લોકસંગીતને પુન: ધબકતું કરવાનો પડકાર...

05 November, 2019 04:33 PM IST  |  Mumbai | Sunil Mankad

લોકસંગીતને પુન: ધબકતું કરવાનો પડકાર...

કચ્છ અનેક કલાઓથી ઊભરાતો પ્રદેશ છે. વૈવિધ્યસભર કલાવારસો એ કચ્છની ઓળખ છે. એમાં પણ કચ્છના પારંપરિક અઢાર વિસ્તારમાં રહેતા જુદી-જુદી કોમ-ધર્મ-જ્ઞાતિના સમુદાયોમાં લોકસંગીતની કલા બાબતે પણ વિવિધતા જોવા મળે છે. અત્યારે કચ્છનું આગવું લોકસંગીત પરંપરાને ભૂલી રહ્યું છે ત્યારે આ લોકસંગીતને પુન: ધબકતું કરવાનો કેટલીક સંસ્થાઓ અને લોકસંગીત જેમના રગેરગમાં ધબકે છે એવા લોકો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

વાત કરવી છે એવા જ કચ્છી ભગીરથોની... કચ્છમાં કેટલાક સમયથી જન્મ પામેલી ‘કલા વારસો’ નામની સંસ્થા આ ક્ષેત્રે ધીમે-ધીમે અને ઝીણું કાંતી રહી છે. તેમના પ્રયાસને સફળતા પણ મળી રહી હોય એવા આસાર દેખાય છે. કચ્છનાં ગામડાંઓમાં બારોટ, ધીર, મેઘવાળ, મુસ્લિમ, ભીલ, વાલ્મિકી જેવા અનેક વર્ણના લોકોમાં કચ્છનું લોકસંગીત ઠાંસી-ઠાંસીને ભર્યું છે. તમામ વર્ણો પોતપોતાની રીતે પોતપોતાની વાંઢ અથવા તો વસાહતમાં લોકસંગીત વહાવી રહ્યા છે, પરંતુ આ તમામ લોકકલાકારો એક મંચ પર આવે તો?

કલા વારસોના માધ્યમથી આ માટે અથાક પ્રયત્ન કરી રહેલા ભારમલભાઈ સંજોટ કહે છે કે ‘અમારી નેમ સમૃદ્ધ કલાવારસાને જાળવી રાખવા માટે જ નહીં, એને આગળ ધપાવવા, સાંસ્કૃતિક અસ્મિતાને ઉજાગર કરી એનો પ્રચાર-પ્રસાર કરી આવા લોકકલાકારોની લોકકલાને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને વ્યવસાયિક રીતે આધુનિકતાના શિખરે પહોંચાડવાની છે. આ માટે અમે પરંપરાગત રેયાણ યોજવાનું શરૂ કર્યું છે. રેયાણ એ કચ્છી, સિંધી અને થીર બોલીનો શબ્દ છે. રેયાણ એટલે મેળો-મેળાવડો, ભેગા થવું. દરેક રેયાણ વખતે રેયાણના સ્થળની આજુબાજુનાં ગામોમાં પ્રચાર કરવામાં આવે છે. દરેક રેયાણ વખતે કલાકારો સાથે ચર્ચાઓ કરવામાં આવે છે જેમાં કલા અને કલાકારોની પરિસ્થિતિની માહિતી ભેગી કરવામાં આવે છે.

