મહારાષ્ટ્રનું રાજકારણ દેશઆખાની હિન્દુત્વની નીતિ પર કાળી ટીલી લગાવશે

12 November, 2019 02:51 PM IST  |  Mumbai | Manoj Joshi

મહારાષ્ટ્રનું રાજકારણ દેશઆખાની હિન્દુત્વની નીતિ પર કાળી ટીલી લગાવશે

બીજેપી-શિવસેના

સાચે, ઈશ્વર સૌકોઈને સદ્બુદ્ધિ આપે, સૌકોઈને સમજણ આપે અને સૌકોઈનું ભલું કરે. મનમાં આવી રહેલો આ ભાવ માત્ર અને માત્ર મહારાષ્ટ્રની રાજનીતિને કારણે છે. બીજેપી ઝૂકવા રાજી નથી અને શિવસેના જતું કરવા તૈયાર નથી. જ્યારે નાનો પોતાની જાતને મોટી અને મોટો પોતાની જાતને નાની માનતો થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે બીજેપીનો પક્ષ લઈશ તો શિવસેનાને માઠું લાગી શકે છે અને શિવસેનાનો પક્ષ લઈશ તો બડે ભાઈ જેવા બીજેપીને ખરાબ લાગી શકે છે. આ અવસ્થા આવી શું કામ, આવવી જ ન જોઈએ. આવા સંજોગો, આવી પરિસ્થિતિ, આવી અવદશા આવવી જ ન જોઈએ. જ્યારે બન્નેની મંઝિલ એક છે, જ્યારે બન્નેના પથદર્શક એક છે અને બન્નેનું ધ્યેય એક છે ત્યારે શું કામ એકબીજાથી વિખૂટા પડવાનું, શું કામ નોખા માર્ગ પર ચાલવાનું?

મહારાષ્ટ્રની રાજનીતિમાં હજી પણ જો કોઈ ચમત્કાર ન થયો તો દેશના હિન્દુત્વ પર કાળી ટીલી લાગી જશે. ભગવો લાજશે અને એકતા તથા ભાઈચારા પર શંકા જનમશે. તમે ક્યારેય કલ્પના કરી શકો ખરા કે ફિલ્મ ‘શોલે’ના ક્લાઇમેક્સમાં બસંતી ગબ્બરસિંગ સાથે લગ્ન કરીને ઘરસંસાર વસાવી શકે? કલ્પના થઈ શકે ખરી કે ‘એક દૂજે કે લિએ’ના અંતમાં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી બન્ને પોતપોતાના પરિવારની ઇચ્છા મુજબ બીજા કોઈ સાથે લગ્ન કરી લે અને પછી સુખી સંસાર જીવે ખરાં? બની શકે ક્યારેય કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં મિસ હવાહવાઈ મોગેમ્બોની દીકરી બનીને તેના અડ્ડામાં રહેવા માંડે અને મોગેમ્બોની અંતિમ ઇચ્છા મુજબ છેલ્લે એ પેલો અદૃશ્ય કરી દેનારો બેલ્ટ પોતાના કબજામાં લઈને કાયમ માટે અદૃશ્ય થઈ જાય? શક્ય બને કે કલ્પના પણ થઈ શકે ખરી? આ અને આવી બધી વાતો જો અકલ્પનીય હોય તો અત્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં જેકાંઈ ચાલી રહ્યું છે એ કેવી રીતે ગળે ઊતરે, કેવી રીતે એ વાતોને માની શકાય?

બીજેપીએ ના પાડી દીધી કે એ બહુમતી પસાર નહીં કરે અને એટલે શિવસેનાને હવે એ તક મળી છે. શિવસેના એ તકનો લાભ લે એ પહેલાં શિવસેનાએ બીજેપીનો વિરોધ કરીને પોતાના સંસદસભ્યને આદેશ કરી દીધો કે તેમણે કેન્દ્રીય મંત્રાલય છોડી દેવાનું. બન્યું પણ એવું, પક્ષના આદેશને માન આપીને અરવિંદ સાવંતે રાજીનામું ધરી દીધું. હવે શિવસેના કૉન્ગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવશે. ગળે ઊતરે છે આ વાત? માનવામાં આવે છે આ હકીકત? કલ્પના પણ કરી શકો છો આ અવસ્થાની?

ના, હું કલ્પના નથી કરી શકતો આ પરિસ્થિત‌િની. કારણ કે મેં ક્યારેય ખીચડી અને શ્રીખંડ સાથે ખાવાનો અનુભવ નથી કર્યો. ક્યારેય નરેશ કનોડિયાને હૉલીવુડમાં અને આર્નોલ્ડ શ્વાર્ઝનેગરને ભોજપુરી ફિલ્મોમાં જોવાની કલ્પના નથી કરી એવી જ રીતે આ ગઠબંધનની પણ કલ્પના કરવી અઘરી જ નહીં, અશક્ય છે. હવે મારા કે તમારાથી કશું થવાનું નથી. હવે તો ચમત્કાર જ આ પરિસ્થિતિમાંથી કોઈ સારું પરિણામ લાવી શકે. આશા રાખીએ કોઈ સારા, મનગમતા પરિણામની અને તૈયારી કરીએ કે એ ચમત્કાર ગમે એ ઘડીએ દેશના રાજકારણને વધુ એક શ્રેષ્ઠ ચુકાદો આપે. ચમત્કાર હંમેશાં વાર્તાઓમાં થતો હોય છે. કાશ, અત્યારે પણ જેકંઈ ચાલી રહ્યું છે એ વાર્તા જ હોય અને વાર્તા જેવો જ સુખદ અંત આ ઘટનાનો પણ આવે.

manoj joshi columnists