મતદારોની વ્યથાઃ જે મત આપ્યા હતા એની પાછળનો અમારો ઉદ્દેશ જુદો હતો

18 November, 2019 03:21 PM IST  |  Mumbai | Manoj Joshi

મતદારોની વ્યથાઃ જે મત આપ્યા હતા એની પાછળનો અમારો ઉદ્દેશ જુદો હતો

ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાનસભામાં સરકાર બનાવવાની જે પ્રક્રિયા ચાલુ થઈ છે એ અત્યારે વધારે મોટા વિવાદના સ્વરૂપમાં આવી ગઈ છે. સરકાર બનાવવા માટે ઉછાળા મારતી પાર્ટીઓને જોઈને મતદારોના મનમાં વ્યથા છે, તેના હૈયે બળાપો આકરો બની રહ્યો છે. મત શાને માટે આપ્યા હતા અને શું કામ આપ્યા હતા તેમણે? આ પ્રશ્નનો જવાબ મતદારોના મનમાં છે અને એ મનમાં રહેલો જવાબ હવે તેમને અકળાવી રહ્યો છે.

જ્યારે કોઈ પક્ષો વચ્ચે યુતિ થતી હોય છે ત્યારે એ યુતિને ધ્યાનમાં રાખીને મતદારો પોતાનું મન બનાવતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ મતદાન કરતા હોય છે. મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાની યુતિ થઈ ત્યારે એ બન્ને પક્ષોની એક વિચારધારા સૌકોઈ મતદારોની નજર સમક્ષ હતી. બન્ને પક્ષ વચ્ચે થયેલી યુતિને લીધે એવો નિર્ણય લેવાયો હતો કે મહત્તમ બેઠક પર જે ઉમેદવાર જીત્યો હોય તેને કન્ટિન્યુ કરવો અને જે બેઠકો સોનિયા કે પવારની પાર્ટીને હાથમાં ગઈ છે એ બેઠક પર વિચારણા અને મંત્રણા કરીને નિર્ણય લેવો. આ લેવામાં આવેલા નિર્ણયને કારણે બીજેપી અને શિવસેનાના કૅન્ડિડેટ ક્યાંય આમને-સામને ભટકાયા નહોતા અને એને લીધે મતોનું ધ્રુવીકરણ થયું નહોતું. હિન્દુત્વની વિચારધારામાં ભાગબટાઈ ન થવી જોઈએ એવો સીધો હ‌િસાબ હતો અને એ હિસાબ વચ્ચે જ મતદારો પાસે એક ‌ઉમેદવાર આવ્યો હતો. બીજેપી અને શિવસેનાની વિચારધારામાં જો વિશ્વાસ ધરાવતા હો તો તમારે આ બે પાર્ટીમાંથી જે ઉમેદવાર તમારા મતવિસ્તારમાં હતો તેને મત આપવાનો. આ સીધી અને સરળ નીતિ હતી અને એવી જ નીતિ સામા પક્ષે એટલે કે પવાર-સોનિયાની પાર્ટી માટે પણ હતી. તેમણે પણ ગઠબંધન સાથે આ જ નીતિ પર કામ કર્યું હતું.

અહીં વાત આવે છે ‘જો’ અને ‘તો’ની. જો તમને બીજેપીનો ઉમેદવાર જ પસંદ હોય, જો તમને એનાથી અણગમો હોય અને તમે શિવસેનાને મત આપવા માગતા હો, પણ તમારા મતવિસ્તારમાંથી બીજેપીનો ઉમેદવાર અગાઉ ૨૦૧૪માં ચૂંટાયો હોય તો તમારી પાસે શિવસેનાનો કોઈ ચહેરો હતો નહીં એટલે તમારે બીજેપીના ઉમેદવારને જ મત આપવાનો હતો. એવું ધારીને કે બન્ને નાના-મોટા ભાઈ જ છે. આવું જ શિવસેના સાથે હતું. તમને તેમનો ઉમેદવાર ન ગમે તો પણ તમારે બીજેપીની અવેજીમાં શિવસેનાને જ મત આપવાનો હતો અને એવું થયું પણ ખરું. બીજેપી જોઈતી હતી, પણ બીજેપીને લાવવા શિવસેનાને જિતાડવાની હતી અને શિવસેના જોઈતી હોય તો તમારે બીજેપીને લાવવાની હતી. કર્યું, મતદારો આ જ કામ કર્યું અને પૂરી નિષ્ઠા સાથે કર્યું, પણ મતદારોનું આ કામ અહીં પૂરું થયું અને વિધાનસભામાં સરકાર બનાવવા માટે આ બન્ને પાર્ટીઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો. શરૂ થયેલા એ ગજગ્રાહ વચ્ચે આજનું આ દૃશ્ય ઊભું થયું.

બીજેપી પોતાની રીતે સરકાર બનાવવાની વેતરણમાં છે અને શિવસેના હવે પોતાની રીતે વિધાનસભ્યો એકત્રિત કરવામાં લાગી છે. મતદારોને આ કશું જોઈતું જ નહોતું. જો એ શિવસેના એકલીને જિતાડવા માગતી હોત તો તેણે એ રીતે મતદાન કર્યું હોત અને ધારો કે એ બીજેપીને ઇચ્છતી હોત તો એની વોટિંગ-પૅટર્ન એવી હોત, પણ ના, એવું બન્યું નથી અને એટલે જ મતદારોના મનમાં હવે બરાબરની દ્વિધા ઊભી થઈ છે. જે જોઈતું હતું એ કરવા માટે આ બન્ને પાર્ટી રાજી નથી અને જે નહોતું જોઈતું એ થવાનાં એંધાણ મળી રહ્યાં છે. કરવું શું હવે, જવું ક્યાં?

columnists manoj joshi