કચ્છ અબડાસાનું પંચમહાતીર્થનું શ્રી સુથરી મહાતીર્થ

Published: Nov 05, 2019, 16:27 IST | Bhavini Lodaya | Mumbai

વાત કચ્છના જૈન તીર્થની: અબડાસાની પંચતીર્થમાં સુથરીનું જિનાલય એક અનન્ય આકર્ષણ છે. મૂળનાયક શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલા બિંબોમાંનું એક છે.

સુથરી
સુથરી

અબડાસાની પંચતીર્થમાં સુથરીનું જિનાલય એક અનન્ય આકર્ષણ છે. મૂળનાયક શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલા બિંબોમાંનું એક છે. હાલાર પ્રદેશમાં આવેલ છીકારી ગામમાં એ પ્રતિમાજીને અચલ ગચ્છાધિપતિ દાદાશ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજીએ વિ.સં. ૧૬૭૫માં પ્રતિષ્ઠિત કરેલા. તેમના શિષ્ય મોહનસાગરે ‘પાર્શ્વછંદ’માં આ પ્રમાણે નોંધ્યું છે. 

 ‘ભીડ ભંજન તે ઘૃતકલ્લોલ વિઘ્ન હરો થાવે નિજબોલ’

છીકારી ગામ સૌરાષ્ટ્રમાં જામનગર નજીક આવેલું હતું. જામનગરથી વસઈ ૧૩ માઇલ થાય છે અને વસઈથી છીકારી ગામ ૧૫ માઇલના અંતરે હતું.

વસઈ ગામ એ પૂર્વકાળે મોટી વસંતનગરી હતી. એનો વિસ્તાર એટલો વિશાળ હતો કે છીકારી ગામ એના એક પરા તરીકે એમાં જ સમાયેલું હતું. હાલનું વસઈ ગામ જે સ્થળે છે ત્યાંથી છીકારી ગામ બે માઇલના અંતરે હતું એમ મુંબઈ વસતા વસઈના શ્રાવકોનું કથન છે. વસઈમાં આજે પણ શિખરબંધ દેરાસરજી છે જે શ્રાવકોની વસ્તી હોવાનું પ્રતિપાદિત કરે છે.

છીકારી ગામમાં એક જ જિન મંદિર હતું અને એમાં શ્રી પાર્શ્વનાથપ્રભુ મૂળનાયક તરીકે બિરાજમાન હતા.  

આશરે ૨૦૦ વર્ષથી અધિક સમયાંતરે વસંતનગરી અને આસપાસમાં જોરદાર વંટોળિયું આવ્યું અને ધૂળની ડમરીઓ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ત્રણ દિવસ સુધી આ આતંકે ધરતીને ધમરોળી, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વસંતનગરી છીકારી સહિત ખંડિયેરમાં ફેરવાઈ ગઈ. શિખરબંધી જિનાલયો તૂટી પડ્યાં એમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પણ જમીનમાં દટાઈ ગઈ. 

એક દિવસ ત્યાંથી એક વણજાર પસાર થઈ રહી હતી એને અહીં અર્ધ દટાયેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન થયાં. વણજારમાં એક દેવરાજ નામે વણિક શ્રાવક પણ હતા. તેમણે આ પ્રતિમાજીને ઉપાડી લઈ પોતાની પોઠ પરના ઘૃતના ઠામમાં છુપાવીને લઈ ગયા.

છીકારી ગામથી સુથરી ગામમાં થયેલ સ્થાન પરિવર્તન

‘શ્રી પાર્શ્વનાથ પ્રભુ’

