વગર પીધે ચડી જાય એવું બને?

30 December, 2019 03:01 PM IST  |  Mumbai | Sejal Patel

વગર પીધે ચડી જાય એવું બને?

ફાઈલ ફોટો

હા, બને. હંમેશાં દારૂ પીવાથી જ એનો નશો થાય એવું નથી. જો તમારી મૅટાબોલિઝમમાં ગરબડ પેદા થાય તો તમારું પોતાનું શરીર આલ્કોહોલ પેદા કરવા લાગે એવું સંભવ છે. એક સમયે ખૂબ રૅર ગણાતી આ સમસ્યામાં હવે ધૂમ વધારો થઈ રહ્યો છે. ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ તરીકે ઓળખાતી આ સમસ્યા કેમ થાય છે અને એનો ઉકેલ શું એ વિશે હજી સંશોધનો ચાલી રહ્યાં છે.

દર વર્ષની જેમ થર્ટી-ફર્સ્ટની પાર્ટી પત્યા પછી ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના કેસ પકડવા માટે ટ્રાફિક પોલીસો તહેનાત થઈ જશે. ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહીં એ તપાસવા માટે બ્રેધલાઇઝરમાં તેને ઉચ્છ્વાસ છોડવાનું કહેવામાં આવે છે. દરેક દેશમાં દારૂ પીવાની માત્રાના નિયત નિયમો છે. લોહીમાં ૦.૧ ટકા જેટલો આલ્કોહોલ વર્તાય ત્યારે વ્યક્તિનું સંતુલન ઠીક નથી રહેતું અને એ પછી કોઈ વાહન ચલાવવું તેના માટે જોખમી બની જાય છે. જો તમે ખરેખર છાંટોપાણી કરી લીધા હોય તો ઉચ્છ્વાસમાં એની હાજરી પકડાઈ જશે. જોકે છેલ્લાં પાંચેક વર્ષમાં એવા કેટલાક કેસ સામે આવ્યા છે જેમાં વ્યક્તિએ દારૂનો છાંટોય ન લીધો હોય અને છતાં તેનો બ્રેધલાઇઝરમાં ટેસ્ટ પૉઝિટિવ આવે. એટલું જ નહીં, એમાં દારૂનું પ્રમાણ સામાન્ય દારૂડિયા કરતાં લગભગ બમણું હોય એવું પણ બને.

હજી ઑક્ટોબર મહિનામાં જ અમેરિકાના ઓહાયોમાં ૪૬ વર્ષના એક ભાઈ ડ્રાઇવિંગ દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં પકડાયા. તેમની બ્રેધલાઇઝર ટેસ્ટમાં ૦.૨ યુનિટ દેખાતા હતા, પરંતુ તેમણે હકીકતમાં આલ્કોહૉલનું ટીપુંય લીધું નહોતું. આ વાતે ટ્રાફિક પોલીસ સાથે જબરી આનાકાની થતાં તેમને હૉસ્પિટલભેગા કરવામાં આવ્યા. ત્યાં તપાસ દરમ્યાન લોહીમાંથી ખરેખર આલ્કોહૉલ મળ્યો. તેને સતત નિગરાનીમાં રાખવામાં આવ્યો હોવા છતાં ખાધા પછી તેના શરીરમાં આલ્કોહૉલનું પ્રમાણ એટલું જ મળ્યું. આ કોઈ પહેલો કેસ નહોતો. બહુ જ રૅર ગણાતા ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમની તકલીફ આ ભાઈને હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ વ્યક્તિના પેટમાં ખાસ ફંગસ રહેલી છે જેને કારણે તે જે કાર્બોહાઇડ્રેટ ખાય છે એમાંથી પાચનતંત્રમાં આપમેળે જ ઇથેનૉલ પેદા થાય છે.

૨૦૧૪માં પહેલો કેસ

એ વર્ષે એક ટ્રક ડ્રાઇવર ૧૧,૦૦૦ ટન જેટલી સૅલ્મન ફિશનો માલ લઈને જતો હતો અને સંતુલન ગુમાવતાં હાઈવે પર ટ્રક પલટી ગઈ અને માછલીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. એ વખતે ટ્રક ડ્રાઇવરની કડક તપાસ થતાં એના શરીરમાં કુદરતી રીતે જ આલ્કોહૉલ પેદા થતો હોવાનું નોંધાયું હતું. આ ઘટના પર અભ્યાસ કરતા સંશોધકોએ આ કન્ડિશનને ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ નામ આપ્યું. બ્રુઅરી એટલે દારૂ કે બિયર બનાવવા માટેની ફર્મેન્ટેશન ફૅક્ટરી. જો પેટમાં આપમેળે દારૂ બનતો હોય તો એ ઑટો બ્રુઅરી જ થઈને!

