર હોય જ નહીં ત્યાં પ્રકાશનું મહત્વ જ શું રહે? ખરેખર તો જીવન એ બીજું કશું નહીં, આ નબળાઈ અને સબળાઈ વચ્ચેનો દ્વંદ્વ માત્ર છે. તમે કઈ રીતે અને કઈ હદે પોતાની નબળાઈનું દમન કરી શકો છો એના આધારે જ વ્યક્તિ તરીકે તમે સારા છો કે ખરાબ એનો નિર્ણય લઈ શકાય છે. વળી આ નિર્ણય કોઈ બીજાએ નહીં, ખુદ આપણે જ લેવાનો હોય છે.

columnists