વિક્રમના સોળમાં સૈકામાં સુથરી ગામમાં અચલગચ્છના ગોરજી શેખર શાખાવાળા ઘરમચંદજીએ પોતાની પોશાળમાં શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજીને સ્થાપ્યા હતા. દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી સારી હોવાથી શુભ પ્રસંગોએ દેવપૂજન માટે તે અજિતનાથજી ભગવાનની પ્રતિમાજીનો ઉપયોગ થતો. એ અરસામાં ક.દ.ઓ. જ્ઞાતીના મેઘજી ઉડિયા પોતે ખાણમાંથી પથ્થર કાઢવાનું કામ કરતા હતા, છતાં પોતાને માથે કરજ હોવાથી જીવનથી કંટાળીને વાવમાં આત્મહત્યા કરવાના વિચારે ચડ્યા ત્યારે તેમને દેવવાણી સંભળાઈ ‘ના, ના’ ચોતરફ નજર કરતાં કોઈ દેખાયું નહીં એટલે તેઓ સમજ્યા કે કોઈ દેવ મને આત્મહત્યા કરવા બાબત ‘ના’ પાડે છે, માટે મારે આજે આત્મઘાત ન કરવો એમ વિચારી તેઓ ઘેર જઈ સૂઈ ગયા. એ જ રાતે તેમને સ્વપ્ન આવ્યું એમાં તેમને સૂચવાયું, ‘આપઘાત કરીશ નહીં. હિમ્મત રાખજે. બધાં સારાંવાનાં થશે.’ સવારના ઊઠીને અમુક વેપારી પાસે જજે તેની પાસેથી તને ૨૦૦ કોરી મળશે. ૧૦૦ કોરી લેણદારને આપી દઈ તારું દેવું પતાવજે અને બાકીની ૧૦૦ કોરી લઈને ગોધરા ગામે જજે. એ ગામને ઊગમણે પાદરે તને હાલારના છીકારી ગામના દેવરાજ વણિક મળશે. તેમની સાથેના બળદપોઠિયા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાજી હશે, એ ૧૦૦ કોરી લઈને તને આપશે, તે તું લઈ આવજે.’ 

આ રીતે સ્વપ્નમાં મળેલી અધિષ્ઠાયક દેવની સૂચના સાંભળીને શા મેઘજી ઉડિયા આનંદભેર જાગ્યા. જાગીને ઇષ્ટદેવનું સ્મરણ કરી સ્વપ્નમાં પોતાને થયેલ સૂચના પ્રમાણે થયેલી આજ્ઞાને અનુસરીને તેઓ ઉપરોક્ત પ્રતિમાજીને સુથરી મુકામે લઈ આવ્યા. છીકારી ગામમાં દેવરાજ વણિકને પણ એવા જ પ્રકારે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે આજ્ઞા ફરમાવી હતી. ગોધરા ઊગમણા પાદરના દરવાજે તે બન્ને મળ્યા. પરસ્પર સ્વપ્નોની વાત કરી શ્રી દેવરાજે કોરી લીધી અને શ્રી મેઘજીભાઈ ઉડિયાએ પરમ કલ્યાણક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા લીધી. એ પ્રતિમાને સુથરી ગામમાં લાવી પોતાને ઘેર રોટલા રાખવાના કોઠલામાં (સંજીરા) તેમણે બિરાજમાન કરી. સુથરીના લોકો ગોરજીના શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાને પૂજનાર્થે બિરાજમાન કરતા હતા તેમ શા મેઘજી ઉડિયાની લાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને પણ પૂજવા લાગ્યા. સુથરીના અગ્રેસર શેઠ મેઘણ શાહને એક દિવસ સમગ્ર જ્ઞાતીના સમુદાયને જમાડવાની ઇચ્છા થઈ. તેમણે કરેલ ઊજમણામાં ધાર્યા કરતાં વધારે માનવસમુદાય એકત્ર થવાથી ઘી ખૂટી ગયું. મેઘણ શાહે પોતાની લાજ રાખવા પ્રભુસ્મરણ કર્યું અને તેમને આત્માની અનુભૂતિ થઈ કે પાર્શ્વનાથ પ્રભુને ઘીના ઠામમાં બિરાજમાન કરો તો જરૂરી ઘૃતની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ જશે અને સંઘ જમી જશે. અગાઉ પણ ભગવાન ઘીના ઠામમાંથી આવેલા હોવાનું જાણીને મેઘણ શાહે પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી ઘીના ઠામમાં તેમને બિરાજમાન કર્યા અને એકાએક ઘૃતનો કલ્લોલ થતો ગયો. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવે લાજ સાચવી સંઘ ભક્તિ કરાવી આપી ત્યારથી ભગવાન શ્રી ઘૃતક્લ્લોલ પાર્શ્વનાથનો મહિમા વધી ગયો.

સંવત ૧૬૬૭માં પં. વિનયકુશલના શિ. પં. શાંતિકુશલે ‘ગોડી પાર્શ્વનાથના સ્તવન’માં ઘૃતકલ્લોલજીનો ઉલ્લેખ કર્યો છે. (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ)

વિજયપ્રભસૂરિ શિ. પં. મેઘવિજયે ‘પાર્શ્વનાથ નામમાલામાં સં. ૧૭૨૧માં, આ તીર્થનાયકનો ઉલ્લેક કર્યો છે.

