આ ચાર પેઢીના સંયુક્ત પરિવારમાં બની રહ્યા છે પ્રેમ ને સંપ

20 November, 2019 02:12 PM IST  |  Mumbai | Bhakti D Desai

આ ચાર પેઢીના સંયુક્ત પરિવારમાં બની રહ્યા છે પ્રેમ ને સંપ

હરીશ સુતરિયાનો પરિવાર

રીશભાઈના પરિવારમાં તેમની પત્ની પુષ્પા, તેમનો એક દીકરો દિનેશ, વહુ મીતા, પૌત્ર ધવલ, પત્ની શૈલી, ૭ વર્ષની પ્રપૌત્રી કિયારા છે જેઓ એક સંયુક્ત પરિવારની ઉત્તમ મિસાલ છે. હરીશભાઈની પુત્રી બિંદલ માણેક લંડનમાં સ્થાયી છે. તેમને એક પુત્ર મિતેન છે. દિનેશભાઈની ૨૫ વર્ષની પુત્રી પરિન કારિયા તેમના સાસરે કાંદિવલીમાં સ્થાયી છે. જેમને એક પુત્રી છે નિવાહા.

પ્રેમનું રહસ્ય

આ પરિવારમાં જે એકતા છે એનું રહસ્ય વર્ણવતાં હરીશભાઈ કહે છે, ‘અમારા પરિવારમાં ચાર પેઢી એકસાથે રહે છે અને જો મતભેદ નથી એમ કહીશ તો એ સાવ ખોટું છે, કારણ કે જમાના પ્રમાણે બાળકોના વિચાર બદલાતા હોય છે. એથી દરેકના મત ભિન્ન હોય એ સ્વાભાવિક છે, પણ હું એક વાત માનું છું કે ઘરના વડીલોએ જો બાળકો સાથે રહેવું હોય તો નમતું જોખવું જોઈએ. કદાચ કોઈ વાત પર મતભેદ થઈ જાય તો એને મનમાં રાખીને અમુક દિવસ વાત ન કરી ઘરનું વાતાવરણ કલુષિત કરવા કરતાં પોતાનો ઈગો બાજુએ મૂકી સામેથી બાળકો સાથે વાત કરવા જવું જોઈએ.’

હરીશભાઈના કહેવા મુજબ ભૂલ કોની છે અને કોણે પહેલાં સામેથી વાત કરવા જવું એવા વિચાર કરીએ તો પરિવારમાં જ નહીં, પણ ક્યાંય એકતા ન રહે.

બીજી પેઢી : અહીં દિનેશભાઈ પોતાનો મત આપતાં કહે છે, ‘પહેલાંના જમાનામાં માતા-પિતાને બાળકો વધારે હતાં. તેમની પાસે કયા દીકરા સાથે રહેવું એના વિકલ્પો હતા, પણ મારાં માતા-પિતાનો હું એક પુત્ર છું અને મારી બહેન ભારતની બહાર છે. અમે તેમનાં બાળકો તરીકે તેમનું ધ્યાન રાખીએ અને તેમને સમજીએ એ જરૂરી છે. અમે નસીબદાર છીએ કે મારા દીકરાને અને તેમની પુત્રીને પણ મારાં માતા-પિતા સાથે રહેવાનો અવસર મળ્યો છે. સંયુક્ત પરિવારમાં રહેવાની વાત જ ન્યારી છે. અમે ઘણી વાર બધી પેઢી સાથે મળીને જૂની ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ પણ જોઈએ છીએ.’

ત્રીજી પેઢી : અહીં ધવલ પોતાના દાદાનાં વખાણ કરતાં કહે છે, ‘દાદાને કેટલીયે વસ્તુ આ જમાનાની એવી હતી જેની ખબર નહોતી, પણ તેઓ નવી વાતો શીખવા તત્પર હોય છે. હંમેશાં મારા દાદા તેમની ઉંમરનું કે પોતાના વડીલ હોવાનું ગુમાન ન રાખતાં મારી ઉંમર સુધી પોતાના સ્તરને ઝુકાવે છે અને એક મિત્ર તરીકે વાત કરે છે. મને ખૂબ ખુશી છે કે મારી દીકરીને તેના પરદાદા અને પરદાદીનો સહવાસ મળ્યો છે. તેની જિંદગીમાં તેની પાસે એ યાદો હશે જે તેની ઉંમરનાં અન્ય બાળકો પાસે ભાગ્યે જ હશે.’

