હૅપી ન્યુ યર : નવું વર્ષ સૌકોઈને વિરોધ કરવાની સમજણ અને સદ્બુદ્ધિ આપે

01 January, 2020 02:00 PM IST  |  Mumbai | Manoj Joshi

હૅપી ન્યુ યર : નવું વર્ષ સૌકોઈને વિરોધ કરવાની સમજણ અને સદ્બુદ્ધિ આપે

હૅપી ન્યુ યર

૨૦૨૦ની આજની આ પહેલી સવાર સૌકોઈને સદ્બુદ્ધિ આપે અને સદ્બુદ્ધિની સાથોસાથ સૌકોઈને સમજણ પણ આપે. સાચું શું અને ખોટું શું એની સમજણ આપે અને કોનો વિરોધ કરવો, કેટલો વિરોધ કરવો તથા કેવી રીતે વિરોધ કરવો એની ગતાગમ પણ આપે. માત્ર રાજકીય ક્ષેત્રને જ આ વાત લાગુ નથી પડતી. આ વાત એ તમામને પણ લાગુ પડે છે જેને વિરોધ કરવાનો શોખ છે, આદત છે. દરેક વાતમાં અવળા ચાલવાની જે નીતિ ધરાવે છે એને પણ આ વાત લાગુ પડે છે અને થનારાં તમામ કામમાંથી પોરા કાઢવાની માન‌સિકતા ધરાવતા લોકોને પણ આ વાત લાગુ પડે છે. સાસુને વહુનો વિરોધ નોંધાવવો છે અને વહુને મોટી વહુને મળતાં માન-સન્માન સામે વિરોધ નોંધાવવો છે. યાદ રાખજો કે કારણ વિનાના કે પછી અકારણ રીતે થતા વિરોધમાં તથ્ય નામ પૂરતું પણ નથી હોતું. એ પ્રકારના વિરોધથી પહેરેલાં કપડે નગ્ન થઈ જવાતું હોય છે.

સાચા જવાબ સાથે, સાચા તર્ક સાથે અને અર્થસભર જવાબ સાથે કરવામાં આવતા વિરોધમાં તથ્ય છે અને એ વિરોધને સૌકોઈએ સ્વીકારવો પડતો હોય છે. જો દાયકાઓ પછી પણ ગાંધીજીના અસહકારના વિરોધને કારણે અંગ્રેજોએ દેશ છોડવાનો નિર્ણય લેવો પડ્યો હોય તો એવું જ આજના વિરોધમાં છે. માત્ર વિરોધ કરવો છે, દેકારો કરવો છે, ફક્ત આડા ચાલવું છે અને બસ કોઈને નડ્યા કરવું છે. નવા વર્ષે આ માનસિકતા દૂર થાય એવી શુભેચ્છા. આ શુભેચ્છા એ તમામને પણ લાગુ પડે છે જેઓ વિરોધ પક્ષમાં બેઠા છે અને આ શુભેચ્છા એ સૌને પણ લાગુ પડે છે જેઓ ઑફિસમાં પોતાના જુનિયર કે ‌સિનિયરને નડ્યા કરે છે. આ શુભેચ્છા એને પણ લાગુ પડે છે જેઓ ઘરમાં નાના-મોટાનો ભેદભાવ ભૂલીને ત્રાગાં કરે છે અને આ શુભેચ્છા એને પણ લાગુ પડે છે જેઓ જન અને સ્વજન વચ્ચેનો ભેદભાવ સમજી નથી રહ્યા. નવું વર્ષ સદ્બુદ્ધ‌િ આપે અને નવું વર્ષ સમજણ પણ આપે. નવું વર્ષ સૌકોઈને સાથે રહેવાની માનસિકતા પણ આપે અને નવું વર્ષ દરેકને એક થઈને વિચારવાની ક્ષમતા પણ આપે.

વેરભાવની ભાવના મનમાંથી ક્ષય થાય એવી પણ શુભેચ્છા અને મનમાં રહેલો ડંખ ઓસરવાની ક્ષમતા પણ આ નવું વર્ષ આપે એવી અભ્યર્થના. નવા વર્ષના હાથમાં તમારે માટે ખુશી હોય એવી અપેક્ષા રાખીએ, પણ સાથે એવી આશા પણ રાખીએ કે એ તમને એવી સમજણ પણ આપે કે ખુશી માત્ર લેવાની ન હોય, એ આપતા પણ જવાની હોય. આ સમજણ તમારામાં આવે અને તમે, તમારી આસપાસના વર્તુળને ખુશ રાખવાની, તેમના ચહેરા પર આનંદ આપવાની ભાવના તમારામાં જન્મે એવી શુભેચ્છા.

૨૦૨૦નુ વર્ષ માત્ર નવું વર્ષ બનીને રહે એના કરતાં આ નવું વર્ષ તમને અને તમારા પરિવારને વધારે નજીક લાવવાનું કામ કરે એવી અપેક્ષા, સોશ્યલ મીડિયાને બદલે સોશ્યલ સ્ટેટસ પર તમે વધુ ધ્યાન આપો અને દૂર બેઠેલા અજાણ્યા મિત્રો સાથે ચૅટિંગમાં સમય વેડફવાને બદલે એક ફ્લોર નીચે રહેતા ફ્રેન્ડ સાથે તમે રિયલ સમય માણો એવી શુભેચ્છા. ૨૦૨૦નું વર્ષ વાતોનું નહીં, પણ આ વર્ષ વ્યવહારનું બની રહે એવી અપેક્ષા અને ૨૦૨૦નું વર્ષ ક્રિકેટ મૅચના ટી-૨૦ની જેમ ઝડપથી પસાર થઈને ક્ષણિક આનંદ આપે એને બદલે એ ૧૯૮૩ના વર્લ્ડ કપની ફાઇનલ જેવો રોમાંચ આપે એવી શુભેચ્છા.

manoj joshi columnists