તમારો મોબાઇલ ખોવાઈ જાય અને નવો ન લઈએ તો?

21 November, 2019 02:35 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

તમારો મોબાઇલ ખોવાઈ જાય અને નવો ન લઈએ તો?

ફાઈલ ફોટો

એક માણસનો મોબાઇલ ખોવાઈ ગયો તેણે નવો મોબાઇલ ન લીધો ને પછી એ માણસ પણ ખોવાઈ ગયો

- જ. ચિ.

ધારો કે તમારો મોબાઇલ ખોવાઈ જાય તો તમે શું કરો? બાપ રે! આ સવાલથી જ કંપારી છૂટી જાય છેને! કેટલાબધા નંબર-કૉન્ટૅક્ટ‍્સ ગુમ થઈ જાય, કેટલાય ડેટા-ફોટો ચાલ્યા જાય. ખરેખર મોબાઇલ ખોવાઈ-ચોરાઈ જાય તો માણસ તરત મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને જાણ કરે, પોલીસ- ફરિયાદ કરે અને તરત જ બીજો મોબાઇલ ખરીદીને નવું સિમ-કાર્ડ એમાં નાખીને વહેલી તકે મોબાઇલને શરૂ કરાવે. ઇન શૉર્ટ, મોબાઇલ ચાલુ કરવા અથવા મોબાઇલનો વિરહ સહન ન કરવા એક વાર તો માણસ તરત બીજા મોબાઇલની વ્યવસ્થા કરી જ લે. પરંતુ ધારો કે માણસ આમ ન કરે તો? યસ, જો માણસ કંઈ ન કરે અને મોબાઇલ ખોવાઈ ગયા બાદ નવો મોબાઇલ લેવાને બદલે એમ જ રહેવાનું પસંદ કરે તો (આવું બને જ નહીં, પરંતુ માત્ર ધારો) શું થાય? એ માણસ પોતે જ ખોવાઈ જાય. કઈ રીતે? સમજીએ.

એક તો મોબાઇલ વિના પોતે લોકો સાથે કલાકો વાત કર્યા કરતા હતા એ સાવ બંધ થઈ જાય. કાર ચલાવતાં, સ્કૂટર પર મોઢું વાંકું કરીને, ટ્રેનોમાં બેઠાં-બેઠાં  કરાતી વાતો, નાટકોમાં કે સિનેમા જોતાં-જોતાં કે પછી સ્મશાનમાં મોબાઇલથી કરાતા ટાઇમપાસને બ્રેક લાગી જાય. હવે બીજાનું શું થાય એ જોઈએ તો જેનો મોબાઇલ ખોવાઈ ગયો એ માણસ પોતે બધાના સંપર્કમાંથી બહાર થઈ જાય, તે મોબાઇલ પર ઘણા દિવસો સુધી મળે જ નહીં તો એ લોકો તો તેના ઘરે તપાસ કરે કે ભાઈ છે કે પછી આ ફાની દુનિયામાંથી વિદાય લઈ લીધી? આ માણસનો સંપર્ક માત્ર એ જ લોકો સાથે રહી શકે જેના તે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતા હોય. આવા લોકોમાં પરિવારના સભ્યો, થોડા પાડોશી, ઑફિસના સાથીઓ, અમુક જ મિત્રો. જોકે આ માણસ મોબાઇલ નહીં જ લેવાનું પોતે નક્કી કરે તો આ બધા લોકો તેને મોબાઇલ ખરીદવા મજબૂર કરી દે. અરે ભાઈ, મોબાઇલ નહીં રાખો તો અમે તમને કઈ રીતે કૉન્ટૅક્ટ કરીશું? તમારી સાથે મેસેજ-વૉટ્સઍપ યા ફોન પર વાત કઈ રીતે કરીશું? તમારા ટચમાં કઈ રીતે રહીશું કે તમને અમારા ટચમાં કઈ રીતે રાખીશું?

