આટલા સંકલ્પ તો ખાસ લેવા જોઈએ દરેકેદરેક મુંબઈકરે

02 January, 2019 12:32 PM IST  |  | રુચિતા શાહ

આટલા સંકલ્પ તો ખાસ લેવા જોઈએ દરેકેદરેક મુંબઈકરે

પ્રતીકાત્મક તસવીર

દર નવા વર્ષના પ્રારંભમાં લગભગ ૪૦ ટકા અમેરિકનો એક યા બીજો સંકલ્પ લે છે. જોકે અમેરિકન યુનિવર્સિટી સક્રેન્ટોનના રિસર્ચ મુજબ માત્ર આઠ ટકા અમેરિકનો જ એ સંકલ્પો પૂરા કરી શકે છે. અન્ય એક ડેટા પ્રમાણે આખા વિશ્વમાં લોકો દ્વારા લેવાતા કૉમન સંકલ્પમાં પહેલા નંબર પર આવે છે, ‘હું હવેથી વધુ સમય એક્સરસાઇઝ કરીશ.’ એ પછી ‘વજન ઘટાડીશ’, ‘વધુ હેલ્ધી ખાવાનું ખાઈશ’, ‘હેલ્થ માટે વધુ સભાન બનીશ’, ‘કંઈક નવું શીખીશ’, ‘ટ્રાવેલ કરીશ’, ‘વાંચન વધારીશ’ વગેરે સંકલ્પો ટૉપ ટેન લિસ્ટમાં આવે છે. સંકલ્પ લેવાના અને તોડવાના રૂટીનને લોકો સામાન્ય ગણતા જાય છે. સંકલ્પ પાળવા માટે શું કરવું એના માટે પણ અઢળક રિસર્ચો થયાં છે. ન્યુ યર રેઝોલ્યુશનનું વિશ્વ મોટું ને મોટું થતું જાય છે ત્યારે મુંબઈગરાઓ પણ બદલાઈ રહેલા કૅલેન્ડર સાથે પોતાનામાં કોઈક બદલાવ લાવવા ઇચ્છે છે. એ બદલાવ શું હોવો જોઈએ એ વિશે ‘મિડ-ડે’ના વહાલા વાચકોએ શૅર કરેલા કેટલાક મજાના સંકલ્પોનું લિસ્ટ પ્રસ્તુત છે જે હકીકતમાં તમારી લાઇફ-સ્ટાઇલનો હિસ્સો હોવા જોઈએ.

લોકો પાનની પિચકારીઓથી બિલ્ડિંગ ખરાબ ન કરે એ માટે તેમનામાં જાગૃતિ લાવવા દર અઠવાડિયે કમસે કમ એક કલાક પાનના ગલ્લે જઈને તેમને સમજાવીશ અને ગંદકી ન ફેલાવવા વિશે એજ્યુકેટ કરીશ.

- વંદના દલાલ, સોશ્યલ વર્કર

ચાલતી ટ્રેને નહીં ચડું અને નહીં ઊતરું. ટ્રેનમાં ચડતા પહેલાં ઉતરનારાને જગ્યા આપીશ. પાટા ક્રૉસ નહીં કરું. સામાન્ય રેલવેમાં પ્રવાસ કરવા માટે જરૂરી શિસ્ત વિશે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરીશ.

- વિપુલ તેજાણી, વેપારી અને યોગશિક્ષક

મુંબઈની દોડધામભરી લાઇફમાં બહાર ખાવાનો શોખ અને મોટા ભાગના લોકોમાં હોય છે. હું સંકલ્પ કરું છું કે હવે સ્ટ્રીટ-ફૂડનો મોહ છોડીને મહિનામાં કમસે કમ પચીસ દિવસ તો હું ઘરે જાતે બનાવેલું હેલ્ધી ફૂડ પોતે પણ ખાઈશ અને ફૅમિલીને ખવડાવીશ.

- ખુશ્બૂ મહેતા, પ્રોફેશનલ

મુંબઈમાં કોઈ પણ વસ્તુમાં ખોટું થતું હશે તો વિરોધ-પ્રદર્શન માટે બધાને તકલીફ પડે એવાં રસ્તારોકો આંદોલન કે ટ્રેનરોકો આંદોલન વગેરે કરીને મુંબઈને પાંગળું કરનારી એક પણ હરકતમાં હું કે મારો પરિવાર સહયોગ નહીં આપીએ.

- છાયા શુક્લ, હાઉસવાઇફ

હું વૉટ્સઍપ પર પૂરતી તપાસ કર્યા વિનાના એક પણ મેસેજને ફૉર્વર્ડ કરીને મુંબઈના લોકોમાં પૅનિક ફેલાવીશ નહીં. કોઈ એવું કરતું જણાશે તો હું તેને અચૂક રોકીશ.