ચોથી પેઢી : એકદમ નાની કિયારા અહીં કહે છે, ‘મને આ લોકો પાસેથી વાર્તાઓ સાંભળવા મળે છે અને તેમની વાતો સાંભળીને મને ખૂબ મજા આવે છે. બીજા કોઈ મને વાર્તાઓ નથી કરતા.’

પ્રપૌત્રીની વાત સાંભળી હરીશભાઈ આંખોમાં ચમક સાથે બોલી ઊઠ્યા, ‘એવું નથી કે અમે જ બાળકોને શીખવીએ છીએ, પણ અમારી આટલી નાની કિયારા પણ અમને મોબાઇલ વાપરતાં શીખવતી હોય છે. જીવનમાં પ્રેમ, સમજણ આ બધું પરસ્પર છે. જો તેને અમારે માટે હશે તો જ અમારા હૃદયમાં એ લોકો પ્રત્યે એટલી લાગણી રહે છે. અમે દિવસે બધાં કામમાં હોઈએ, પણ રાત્રે એકસાથે બેસી જમીએ છીએ અને અમારા ડાઇનિંગ ટેબલનું નામ જ ‘ચર્ચા’ છે જ્યાં બેસીને રાત્રે આખા દિવસની વાતો થતી હોય છે.’

બાળપણ વિશે

હરીશભાઈના પિતા ગોરધનભાઈની કાપડની દુકાનો હતી. એ સમયના અન્ય લોકોની સરખામણીમાં તેઓ ઘણા સુખી હતા. તેમના પિતાનું વતન એટલે જામખંભાળિયા, પણ આમ તેઓ મુંબઈમાં સી. પી. ટૅન્ક પાસે રહેતા. હરીશભાઈને ચાર ભાઈઓ અને એક બહેન. બહેન તો લગ્ન કરી સાસરે ગઈ. પછી ભાઈઓનાં લગ્ન થવા લાગ્યાં. સી. પી. ટૅન્કની રૂમ ખૂબ મોટી હોવાથી રેલવેના કમ્પાર્ટમેન્ટની જેમ ઘરના સભ્યો વધતા ગયા એમ એક પછી એક કૅબિનની જેમ પાર્ટિશન કરી એક હરોળમાં રૂમ ઊભી કરવા લાગ્યા. તે કહે છે, ‘મારી સાળી બાવર્ચી ફિલ્મમાં આવું દૃશ્ય જોઈ અમારા ઘરને યાદ કરતી. ધીરે-ધીરે અમે ચાર ભાઈઓ પરણી ગયા અને આ એક રૂમમાં અમે ચાર ભાઈ, ભાભીઓ અને દરેકનાં બાળકો અને મમ્મી, પપ્પા અમે બધાં સાથે જ રહેવા લાગ્યાં.’

છત વગરની રૂમની મજા

એ જૂની યાદો વાગોળતાં પુષ્પાબહેન હસતાં-હસતાં કહે છે, ‘અમારા એ ઘરની સાથે ખૂબ સુંદર યાદો જોડાયેલી છે. અમે પાર્ટિશન કરીને કૅબિન તો બનાવી, પણ એની મજેદાર વાત એ હતી કે એ ઉપરથી ખુલ્લી હતી અને મારા નટખટ દિયર અરવિંદભાઈ, જેમનાં એ સમયે હજી લગ્ન થવાનાં બાકી હતાં, તેઓ બધા માટે રાત્રે ખાવાનું લઈને આવતા અને અમારી ખુલ્લી કૅબિનમાં ઉપરથી થેલી અમને આપતા. આ મજા આજે ધારીએ તોયે કોઈ લોકોને જોવા મળશે નહીં.’

