શું કહો છો, બોનસ હોવું જોઈએ?

23 October, 2019 03:54 PM IST  |  મુંબઈ

શું કહો છો, બોનસ હોવું જોઈએ?

બોનસ

બોનસ - કેવો રૂપકડો શબ્દ છે ને? ટૉપ ઑથોરિટીમાં ન હોય એવા તમામને વાંચીને કે સાંભળીને જ રાજીપો અને ઊમળકો આવી જાય. આજેય આપણે ત્યાં દિવાળીમાં બોનસની પરંપરા ઘણે ઠેકાણે અકબંધ છે અને પ્રકાશના પર્વને આનંદ અને ઉત્સાહથી ઊજવવામાં પીઠબળ આપવાનું કામ આ પરંપરા દ્વારા થઈ રહ્યું છે. હ્યુમન સાઇકૉલૉજી કહે છે કે દરેકને ‘થોડા ઝ્યાદા’નો મોહ હોય જ છે અને બોનસમાં એ ઝ્યાદાની, પોતાની નિયત આવક કરતાં મળતી થોડીક અૅક્સ્ટ્રા આવક વહાલી લાગે એમાં કંઈ નવાઈ નથી. મંદીના દિવસો છે અને બિઝનેસ ઠંડા છે ત્યારે બોનસની વાત વધુ મહત્ત્વપૂર્ણ બની રહે છે. બોનસ લેનારા અને બોનસ આપનારા આજના સમયમાં તેના વિશે શું વિચારે છે એ વિષે ચર્ચા કરીએ.

કેટલીક વાર દિવાળી બોનસ કર્મચારીઓને જીવનભર માટે કંપનીના ઋણી કરી નાખે

ટ્રાવેલ કંપની કામ કરતા નીરજ ઠક્કરની દૃષ્ટિએ બોનસ તો દરેક કંપનીમાં અપાવું જ જોઈએ. કોઈ પણ મોટા વેપારી કે કંપનીના માલિકને બની શકે કે મંદીને કારણે અત્યારે ધાર્યા મુજબનો નફો ન મળતો હોય પરંતુ એનાથી કર્મચારીઓના બોનસ પર કાપ ન મુકાવો જોઈએ. કંપનીમાં કામ કરતા એમ્પ્લૉઈ પોતાના જ છે અને પારકા નથી, તેમણે પોતાના જીવનનાં જે વર્ષો કંપની માટે આપ્યાં એની કદર માટે, તેમના પરિવારમાં દિવાળીની ખુશાલીને એક નાનકડો બુસ્ટ આપવા માટે પણ બોનસ તો અપાવું જ જોઈએ એમ જણાવીને નીરજભાઈ કહે છે, ‘હું એ બાબતમાં નસીબદાર છું. અનુભવ અને કામની આવડત મુજબ દર વર્ષે દરેકને બોનસ અપાય છે એ પરંપરા અમારે ત્યાં નિભાવાઈ રહી છે. મને બે વર્ષ પહેલાંનો કિસ્સો યાદ આવે છે. દર વર્ષની પ્રથાની જેમ કંપનીમાં દિવાળીપૂજન પછી મીઠાઈનું પૅકેટ, એક ગિફ્ટ અને રૂપિયાનું કવર આપ્યું. નિયમ મુજબ ઘરે ગયા પછી કવર ચેક કર્યું તો એમાં માત્ર એકસો એક રૂપિયા. હું શૉક થઈ ગયો. કંઈ સમજાયું નહીં. કેમ આટલા ઓછા પૈસા? મને ચેન ન પડે. શેઠને પુછાય નહીં. જોકે બીજે દિવસે બેસતા વર્ષે ટ્રાવેલ એજન્સી હોવાને કારણે અમારું કામ ચાલુ હોય. હું ખૂબ જ સહજ રીતે શેઠ પાસે ગયો અને નમ્રતાપૂર્વક મેં શેઠને પૂછ્યું, સાહેબ, આપના નિર્ણયને સ્વીકારું છું પરંતુ મને કહેશો કે શું કામ આમ? શું મારા કામમાં કોઈ કમી રહી ગઈ છે? મારે ક્યાં બદલાવાની જરૂર છે? ત્યારે એ સમયે મારા બોસ બોલ્યા, કોઈ કમી નથી. તું ખૂબ જ સરસ કામ કરે છે. આ માત્ર શુકનના રૂપિયા છે. બાકી, થોડાક મહિના પહેલાં ઘર રિનોવેશન માટે તે એક લાખ રૂપિયાની લોન લીધી હતીને, એ હવે પાછા નથી આપવાના. એ જ તારું દિવાળી બોનસ છે. તમે વિચાર કરો આ વાક્યએ મારા પર કેવી અસર કરી હશે? મારા જીવનની એ સૌથી યાદગાર ક્ષણ હતી. આ પ્રકારની ઘટનાઓ તમને કંપની માટે અને કંપનીના માલિક માટે લાગણીના બંધનોથી જોડી દે છે. મારી દૃષ્ટિએ બોનસની પરંપરા મંદી હોય કે તેજી, દરેક કંપનીઓએ નિભાવવી જોઈએ.’

