બુરાઈ પર જીત (લાઇફ કા ફન્ડા)

14 February, 2020 07:07 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

બુરાઈ પર જીત (લાઇફ કા ફન્ડા)

એક મર્સિડીઝ કાર ગુરુદ્વારા પાસે આવીને ઊભી રહી. એમાંથી અર્માનીનો સૂટ પહેરેલો એક સ્માર્ટ સફળ બિઝનેસમૅન ઊતર્યો. તે ગુરુદ્વારામાં ગયો, પ્રાર્થના કરીને પાછો જ્યાં બધા ભક્તોનાં બૂટ-ચંપલ રાખવામાં આવતાં હતાં ત્યાં જઈને જમીન પર બેસીને બધાનાં બૂટ-ચંપલ સાફ કરવા લાગ્યો. લગભગ એક કલાક સુધી તે થાક્યા વિના બીજા ભક્તોનાં બૂટ-ચંપલ સાફ કરતો રહ્યો.
એક સફળ બિઝનેસમૅન તરીકે ઘણા મુલાકાતીઓ તેને ઓળખતા હતા અને આટલા સફળ બિઝનેસમૅન યુવાનને આમ જમીન પર બેસીને બીજાનાં બૂટ-ચંપલ સાફ કરતા જોઈને તેમને નવાઈ લાગતી. યુવાનની ઑફિસમાં કામ કરતા એક કર્મચારીએ પોતાના બૉસને આમ જમીન પર બેસીને અન્યનાં જૂતાં-ચંપલ સાફ કરીને ગોઠવીને મૂકતા જોયા. તેણે થયું કે મારા બૉસ આટલા મોટા માણસ થઈને સાવ આવું કામ કરે છે તો મારે પણ આ કામ કરવું જોઈએ. તે ચૂપચાપ પોતાના બૉસની બાજુમાં બેસીને
જૂતાં-ચંપલ સાફ કરવા લાગ્યો.
થોડી વાર થતાં તેણે ધીમેકથી પોતાના બૉસને પૂછ્યું, ‘સર, તમે ક્યારના આ કામ શું કામ કરી રહ્યા છો?’ બૉસ બોલ્યા, ‘કેમ, આપણા ગુરુઓએ સેવાનો સંદેશ આપ્યો છે અને હું મારાથી બનતી સેવા કરું છું.’ કર્મચારી બોલ્યો, ‘પણ સર, સેવા માટે તો તમે બીજું કોઈ પણ કામ કરી શકો છો. જૂતાં-ચંપલ સાફ કરવાનું સાવ નાનામાં નાનું કામ શું કામ કરો છો?’
બૉસ હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, કોઈ કામ નાનું નથી અને આ ગુરુદ્વારામાં ૧૦ વર્ષ પહેલાં મારાં મોંઘાં બૂટ કોઈકે ચોરી લીધાં હતાં અને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેં ડ્રાઇવરને કહીને ત્યાં રહેલાં બધા બૂટ-ચંપલ મારી ગાડીની ડિકીમાં છુપાવી દીધાં હતાં અને બધા હેરાન-પરેશાન થઈ ગયા હતા. મારી દાદીએ એ દિવસે મને સમજાવ્યું કે કોઈ એક જણે તારાં બૂટ ચોરીને ખરાબ કામ કર્યું અને તેં ગુસ્સે ભરાઈને બધાનાં બૂટ-ચંપલ છુપાવી દઈને એથી વધુ ખરાબ કામ કર્યું છે. મને ત્યારે મારી ભૂલ સમજાઈ હતી. મેં દાદીને પૂછ્યું કે હવે શું કરું? દાદીએ મને કહ્યું, ‘બુરાઈને દૂર કરવાનો એક જ રસ્તો છે, અચ્છાઈ કરો. જા તું આ બધાં બૂટ-ચંપલ જાતે સાફ કરીને પાછાં ગોઠવી દે. મેં દાદીના કહ્યા પ્રમાણે કર્યું. મારો બધો ગુસ્સો દૂર થઈ ગયો. મન શાંત થઈ ગયું. બસ ત્યારથી હું જ્યારે-જ્યારે આ ગુરુદ્વારામાં આવું છું ત્યારે-ત્યારે આ જ કામ કરું છું. મન અભિમાનરહિત અને શાંત રહે છે.’ આટલું કહીને બિઝનેસમૅન ફરી જૂતાં સાફ કરવા લાગ્યા.

columnists heta bhushan