જીવનમાં આખરે મહત્વનું શું છે?

30 December, 2019 03:16 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

જીવનમાં આખરે મહત્વનું શું છે?

ફાઈલ ફોટો

જીવન જેનું નામ, એમાં કામ અને જવાબદારીઓ તો છેલ્લે સુધી રહેવાનાં જ. બલકે કેટલાંક તો જીવન પૂરું થઈ ગયા બાદ પણ અધૂરાં જ રહી જવાનાં. તેથી આવનારા આ નવા વર્ષમાં જીવનની અન્ય બાબતોની સાથે ચાલો ખુદ પોતાની જાત પર પણ ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ અને એ બધું પણ કરીએ જે આખરે આપણને શાંતિ અને સંતોષ આપે છે.

કામ, કામ અને કામ. એક પૂરું કરો ત્યાં તો બીજું સામે આવીને ઊભું જ હોય. ક્યારેક એવું થાય કે આ કામ તો પૂરાં થતાં જ નથી. આમ જ ચાલ્યા કરશે તો જીવન પૂરું થઈ જશે અને છતાં કામ પૂરાં કરવાનાં તો બાકી જ રહી જશે. આ સંદર્ભમાં તાજેતરમાં વૉટ્સઍપ પર એક બહુ મજાની પોસ્ટ આવી હતી. એક ગૃહિણી રાતના સમયે થાકી હારીને પલંગમાં પડી. પડતાંની સાથે તેણે પતિને કહ્યું કે આજે કંઈક છાતીમાં થોડો દુખાવો જેવું થઈ રહ્યું છે. પતિએ તેના માથે હાથ ફેરવતાં ખૂબ બધી જવાબદારીઓ એકસાથે ઉપાડી લીધી હોવાનો મીઠો ઠપકો આપ્યો અને હવે નિરાંતે સૂઈ જવાની શિખામણ આપી. ઊંઘમાં પત્નીને લાગ્યું કે એકાએક તેનો છાતીનો દુખાવો વધી ગયો છે અને તેને હાર્ટ-અટૅક આવ્યો છે. પરંતુ મગજ જેનું નામ, એ તો કોઈ બીજી જ દિશામાં દોડવા લાગ્યું. તેને યાદ આવ્યું કે ઘરમાં હજી સાંજે આવેલાં ઇસ્ત્રીનાં કપડાં તો કબાટમાં મૂકવાનાં બાકી રહી ગયાં છે. ફ્રિજમાં મલાઈનો ડબ્બો પણ આખો ભરાઈ ગયો છે, જેનું ઘી બનાવવાનું હજી બાકી છે. ઘરમાં ચોખા પણ પૂરા થવા આવ્યા છે. નાસ્તાના નામે બિસ્કિટ કે મમરા જેવું પણ કશું નથી. હું મરી ગઈ તો મારા મર્યા બાદ તેર દિવસ જે લોકો ઘરે આવશે તેઓ ખાશે શું? બલકે આ બધાં અધૂરાં પડેલાં કામો જોઈ લોકો તો ફક્ત મારા મિસમૅનેજમેન્ટની જ વાતો કરશેને! આ વિચારોથી ગભરાઈને એકાએક વહેલી સવારે તેની આંખો ખૂલી ગઈ અને તે ફરી પાછી એક જવાબદાર ગૃહિણીની જેમ પોતાનાં બાકી રહી ગયેલાં કામો પૂરાં કરવામાં લાગી ગઈ. બિચારી ગૃહિણી... નિરાંતે મરી પણ નથી શકતી...

આ પોસ્ટ વાંચતાં લાગ્યું કે જાણે એમાં મારી જ વાત કરવામાં આવી છે. બલકે ફક્ત મારી જ શું કામ, આપણા સૌની વાત કરવામાં આવી છે. ગૃહિણીઓને એવું લાગે છે કે તેમના કામનો કોઈ અંત જ નથી. ઑફિસમાં કામ કરતા પુરુષવર્ગને એવું લાગે છે કે તેમના કામનો કોઈ પાર જ નથી. વિદ્યાર્થીવર્ગને એવું લાગે છે કે તેમનો અભ્યાસક્રમ તો પૂરો જ નથી થઈ રહ્યો. ટૂંકમાં આપણે બધા પોતપોતાના જીવન અને એની જવાબદારીઓમાં એટલા અટવાયેલા છીએ કે ક્યારેક એવું લાગે કે આમ ને આમ કરતાં રહીશું તો જીવન પૂરું થઈ જશે ને છતાં જીવવાનું તો રહી જશે! તો પછી જીવનમાં મહત્વનું શું છે? જવાબદારીઓ કે જીવવાનું?

આપણા મનમાં હંમેશાંથી જવાબદારીઓ જ જાણે જીવન છે એવું ઠસાવી દેવામાં આવ્યું છે. રાજનેતાઓ આપણને દેશના જવાબદાર નાગરિક બનવાની સલાહ આપે છે. નાના હોઈએ છીએ ત્યારે માતાપિતા જવાબદાર પુત્ર અને પુત્રી બનવાનું કહે છે. લગ્ન બાદ સાસુ-સસરા જવાબદાર વહુ અને જમાઈ બનવાનું કહે છે. બાળકો આપણને જવાબદાર માતાપિતા બનતાં શીખવે છે ને તેમનાં મોટાં થયા બાદ તેમના જીવનસાથી આપણને જવાબદાર સાસુ-સસરા બનાવે છે. તેમનાં સંતાનો આપણને જવાબદાર દાદા-દાદી અને નાના-નાની બનાવી દે છે અને આ બધી જવાબદારીઓ પૂરી કરતાં-કરતાં છેલ્લે આપણે પણ એવું જ માનવા લાગીએ છીએ કે આ જવાબદારીઓ જ જીવન છે.