એ બોનસ ક્યારેય નહીં ભુલાય

ક્લર્ક લેવલ પર, પ્યુન તરીકે કામ કરનારા નાના પગારવાળા કર્મચારીઓને તો દરેકે-દરેક કંપનીઓએ ખાસ બોનસ આપવાની વ્યવસ્થા હોવી જ જોઈએ એ વાત પર અંધેરી વેસ્ટમાં રહેતા અને ગુડ્સ ટ્રાન્સપાર્ટ કંપનીમાં કામ કરતા રમણીક ગાલા વિશેષ ભાર મૂકે છે. તેઓ જે કંપનીમાં કામ કરે છે ત્યાં પણ બોનસની પરંપરા છે અને એક આખો પગાર બોનસ તરીકે આપવામાં આવે છે. જોકે પોતાની કંપનીનો એક દિવાળી કિસ્સો તેઓ ક્યારેય નહીં ભૂલે. રમણીકભાઈ કહે છે, ‘દર વર્ષે અમને દિવાળીમાં પહેલાં પગારવધારો મળતો જે હવે એપ્રિલમાં મળે છે. જોકે એક વખત અમારા બોસની આંખમાં કોઈક પ્રોબ્લેમ હતો એટલે તેઓ ઑફિસ નહોતા આવતા. જોકે પગારવધારો તો કરવાનો જ છે એવું તેમણે નક્કી કરી રાખેલું. જનરલી તેઓ દરેક એમ્પ્લૉઈ સાથે બેસે, વાત કરે અને પછી તેના પર્ફોમન્સ અને જરૂરિયાત મુજબ રેઇઝ થાય. જોકે એ વર્ષે હેલ્થ કન્ડિશનને કારણે બેસીને વાતચીત થાય એ શક્ય નહોતું. એટલે તેમણે એક કીમિયો અજમાવ્યો. દરેકને એક ચિઠ્ઠી આપી અને પોતાની કરન્ટ સૅલરી અને તેઓ કેટલો પગારવધારો ઈચ્છે છે એ આંકડો ચિઠ્ઠીમાં લખી દીધો. આમાં થયું એવું કે નાના કર્મચારીઓએ ચાન્સ લીધો અને વિચાર્યું કે હું વધારે જ લખું, આખરે તો શેઠને જેટલો આપવો છે એટલો વધારો આપશે. મોટા પગારવાળાએ નાની રકમ વિચારી કે આમેય જે દરેકને મળશે એ જ અમને મળશે એમ વિચારીને. બધાનું પત્યું, પછી શેઠે બધાની ચિઠ્ઠી લઈને ગ્રાન્ટેડ લખી દીધું. જેણે જે માગ્યું હતું તેને તે આપી દેવામાં આવ્યું. દિવાળીનો આ પ્રસંગ હું ક્યારેય નહીં ભૂલી શકું.’

