નિર્ભયા કેસ: ફાંસી આપવાના સમયે દેશ પાસેથી એક જ અપેક્ષા રાખવાની એ ઘડીએ

14 December, 2019 12:34 PM IST  |  Mumbai | Manoj Joshi

નિર્ભયા કેસ: ફાંસી આપવાના સમયે દેશ પાસેથી એક જ અપેક્ષા રાખવાની એ ઘડીએ

પ્રતીકાત્મક તસવીર

ફાઇનલી નિર્ભયા બળાત્કાર અને હત્યાકેસમાં હવે સજા હાથવેંતમાં દેખાય છે. એ કેસના ચાર આરોપીઓને હવે ફાંસીની સજા આપવામાં આવે અને એ પણ કદાચ આવતા વીકમાં જ શક્ય બને એવું લાગે છે. ખરેખર બહુ જરૂરી હતું આ કાર્ય. હું તો કહીશ કે આ પૂરું કરવામાં ખાસ્સું મોડું કરી નાખ્યું. ખાસ્સું એટલે ખાસ્સું મોડું. ૧૫ દિવસ પહેલાંની વાત કહું તમને. ખાડીના દેશોમાં એક આવો જ બળાત્કારનો કિસ્સો બન્યો. અડધા કલાકમાં આરોપીઓ પકડાઈ ગયા અને એ પછીના બીજા અડધા કલાકમાં આરોપીઓને સજા પણ આપી દેવામાં આવી. તેમનો જીવ લઈ લેવામાં આવ્યો. સાહેબ, હવે ખરેખર હદ થાય છે. આવું કૃત્ય કરનારો મારા કરની આવકમાંથી જેલમાં બેસીને જમ્યા કરે એ મને મંજૂર નથી. મને મંજૂર નથી કે મારો દેશ આવી સહિષ્ણુતા દેખાડે અને આવા નરાધમોને ખવડાવી-પીવડાવીને જેલમાં સંઘરી રાખે, ના, જરાય નહીં અને કોઈ દિવસ નહીં.

નિર્ભયા કેસનો જે સમય પસાર થયો છે એ સમય વચ્ચે બીજી અનેક નિર્ભયાઓએ પણ આ યાતના ભોગવી લીધી. એ ઘટના સાથે જોડાયેલા આરોપીઓ પણ આજે જેલમાં બેઠાં આપણા પૈસાની જાહોજલાલી ભોગવે છે. હું વારંવાર કહેવા માગું છું, ગાઈવગાડીને કહેવા માગું છું કે સમય આવી ગયો છે કે હવે આ પ્રકારના કૃત્ય કરનારાઓને સજા ગણતરીના દિવસોમાં જ મળવી જોઈએ. વકીલાત ક્ષેત્ર સાથે જોડાયેલા સૌકોઈને પણ કહેવાનું મન થાય છે કે નહીં લો આવા નરાધમોના કેસ હાથમાં, બહુ જરૂરી છે આવું પગલું લેવું. નહીં તો આ બધા હરામખોરો ફાટીને ધુમાડે જશે અને એને લીધે આપણી જ બહેન-દીકરીએ હેરાન થવાનો વારો આવશે.

હું કહીશ કે સરકાર અને કોર્ટ બન્ને આ નરાધમોના લાંબા આયુષ્ય માટે જવાબદાર છે. ઑલમોસ્ટ દસકાથી આ હરામખોરો આપણી જેલમાં પડ્યા છે. જો આટલી રકમ તમે કોઈ અભણ પાછળ ખર્ચી હોય તો તે દેશને ઉપયોગી બને એવી શક્યતા રહે, પણ આ નરાધમો તો એના પણ કામમાં આવે એવા નથી.

બળાત્કારીઓ માટે તાત્કાલિક હવે કોઈ ફેંસલો લેવામાં નહીં આવે તો હું માનું છું કે દેશવાસીઓ ઊકળશે અને ખરેખર લોકજુવાળ ફાટી નીકળશે. તમે માનશો નહીં, પણ આજે ઓછામાં ઓછા ૯૯.૯૯ ટકા લોકો માનતા થઈ ગયા છે કે બળાત્કારીઓને પકડીને તેના પર કેસ ચલાવવાને બદલે તેને ટોળાના કબજામાં સોંપી દેવા જોઈએ. ખોટું પણ નથી આ વિચારધારામાં. ઉકળાટ હવે અંદર ભભૂકી રહ્યો છે અને ગુસ્સો હવે લાવારસ બનીને લોહીમાં ભળી ગયો છે. હું કહીશ કે આ બાબતમાં જો તાત્કાલિક કાયદો સુધારવામાં નહીં આવે તો ચોક્કસપણે લોકરોષનું પરિણામ દેશઆખાએ જોવાનો વારો આવશે. બ્રિટિશરોએ બનાવેલો કાયદો હવે ખરેખર અર્થહી‌ન બની ગયો છે એવા સમયે ઍટ લીસ્ટ બળાત્કાર જેવા ગંભીર અને હીન અને શરમજનક કૃત્ય માટે તો વિશેષ સત્ર બોલાવીને પણ નવો કાયદો બનાવવો જોઈએ. અંગત માનવું છે કે જીએસટી અને કૉમન સિવિલ કોડ જેટલો દેશ માટે આવશ્યક છે એના કરતાં પણ ૫૦ ગણો વધારે આવશ્યક આ બળાત્કારીઓ વિરુદ્ધનો કાયદો છે.

manoj joshi columnists