પૉલ્યુશન પુરાણ:કહો જોઈએ, દિલ્હીનું આકાશ સાફ થયા પછી તમે સૌએ શું કર્યું?

26 November, 2019 12:49 PM IST  |  Mumbai | Manoj Joshi

પૉલ્યુશન પુરાણ:કહો જોઈએ, દિલ્હીનું આકાશ સાફ થયા પછી તમે સૌએ શું કર્યું?

પૉલ્યુશન પુરાણ

તમને યાદ હશે કે થોડા સમય પહેલાં આ પ્રશ્ન આવ્યો હતો અને એ પ્રશ્નએ દેશભરનાં ન્યુઝપેપર અને ન્યુઝ-ચૅનલની હેડલાઇનમાં સ્થાન લીધું હતું. પૉલ્યુશન એ સ્તરે દિલ્હીમાં વકરી ગયું હતું કે તમે એની કલ્પના ન કરી શકો. હવામાં પ્રદૂષણના કણ હતા અને શ્વાસ લેવાનું કામ અઘરું થઈ ગયું હતું. દિલ્હીના એક ડૉક્ટર સાથે થોડા સમય પહેલાં થયેલી વાતનું તારણ તમને કહીશ તો તમે ખરેખર હેબતાઈ જશો, તમને દિલ્હી જવાનું ક્યારેય મન નહીં થાય.

એ ડૉક્ટરનું કહેવું છે કે તમે દિલ્હીના રસ્તા પર અડધા કલાકનું બાઇક ટ્રાવેલ કરો એટલે પાંચ સિગારેટ તમારાં ફેફસાંને નુકસાન કરે એટલો ધુમાડો તમારા શરીરમાં લેતા હો છો. જરા વિચાર કરો કે આ વાત અડધા કલાકની છે, જેણે આખો દિવસ રખડપટ્ટી કરવાની હશે તે કેટલો ધુમાડો પોતાનાં ફેફસાંમાં ભરતા હશે. બીજા એક ડૉક્ટરે પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે એકધારી સિગારેટ પીનાર વ્યક્તિનાં ફેફસાં ૪૨ વર્ષની ઉંમરે જેવાં હોય એવાં ફેફસાં અમે ૧૨ અને ૧૩ વર્ષનાં બાળકોનાં જોઈએ છીએ.

૨૦ વર્ષ પહેલાં આવાં બાળકોની સર્જરી કરવાની આવી હોય તો એ બાળકોના પિન્ક ફેફસાં જોવા મળતાં, જે મેડિકલ સાયન્સની દૃષ્ટિએ આદર્શ પરિસ્થિતિનાં ગણાતાં, પણ હવે, હવે ૧૨ અને ૧૩ વર્ષનાં બાળકોનાં ફેફસાં પણ કાળાંભઠ જોવા મળે છે. જે દેખાડે છે કે વાતાવરણમાંથી કેટલું પ્રદૂષણ એ લોકો પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે.

આ જ પરિસ્થિતિ અમદાવાદની થઈ રહી હોવાના પણ સમાચાર આવે છે અને આવી જ પરિસ્થિતિ ભવિષ્યનાં અન્ય શહેરોની પણ થશે, જો તમે જાગ્રત નહીં થાઓ તો. હા, વાત સાચી જ વાંચી છે તમે. જાગ્રત તમારે થવાનું છે. દરેક વાતમાં, દરેક બાબતમાં અને દરેક ઘટનામાં તમે સરકારને દોષી માનીને બેસી રહેશો તો નહીં ચાલે. દરેક વખતે તમારે તમારા દોષનાં ટોપલાં બીજા પર જ ઢોળવાં હોય તો એનો ઉપાય ક્યારેય નથી આવવાનો. ઉપાયો ત્યારે જ આવે જ્યારે એ દિશામાં ચાલવાનું કામ તમે શરૂ કરી દો. શરૂ કરી દો તમારી જાતે ચાલવાનું અને પૉલ્યુશન ઓછું થાય એને માટે પણ પ્રયાસ આદરી દો. અગાઉ પણ આ વિષય પર વાત થઈ છે, પણ હજી સુધી એનો કોઈ વાજબી અમલ થયો નથી.

અમલ કરવાનો આપણે છે અને આપણે જ એની શરૂઆત કરવાની છે. બને એટલું પેટ્રોલ ઓછું બાળો. પેટ્રોલ કે ડીઝલને બદલે જો હવે સાઇકલની શરૂઆત થઈ શકે તો ખૂબ સારું. તમને ખબર હશે અને ન ખબર હોય તો તમે જાણી લો કે બ્રિટનમાં આજની તારીખે પણ સાઇકલ સૌથી વધારે વપરાય છે. સાઇકલ વાપરનારો ત્યાંનો અબજોપતિ હોય તો પણ તે સાઇકલનો જ ઉપયોગ કરે છે. સ્વાસ્થ્ય માટે તો સાઇકલ લાભદાયી છે, છે અને છે જ, પણ સાથોસાથ એ પૃથ્વીના સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે. પ્લાસ્ટિક ઓછું કરવાનું વારંવાર કહેવાયું છે અને એ પછી પણ પ્લાસ્ટિકનું ચલણ ચાલુ રહ્યું છે. ઘરમાં ભરી રાખેલાં ઝભલાં હવે સ્કૂટરની ડિક્કીમાં કે પૉકેટમાંથી નીકળે છે અને એમાં શાકભાજી લઈ અવાય છે. જો એ સંઘરી જ રાખવાના હો તો ઠીક છે, પણ ધારો કે એનો નિકાલ કરવાનો આવે તો એ નિકાલ પણ વાજબી રીતે કરો. પૉલ્યુશનનો રાક્ષસ નાથવો અઘરો છે. એ રાક્ષસના લોહીની એક બુંદ પણ જમીન પર પડી તો લખી લેજો કે બીજી જ ક્ષણે એ રાક્ષસનો નવઅવતાર થઈ જશે.

manoj joshi columnists air pollution