ત્રીજી પેઢી : અહીં ધવલ પોતાની જીવનશૈલીને સરખાવતાં કહે છે, ‘આપણે સુખ-સુવિધાવાળી જિંદગી જીવીએ છીએ, આપણી પાસે મનોરંજનનાં પણ બધાં સાધનો છે. એથી આવી કોઈ મજા ખાસ કરવાની રહેતી નથી, પણ મારા દાદાની વાતોથી એ સમયનું જીવન કેવું હતું એ સમજાય છે.’

વેપાર છોડીને પકડી નોકરી

હરીશભાઈ તેમના ભણતર અને વ્યાવસાયિક જીવનની વાત કરતાં કહે છે, ‘હું એ સમયે બીકૉમ સુધી ભણ્યો અને મેં એલએલબીનું એક વર્ષ પૂરું કર્યું. મારા બીજા ભાઈઓ દસમી સુધી જ ભણ્યા અને મારા પિતા સાથે ધંધામાં જોડાયા. એ સમયે દુકાનોમાં નીચે ગાદી પર બેસીને કામ કરતા અને ઘરાક માટે પણ ગાદી જ રહેતી. મને મારા પપ્પા ટાંકામાંથી કપડું કાપવા કહે અને એવાં ઘણાં કામ કરવા કહેતા. આ સમયે મને થતું કે કામ ભલે બધાં મહાન જ હોય છે, પણ આટલું ભણી-ગણીને હું આ કામ શું કામ કરું છું? મારે મારા શિક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. એવામાં મારા એક મિત્રએ મને બૅન્ક ઑફ બરોડામાં નોકરી માટે જગ્યા હતી એની વાત કરી. બસ, પછી હું બૅન્કમાં લાગ્યો અને ૧૯૯૮માં દાદર બ્રાન્ચમાંથી સિનિયર મૅનેજર તરીકે રિટાયર થયો.’

ક્રિકેટ સાથે જોડાઈ રહેવા અમ્પાયર બન્યા

એ સમય એવો હતો કે લોકો નોકરી કરે કે વેપાર, આ પેઢીના લોકો તેમના જીવનમાં દરેક પ્રવૃત્તિ માટે સમય ફાળવતા અને એને પોતાના શોખને જીવનમાં સ્થાન આપતા. હરીશભાઈ સ્ટેટ-લેવલ ક્રિકેટમાં અમ્પાયરિંગ કરતા, કારણ કે તેમને ક્રિકેટ રમવાનો શોખ હતો. તેમને મૂળ પ્રેમ હતો ક્રિકેટ સાથે. એક દિવસ ક્રિકેટ રમતાં-રમતાં તેમને બૉલ કપાળ પર વાગ્યો અને મોઢું લોહીલોહાણ થઈ ગયું. બસ, એ જ દિવસે તેમના પિતાએ તેમને ક્રિકેટ રમવાની ના પાડી દીધી. આજ્ઞાંકિત પુત્રએ બૅટ અને બૉલથી નહીં રમે એવું તો સ્વીકાર્યું, પણ પોતાના ક્રિકેટના શોખ સાથે ન્યાય કરવા અમ્પાયરની પરીક્ષા આપી. તેઓ પરીક્ષા માટે કહે છે, ‘૧૦૦માંથી ૧૨ જ વિદ્યાર્થીઓ પાસ થાય એવી અઘરી પરીક્ષામાં મારા ક્રિકેટના પ્રેમને કારણે હું તો પાસ થઈ ગયો અને રાજ્યસ્તરે અમ્પાયર તરીકે મારી પસંદગી પણ થઈ ગઈ. હું સચિન તેન્ડુલકર, ગાવસકર આ બધા સાથે બહારગામ જતો અને અમે એકસાથે બેસીને પ્રવાસમાં મજા કરતા.’ 

આમ તેમણે પિતાની વાત પણ ન ટાળી અને પોતાના શોખને પણ જીવંત રાખ્યો.