કોઈ પણ કઠિન કાર્ય પાછળ માર્ગદર્શક ચોક્કસ હોય છે. આ કાર્યમાં કલા વારસો સંસ્થાને નૈતિક જુસ્સો આપનારા લાલભાઈ રાંભિયા પોતે સંગીતના જાણકાર છે. મુંબઈમાં રહીને વતન કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ૪૦૦થી વધુ લોકડાયરા કરી ચૂકેલા લાલભાઈનું નામ કચ્છી સાહિત્ય ક્ષેત્રે મોખરાનું છે. લાલભાઈ પોતે પણ કચ્છમાં અનેક સામાજિક પરિવર્તન માટે ગામડે-ગામડે લોકડાયરા થકી સમાજમાં સંગીતની પરંપરા ટકાવવા તેમ જ હેતુલક્ષી પ્રવૃત્તિઓને પાર પાડવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. કચ્છના સંગીત અને કલાકારોને તેમણે કચ્છમાં તો ખરાં જ, પરંતુ દેશ-વિદેશમાં પણ ખ્યાતિ અપાવી છે. લાલભાઈ કહે છે કે ‘કચ્છમાં હરિજન મંડળી, આરાધી પરંપરા, રબારી સંગીત, સૂફી, માલધારી સંગીત જેવા અનેક સંગીતના ચોકાઓ છે. તેમના આ અદ્ભુત સંગીત કલાવારસાને શા માટે એક મંચ આપી ઊંચાઈ ન આપવી એવો વિચાર મારા મનમાં પ્રથમથી જ હતો. ભારમલભાઈ જેવા ઉત્સાહી યુવાનો આ લોકસંગીતના કલાકારોને નવજીવન બક્ષવા સક્ષમ છે એ જોતાં મેં પણ તેમને શક્ય એટલી મદદ આપવા માટે કમર કસી છે.’

લાલભાઈ કહે છે કે ‘હું કલા વારસોના માધ્યમથી કલાકારોને તેમના સંગીતને આગળ ધપાવવા વૈચારિક સમજ આપું છું. કલાકારો સાથે અનેક વર્કશૉપ કર્યાં છે જેમાં લાઇવ કાર્યક્રમ વખતે કઈ રીતે ગાઈ-વગાડી શકાય, સ્ટેજ પર બેઠક કઈ રીતે લેવી વગેરે-વગેરે. તેમના પ્રાકૃતિક લહેકામાં તેઓ ગાય ત્યારે એક ભજન કે ગીત અડધો-પોણો કલાક સુધી ચાલે. તેમને કાર્યક્રમ વખતે કેટલા સમયમાં ગીત પૂરું કરવું, બે અંતરા વચ્ચેના સંગીતની સમજ એવું બધું જ હવે તેઓ શીખી ગયા છે.’

નવી પેઢી આ લોકસંગીતમાં રુચિ કેળવે છે? લાલભાઈ કહે છે કે ‘હા, હવે તમામ વાદ્યો અને ગાયનમાં પણ નવી પેઢી તૈયાર થઈ ગઈ છે. એક સમયે સુરતનાથ વાદીને જેમણે સાંભળ્યા હોય તે હવે તેમના જ વંશના ટંકારનાથ વાદીને પણ સાંભળે છે. આજના કચ્છી વાદ્યના અનમોલ કલાકાર નૂરમામદ સોઢા જોડિયા પાવા તો વગાડતા, પણ વ્યવસાયે તે છકડો ચલાવતા. આજે અમે તેમને પ્રેરણા આપી ઉચ્ચ સ્થાને લાવી જ દીધા છે. અમે આ કલાકારોને એકઠા કરી અન્ય રાજ્યોના લોકસંગીતના કલાકારોના કાર્યક્રમોની સીડી દેખાડી-સંભળાવી આપણે કયાં સુધારો કરવાની જરૂર છે એની સમજ આપીએ છીએ.’

આવા અનેક કલાકારોને પ્લૅટફૉર્મ આપવા અને સતત કાર્યક્રમો અપાવવા માટે આર્થિક મદદ પણ જરૂરી છે. લાલભાઈ એક પ્રસંગ યાદ કરતાં કહે છે કે ‘એક વખત આ કલાકારોને લઈ અમે માટુંગામાં કાર્યક્રમો કરતા હતા ત્યારે એક સજ્જન દરરોજ સવારે પ્રભાતિયાં સાંભળવા આવે અને રાત્રિ સંગીત પણ નિયમિત માણવા આવે. તેમને પણ લાગ્યું કે આર્થિક અધૂરાશને કારણે આ કલાકારોની કલાને ટૂંપો ન દેવાવો જોઈએ.’