બીજા જ વર્ષે ન્યુ યૉર્કમાં રહેતાં એક બહેનનો રોડ-ઍક્સિડન્ટ થયો અને એમાં તેમના શરીરમાં લીગલ લિમિટ કરતાં ચાર ગણો દારૂ મળ્યો. એ વખતે પણ આ જ સમસ્યા હોવાનું નિદાન થયું. જ્યારે આ સિન્ડ્રૉમનું નિદાન થયું એ પછીથી બહેનને ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવના ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યા. 

ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રૉમ

જપાનમાં ૧૯૫૦થી ૧૯૭૦ના દાયકા દરમ્યાન ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રૉમના દરદીઓ નોંધાયા હતા. ૧૯૪૮માં પાંચ વર્ષનું એક બાળક જઠર ફાટી જવાને કારણે મૃત્યુ પામેલું. તેના મૃત્યુનું કારણ સમજવા માટે પોસ્ટ-મૉર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડેલી કે પાચનતંત્રમાં સોજો અને આલ્કોહૉલની અત્યાધિક માત્રા હતી. એ વખતે એવી ધારણા બાંધવામાં આવેલી કે તેણે એ પહેલાં ખૂબબધાં શક્કરિયાં અને શુગર ખાધી હતી જેણે ઇથેનૉલમાં કન્વર્ટ થઈને આંતરડાંની આંતરિક દિવાલને નુકસાન પહોંચાડ્યું હશે.

અમેરિકાની રિચમન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ એ જ ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રૉમ હોવાની સંભાવના સાથે પેલા ટ્રક-ડ્રાઇવર પર વધુ અભ્યાસો કર્યાં. તેની મેડિકલ હિસ્ટરીનો અભ્યાસ કરતાં ખબર પડી કે ૨૦૧૧ની સાલમાં ડ્રાઇવરને અંગૂઠામાં ઈજા થઈ હતી અને એ માટે તેણે ઍન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરેલું. આ કોર્સ ઘણો લાંબો ચાલ્યો. અને આ દવાઓ ચાલતી હતી એ દરમ્યાન જ તેને ડિપ્રેશન, યાદશક્તિમાં ગરબડ, ગુસ્સાવાળું વર્તન અને દારૂના નશા જેવી હાલત રહેવા લાગી. તેના પરિવારજનોએ તો ધારી લીધેલું કે આ ખોટાબોલો છે. તે છુપાઈને દારૂ પીએ જ છે. જોકે અભ્યાસમાં ફહાદ મલિક નામના રિસર્ચરે તેની પર સંશોધન શરૂ કર્યું ત્યારે તેમણે નોંધ્યું કે આ ભાઈને તમે ભારે ખાવાનું ખવડાવો છો એ પછી જ તેના લોહીમાં આલ્કોહૉલ લેવલ બેફામ વધી જાય છે. શું ખાવાથી આલ્કોહૉલ વધે છે એનું ક્લોઝ મૉનિટરિંગ કરતાં ખબર પડી કે કાર્બોહાઇડ્રેટ જ કારણભૂત છે. જેવું તેના ડાયટમાંથી કાર્બોહાઇડ્રેટની બાદબાકી કરવામાં આવી કે તરત જ તેના હૅન્ગઓવર જેવાં લક્ષણો પણ ગાયબ થવાં લાગ્યાં. આ આખાય અભ્યાસની વિગતો મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ અભ્યાસના આધાર પછી અમેરિકા અને યુરોપની યુનિવર્સિટીઓએ ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ પર વધુ સ્ટડી કર્યો. વિશ્વભરમાં આ સમસ્યા ધરાવતા લગભગ ૫૦૦ જેટલા લોકો હશે એવો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. જોકે આ એવા કેસ છે જે લોકોના શરીરમાં કાર્બોહાઇડ્રેટમાંથી એટલો દારૂ પેદા થાય છે જે ‌િડ્રન્ક ઍન્ડ ડ્રાઇવની લિમિટને પાર કરી દે. એ સિવાય આંશિક હદે કાર્બોહાઇડ્રેટમાંથી ઇથેનૉલ પેદા થતું હોય એવા કેસોની સંખ્યા તો અગણિત છે. ચિંતાનો વિષય એ છે કે હવે ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમની સમસ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

લક્ષણો શું હોય?

જેમ દારૂડિયાના મોંમાંથી દારૂની વાસ આવતી હોય એમ આ દરદીના શરીરમાંથી દારૂની વાસ આવતી હોય છે.

દારૂ પીધા પછી જેમ થાક અને ઢીલાઢસ થઈ ગયા હોવ એવું ફીલ થાય.

આ દરદીઓ ખાવાનું ટાળે છે કેમ કે ખાધા પછી હૅન્ગઓવર જેવાં લક્ષણો વધી જાય છે.

ગૅસ અને આફરો ચડી જવાની ફરિયાદ રહ્યા કરે છે.

શુગરનું ક્રેવિંગ ખૂબ વધી જાય છે.

કોઈ પણ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે. યાદશક્તિ અચાનક સારી લાગે અને અચાનક બુઠ્ઠી થઈ ગઈ છે એવું લાગે.

