એ શિલા જ્યાં સ્વામી વિવેકાનંદે રાષ્ટ્ર નવનિર્માણનો વિચાર સેવેલો

12 January, 2020 05:16 PM IST  |  Mumbai Desk | shailesh nayak

એ શિલા જ્યાં સ્વામી વિવેકાનંદે રાષ્ટ્ર નવનિર્માણનો વિચાર સેવેલો

હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરના સંગમ સ્થળે આવેલું આ સ્થાનક દૂરથી પણ ખૂબ નયનરમ્ય છે.

સ્વામી વિવેકાનંદે દક્ષિણ ભારતના છેડે કન્યાકુમારી નજીક દરિયાની વચ્ચે જે શિલા પર બેસીને ૧૮૯૨માં દેશ માટે, દેશબાંધવો માટે, રાષ્ટ્રના પુનરુત્થાન માટે ત્રણ દિવસ ધ્યાન ધર્યું એ વિવેકાનંદ શિલા સ્મારકને ૫૦ વર્ષ થયાં છે. સુવર્ણજયંતીની ઉજવણી નિમિત્તે દેશભરમાં વિવેકાનંદ કેન્દ્ર દ્વારા એક ભારત વિજય ભારતનો રાષ્ટ્રવ્યાપી સંપર્ક કાર્યક્રમ શરૂ થયો છે

‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
સ્વામી વિવેકાનંદજીની આ સુવર્ણ ચાવીને પચાવનાર યુવાનોના જીવન બદલાઈ ગયા છે અને હજીયે એ વિચારો યુવાનોના મનોબળને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. ૩૯ વર્ષ, પાંચ મહિના અને બાવીસ દિવસના ટૂંકા જીવનમાં તેમણે પોતાના જીવન થકી, વિચારો અને સાહિત્ય થકી સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યા હતા. દેશના નાગરિકો અને દેશના પુનરુત્થાન માટે જેઓએ ચિંતન કર્યું અને ખાસ કરીને યુવાનોને રાહ ચીંધ્યો તે વૈશ્વિક વિભૂતિ એવા સ્વામી વિવેકાનંદજીનો આજે જન્મદિવસ છે. ૧૨ જાન્યુઆરી ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની આજે દેશભરમાં ઉજવણી થશે, ત્યારે ૫૦ ‍વર્ષ પહેલાં દેશના નાગરિકો પાસેથી માત્ર એક-એક રૂપિયાના દાનથી કન્યાકુમારી પાસે દરિયાની વચ્ચે આવેલી શિલા પર વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદજીનું રાષ્ટ્રીય શિલા સ્મારક બન્યું છે.
વિવેકાનંદ શિલા સ્મારક બનાવવા માટે તે સમયે એકનાથજી દેશના ૩૨૩ સાંસદોની સહી લઈ આવ્યા હતા એ વાતની બહુ ઓછા લોકોને ખબર છે. અનેક અડચણોને પાર કરીને એકનાથ રાનડેની ૬ વર્ષની જહેમત પછી ૬૫૦ જેટલા કારીગરોની સખત મહેનત બાદ તા. ૨ સપ્ટેમ્બર ૧૯૭૦માં વિશ્વ સમક્ષ ભારતના મહાન પુરુષ સ્વામી વિવેકાનંદજીનું સ્મારક ખુલ્લું મુકાયું હતું.
વિવેકાનંદ રોક મેમોરિયલ આધ્યાત્મિક્તાનું વૈશ્વિક કેન્દ્ર તો બન્યું જ છે, પણ સાથોસાથ પિકનિક સ્પોટ અને ટૂરિઝમનું વૈશ્વિક કેન્દ્ર પણ બન્યું છે અને વર્ષે દહાડે દેશ-વિદેશના અંદાજે ૨૦ લાખ જેટલા મુલાકાતીઓ વિવેકાનંદ શિલા સ્મારકની મુલાકાતે આવે છે.
સ્વામી વિવેકાનંદે દક્ષિણ ભારતના છેડે કન્યાકુમારી નજીક દરિયાની વચ્ચે જે શિલા પર બેસીને ૧૮૯૨માં દેશ માટે, દેશબાંધવો માટે, રાષ્ટ્રના પુનરુત્થાન માટે ત્રણ દિવસ ધ્યાન ધર્યું તે વિવેકાનંદ શિલા સ્મારકને ૫૦ વર્ષ થયાં છે ત્યારે તેની ૫૦ વર્ષની ઉજવણી હાલમાં દેશભરમાં ચાલી રહી છે અને વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ‘એક ભારત વિજય ભારત’ રાષ્ટ્રવ્યાપી સંપર્ક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના ગુજરાત પ્રાંત સહસંચાલક ડૉ. કમલેશ ઉપાધ્યાય વિવેકાનંદ શિલાસ્મારક અંગે માંડીને વાત કરતા કહે છે, ‘સ્વામી વિવેકાનંદે તા. ૨૫, ૨૬ અને ૨૭ ડિસેમ્બર ૧૮૯૨માં કન્યાકુમારી ખાતે સમુદ્રની વચ્ચે આવેલી શિલા પર બેસીને ધ્યાન કર્યું હતું. ૧૯૬૩માં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે સ્વામીજીની સ્મૃતિમાં એ શિલા પર કે જેનું રાષ્ટ્રીય ઇતિહાસમાં ઘણું મહત્ત્વ રહેલું છે તે શિલા પર એક સ્મારક બનાવવામાં આવે. આ સ્મારક બનાવવા માટેનું દાયિત્વ તે સમયે એકનાથજી રાનડેને સોંપવામાં આવ્યું હતું. સ્મારક બનાવવા માટે એકનાથજી રાનડે તે સમયે ૩૨૩ સાંસદોના હસ્તાક્ષર સાથેનો પ્રસ્તાવ લઈ આવ્યા હતા. કદાચ આ ભારતનું પહેલુ એવું સ્મારક છે કે જેના માટે તે સમયે દિલ્હીમાં ઉપસ્થિત ૩૨૩ સાંસદોએ પ્રદેશ, જાતિ અને રાજનૈતિક વિચારધારાથી ઉપર ઊઠીને તેના નિર્માણ માટે સહમતી દર્શાવી હતી. સ્મારક બનાવવા માટે એકનાથજી રાનડે તે સમયે અનેક મહાનુભાવો, સંતો–મહંતો સહિત અનેક નાગરિકોને મળ્યા હતા.’
યુવાનો સહિત અનેક નાગરિકોને જીવનનો સાચો રાહ ચીંધનાર આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદજીના શિલા સ્મારકના નિર્માણમાં દેશના નાગરિકોએ પણ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. તેની વિગતો આપતા ડૉ. કમલેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘વિવેકાનંદ શિલા સ્મારકના નિર્માણ માટે તે સમયે દેશના નાગરિકોએ એક–એક રૂપિયાનું દાન આપ્યું હતું. દેશના નાગરિકોના
એક–એક રૂપિયાના દાનથી ૮૫ લાખ રૂપિયા એકઠા થયા હતા. આ ઉપરાંત દેશના જુદાં જુદાં રાજ્યોની સરકારે પણ ઓછામાં ઓછું એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું તેમ જ કેન્દ્ર સરકારે ૧૫ લાખનું યોગદાન આપ્યું હતું. આ રીતે જોઈએ તો વિવેકાનંદ શિલા સ્મારક સાચા અર્થમાં રાષ્ટ્રીય સ્મારક બન્યું છે. લગભગ છ વર્ષ સુધી ૬૫૦ જેટલા શ્રમિકોએ સ્મારક બનાવવા મૂર્તિ – શિલ્પ, પૉલિશિંગ સહિત ભવન નિર્માણની કામગીરી કરી હતી. છ વર્ષના સમય બાદ અનેકવિધ અડચણોને પાર કરીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું વિવેકાનંદ શિલા સ્મારક બન્યું.’
તા. ૨ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ તે સમયના ભારતના રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ વિવેકાનંદ શિલા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. બેલુરના રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે વિવેકાનંદ શિલા સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં એ સમયના દેશના ઉપરાષ્ટ્રપતિ જી. એસ. પાઠક, તે સમયના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, સ્વામી રંગનાથનંદજી સહિત અનેક આગેવાનો–શ્રેષ્ઠીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્મારકની મુલાકાત લીધી હતી.
દરિયાની વચ્ચે આવેલા સ્વામી વિવેકાનંદજીના આ સ્મારકમાં અજંતા, ઇલોરા, પલ્લવ, ચૌલ, બેલુર મઠ સહિતનાં સ્થળોના અદ્ભુત શિલ્પ સ્થાપત્યોની કલાકૃતિઓનો સંગમ પણ છે.
વિવેકાનંદ શિલા સ્મારકના નિર્માણમાં દેશના અનેક આગેવાનો, સંતો–મહંતો, શ્રેષ્ઠીઓ, નેતાઓ, નાગરિકોનો સહયોગ રહ્યો છે, દેશવાસીઓના સહયોગથી આ સ્મારકનું નિર્માણ થયું છે ત્યારે આ સ્મારકના ૫૦મા વર્ષ નિમિત્તે ‘એક ભારત વિજયી ભારત’ રાષ્ટ્રવ્યાપી સંપર્ક અભિયાન વિવેકાનંદ કેન્દ્ર દ્વારા શરૂ કર્યું છે. જેમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ સહિતના દેશના અનેક આગેવાનો તેમ જ નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સ્વામી વિવેકાનંદના સંદેશ, શિલા સ્મારકની જાણકારી આપવામાં આવી છે. આ વિશે વધુ વાત કરતાં ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે ‘અત્યારે દેશભરમાં ૧૦૦૫ સ્થાનો પર વિવેકાનંદ કેન્દ્રો દ્વારા સેવાકાર્યો ચાલી રહ્યાં છે. યોગ, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, યુવા પ્રેરણા, બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ, સાંસ્કૃતિક શોધકાર્ય સહિતનાં કાર્યો થઈ રહ્યાં છે.’
દરિયાના ઊછળતાં મોજાઓની વચ્ચે અડીખમ ઊભી રહેલી શિલા પર બનાવેલું વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદજીનું શિલા સ્મારક આધ્યાત્મિકતાની સાથે દેશપ્રેમ, દેશ સેવા, એકતા, સંસ્કૃતિ અને વિશ્વબંધુત્વની ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યું છે ત્યારે શિલ્પ સ્થાપત્યોના આ અદ્ભુત સંગમ સ્થાન જોવાનો લહાવો લઈને વિવેકાનંદ શિલા સ્મારકના સંદેશને અપનાવી જીવનને ધન્ય બનાવી શકાય છે.

shailesh nayak columnists weekend guide