વાતને સાંધી લેતાં ભારમલભાઈ સંજોટ કહે છે, ‘આઝાદી પહેલાંથી જ ૧૯૧૯થી જેમનો શિપિંગ કારોબાર ચાલે છે તેવા દેવેન્દ્રભાઈ શાહે અમને આર્થિક મદદ કરી અને અમારી રિયાઝ શાળાના માર્ગદર્શક પણ બન્યા છે. કચ્છના લોકસંગીતને આગળ લઈ આવવા આટલો મોટો ફાળો આપનાર તે પ્રથમ કચ્છી માડુ છે. કચ્છના લોકસંગીત અને કલાકારોની પરિસ્થિતિને સુધારવાની જવાબદારી તેમણે ઉપાડી લીધી છે.’

મૂળ ધ્રોબાણા (પચ્છમ)ના અને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ચાલતા સંગીતજી રેયાણ રેડિયો સ્ટેશનમાં અને પછીથી મીડિયા સેલમાં જોડાયેલા ભારમલભાઈ કહે છે કે ‘આ માધ્યમથી કલાકારોની સ્થિતિ નિહાળ્યા પછી મેં કચ્છના લોકસંગીતના અંદાજે ૨૫૦ જેટલા ગ્રામીણ કલાકારો અને નિષ્ણાતોની સમિતિ બનાવી આ સંસ્થા સાથે જોડ્યા. અહીં જ મને પણ લાલભાઈ રાંભિયા જેવા લોકસંગીતના ઉચ્ચકોટિના કલાકાર સાથે કામ કરવાની તક મળી. મને અને મારા જેવા અનેક યુવાનોને લાલભાઈએ ઘડ્યા છે.’

ભારમલભાઈ કહે છે કે ‘કચ્છમાં પરંપરાગત લોકસંગીતના ૩૦ જેટલા પ્રકારો અને ૧૫૦૦થી વધુ કલાકારો છે. આ પ્રકારો કચ્છની આગવી કલાને ઓળખ આપે છે છતાં આ કલાકારોને જોઈએ એવું પોતાના વિસ્તારમાં પણ સ્થાન નથી મળ્યું. કચ્છના લોકસંગીતના કેટલાક પ્રકારો તો આ જ કારણે લુપ્ત થવાને આરે છે. કલાકારોના ઉત્કર્ષ માટે ન તો સમાજ દ્વારા કે ન તો સરકાર દ્વારા ઠોસપૂર્વકના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છમાં બીજાં ઘણાં ક્ષેત્રોમાં વિકાસલક્ષી કામ કરવામાં આવ્યાં છે, પણ લોકસંગીતમાં કોઈ નક્કર પ્રયત્નો કરવામાં આવ્યા નથી. આજે કલાકારોના જીવનનિર્વાહ માટે ચોક્કસ કોઈ આયોજન ન હોવાથી તેઓ મજૂર જેવું જીવન વ્યતિત કરે છે. અમારી સંસ્થાના માધ્યમથી અમે આવા કલાકારોને એકઠા કરી રિયાઝ કરાવીએ છીએ. તેમને અનેક કાર્યક્રમોમાં ભાગ લેવરાવી તેમનો આત્મવિશ્વાસ કેમ વધે એવા પ્રયત્નો કરીએ છીએ. આ કાર્યક્રમમાં અમને અમદાવાદના સિરિયલોમાં સંગીત આપતા સંગીતકાર દેવલભાઈ મહેતાનો સહકાર મળે છે. દેવલભાઈ હૈદરાબાદમાં દલિત લોકોની સંસ્થામાં ત્યાંના લોકસંગીતના ડફ સાથે ગાવાની તાલીમ આપે છે. તે અમારી સંસ્થાના કલાકારોને પણ તાલીમ આપે છે. કલા વારસો સંસ્થાને સાઉથ એશિયાના સાત દેશોમાં કામ કરતી ઈ.એનજીઓ ચૅલેન્જ દ્વારા ૪૯ સંસ્થાઓમાંથી ફાઇનલમાં સાઉથ એશિયા ૨૦૧૪ એવૉર્ડ પણ મળ્યો છે.