તો પછી જીવન છે શું? વ્યાકરણની ભાષામાં કહીએ તો જીવન એ કોઈ નામ નથી, ક્રિયાપદ છે. તેથી જીવન પોતે એટલું મહત્વનું નથી જેટલું એને જીવવાનું મહત્વનું છે. એ પણ પાછું કોઈ બીજા માટે નહીં, ખુદ પોતાના માટે. આપણને હંમેશાં એવું કહેવામાં આવે છે કે જે પોતાના માટે જીવે છે તે તો સ્વાર્થી છે, પરંતુ હકીકત તો એ છે કે જે પોતાના માટે જીવી શકતો નથી તે કોઈ બીજા માટે ક્યારેય કંઈ કરી શકતો પણ નથી. સીધુંસાદું ગણિત છે બૉસ, કૂવામાં હોય તો હવાડામાં આવે. તેથી જ્યારે આપણે પોતાની જાત પર ફોકસ કરી શકીએ છીએ ત્યારે જ ખરા અર્થમાં આપણે આપણા ઘર, પરિવાર, નોકરીધંધા, મિત્રો વગેરે જેવી આપણે મન જે ખરેખર મહત્વની છે એવી બાબતો પર ફોકસ કરી શકીએ છીએ.

મોટા ભાગે આપણે ખુદ પોતાના ભોગે જવાબદારીઓને મહત્વ આપવાની ભૂલ કરતા હોઈએ છીએ. જીવનમાં સમતુલન જાળવવું અત્યંત આવશ્યક છે એ સત્ય ભૂલી કોઈ જરૂરિયાત કે ઝનૂનને જીવનનું કેન્દ્ર બનાવી એની પાછળ દોડ્યા કરીએ છીએ. આપણે એવું  માનીએ છીએ કે એ બધું તો પછી પણ થયા કરશે, પરંતુ એ પછી ક્યારેય આવતું નથી અને  ધીરે-ધીરે આપણું વ્યક્તિત્વ અસંતોષ અને આક્રોશથી ભરાવા લાગે છે.

જીવનનું મૂળભૂત સત્ય એ છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધું આખરે આપણને આંતરિક આનંદ અને સંતોષ આપતા હોય તો જ કર્યાનો મતલબ છે, કારણ કે મૂળે આપણને સૌને જે જોઈતું હોય છે એ તો આંતરિક શાંતિ તથા જીવન નામની જે આ ખૂબસૂરત ભેટ આપણને મળી છે એનો પૂરેપૂરો લુત્ફ ઉઠાવ્યો હોવાનો સંતોષ જ હોય છે. આ સંતોષ તેને જ મળે છે જેણે જીવનના દરેક રંગો માણ્યા હોય. કામયાબીની ઊંચાઈઓ પણ સર કરી હોય અને નિષ્ફળતાની ગહેરાઈઓ પણ અનુભવી હોય. મિલનની મજા પણ માણી હોય અને વિરહની વેદના પણ સહન કરી હોય. ભૌતિક સુખો પણ માણ્યાં હોય અને પરમને પામવાનો પ્રયત્ન પણ કર્યો હોય. ટૂંકમાં જે જીવનને એની પૂર્ણતા સાથે સ્વીકારે છે અને છતાં પોતાને જે મળ્યું છે એમાંથી બનેતેટલું પોતાના સંજોગોને તથા પોતાની જાતને બહેતર બનાવવાનો પ્રયત્ન કરે છે તે જ અંદરથી ખુશ અને આનંદિત રહી શકે છે.

સુખ, સહાનુભૂતિ, પ્રેમ અને શાંતિ બધું જ જીવનનો ભાગ છે. એને સંગ્રહી રાખવાનાં ન હોય, એનો ગુલાલ જ કરવાનો હોય અન્યથા જીવનનો પ્રવાહ ખોરંભાઈ જાય છે. સુખી થવા માટે જીવનના આ પ્રવાહમાં વહેવું જ પડે. જે જીવન પોતાની સમતુલા ખોઈ બેસે છે એ પોતાની દિશા ગુમાવી બેસે છે. બીજાને સુખ અને સંતોષ આપવા માટે પહેલાં આપણને પોતાને એ પામતાં આવડવું જોઈએ. તેથી ચાલો પ્રયત્ન કરીએ કે આવનારા આ નવા વર્ષમાં આપણે એ બધું જ કરીએ જે ફક્ત બીજાને જ નહીં, ખુદ આપણને પણ સુખ અને સંતોષ આપે. પરંતુ એ બધું કરતી વખતે પોતાની જવાબદારીઓને ભૂલી ન જઈએ. આખરે એમાં જ તો સુખી જીવનનો સાર છે. છે કે નહીં?

columnists