વિચારો અને વર્તનમાં અસંબદ્ધતા આવે. અલબત્ત, આ લક્ષણો આવતા-જતા રહે છે.

કોઈને પણ થઈ શકે છે

આફ્રિકા, અમેરિકા, જપાન, કૅનેડા અને બ્રિટનમાં આ પ્રકારનાં કેસ વધુ જોવા મળ્યા છે. સ્ત્રી-પુરુષ કે બાળકમાં પણ આ સંભવ છે. આંતરડાંમાં પેદા થતો ઇથેનૉલ બાળકોમાં બિહેવિયરલ પ્રોબ્લેમ્સ પેદા કરે છે.

થવાનાં કારણો શું?

મૅટાબોલિઝમમાં આવતું પરિવર્તનઃ ખોરાકને પચાવીને એમાંથી ગ્લુકોઝ પેદા કરવાનું અને એ ગ્લુકોઝને શરીર વાપરી શકે એવા ફૉર્મમાં તબદીલ કરવાનું કામ મૅટા‌બોલિઝમ કરે છે. જોકે આ સિન્ડ્રૉમ ધરાવતી વ્યક્તિમાં ન સમજી શકાય એવું પરિવર્તન આવે છે જેને કારણે કાર્બોહાઇડ્રેટનું વિભાજન થઈને એમાંથી ગ્લુકોઝની સાથે ઇથેનૉલ કેમિકલ પેદા થાય છે.

ફંગલ ફર્મેન્ટેશન: કેટલાક નિષ્ણાતો એવું માને છે કે આંતરડાંમાં જ્યારે ખાસ પ્રકારની ફંગી ડેવલપ થઈ હોય ત્યારે એ શુગર અને સિમ્પલ કાર્બોહાઇડ્રેટ આપતી ચીજોને બહુ જલદીથી ફર્મેન્ટ કરી નાખે છે. ફર્મેન્ટેશનને કારણે ઇથેનૉલ પેદા થાય છે. જેમના આંતરડાંમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે તેમને આવી ફંગસ સક્રિય થઈ જાય એવી સંભાવના વધુ હોય છે.

ઍન્ટિ-બાયોટિકનો બેફામ ઉપયોગઃ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને નાથવા માટે અપાતી સ્ટ્રૉન્ગ દવાઓને કારણે પેટમાંના સારા બૅક્ટેરિયા પણ નાશ પામે છે અને એને કારણે શુગરનું ફર્મેન્ટેશન થઈને માઇલ્ડથી સિવિયર માત્રામાં ઇથેનૉલ પેદા થવા લાગે એવું સંભવ છે.

ડાયાબિટીઝ અને ક્રોન્સ ડિસીઝ : જેમને બ્લડશુગર લેવલ કાબૂમાં નથી રહેતું અથવા તો આંતરડાંનો ક્રોન્સ ડિસીઝ થયો હોય છે તેમને માઇલ્ડ ફૉર્મમાં આ સમસ્યા હોય એવું સંભવ છે.

નિષ્ણાતનું શું કહેવું છે?

નાણાવટી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. કેયૂર શેઠ કહે છે, ‘પશ્ચિમના દેશો જેવી ઑટો બ્રુઅરી સિન્ડ્રોમની સમસ્યા ભારતમાં હજી જોવા નથી મળી. જોકે મેટાબૉલિઝમમાં ગરબડ અને જિનેટિક કારણોસર ગટ ફર્મેન્ટેશનની સમસ્યા હવે જોવા મળે છે. જોકે હજી આ બાબતે ભારતમાં બહુ જાગૃતિ નથી એટલે બની શકે કે આવા કેસો નિદાન થયા વિનાના જ રહી જાય છે.’

બટાટા ખાવાથી દારૂ બને છે આ ભાઈના પેટમાં

નિક હેસ નામના ૩૯ વર્ષના આ ભાઈના શરીરની કેમિસ્ટ્રી એવી છે કે જો તે બટાટા કે એની કોઈ પણ પ્રકારની વાનગી ખાય તો તેમના પેટમાં આપમેળે દારૂ બનવા લાગે છે અને તેમને હૅન્ગઓવર થાય છે. વૉમિટિંગ, માથું દુખવું, યાદશક્તિમાં ગરબડ જેવાં લક્ષણો સામાન્ય છે. અમેરિકાના ઓહાયોના કોલંબસ શહેરમાં રહેતા હેસની પત્નીને લાગતું હતું કે પતિ ચોરીછૂપીથી દારૂ પી આવે છે. જોકે તેને એક રૂમમાં ૨૪ કલાક માટે વિડિયો ગેમ રમવા માટે નજરકેદ રાખ્યા પછી પણ જ્યારે તેના બૉડીમાં દારૂના અંશ મળ્યા ત્યારે બન્ને ડૉક્ટર પાસે ગયા અને આ સમસ્યાનું નિદાન થયું.

health tips columnists