ભારમલભાઈ કહે છે કે ‘ભારતમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા, પુણે, રાયપુર, સુરત, સોમનાથ અને ગોવામાં અને વિદેશમાં ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, અમેરિકા સહિત કાર્યક્રમો આપી ચૂક્યા છીએ. ભારતના પ્રતિષ્ઠિત નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સના નેહરુ સેન્ટરમાં, હાનિયતના બનયન ટ્રી ઇવેન્ટમાં, સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં, મુંબઈના કચ્છ કલા ઉત્સવમાં અમને ખાસ આમંત્રિત કરી સામેલ કરાય છે. નરેન્દ્ર મોદી જ્યારે સદ્ભાવના યાત્રા અંતર્ગત માંડવી-કચ્છ આવ્યા ત્યારે માત્ર કચ્છના લોકસંગીતના કલાકારોને મંચ આપવાનો આગ્રહ રખાયો હતો. કચ્છમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી યોજાતા રણોત્સવમાં પણ બે કાર્યક્રમ આપ્યા છે. કાર્યક્રમોમાં મોરચંગના કલાકાર આદમ લતીફ ફકીર અને વાઘા કારા હરિજન, જોડિયા પાવાના કલાકાર કાનજી રાણા સંજોટ, સંતાર વગાડતા ગાયકો નામેરી તેજા પરમાર, હીરા ખજુ મારવાડા અને કનુ નામેરી ભીલ, હાર્મોનિયમ-તબલાં સાથે વાલજી ભીમજી જોગી અને શંકરદાન મોતીદાન બારોટ, બેન્જોના રમણીક પરમાર, ઘડો-ગમેલો વગાડી સાથે ગાતા દાના ભારમલ મારવાડા, મોરલી કલાકાર ડંકાનાથ વાદી, ગાયકો શાંતા ખોડા બારોટ, સવિતા ખોડા બારોટ, ગીતા ભૂપત ભીલ, ઢોલક પર પરબત ડુંગરશી જોગી, કરતાલ-ખંજરીના કલાકાર ખેરાજ સાયાં ભદુ, નોબતના કલાકાર મયૂર આચાર્ય અને ડફ-ઢોલના કલાકાર રોહન ત્રિપાઠી જેવા કલાકારો પોતાની લોકસંગીતની કલા પીરસે છે.

આ પણ વાંચો : કચ્છ અબડાસાનું પંચમહાતીર્થનું શ્રી સુથરી મહાતીર્થ

રણોત્સવના કાર્યક્રમોમાં મોટા ભાગે કચ્છ બહારના કલાકારોને ઇવેન્ટ સોંપી દેવાતી હોવાથી કચ્છના જ કલાકારોને જોઈએ એવું પ્રોત્સાહન નથી મળતું. કચ્છના લોકસંગીતની ગરિમાની વાત કરીએ તો હિન્દી ફિલ્મોના સગીતકારો શંકર-અહેસાન-લોય, સંજય લીલા ભણશાલી, વનરાજ ભાટિયા (કચ્છના જ પરિવેશમાં તૈયાર થયેલી ફિલ્મ ‘ધાડ’), કલ્યાણજી-આણંદજી, એ. આર. રહેમાન જેવા દિગ્ગજ સંગીતકારોએ કચ્છના લોકસંગીતનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં, કલાકારો પાસે સંગીતના ટુકડાઓ લઈ ફિલ્મોમાં આજે પણ ઉપયોગ કરે છે. શું કચ્છનું લોકસંગીત પુન: ધબકતું થશે?

kutch columnists