મહાપુરાણઃ આ તો કુદરતનો પ્રકોપ છે, એમાં આપણે શું લેવા-દેવા?

06 November, 2019 12:09 PM IST  |  Mumbai | Manoj Joshi

મહાપુરાણઃ આ તો કુદરતનો પ્રકોપ છે, એમાં આપણે શું લેવા-દેવા?

મહા વાવાઝોડુ

આવું તમે પણ ધારો છો? આ તમારી પણ માન્યતા છે? 

જો જવાબ હકારમાં આવવાનો હોય તો એક મિનિટ, સ્પષ્ટતા કરી દઉં કે આ કુદરતનો કોઈ પ્રકોપ નથી. આમાં આપણે કશું લેવા-દેવા નથી એવું પણ નથી. આ આપણી જ ભૂલનું પરિણામ છે અને આ આપણી જ બેદરકારીની નિશાની છે. ગુજરાત અને અમુક અંશે મહારાષ્ટ્રને પણ જે ‘મહા’નો ભય સતાવી રહ્યો છે એ કે પછી અન્ય કોઈ પણ સાઇક્લોનની પાછળ ક્યાંક અને ક્યાંક તો પૃથ્વી પર બેઠેલી માનવ વસાહતનો ફાળો છે, છે અને છે જ. કુદરત અને સૃષ્ટિ સાથે આપણે કોઈ નિસ્બત જ નથી, આ જ આપણી માન્યતા છે અને આપણી આ માન્યતાને લઈને જ આપણે આજ સુધી જીવતા રહ્યા છીએ. પર્યાવરણ સાથે આપણને કોઈ નિસ્બત નથી. સૃષ્ટિ સાથે આપણને કોઈ લેવા-દેવા નથી. સફાઈ પણ આપણે કરવી નથી અને પ્લાસ્ટિકનો વપરાશ પણ બંધ કરવો નથી. શું માંડ્યું છે આપણે? આપણે સાચે જ આપણી જાતને સૃષ્ટિના જનક માનવા માંડ્યા છીએ. તમે જુઓ તો ખરા, દરિયો કચરાથી ભરી મૂક્યો. ડૅમની બ્યુટી ખતમ કરી નાખી અને જંગલોનાં જંગલો ખતમ કરી નાખ્યાં. શું કામ અને કયા કારણોસર?
જવાબ છે માત્ર આપણી મજા ખાતર, આપણી સુવિધા અને સગવડ ખાતર.

હવે સમય આવી ગયો છે જાગૃત થવાનો, સભાનતા સાથે જીવવાનો. હું માનું છું કે જગતમાં ત્રણથી ચાર દેશ જ એવા હશે જે દેશોમાં સિવિક સેન્સનો અભાવ જોવા મળતો હશે. આ દેશોમાંથી ત્રણ દેશ તો એવા છે જેનો જન્મ જ હિન્દુસ્તાનમાંથી થયો છે. ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ. આ ઉપરાંત જો કોઈ દેશ હોય તો કદાચ અફઘાનિસ્તાન. આમ તો અફઘાનિસ્તાન પણ મેં જોયું છે એટલે એનો સમાવેશ પણ આ દેશો વચ્ચે ન કરવો જોઈએ. કારણ કે ત્યાં પણ અઢળક સભાનતા છે અને સિવિક સેન્સને પાળવામાં આવે છે, પણ આપણે અને જે કહ્યા એ બે બીજા દેશો, આ બાબતમાં ખરેખર ઢબ્બુના ઢ છે.

મને લાગે છે કે ‘મહા’ કે પછી આવતાં આ પ્રકારના જે કોઈ સાઇક્લોન છે એ અને ક્લાઇમેટમાં આવી રહેલો આ ચેન્જ પર્યાવરણને કારણે છે. આ ખતરાની ઘંટી છે. તમે જુઓ તો ખરા સાહેબ, કારતક મહિનો ચાલે છે અને કારતક મહિનાને દસ દિવસ થવા આવ્યા એ પછી પણ વરસાદ જવાનું નામ નથી લેતો. ગુજરાતમાં, મહારાષ્ટ્રના અમુક શહેરોમાં વરસાદી ઝાપટાં દરરોજ પડી રહ્યાં છે. દિલ્હીમાં પણ વરસાદ છે અને સાથોસાથ પૉલ્યુશનના કારણે ધુમ્મસ જેવી ઝેરી કેમિકલના ધુમાડાની એક ચાદર પથરાઈ ગઈ છે. આ શું સૂચવે છે? એ જ કે, તમે પૃથ્વીની સાથે એ રીતે રહી રહ્યા છો જાણે કે પૃથ્વીને તમારી આવશ્યકતા છે, તમને એની જરૂરિયાત નથી. માનસિકતા બદલવી પડશે. વિચારધારા ચેન્જ કરવી પડશે. જરૂરી છે આ.

એક તબક્કે એવું કહેવાતું કે જીવવું હોય તો પાણી અને ખોરાકની જરૂરિયાત ઊભી થશે પણ આ વાતને આપણે એટલી સીરિયસલી લઈ લીધી કે એ જ ભૂલી ગયા કે જીવવા માટે ઓક્સિજન પણ એટલું જ આવશ્યક છે અને એ તમે બનાવી નથી શકવાના. બહેતર છે એની જાળવણી કરો અને એ જાળવણી માટે, પૃથ્વીનું રક્ષણ કરો, પૃથ્વી એક જ છે અને એક જ રહેશે. ચંદ્ર પર વસાહત શરૂ થાય તો પણ આપણે ત્યાં જઈ શકવાના નથી. ત્યાં માલતુજારો જ જઈ શકશે. સો બેટર છે, પૃથ્વીની જાળવણી કરો - આજે જ.

columnists manoj joshi