જીવનના છેલ્લા દિવસો - (લાઇફ કા ફન્ડા)

22 February, 2019 01:13 PM IST  |  | હેતા ભૂષણ

જીવનના છેલ્લા દિવસો - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા 

એક અતિ શ્રીમંત વૃદ્ધા સાવ એકલાં ક્રૂઝ પર ફરી રહ્યાં હતાં અને અહીં બધો સ્ટાફ તેમને ઓળખતો હતો. તેઓ પણ બધી સગવડોથી વાકેફ હોય એમ આત્મવિશ્વાસ સાથે જિમ અને સ્વિમિંગ-પૂલ અને રેસ્ટોરાંમાં ફરતાં. બીજા યાત્રીઓને તેમને જોઈને બહુ નવાઈ લાગતી કે આ વૃદ્ધાને બધા જ કઈ રીતે ઓળખે છે અને તેઓ એકલાં આટલી મસ્તીથી મજા માણે છે જાણે અહીં પહેલાં પણ આવી ચૂક્યાં હોય. એક યાત્રીએ વૃદ્ધા સાથે હસીને વાત કરતાં એક વેઇટરને પૂછ્યું કે ‘આ કોઈ સ્પેશ્યલ વીઆઇપી ગેસ્ટ લાગે છે તમારાં. પણ એકલાં કેમ છે?’

વેઇટરે કહ્યું, ‘હા, તેઓ સ્પેશ્યલ છે કારણ કે અમારી સાથે આ તેમની પાંચમી ટ્રિપ છે. પ્રશ્ન પૂછનાર યાત્રીને નવાઈ લાગી કે આટલી મોંઘી ટૂર પર આ વૃદ્ધા પાંચ-પાંચ વાર ફરવા આવ્યાં અને એ પણ એકલાં!’

રાત્રે ડિનર બાદ પેલાં વૃદ્ધા ડેક પર લટાર મારી રહ્યાં હતાં ત્યારે વૃદ્ધા વિશે કુતૂહલ ધરાવનાર અન્ય યાત્રીઓનું ટોળું તેમની પાસે પહોંચી ગયું. સ્મિતની આપ-લે કરી અને વાતો શરૂ કરી. પૂછ્યું, ‘મૅડમ, તમે આ ટૂર પર પહેલી વાર આવ્યાં છો?’

વૃદ્ધાએ હસતાં-હસતાં કહ્યું, ‘ના, આ મારી પાંચમી ટૂર છે અને મને વેઇટરે જણાવ્યું કે તમે મારા વિશે પૂછતા હતા. બોલો, શું જાણવું છે?’ વૃદ્ધાએ પ્રેમથી ઉમેર્યું.

અન્ય યાત્રીઓ થોડા ભોંઠા પડ્યા પછી એમાંથી એક જણ હિંમત કરી બોલ્યું, ‘આટલી મોંઘી ટૂર પર તમે પાંચમી વાર કેમ ફરવા આવ્યાં છો. એ પણ એકલાં. તમે ખૂબ જ શ્રીમંત અને શોખીન લાગો છો.’

વૃદ્ધા હસી પડ્યાં. બોલ્યાં, ‘સાવ એમ નથી. હું કઈ એટલીબધી શ્રીમંત નથી, પણ છે. મનથી વાપરી શકું એટલા પૈસા અને બચત છે. મારા પતિ ગુજરી ગયા છે. બાળકો છે નહીં. એટલે એકલી છું અને કોઈ સારા કૅરટેકિંગ વૃદ્ધાશ્રમમાં રહું કે માંદી પડું તો નર્સિંગ હોમમાં રહું ત્યાં પણ પૈસા તો ખર્ચાય જ અને ન આટલી સરસ સગવડો મળે, ન આટલો આદર મળે. અહીં સરસ સ્વાદિક્ટ ભોજન, ભરપૂર મનોરંજન, નવા-નવા લોકોને મળવાનું થાય, આનંદ મળે. ત્યાં તો એકની એક ચાર દીવારમાં રહેવું પડે અને પોતાના જીવનનાં દુખડાં રડતાં મિત્રો મળે. અહીં મજા છે. વળી મને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને સિનિયર સિટિઝન ડિસ્કાઉન્ટ મળે છે એટલે ખરચ પણ બહુ વધારે નથી થતો. વળી ઉંમરને લીધે માંદા પડાય તો અહીં પણ ડૉક્ટરની સેવા તો છે જ અને મન આનંદમાં રહે તો જલદી શરીર માંદું નથી પડતું. મારે જીવનના છેલ્લા દિવસો નર્સિંગ હોમ કે વૃદ્ધાશ્રમની ચાર સફેદ દીવાલો વચ્ચે પરાણે નથી ગુજારવા, પણ મન મૂકીને માણવા છે.’

આ પણ વાંચો : સજાગ રહો - (લાઇફ કા ફન્ડા)

બધા યાત્રીઓએ વૃદ્ધાની ગણતરી અને વિચારોને તાળીથી વધાવ્યાં.

columnists