સાચી પ્રાર્થના - (લાઇફ કા ફન્ડા)

07 June, 2019 01:36 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

સાચી પ્રાર્થના - (લાઇફ કા ફન્ડા)

સાચી પ્રાર્થના

એક ગામના મંદિરમાં એક પૂજારી હતા. બધા ગામલોકો તેમની ઉપર ખૂબ જ આસ્થા અને ભક્તિભાવ રાખતા તથા તેમનો આદર કરતા. રોજ સવારે પૂજારી મંદિરમાં ભગવાનની પૂજા કરતા અને પછી જ્યારે ઘણાબધા ભક્તો દર્શન માટે આવે ત્યારે મંદિરમાં પુજારીજી સામૂહિક પ્રાર્થના કરાવતા અને પછી થોડી ઉપદેશની વાતો કરતા. બધા ગામલોકોને તેમની વાતો સંભાળવામાં આનંદ મળતો.

એ જ ગામમાં એક ગાડીવાન હતો. આમ ખૂબ જ આસ્થાળુ હતો પણ મંદિરે જઈ ન શકતો. વહેલી સવારથી મોડી રાત સુધી તે ગાડી ચલાવતો ત્યારે પોતાના કુટુંબનું પેટ પાળી શકતો. સવારથી રાત સુધી સખત મહેનત કરતો ત્યારે તેના ઘરમાં બે પૈસા આવતા. તેને મંદિરે જઈને પ્રભુનાં દર્શન કરવાનું, સામૂહિક પ્રાર્થનામાં જોડાવાનું અને પૂજારીજીનો ઉપદેશ સાંભળવાનું ઘણું મન થતું પણ તે એમ કરી શકતો નહીં એટલે મનમાં ને મનમાં દુ:ખી થતો કે હું જ પાપી છું કે મંદિરે જઈ શકતો નથી. સવારથી રાત સુધી બસ રોજી-રોટી કમાવામાં લાગી રહું છું, જ્યારે બીજા લોકો ભાગ્યશાળી છે કે રોજ મંદિરે દર્શન કરવા જઈ શકે છે. ગાડીવાન રોજ આવું વિચારી દુ:ખી થતો.

એક દિવસ બનવાકાળ ગાડીવાનને મંદિર લઈ જવાની સાવરી મળી, તે રાજી થઈ ગયો અને પોતાની સવારીમાં બેસીને આવેલા બે વડીલોને હાથ પકડી મંદિરમાં લઈ ગયો અને પોતે પણ દર્શન કયાર઼્ પછી પોતાની મૂંઝવણ લઈને પૂજારીજી પાસે ગયો અને કહ્યું, ‘પુજારીજી, હું કામમાં વ્યસ્ત હોવાને લીધે રોજ નિયમિત મંદિરે આવી શકતો નથી એનું મને ખૂબ દુ:ખ છે. જો આજે કેટલા દિવસે મંદિરે આવ્યો તો મનને એકદમ આનંદનો અનુભવ થયો છે તો હું શું કરું? રોજ કામ થોડું ઓછું કરીને પણ મંદિરે આવવા લાગુ?’

પૂજારીજીએ ગાડીવનની વાત સાંભળી અને તેના મનની સ્થિતિ પણ બરાબર સમજી પછી પૂછ્યું, ‘ભાઈ, તું રોજ તારી ગાડીમાં લોકોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે ત્યારે ક્યારેક એવું બનતું હશે કે તું વૃદ્ધ, અપંગ, બીમાર, બાળકોને ક્યારેક પૈસા લીધા વિના એક સ્થળેથી બીજે સ્થળે લઈ ગયો હોય.’

ગાડીવાને કહ્યું, ‘હા પૂજારીજી, આવા તો અનેક અવસર આવે છે જ્યારે મને લાગે કે આ રાહગીર પગપાળા નહીં ચાલી શકે તો હું તેને તરત મારી ગાડીમાં બેસાડી દઉં છું.’

આ પણ વાંચો : હરીફાઈ - (લાઇફ કા ફન્ડા)

પૂજારીજીએ ગાડીવાનને કહ્યું, ‘તો ભાઈ, તું જે કામ કરે છે એ ચાલુ રાખ, ઓછું ન કર. વૃદ્ધ, અપંગ, બીમાર, બાળકોને કક્ટમાંથી થોડી રાહત આપવી પણ ઈશ્વરની સાચી પ્રાર્થના છે જે તું કરે જ છે, માટે દુ:ખી ન થા. તારું કામ ચાલુ રાખ અને મંદિરની સવારી મળે ત્યારે દર્શન કરવા આવતો રહેજે.’  

columnists