ગુમનામ થઈ જાય

વાસ્તવમાં હવેના સમયમાં મોબાઇલ ન રાખો તો તમે અસ્તિત્વમાં છો કે નહીં એવો ગંભીર સવાલ થઈ શકે. મોબાઇલ ન હોય તો તમે જાણે લોકો માટે ખોવાઈ જાઓ એવું બની શકે. મોબાઇલ વિનાના માણસની કલ્પના પણ હવે કઠિન છે. એમાં પણ મોબાઇલ પહેલાં હોય અને એ મોબાઇલ મારફત માણસ સૌના સંપર્કમાં રહેતો હોય. એ પછી કોઈ કારણસર મોબાઇલ ચોરાઈ જાય, ખોવાઈ જાય અથવા માણસ પોતે મોબાઇલ છોડી દે તો એ માણસ જ જાણે ગુમ-સમાજની  બહાર (ગુમનામ) થઈ ગયો ગણાય.

વૉટ્સઍપ વિનાના વ્યવહાર

હવે એક બીજી કલ્પના કરીએ. તમારા મોબાઇલમાંથી વૉટ્સઍપ સર્વિસ બંધ થઈ જાય તો? હા, મેસેજ સુવિધા છે, પરંતુ વૉટ્સઍપ એ વૉટ્સઍપ કહેવાય. એના લાભની યાદી મોટી અને મહત્વની ગણાય. તમારી પાસે લોકો તરફથી ફોટો, સંદેશા, સમાચાર, ફિલોસૉફી, માહિતી, માર્ગદર્શન, વિડિયો વગેરે મળવાનાં બંધ થઈ જાય અને એ પછી તમારા તરફથી કેટલાય મેસેજ-ફોટા-વિડિયો વગેરે ફૉર્વર્ડ કરવાનો સૌથી મોટો આનંદ છિનવાઈ જાય. તમારું ગુડ મૉર્નિંગ અને ગુડ નાઇટ બંધ થઈ જાય. ભગવાનના નામના કહેવાતા ચમત્કારો બંધ થઈ જાય. જ્યાં-જ્યાં ગયા ફરવા ત્યાંના ફોટો પાડી-પાડી લોકોને મોકલવાના બંધ થઈ જાય. જિંદગી કેટલીયે બાબતોમાં નિરર્થક લાગવા માંડે એવું બની શકે.

ફેસબુક વિના તો જગત મિથ્યા

જરા આ કલ્પનામાં વધુ એક કલ્પના ઉમેરીએ. ધારો કે તમારા મોબાઇલમાં ફેસબુક બંધ થઈ જાય એટલે કે ફેસબુકના માલિકો તમને આ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દે તો શું થાય? ઓએમજી (ઓહ માય ગૉડ) મોઢામાંથી નીકળી જાય કે નહીં? જાણે એવું લાગે કે જગત સાથે જ નાતો તૂટી ગયો. તમારા અસ્તિત્વ સામે બહુ મોટો સવાલ આવીને ઊભો રહી જાય. જે લાઇકસને કારણે તમે લાઇવ હતા એ બધું ડેડ થઈ જાય. સવારથી રાત સુધી વૉટ્સઍપ, ફેસબુક એ તો બે મહત્વનાં-રસપ્રદ રમકડાં છે, એ ન રહે તો જિંદગીનો કોઈ અર્થ રહે ખરો? સતત તમે છો, તમે કોણ છો, કેવા મહાન છો, તમે ક્યાં ફરવા જાઓ છો, ક્યાં ફરી આવ્યા, શું પ્રસંગ ઊજવ્યો, તમારા જન્મદિવસ, લગ્નદિવસ, સંતાનોની સફળતા, દાદા-દાદી, મા-બાપ સહિત પરિવાર, મિત્રો, વિદેશોમાં વસતાં મિત્રો, સગાં વગેરે સાથે જાણે સંપર્ક સેતુ ચૂર-ચૂર થઈ તૂટી ગયા હોવાનું લાગી શકે.

ઇન્સ્ટાગ્રામ–ટ્વિટરનું શું થાય?

ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તો શું થાય? તમે કેટલા સુંદર દેખાઓ છો એ તમે ફોટો મૂકી-મૂકીને જાહેર કરો છો એ બંધ થઈ જાય. તમારા ફોટો મારફત તમારી સિદ્ધિઓનાં વર્ણન અટકી જાય. વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જવા પર જીવન જાણે અંધકારમય થઈ જાય. તમે જાણે જીવો છો કે કેમ એ સવાલ રોજ તમને જ થવા લાગે. એમાં વળી હાઈ પ્રોફાઇલ, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, સેલિબ્રિટી વર્ગ, નેતાઓ વગેરે માટે ટ્‍વિટર બંધ થઈ જાય તો ગ્લોબલ મંચ પરથી ચર્ચા સ્થગિત થઈ ગઈ હોય એવું લાગી શકે, વિચારોની અભિવ્યક્તિ ફંટાઈ જાય કે અટકી જાય. સમાચારોની અને ઓપિનિયનની દુનિયા જાણે સંન્યાસ લઈ બેસી ગઈ હોવાનું ભાસે તો નવાઈ નહીં. મોબાઇલના મોહ કે એની સાથેના અટૅચમેન્ટ યા કહો કે ઍડિક્શનની દશા એવી હોય છે કે માણસ તેના મોબાઇલની બૅટરી ડાઉન થવા લાગે યા થઈ જાય તોય પોતે ડાઉન થઈ જાય છે. ઘણાને તો ક્યાંય પણ જાય સૌથી વધુ ચિંતા વાઇ-ફાઇની અથવા મોબાઇલ ડેટા અથવા નેટવર્કની સતાવવા લાગે છે. મોબાઇલ નહીં ચાલે તો હું કરીશ શું? એ સવાલ તેમના માટે અસ્તિત્વનો બની જાય છે. 

મોબાઇલ, સોશ્યલ મીડિયા અને સમય

ઇન શૉર્ટ, સોશ્યલ મીડિયાનું જ નહીં, આખું સમાજ જગત એક મોબાઇલ ખોવાઈ જવા પર ગુમ થઈ જાય. જો તમે ફરી મોબાઇલ ન લો તો એ પુનઃ જીવતું થઈ શકે નહીં, પરંતુ લો તો ફરી જીવંત થતાં તેને વાર ન લાગે. હવે એ વિચારો કે તમારો મોબાઇલ ગુમ થઈ જવા પર વૉટ્સઍપ, ફેસબુક, ટ્‍વિટર, ઇન્સ્ટાગ્રામ પર વપરાતા તમારા સમયનું શું થાય? તમારો છિનવાઈ ગયેલો-ખોવાયેલો કીમતી સમય મળી જાય. આ સમય તમે પરિવારને-સંતાનોને, સ્નેહીજન, મિત્રો, જરૂરતમંદને, વાંચનને, પ્રવાસ, પ્રકૃતિ અને કેટલીયે પ્રવૃત્તિને અને પોતાની જાતને આપી શકો. વિચારો તો ખરા, શું ખોઈને તમે શું પામો? પરંતુ શું તમારો મોબાઇલ ખોવા તમે તૈયાર છો? ચોક્કસ તમારો જવાબ ના, ના અને ના જ હશે. મોબાઇલ આજના સમયમાં મૂળભૂત જરૂરિયાત  છે. જોકે એણે તમારી પાસેથી કેટલીયે જરૂરી બાબતો છીનવી લીધી છે એ પણ તો વિચારો. આ લખનાર પોતે ફેસબુક, વૉટ્સઍપ, ટ્‍વિટર અને ઇન્સ્ટાગ્રામ પર છે; પરંતુ કોને, ક્યારે, કેટલો સમય આપવો એનો પૂર્ણ વિવેક જાળવીને રહે છે. સોશ્યલ મીડિયા એક ક્રાન્તિ છે, જો એનો સદુપયોગ કરીએ તો વ્યક્તિગત અને સામાજિક લાભમાં છે અને દુરુપયોગ કરીએ તો વ્યક્તિગત અને સામાજિક નુકસાન-વિનાશમાં પરિણમી શકે છે. મોબાઇલ રાખો, ખોવાઈ જાય તો તરત નવો લઈ લો. પરંતુ મોબાઇલ જીવન ન બની જાય અને મોબાઇલ સિવાય પણ જિંદગી છે, સમય છે, જે બહુ જ મૂલ્યવાન છે એ યાદ રાખો. મોબાઇલ ખોવાશે તો નવો મળે, પણ ખોવાયેલો-જતો રહેલો સમય પરત નહીં મળે એ નક્કી છે.

columnists