- અજય પંડ્યા, વેપારી અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ

મુંબઈમાં પ્રદૂષણ વધતું જાય છે ત્યારે શુદ્ધ હવા મળી રહે અને કુદરતનું જતન થાય એ માટે દર વર્ષે એક વૃક્ષ રોપીશ અને એનું વર્ષ દરમ્યાન ધ્યાન રાખીશ. મિત્રોને પણ આવું કરવાની પ્રેરણા આપીશ.

- અનુજા દેઢિયા, ચાર્ટડ અકાઉન્ટન્ટ

સ્વચ્છ ભારતને યથાર્થ કરવા હું જાહેર સ્થળેથી રોજ પંદર મિનિટ કચરો ઉપાડીશ તેમ જ જ્યારે પણ કાર લઈને બહાર નીકળીશ ત્યારે બસ-સ્ટૉપ પર ઊભેલા સિનિયર સિટિઝનને લિફ્ટ આપીશ.

- ઘનશ્યામ રાઠોડ, વેપારી

અજાણ્યા લોકોને લિફ્ટ આપવા પરના પ્રતિબંધવાળા કાયદામાં ફેરફાર આવે એવા પ્રયત્નો કરીશ તેમ જ કારમાં લોકોને લિફ્ટ આપીને રસ્તા પરથી પ્રાઇવેટ વાહનોનો ધસારો ઓછો કરીને ગીચતા ઘટાડવાના પ્રયત્નો કરીશ.

- તેજસ શાહ, પ્રોફેશનલ

ગુજરાતી ભાષા પ્રત્યે મુંબઈના ગુજરાતીઓ સભાન રહે અને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં વધુ ને વધુ બાળકો શિક્ષણ મેળવે તથા ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને સારામાં સારી નોકરી મળે એવા પ્રયત્નો પણ કરીશ.

- કીર્તિ શાહ, સમાજસેવક

મુંબઈમાં વૃક્ષો ઓછા છે અને જગ્યા પણ ઓછી છે એટલે નવાં વૃક્ષો રોપવા અઘરાં છે ત્યારે વૃક્ષો કપાય નહીં એ માટે કાગળોનો દુરુપયોગ ટાળીશ, ગિફ્ટ-રૅપિંગમાં નવો કાગળ વાપરવાને બદલે હું અખબારનો ઉપયોગ કરીશ.

- કેલ્વિન કેનિયા, ફાઇનૅન્શિયલ ટ્રેડર

ભલે ગમે એટલો મહત્વનો ફોન હોય કે મેસેજ કરવાનો હોય, હું રસ્તામાં ચાલતી વખતે કે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ નહીં વાપરું અને બીજું કોઈ વાપરતું હશે તો તેને રોકીશ.

- સંદીપ શાહ, વેપારી

મુંબઈમાં પાણીનો બગાડ અટકાવવા પ્રયત્ન કરીશ. ગાડીને ઑલ્ટરનેટ દિવસે ધોઈશ, ઘરના નોકર-ચાકરને પણ પાણીની બચત કરવા વિશે ટ્રેઇન કરીશ, ઘર-સોસાયટીની પાઇપલાઇનમાં લીકેજ ન હોય એની ચોકસાઈ રાખીશ.

- આશિષ મહેતા, વેપારી

રિક્ષાચાલકોને તમાકુ છોડાવવા માટે સમજાવવાના પ્રયત્ન કરીશ અને રિક્ષા ચલાવતી વખતે એ લોકો ફોન પર વાત ન કરે એ માટે તેમનામાં અવેરનેસ લાવવાના પ્રયત્નો પણ કરીશ.

- નેહા યાજ્ઞિક, પ્રોફેશનલ

રસ્તા પરના ફેરિયાઓ સાથે હું વધારે બાર્ગેઇન નહીં કરું અને હંમેશાં ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશ. બને ત્યાં સુધી ચાલીસની સ્પીડ કરતાં વધુ ઝડપથી બાઇક ચલાવવાનું અવૉઇડ કરીશ અને લોકો પાસે કરાવીશ.

- રાકેશ દવે, પ્રોફેશનલ

હું મારી વાર્ષિક આવકમાંથી અમુક હિસ્સો સરહદ પર દેશની રક્ષા કરી રહેલા આર્મીના જવાનોના વેલ્ફેર ફન્ડમાં આપીશ અને બીજા સંબંધીઓ તથા મિત્રોને પણ આમ કરવા માટે પ્રેરણા આપીને કમસે કમ દસ લોકો પાસે આ કરાવતો થઈશ.

-મનન શાહ, સ્ટુડન્ટ

આ પણ વાંચો : લાલચ પાડે બુદ્ધિ પર બાઘાઈનો પડદો

ટ્રેનના છેલ્લા સ્ટૉપ પર પંખા બંધ કરવાના દસ વર્ષ જૂના નિયમને વળગી રહીશ. ટ્રેનમાં, રસ્તા પર કે જાહેર સ્થળોએ ગંદકી કરનારા લોકોને અટકાવવાના મારાથી બનતા પ્રયાસ કરીશ.

- વિરલ ચાંદરાણા, પ્રોફેશનલ

columnists