મારે તો લગ્ન કરવા છે રાજાની કુંવરી સાથે, છું તો હું વનરાજને

19 November, 2019 02:45 PM IST  |  Mumbai | Manoj Joshi

મારે તો લગ્ન કરવા છે રાજાની કુંવરી સાથે, છું તો હું વનરાજને

પંચતંત્રની વાર્તાઓ ખરેખર ખૂબ સરસ અને જીવનમાં ઉતારવાલાયક હતી એવું લાગે છે. આજે પંચતંત્ર ભુલાઈ ગયું છે અને હવે ડોરીમૉન અને પોકીમૉન આવી ગયા છે, પણ એ બધા કરતાં પણ પંચતંત્ર વધારે હિતાવહ અને જીવનમાં ઉપયોગી બનવાની ક્ષમતા ધરાવે છે. હું તમામ પેરન્ટ્સને પણ કહીશ કે જો એ વાર્તા તમને યાદ ન હોય તો એની બુક્સ લઈ આવો, નેટ પર શોધો પણ એ વાંચો અને વાંચ્યા પછી એ તમારાં સંતાનોને કહો. જીવનભર ઉપકારી રહેશે તમારાં.

પંચતંત્રની એક વાર્તા હમણાં જ મેં વાંચી. એ વાંચ્યા પછી મને થયું કે એ વાર્તા ખરેખર આજના સમયમાં પણ પ્રસ્તુત છે. અત્યારે મહારાષ્ટ્રના રાજકારણની જે અવસ્થા છે એ અવસ્થામાં આ વાર્તા અક્ષરશઃ લાગુ પડે છે. એ વાર્તા તમને પણ યાદ કરાવું. એક મસમોટું જંગલ હતું. ગીરનું જંગલ જ જોઈ લો. જંગલમાં વનરાજનું રાજ. ડાલમથ્થો સાવજ આખા જંગલ પર રાજ કરે. વનરાજ પસાર થાય એટલે જંગલનાં ભલભલાં પ્રાણીઓ રસ્તો કરી આપે, જગ્યા કરી આપે અને વનરાજ મસ્તમજાની કેશવાળી ઝુલાવતાં, ડણખ આપતાં-આપતાં પસાર થઈ જાય. વનરાજને પણ બહુ ગમે કે જંગલનાં પ્રાણીઓ એનાથી ડરે છે. જીવનમાં ડર હોવો જોઈએ. તમને કોઈ ટપલી મારી જાય અને તમે એ ટપલીને હસતા મોઢે સ્વીકારી લો તો ન ચાલે. તમારો રુઆબ હોવો જોઈએ, રોફ હોવો જોઈએ. જો તમે રોફ રાખો તો જ તમારું અપમાન કરતાં દુનિયા ડરે. વનરાજ તો આમ પણ જોરૂકો. સ્વભાવગત રીતે પણ દુનિયા એનાથી ડરે, પણ આ વનરાજની વાત સાવ જુદી. ૬ ફુટ લંબાઈ અને ચાર ફુટની ઊંચાઈ. ચાલ્યો આવતો હોય તો કાચાપોચાની તો આમ પણ ફાટી પડે.

વનરાજનું જંગલમાં એકચક્રી શાસન ચાલે. શિકારીઓ પણ આ વનરાજને કારણે જ જંગલમાં આવતાં ડરે અને એ ડરને લીધે જંગલનાં બીજાં પ્રાણીઓને પણ રાહત રહેતી. આ વનરાજ એક વાર તરસ્યા થયા. જંગલના કિનારે એક નાનકડી નદી. નદી આમ તો ઊંડી પણ એની પહોળાઈ બહુ નહોતી. નદીની એક બાજુએ જંગલ અને બીજી બાજુએ એક નાનકડું નગર. નગરના લોકો પેલી બાજુનું પાણી વાપરે અને આ બાજુનું પાણી વાપરવાનો હક જંગલનાં પ્રાણીઓનો. વનરાજને તરસ લાગી એટલે એ તો પહોંચ્યા નદીએ પાણી પીવા. એમણે પાણીમાં મોઢું નાખ્યું અને એ ત્યાં જ સ્થિર થઈ ગયા.

પાણીમાં એક પ્રતિબિંબ હતું. આરસપહાણમાંથી કોતરેલી મૂર્તિ જેવું રૂપવાન પ્રતિબિંબ. વનરાજે ઉપર જોયું તો નદીના સામા કાંઠે એક યુવતી સ્નાન કરતી હતી. વનરાજ તો યુવતીને જોઈને એના પર મોહી પડ્યા. પાણી પીવાનું પણ ભૂલી ગયા અને બસ એ યુવતીને જોયા જ કરે, જોયા જ કરે. યુવતીએ પણ સ્નાન દરમ્યાન વનરાજને જોયા પણ એ ફાટી પડવાને બદલે વનરાજને જોઈ એક નાનકડું સ્મિત કરી ફરીથી પોતાનું સ્નાન કરવા માંડી. સ્નાન પૂરું કરીને એ યુવતી નીકળી ગઈ. વનરાજ એ જ દિશામાં જોયા કરે. વનરાજને આમ યુવતીમાં ખોવાયેલા જોઈને વનરાજની પાછળ આવી ગયેલા શિયાળે બહાર આવીને કહ્યું કે એ નગરના રાજાની કુંવરી છે. વનરાજે એ ગલબા શિયાળને કહ્યું, ‘ગલબા આપણને એનાથી પ્રેમ થઈ ગયો છે.

મારે એની સાથે લગ્ન કરવાં છે.’ (રાજકુંવરીને પરણવા નીકળેલા વનરાજની વાર્તાનો બીજો ભાગ આવતી કાલે.)

manoj joshi columnists