આત્મવિશ્વાસની દિશા - (લાઇફ કા ફન્ડા)

08 January, 2020 05:43 PM IST  |  Mumbai | Heta Bhushan

આત્મવિશ્વાસની દિશા - (લાઇફ કા ફન્ડા)

એક કૉલેજિયન યુવાન નામ એનું ધવલ. વર્ષભર રખડી ખાધું, કઈ જ ભણ્યો નહીં, કઈ જ વાંચ્યું નહીં અને પરીક્ષા નજીક આવી ત્યારે હાંજા ગગડી ગયા તેના. હવે છ-છ વિષયની જાડી-જાડી બુક વાંચવી ક્યારે? બધું યાદ રાખવું કઈ રીતે? પેપરની સ્ટાઇલ, મહત્વના પ્રશ્નો બધું જ ભેગું કરવાનું અને તૈયારી કરવાની. આ બધું અશક્ય લાગતું હતું. પહેલાં વિચાર આવ્યો કે પરીક્ષા આપવી જ નથી, પરંતુ પછી વર્ષ બગડશે અને બધા ખીજાશે એટલે પરીક્ષા તો આપવી જ પડશે એમ વિચાર્યું, પણ તૈયારી વિના પાસ કઈ રીતે થવું? કૉપી કરીને કે પેપર ફોડીને? બસ, આવા જ વિચારો આવતા હતા.

પરીક્ષાને ૧૦ જ દિવસની વાર હતી. ૧૦ દિવસમાં પાસ થવું એટલું ભણવું અશક્ય હતું. દિન-રાત ભણે તો પણ બધું ભણી ન શકાય. હવે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે હિંમત રાખવી કે આત્મવિશ્વાસ જાળવી રાખવો જેવી સલાહ નકામી થઈ જાય. ધવલને એક મોટિવેશનલ સ્પીકરની વાત યાદ આવી કે આત્મવિશ્વાસ વરસાદમાં હાથમાંની છત્રી જેવું કામ કરે છે. છત્રી વરસાદ અટકાવતી નથી, પણ વરસતા વરસાદમાં ચાલવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું શક્ય બનાવે છે. આત્મવિશ્વાસ તમારી મુશ્કેલી નાની નથી કરતો કે તકલીફ દૂર નથી કરતો, પણ તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવાની તાકાત જરૂર આપે છે. તેણે વિચાર્યું, આત્મવિશ્વાસ તો મારી પાસે છે જ. લાવ, મહત્વના પ્રશ્નોની કાપલી બનાવી લઉં, પ્યુનને પૈસા ખવડાવી પેપર મેળવવાનો પ્રયત્ન કરું, મિત્રોને એક-બે પાર્ટી આપી રાજી કરી દઉં એટલે મને પરીક્ષામાં કૉપી કરવામાં મદદ કરે. ધવલ ખોટી દિશામાં આગળ વધી રહ્યો હતો અને એ પણ આત્મવિશ્વાસની છત્રી લઈને. આ બધું કરવામાં જ બાકીના ૧૦ દિવસ વેડફાઈ ગયા. ધવલે કઈ પણ વાંચવાની કોશિશ

ન કરી. પરીક્ષા શરૂ થઈ. ન મહત્વના પ્રશ્નોની કાપલીઓ કામ આવી, ન મિત્રોએ કૉપી કરવામાં મદદ કરી, ન પ્યુને આપેલું પેપર આવ્યું; બધું નકામું અને પરિણામ નાપાસ‍ આવ્યું.

ધવલનું વર્ષ બગડ્યું. ધવલે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો, પણ આત્મવિશ્વાસની દિશા ખોટી હતી. ખોટા માર્ગ પર આત્મવિશ્વાસ સાથે ચાલવું તેની ભૂલ હતી. યાદ રાખો, જીવનમાં આત્મવિશ્વાસનો ગુણ જરૂરી છે, પણ એની દિશા સાચા માર્ગની હોવી જોઈએ. ક્યારેય હાર ન માનવી એ આત્મવિશ્વાસ છે, પણ હારી ગયેલી બાજી ખોટા રસ્તે જીતવાની કોશિશ કરવી એ ભૂલભરેલો આત્મવિશ્વાસ છે. પોતાની આવડત પર ભરોસો રાખવો આત્મવિશ્વાસ છે, પણ આડા રસ્તે સફળતા મેળવવા આગળ વધવું એ આત્મવિશ્વાસની ખોટી દિશા છે જે સફળતા તરફ જતી નથી.

- હેતા ભૂષણ

columnists