રમતમાં સર્જનશીલતા

હરીશભાઈ તેમની રમતગમતની વાતો કરતાં કહે છે, ‘અમે ચોપાટી જઈ રેતીનો ડુંગર બનાવી, ખાલી નારિયેળમાં પાણી ભરી એને ડુંગર વચ્ચે માટી નીચેથી નળી પસાર કરતા અને ફુવારો બનાવતા. આજના દૃષ્ટિકોણથી કહું તો અમુક સાધનો કે ટેક્નૉલૉજીની અનુપસ્થિતિએ અમારી કલ્પનાશક્તિ અને સર્જનશીલતાને ખૂબ નિખારી છે. આજે પણ અમે કોઈ પણ વસ્તુ ઘરમાં દુરસ્ત કરી તાત્પૂરતું કામ ચલાવી લઈએ. અમે કોઈ પણ વસ્તુ વગર અટકીએ નહીં એટલું પાકું છે. મનોરંજનનાં સાધનોમાં પહેલાં ગીતો સાંભળવા રેડિયો જ હતો અને પછી ગ્રામોફોન આવ્યાં.’

ત્રીજી પેઢી : ધવલ પોતાની અને કિયારાની સરખામણીમાં કહે છે, ‘અમે એટલા નસીબદાર છીએ કે સી.ડી. પહેલાંનો જમાનો એટલે કે કૅસેટ અને ઑડિયો રેકૉર્ડિંગ કર્યાં પણ છે અને કૅસેટ પર વાગતાં ગીતો સાંભળ્યાં પણ છે. કિયારાને તો ક્યારેય આ મજા નહીં મળે. એ લોકો તો નેટ પરથી લાઈવ સ્ટ્રીમીંગમાં જ બધું જોશે અને સાંભળશે. અમારો જમાનો કદાચ વિડિયો ગેમ રમનારો છેલ્લો જમાનો રહેશે, કારણ કે હવે તો નેટ પરથી ડાઉનલોડ થનારી રમતો જ લોકો રમે છે અને આગળ પણ રમશે. ઘણી વાતો અને મજાઓ જમાના સાથે જતી રહે છે, પણ એનો અનુભવ મળવો એ જ સૌથી મોટી વાત છે. અમે ઘરની બહાર રમવા જતાં અને આજની પેઢીમાં આઉટડોર ગેમ્સને સ્થાન જ નથી.’

મૂડો એટલે શું? લગ્નના એ સમયના રિવાજ

પુષ્પાબહેન પહેલાંનાં લગ્નના રિવાજની વાત કરતાં કહેવા લાગ્યાં કે તેમનાં લગ્ન સમયે છોકરીને મીઠી જબાન પછી તેડું કરવા દિયર, જેઠ કે નણંદ આવે અને છોકરીના પિતા તેની પરિસ્થિતિ પ્રમાણે રૂપિયો કે બે રૂપિયા આપે જેને ‘મૂડો’ કહેતા. હવે ધીરે-ધીરે મીઠી જબાન એટલે કે ગોળ ધાણાનો રિવાજ ક્યાંક લુપ્ત થવા લાગ્યો છે. આગળ જતાં સગાઈ પણ થશે કે નહીં કોણ જાણે, કારણ કે પહેલાં સગાઈ કરીને થોડા મહિનાઓ પછી લગ્ન થતાં, હવે લોકો સગાઈનો રિવાજ નિભાવવા લગ્નને દિવસે જ આ રસમ પૂરી કરે છે.

કસરતનાં સાધનો વિશે

હરીશભાઈ કહે છે, ‘પહેલાં કેવું હતું કે જિમ, ટ્રેડ મિલ જેવાં સાધનોની જરૂર નહોતી. ઘરની સ્ત્રીઓ ઘરમાં જ પથ્થરવાળી ચક્કી પર અનાજ દળે. અમારે ત્યાં પાણી માટે હૅન્ડ પમ્પ હતો, એ ચલાવવાથી હાથને કસરત મળતી. પહેલાં મિક્સર ગ્રાઇન્ડર નહોતાં અને પાણા અને છીપ્પર પર ચટની, આદુંમરચા વાટતાં. એ સમયમાં આવી વસ્તુ બનાવી જે રસોઈ થતી એનો સ્વાદ પણ અલગ જ આવતો. આજે પણ સુરતી ઊંધિયાનો મસાલો પુષ્પા ઘરે જ બનાવે છે.’