બોનસ ન મળતું હોય તો કેવું લાગે એ આમને પૂછો

ઓલ ઇન્ડિયા રેડિયોના વિવિધ ભારતીમાં સિનિયર લેવલ પર પ્રોગ્રામ અે‌ક્ઝિક્યુટિવ કામ કરનારા વૈશાલી ત્રિવેદીની દૃષ્ટિએ બોનસ એ ખરેખર ખૂબ મહત્ત્વનું છે અને દરેકને મળવું જ જોઈએ. જોકે તેમને બોનસ નથી મળતું અને તેનો તેમને ભારોભાર અફસોસ પણ છે. વૈશાલીબહેન કહે છે, ‘તહેવારનું આ એક અનેરું જેસ્ચર છે અને તેને મેળવવાની મજા જુદી છે. અહીં વસ્તુ કે પૈસાનું મહત્ત્વ નથી, પણ તહેવારનો રોમાંચ એના થકી મળે છે એ વાત એટલી જ સાચી છે. આજે હું મારા નજીકના લોકોને બોનસ વિશે વાતો કરતા જોઉં, તેમના બોનસમાંથી લાવેલી વસ્તુઓની વાતો સાંભળું તો મને પોતાને ખૂબ સૂનુસૂનુ લાગે. આપણી પાસે બોલવા માટે કંઈ ન હોય. કોઈ બોનસ સ્ટોરી નહીં. વસવસો તો લાગે ભાઈ. નાનપણથી જોયું છે કે દિવાળીમાં મારા ઘરમાં દસથી બાર પેંડાના પૅકેટ અચૂક આવ્યાં હોય. હું જ્યારે કહું કે અમને કંઈ નથી આપતા તો અડધા તો માનવાયે તૈયાર નથી થતાં. છેલ્લે હું કહું કે આ લો પાસબુક, અપડેટ કરાવીને આવો અને ચેક કરી લો. એક્ચ્યુઅલી, આપણી તહેવારોની સંસ્કૃતિ છે, આપવાની સંસ્કૃતિ છે. બોનસ એ સેલિબ્રેશનનો હિસ્સો છે. એ અપાવું જ જોઈએ. એની અનેરી મજા હોય છે. મોટા થઈ ગયા એટલે બોનસ નહીં એવું થોડું હોવું જોઈએ!’

દિવાળી બક્ષિસ એ જૂની પરંપરાનો હિસ્સો છે પરંતુ બક્ષિસને બક્ષિસના રૂપે જ રાખવી જોઈએ, પરંતુ આજે તે કંપલઝન બની ગયું છે. કંપનીના માલિક પોતાની ખુશીથી જ એ આપે અને એના માટે કાયદો ન હોવો જોઈએ. આજે જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે એમાં કોસ્ટિંગ અને ખર્ચ એટલા વધ્યા છે અને વળતર કંઈ ન હોય, એમાં બોનસની ફરજિયાત ડિમાન્ડ હોય તો એ કંપનીના માલિક માટે ખરેખર અઘરી બાબત હોય છે. જોકે કર્મચારીઓની ખુશી માટે ૩૦૦થી વધુનો સ્ટાફ હોવા છતાં અમે અૅક્સ્ટ્રા ખેંચાઈ જઈને પણ બોનસ આપીએ છીએ. જોકે હવે સરકારે અમારા માટે પણ બોનસ જેવું શરૂ કરીને દિવાળી પૂરતા થોડાક ટૅક્સ બેનિફિટ્સ આપવા જોઈએ. અમને કોણ બોનસ આપે?

- અરવિંદ મહેતા, વેલસેટ પ્લાસ્ટ એક્સ ટ્રુઝન્સ પ્રાઇવેટ િલમિટેડ કંપનીના માલિક

અત્યારે  મંદીના માર વચ્ચે બોનસ શબ્દ આપનારના મનમાં ખચકાટ અને મેળવનારના ચહેરા પર રાજીપો પાથરી દે એ સ્વાભાવિક છે. મધ્યમવર્ગીય એમ્પ્લૉઈના ઘરમાં દિવાળીના દિવસોમાં ખુશાલી બરકરાર રહે એ માટે અપાતા ટોકન અમાઉન્ટનું મહત્ત્વ ખરેખર કેટલું છે? વધારાની આ રકમ માટે લેનારા અને આપનારાઓ શું વિચારે છે એ સંદર્ભમાં પ્રસ્તુત છે એક નાનકડી ડિબેટ...

columnists