મહારાષ્ટ્રની મડાગાંઠ ઉકેલાય એવી કોઈ શક્યતા નથી

14 November, 2019 12:01 PM IST  |  Mumbai | Manoj Joshi

મહારાષ્ટ્રની મડાગાંઠ ઉકેલાય એવી કોઈ શક્યતા નથી

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભામાં એવી તે મડાગાંઠ પડી છે કે હવે તો મંત્ર-તંત્રવાળા પણ એને ઉકેલી શકવાના નથી. જ્યારે નીતિમત્તા છૂટતાં હોય ત્યારે વિચારોને પણ એક મર્યાદા આવી જતાં હોય છે. નીતિમત્તા હોય, સિદ્ધાંતો હોય કે પછી આદર્શને વળગી રહેવાની માનસિકતા હોય ત્યારે અને ત્યારે જ કોઈ વાતનો અંત દેખાય કે કોઈ વાતની સમજણ મનમાં બેસે, પણ જ્યાં આ બધાનો ક્ષય થઈ ગયો હોય ત્યાં કશું સ્પષ્ટ હોતું નથી અને અત્યારે એ જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં ઊભી થઈ છે. બીજેપી પાસે તક હતી. શિવસેના સાથે કોઈ રસ્તો કાઢી શકે એમ હતી અને એ પછી પણ કોઈ સૉલ્યુશન લાવવાની નીતિ કારગત નથી નીવડી. શિવસેના પાસે પણ તક હતી ભાઈચારાની અને વર્ષોના સંબંધોને આંખ સામે રાખીને એ પણ રસ્તો કાઢી શકે એમ હતી, પણ એનાથી આ કામ નથી થયું. 

શિવસેના અને બીજેપી બન્નેને ખબર છે કે એકબીજા વિના ચાલવાનું નથી અને બીજા સાથે બેમાંથી કોઈ રહી પણ શકવાનું નથી. સરળ અને સહજ લાગતી આ વાત જો કોઈ સમજવાની કોશિશ ન કરે તો એનો લાભ હંમેશાં ત્રીજો લઈ જતો હોય છે. આ વખતે પણ એવી જ અવસ્થા ઊભી થઈ શકે છે. શિવસેનાની પડખે જો શરદ પવાર અને સોનિયા ગાંધી આણી મંડળીઓ ચડી તો શિવસેનાને સત્તા મળશે પણ એ સત્તામાં કંઈ લૂંટી લેવાનું રહેશે નહીં. વિકાસની વાતો અકબંધ રહી જશે અને ત્રણે-ત્રણમાં ઝડપથી ત્રેખડ પડશે. હું અત્યારે અરવિંદ કેજરીવાલને યાદ કરવાનું પસંદ કરીશ.

એક સમયે જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને સપોર્ટની જરૂર હતી ત્યારે કેજરીવાલ પાસે ઑપ્શન હતું કૉન્ગ્રેસનું, પણ એણે એ સહકાર લેવાને બદલે સરકાર બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો. વડા પ્રધાનપદે આવ્યાના ગણતરીના દિવસોમાં અટલ બિહારી વાજપેયીએ પદ પરથી રાજીનામું આપી દીધું, પણ તડજોડની રાજનીતિથી બીજેપીને તેમણે દૂર રાખી હતી. આ સિદ્ધાંતો હતા, આ નીતિ હતી અને આ આદર્શ હતાં અને હું કહીશ કે એ આવાં જ હોવાં જોઈએ. સત્તા માટે પારકાની સાથે હસી-બોલીને વાતો કરવાની જે નીતિ ભારતીય રાજકારણમાં ઉમેરાવી શરૂ થઈ છે એ ખરેખર ગેરવાજબી છે.

જ્યાં વાત હિન્દુત્ત્વની થતી હોય, હિન્દુત્ત્વ જેના લોહીમાં હોય અને બાબરી ધ્વંસની ઘટનાને જે ઉજવણી સાથે જોતું હોય એ કેવી રીતે સેક્યુલરિઝમના ભ્રમ સાથે જીવી શકે? જે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઇન્ડિયામાં નહીં રમવા દેવા માટે વાનખેડેની વિકેટ ખોદી નાખવાનું કૃત્ય કરી શકતું હોય અને એ કૃત્યને બહાદુરીભર્યું ગણાવવાનું શૌર્ય પણ દાખવી શકતું હોય એ કેવી રીતે શિમલા કરાર દરમ્યાન ભારતના પચાસથી વધારે જવાનોને કબજામાં રાખવા વિશે પ્રશ્ન પણ નહીં પૂછનારા ઇન્દિરા ગાંધીના સભાસદો સામે બેસી શકે? અશક્ય,

અસંભવ અને અકલ્પનીય. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ બધું લાંબું ચાલવાનું નથી અને ચાલી પણ ન શકે. લોહીમાં નથી એ કેવી રીતે સ્વભાવમાં આવશે, જે સ્વભાવ નથી એ કેવી રીતે બોલીમાં આવશે અને જે બોલી નથી એ ભાષામાં કેવી રીતે વાત થઈ શકશે?

શિવસેના અને બીજેપી સિવાય કોઈ ઉદ્ધાર નથી અને આ ઉદ્ધારને જીવનનો સાર ગણીને બન્ને ચાલશે, બન્ને આગળ વધશે તો જ ભવિષ્ય છે. એક વાત યાદ રાખજો, ઘણી વખત બહુ સારો ખેલાડી પણ ટીમનો કૅપ્ટન નથી બની શકતો અને એ કૅપ્ટન ન બને એટલે એની મહાનતા ક્યાંય ઓસરી પણ નથી જતી. સચિન તેન્ડુલકર એનું બેસ્ટ ઉદાહરણ છે, ભૂલવું ન જોઈએ.

manoj joshi columnists