ત્રીજી પેઢી : શૈલી અહીં કહે છે, ‘હા, અમને પણ ઘરે બનાવેલા ઊંધિયાનો સ્વાદ અલગ જ લાગે છે. ભલે પાસ્તા, પીત્ઝા, બર્ગર ખાઈએ; પણ ઘરના દેશી જમવાનાની મજા અલગ જ છે. કિયારાને પણ અમે નથી ભાવતું એમ કહેતા શીખવ્યું જ નથી. કદાચ એક વાનગી બીજી વાનગી કરતાં ઓછી ભાવે એવું બને, પણ ન ભાવે એવું નહીં.’

પહેલી પેઢી : પુષ્પાબહેન કહે છે, ‘આજના છોકરાઓ તળેલું ખાવા-પીવાની, ઘી ખાવાની ના પાડે છે. કહે છે કે તેલ-ઘી તબિયત બગાડે છે, હૃદય માટે નુકસાનકારક છે. પણ અમે તો દાળભાત સાથે હરિદાસ કાશીદાસ ભજિયાવાળાના ગાંઠિયા ખાતા, ભજિયાં પણ ખાતા અને મને યાદ છે કે મારા સસરા ૭૫ વર્ષની ઉંમરે પણ દિવસમાં ત્રણ વાર ચાર માળ ચડતા-ઊતરતા અને કોઈ તકલીફ તેમને નહોતી. આજનાં બાળકો બે માળમાં પણ હાંફી જાય છે અને ઊભાં રહીને થાક ખાય છે.’

દીકરાની જીવનસાથીની શોધ તેના જન્મથી કરી

પુષ્પાબહેન અને તેમની વહુ મીતાબહેનનાં માતા નાનપણથી સખીઓ હતી અને પોતાનાં બાળકોનાં જન્મથી જ તેમણે એકબીજાનાં બાળકો સાથે લગ્ન કરશે એ વાત નક્કી કરી હતી. દિનેશભાઈ અને વહુ મીતાએ એકબીજાને પસંદ કરી તેમની વચનપૂર્તિ કરી અને આ પરિવારને આગળ વધાર્યો.

જાદુગર હરીશભાઈ

હરીશભાઈ અચાનક ચાર પત્તાં કાઢીને તેમની પ્રપૌત્રી સાથે જાદુનો ખેલ રમવા લાગ્યા. બાળકની સાથે બાળક બની તેઓ પોતાની થેલીમાંથી વાતો કરતાં-કરતાં વિવિધ જાદુની રમત તેને રમાડવા લાગ્યા. વાત કરતાં ખબર પડી કે તેઓ તેમના મિત્ર જાદુગર ચંદ્રેશ પંચમતિયા પાસેથી નાના-નાના જાદુ શીખી એની કિટ પણ લઈ આવ્યા હતા. કદાચ વાસ્તવમાં જોઈએ ત્યારે જ ખ્યાલ આવે કે સંયુક્ત પરિવારમાં રહેવાનો પણ એક જાદુ જ છે, ક્યારેક લાલની રાણી ગુલામમાં પરિણમે છે તો ક્યારેક એ જ ગુલામ હુકમનો એક્કો બની જાય છે. વ્યક્તિ એક જ છે, પણ સહજતા અને સ્વેચ્છા સાથે પોતાના પરિવારને પ્રેમથી જોડવા ભૂમિકા બદલ્યા કરવી ખૂબ જરૂરી હોય છે.

ચાર પેઢીને સાથે રહેવામાં હરીશભાઈની વહુ અને તેમના પૌત્રની વહુ પણ સંયુક્ત પરિવારના સંસ્કાર પિયરથી લઈને આવી હોવાથી ખૂબ સરળતા રહી છે એવું તેમનું કહેવું છે. હરીશભાઈએ તેમની પુત્રીને પણ આ જ સંસ્કાર આપ્યા છે અને તેમની પુત્રી બિંદલ તેમના કાળજાનો કટકો છે એ વાત બિંદલનું નામ લેતાં જ તેમની આંખોમાં આવતાં આંસુથી સમજાઈ જાય છે. હરીશભાઈ એક બૅન્કર, શાયર, કવિ, અમ્પાયર, ચેસના ચૅમ્પિયન અને એક જાદુગર આમ અનેક પ્રતિભાના માલિક છે.

columnists