જો સ્વાસ્થ્યના રક્ષક જ આ મહામારીનો ભોગ બનશે તો દેશની હાલત શું થશે?

09 April, 2020 06:14 PM IST  |  Mumbai | Manoj Joshi

જો સ્વાસ્થ્યના રક્ષક જ આ મહામારીનો ભોગ બનશે તો દેશની હાલત શું થશે?

પ્રતીકાત્મક તસવીર

અત્યારે થઈ તો એ જ રહ્યું છે. કોરોનાને કારણે મુંબઈની બે હૉસ્પિટલ અડફેટે ચડી ગઈ છે. અમેરિકામાં એક ડૉક્ટરે જીવ ગુમાવ્યો તો ગઈ કાલે એક ગુજરાતી ડૉક્ટરે લંડનમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. ચાઇનામાં પણ આ બની ચૂક્યું છે. જેણે કોરોનાને ઓળખ્યો અને જગત આખાને કોરોનાની જાણ કરી એ જ ડૉક્ટરને કોરોના ભરખી ગયો. જરા વિચારો, જો સ્વાસ્થ્યના રક્ષકોને જ આ મહામારી ભોગ બનાવશે તો દેશની હાલત શું થશે, દુનિયાની હાલત શું થઈને ઊભી રહેશે?

કોરોનાને લીધે અત્યારે મુંબઈમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની માટે ક્યાંક અને ક્યાંક આપણે જવાબદાર છીએ તો સાથોસાથ તબ્લિગી જમાત પણ જવાબદાર પુરવાર થઈ રહી છે. અમદાવાદમાં કૂદકેને ભૂસકે કોરોનાના પેશન્ટ્સ વધી રહ્યા છે તો મુંબઈ પણ અટકવાનું નામ નથી લેતું. કોરોના આગળ વધી રહ્યો છે સાહેબ. એને કોઈ રોક નથી લાગી રહી. સમજવું પડશે. સૌ કોઈએ સમજવું પડશે. જે મહાસત્તાથી સૌ કોઈની ફાટી પડતી એ મહાસત્તા પણ અત્યારના તબક્કે પાણી-પાણી થઈ ગયું હોય અને એ પણ લૉકડાઉનના અંતિમ ઉપાય પર આવી ગયું હોય તો જરાક સમજો કે આની કોઈ દવા નથી અને એ જ કોરોનાના કારણે ઊભી થતી સૌથી મોટી મર્યાદા છે.

કોરોનાને કાબૂમાં લેવા માટે બે જ રસ્તા વાપરી શકાય એમ છે. એક તો લૉકડાઉનનું કડક પાલન અને બીજું, જમાત કે પછી એ પ્રકારે લૉકડાઉનના નિયમો તોડીને બેફામ બનીને ભટકી રહેલા આત્માઓને ક્વૉરન્ટીન કરવાની નીતિ. એ લોકોને રીતસર શોધવા જવું પડે છે અને એ લોકો ભાગી રહ્યા છે. શું ગણવાનું તેના આ વર્તન માટે? શું એવું ધારવાની છૂટ કે તે કોરોનાગ્રસ્ત થઈને કોરોના-આતંકવાદી બનવા માગે છે? ગેરવાજબી આ જે વર્તન છે એમાં શ્રદ્ધા કરતાં પણ અંધશ્રદ્ધાની અસર વધારે દેખાય છે. મૌલવી સુધ્ધાં હજી મળી નથી રહ્યો અને જે કોઈ મળ્યા, જે કોઈને હૉસ્પિટલે પહોંચાડવામાં આવ્યા એ બધાની ગેરવર્તણૂક તો લટકામાં છે. અમુક ન્યુઝ ચૅનલે એ વિઝ્યુઅલ્સ દેખાડ્યા. જો તમે જોયા હોય તો તમને પણ રુંવાડા ઊભા થઈ ગયા હશે. પથારીમાં પીપી કરવી, વૉર્ડમાં છીછી કરવું, તોડફોડ કરવી, જમવાનું ઢોળી નાખવું અને વૉર્ડ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવી, એમાં પણ મહિલા સ્ટાફ સાથે છેડતી કરીને વર્તવું. શું આ રીત છે? જો બીજો કોઈ તબક્કો હોત તો ચોક્કસ આ લોકોને ઠાર મારવાનું કહેવામાં આવ્યું હોત અને એ ખોટું પણ નથી. લાગણી સામે આપવામાં આવતી આવી તોછડાઈનો જવાબ કડક જ હોવો જોઈએ. સરમુખત્યારશાહી ગેરવાજબી છે, પણ જ્યારે એને દેખાડવાની આવશ્યકતા હોય ત્યારે એ દેખાડો નહીં તો પ્રજા સરમુખત્યાર બની જાય. આવું ન બને એની માટે પણ આવું વર્તન કરનારાઓની સામે લાલ આંખ કરવાની જરૂર છે. ન્યાતિ-જાતિ જોવાની જરૂર નથી. કમ્યુનિટીનો વિચાર કરવાની જરૂર નથી. અત્યારે કમ્યુનિટી નહીં પણ કોમનમૅન મહત્ત્વનો છે. જો વાત બગડશે, વાત વણસી જશે તો અડધી દુનિયા ખતમ થઈ જશે અને મહામારી એ સ્તર પર વિકરાળ બની જશે કે પછીના બે-ચાર વર્ષમાં એ બાકીની દુનિયાને પણ ભરખી જશે.

ધીરજવાન બનો, ગંભીર બનો અને લૉકડાઉનના નિયમોનું પાલન કરો. કબૂલ, હવે ફ્રસ્ટ્રેશન વધી રહ્યું છે, પણ ભૂલો નહીં - જાન હૈ તો જહાં હૈ.

manoj joshi columnists coronavirus