૧૭માં સૈકાના પ્રારંભમાં પં. રત્નકુશલે ‘પાર્શ્વનાથ’ સંખ્યા સ્તવનમાં પ્રભુનો મહિમા આ પ્રમાણે ગાયો છે. 

“ઘૃતકલ્લોલ જીનેસર જેનર પૂજિસઈ, તસ ઘરી ઘૃતકલ્લોલ;

ધણ, કણ, કંચણ, કપ્પડ, કામિની, પુત્ર સુંરેકરસઇને રંગલોલ.”

ઇતિહાસજ્ઞો આ ઘટનાને જુદી રીતે ઘટાવે છે. શ્રી પાર્શ્વભાઈએ ‘જ્ઞાતિદર્શન’માં લખ્યું છે કે ભૂચરમોરીના યુદ્ધ પછી છીકારીના જૈનોએ ગામધણી સાથે વાંધો પડતાં ગામ ખાલી કરી કચ્છમાં આવી સુથરીમાં વસ્યા. તેઓ પોતાની સાથે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા લાવેલા. છીકારીનું જિનાલય વિસરિયા મોતાઓએ બંધાવેલું અને એમાં લાલણ મંત્રી બાંધવ વર્ધમાન-પદ્મસિંહ શાહ દ્વારા અંજનશલાકા થયેલી પ્રતિમાને મૂળનાયક તરીકે પ્રતિષ્ઠાપિત કરેલી. શત્રુંજયગિરિ પર વિ. સં. ૧૬૭૫ના વૈશાખ સુદી ૩ ને બુધવારે અચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરીએ કુલ ૨૦૪ જિનબિંબોને અંજનવિધિ કરેલી. એ પૈકીની બાકીની પ્રતિમાઓ લાલણ મંત્રી બાંધવોએ ગિરિરાજ ઉપર બંધાવેલાં બે જિનાલયો તેમ જ જામનગર તથા મોડપુર જિનાલયોમાં બિરાજમાન છે. આ તમામ જાણકારી પ્રબોધભાઈ મુનવર દ્વારા મળેલ છે.

આ પણ વાંચો : કચ્છનું ઝળહળતું રતન ખીમજી બાપા

જ્ઞાતિ મિલનનો ઉત્સવ સુથરીમાં વિક્રમના સત્તરમાં સૈકામાં થયો હતો જેનું વર્ણન ઉપર કરેલ છે. સંવત ૧૭૨૧માં પરમપૂજ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરજી મહારાજના ઉપદેશથી સમસ્ત સંઘે શા. મેઘજી ઉડિયાને શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ સ્વામિની પ્રતિમા શ્રી સંઘને સોંપી દેવાની વિનંતી કરી. શ્રી ઉડિયાજીએ આ વિનંતી માન્ય રાખી એથી સં. ૧૭૨૧માં કાષ્ઠચૈત્ય કરાવી એમાં બિરાજમાન કર્યા. સં. ૧૮૮૩માં શ્રી સંઘે નૂતન જિનાલયની શિલારોપણ વિધિ કરી. વિ. સં. ૧૮૯૫માં ઉલ્હાસપૂર્વક વૈશાખ સુદી ૮ ને રવિવારે અચલગચ્છાધિપતિ આચાર્ય પ્રવર શ્રી મુક્તિ સાગર સૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ગુર્જર જ્ઞાતિના શ્રાવક શ્રી પરશોતમ જેઠાએ પ્રતિષ્ઠા ખર્ચ આપ્યો હોવાથી તેમના વંશવારસને વૈશાખ સુદ ૮ના દિને ધ્વજા ચડાવવાનો હક પ્રાપ્ત થયો છે તથા મેઘજી ઉડિયાના વંશવારસોને ભાદરવા સુદ ૫નાં દિને ધ્વજ ચડાવવાનો હક પ્રાપ્ત થયો છે. આ રીતે શ્રી સુથરી સંઘ અનંત ઊપકારી, પરમ પ્રભાવક, ચમત્કારિક શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ દાદાનાં દર્શન, સેવાપૂજા અને ભક્તિ કરવા ભાગ્યશાળી બન્યો. ત્યાર પછી ઉત્તરોત્તર જ્ઞાની મહાપુરુષોના ચોમાસા આ ગામમાં શરૂ થયા અને જ્ઞાનીની સરિતા વહેવા લાગી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK