ટ્રમ્પની ભારતયાત્રા : આ સફરને કઈ રીતે જોવી જોઈએ, કઈ રીતે મૂલવવી જોઈએ?

19 January, 2020 03:15 PM IST  |  Mumbai Desk | manoj joshi

ટ્રમ્પની ભારતયાત્રા : આ સફરને કઈ રીતે જોવી જોઈએ, કઈ રીતે મૂલવવી જોઈએ?

ડોનલ્ડ ટ્રમ્પની સફરને જો તમે મૂલવવા નીકળો તો તમારે કબૂલ કરવું પડે કે ભારતનું વજન વૈશ્વિક સ્તરે વધી રહ્યું છે. તમારે કબૂલ કરવું પડે કે ભારત મહાસત્તાઓને પણ હવે શાનભાન કરાવવામાં અગ્રીમ બની ગયું છે. એવું જરા પણ નથી કે અગાઉ કોઈ મહાસત્તાના પ્રમુખ આપણે ત્યાં ન આવ્યા હોય. ના, એવું જરાય નથી. આવ્યા જ હતા ને ભવિષ્યમાં પણ આ દોર ચાલુ રહેશે, પણ આ દોર અત્યારે જે રીતે આગળ વધ્યો છે એ વાતને સહજ રીતે નોંધવી પડે એવી છે. ભારતમાં છેલ્લા થોડા સમયથી જેકોઈ ફેરફાર આવ્યા છે એ તમામ ફેરફારોએ જગતઆખાની નજર ભારત તરફ ખેંચી છે.

કાશ્મીરમાં લાવવામાં આવેલો ભૌગોલિક ફેરફાર અને રાજકીય સ્તરના સુધારાઓએ વિશ્વઆખાનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાને મચાવેલી કાગારોળ પણ તમને યાદ હશે અને પાકિસ્તાને યુનો પાસે મૂકેલી દરખાસ્ત પણ ભુલાઈ નહીં હોય. કાશ્મીરમાં લાવવામાં આવેલા સુધારાઓને જો તમે ધ્યાનથી જુઓ તો એટલું તમને સમજાશે, એટલું તમને દેખાશે કે આ દેશમાં બદલાવની શરૂઆત એ નિર્ણય સાથે થઈ અને એ બદલાવ દુનિયા સ્વીકારશે કે નહીં એનો પુરાવો ટ્રમ્પની ઇન્ડિયાની સફરથી મળવાનું શરૂ થયું છે. પાકિસ્તાન અને અમેરિકા હંમેશાં એકબીજાની સાઠગાંઠ ચલાવતાં રહ્યાં છે અને આ સાઠગાંઠ વચ્ચે જગતઆખાનું જમાદાર એવું અમેરિકા ઇન્ડિયા સાથે આડોડાઈ પણ કરી લે. આ આડોડાઈનો અંત આવી રહ્યો છે એ કાશ્મીર અને એ પછીના અમેરિકાના વલણ પરથી ખબર પડી રહી છે.
અમેરિકા પાસે હંમેશાં પાકિસ્તાને એવો દેખાવ કર્યા કર્યો છે કે ભારતમાં મુસ્લિમો દુખી રહ્યા છે, મુસ્લિમોને દુખી કરવાનું કામ ભારત કરતું રહ્યું છે અને આ ફરિયાદ વચ્ચે અમેરિકા પોતાની કૂટનીતિ લડતું રહ્યું છે. અમેરિકાની કૂટનીતિનો વિચાર હંમેશાં અને મહત્તમ દેશોએ કરવો જ પડે, કારણ કે અમેરિકા આજે જગતની મહાસત્તા છે. અમેરિકાને નારાજ કરવાની માનસિકતા પછી ઇરાક અને ઈરાનની પણ શું હાલત થતી હોય છે એ સૌકોઈ જોઈ ચૂક્યું છે. આ બધા પછી પણ ભારતે બાબરી મસ્જિદની બાબતમાં યથાયોગ્ય નિર્ણય લીધો અને એ જગ્યાએ રામમંદિર બનવું જોઈએ એવો ચુકાદો પણ ભારતીય સુપ્રીમ કોર્ટે આપ્યો. કારગિલ સમયે એક તબક્કે અમેરિકા પાકિસ્તાનના પક્ષે જઈને ઊભું રહી ગયું હતું. આ વાતનાં અનેક પ્રૂફ છે અને એ તમામ પ્રૂફ ઑનલાઇન પણ છે જ.

રામમંદિર પછી પણ પાકિસ્તાને એનો વિરોધ નોંધાવ્યો જ હતો અને એ પછી પણ અમેરિકાએ પ્રમુખની યાત્રા અકબંધ રાખી છે. આ જ દેખાડે છે કે ભારતમાં લેવાઈ રહેલા નિર્ણયોથી હવે વૈશ્વિક સ્તરે પણ પેટમાં દુખાવો દેખાડવામાં આવી નથી રહ્યો. કોઈ ત્રાહિતની વાતમાં નહીં થનારો દુખાવો એ પણ એક તટસ્થ રાજનીતિની નિશાની છે અને એ નિશાની હવે ભારત દ્વારા જગતઆખાને પહોંચી રહી છે અને આ જ કારણે હું કહું છું કે ટ્રમ્પની ઇન્ડિયાની મુલાકાત એ હકીકતમાં તો ભારતને મહાસત્તા તરફ ખેંચી જવાની દિશામાં વધુ એક પગલું છે.

મોસ્ટ વેલકમ મિસ્ટર ટ્રમ્પ.

columnists manoj joshi donald trump