આવશ્યકતાનું ધોરણ અને જરૂરિયાતનું પલ્લું હંમેશાં ભારે રહેશે

14 February, 2020 11:58 AM IST  |  Mumbai | Manoj Joshi

આવશ્યકતાનું ધોરણ અને જરૂરિયાતનું પલ્લું હંમેશાં ભારે રહેશે

દિલ્હીમાં આવેલી આમ આદમી પાર્ટીની સરકારની ધારણા સૌકોઈએ રાખી હતી. ઓપિનિયન પોલમાં પણ એ દર્શાવવામાં આવ્યું હતું અને રાજકીય બિગશૉટ્સ પણ આ બાબત જોઈ રહ્યા હતા, પણ આવું થવાનું કારણ શું હોઈ શકે એની ચર્ચા ક્યાંય નહોતી કરવામાં આવી કે ક્યારેય કરવામાં નહોતી આવી. કારણ શું, શું બન્યું એવું કે દેશઆખામાં નરેન્દ્ર મોદીના નામનો ઝંડો લહેરાતો હોય અને એ પછી પણ દિલ્હીમાં કેજરીવાલના નામના સિક્કા પડતા હોય? કારણ વિશે જાણકારી લેવી જોઈએ, જો એ જાણકારી લેવામાં આવશે તો અને તો જ સક્ષમ રાજકારણની દિશામાં દેશ આગળ વધશે અને દેશને આગળ લઈ જવાનું છે એટલે આ કારણો જાણવાં જરૂરી છે.
સૌથી પહેલું કારણ, આજે પણ અંગત આવશ્યકતાનું ધોરણ અને જરૂરિયાતનું પલ્લું ભારે રહે છે. અંગત ગણતરીઓ પહેલા ક્રમ પર છે અને એટલે જ દેશની જરૂરિયાત અને દેશને કનડતા પ્રશ્નો પાછળની હરોળમાં ગોઠવાઈ જાય છે. ખોટું નથી, આ પણ એક વાત સૌકોઈએ સમજવાની જરૂર હોય તો એ છે કે તમારે દેશને પ્રથમ હરોળ પર રાખવો હોય તો તમારી આવશ્યકતાને ભૂલવી પડશે. આજે દેશ વિકાસની દિશામાં છે અને વિકાસ માટે જેકોઈ આકરા નિર્ણય લેવાના હશે એ લેવા પડશે અને એનું પાલન કરવું પડશે. હું દિલ્હીવાસીઓને મળેલી ફ્રી ઑફરની કોઈ વાત કરવા નથી માગતો, પણ એટલું ચોક્કસ કહીશ કે જો તમને ફ્રીથી નિસ્બત હોય તો તમારે સમજવું જોઈશે કે એ ફ્રી મળી કઈ રીતે રહ્યું છે અને ક્યાંથી આવી રહ્યું છે?
ફ્રી આપવું અઘરું નથી. જ્યારે તમારા હાથમાં રાજ્ય કે સરકાર હોય ત્યારે આ પ્રક્રિયા સરળ છે, પણ અત્યારે દેશની ઇકૉનૉમી એ ફ્રી-નીતિને સ્વીકારી શકે એમ છે કે નહીં એ ઇકૉનૉમિસ્ટને એક વખત પૂછવું જોઈએ. અગાઉ ખાંડથી માંડીને પેટ્રોલ જેવી અનેક સામગ્રીઓ પર સબસિડી સરકાર ચૂકવી રહી હતી અને એ ચીજવસ્તુ સસ્તી રકમમાં આપવાનું કામ થઈ રહ્યું હતું પણ કોઈ કહેશે ખરું કે એ સસ્તાઈએ દેશની હાલત શું કરી? સાહેબ, એ સસ્તી માનસિકતાએ દેશ પર દેવું વધારવાનું કામ કર્યું. રાજ્ય સરકાર જ્યારે પણ આવાં કોઈ પગલાં લેતી હોય છે ત્યારે એની સીધી અસર રાજ્યની તિજોરી પર થાય છે. રાજ્ય સરકાર જ્યારે પણ દિલ્હીમાં આપવામાં આવે છે એવી ફ્રીની ઑફર લઈને આવે છે ત્યારે એ છેડાનો વળ તિજોરીના ખૂણે લાગતો હોય છે. દિલ્હીની આજને જોવાને બદલે એની આવતી કાલને જોવાનું રાખજો. આવતી કાલે એ સરકારમાં બેસનારા નેતાઓના મસ્તક પર દેવાનો ભાર આવવાનો છે અને આવતી કાલે એ સરકારમાં બેસનારાઓએ આ દેવાનો ભાર સહન કરવાનો છે. જો ભાર સહન ન કરવો હોય, જો આવતી કાલનો બોજ મસ્તક પર લેવો ન હોય તો મહેરબાની કરીને આજના ભારને હસતા મોઢે સ્વીકારવાની નીતિ રાખજો.
આજ છે તો કાલ છે એવું માનવું અર્થહીન છે. સંતાન તમારી આવતી કાલ છે અને તેમને વારસો આવતી કાલનો જ મળવાનો છે.

manoj joshi columnists delhi elections