જીવનમાં કેટલીક વખત નિષ્ફળતાનું મહત્વ સફળતા કરતાં વધારે મોટું હોય છે

15 November, 2019 01:14 PM IST  |  Mumbai | Manoj Joshi

જીવનમાં કેટલીક વખત નિષ્ફળતાનું મહત્વ સફળતા કરતાં વધારે મોટું હોય છે

ચંદ્રયાનની ઘટના યાદ છેને? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના વડાની આંખમાં આવી ગયેલાં આંસુઓ પણ તમે ભૂલ્યા નહીં હો. એ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક વાત વહેતી થઈ હતી કે સ્પેસ પ્રોગ્રામમાં ભારતે રસ લેવો ન જોઈએ. આ વાત કહેનારાઓએ અનેક તથ્યો પણ ટાંક્યાં હતાં અને એ તમામ તથ્યોમાંથી મોટા ભાગનાં તથ્યો વાજબી હતાં એ પણ સ્વીકારવું જોઈએ, પણ એક વાત મને અત્યારે કહેવી છે કે જીવનમાં કેટલીક વખત સફળતા કરતાં પણ નિષ્ફળતાનું મહત્વ વધારે મોટું હોય છે અને એ મહત્વને પામવા માટે પણ તમારે ચાલવું પડતું હોય છે. જરૂરી નથી કે દરેક તબક્કે, દરેક સમયે તમે સફળ રહો. ના, જરાય જરૂરી નથી, પણ જીવનમાં કેટલાક નવા માર્ગ શોધવા માટે પણ તમારે જુદી દિશામાં ચાલવાનું શરૂ કરવું પડે છે. મંગળ પર ગયેલું યાન સફળ રહ્યું. જરા વિચારો કે જો એ સમયે સરળતા સાથેનો માર્ગ અપનાવવામાં આવ્યો હોત તો શું થયું હોત?

તો આપણે ક્યારેય મંગળ પર જવાનું સાહસ ન કરી શક્યા હોત, ક્યારેય નહીં. અસફળ પ્રયાસો આંખ સામે હતા અને એ પછી આપણે ટાંચાં સાધન સાથે આગળ વધવાનું હતું, પણ એ ટાંચાં સાધનો સાથે જોડાયેલી બુદ્ધિમત્તાએ કયા સ્તરનું શ્રેષ્ઠ પરિણામ આપ્યું એની સૌકોઈને ખબર છે. મારું અંગત માનવું છે કે સ્પેસ સાયન્સ માટે, સ્પેસ પ્રોગ્રામ આપણે આર્થિક રીતે સધ્ધર ન હોઈએ તો પણ એ દિશામાં કામ કરવાનું છોડવાની કોઈ આવશ્યકતા નથી. ચંદ્રયાન-3 માટે તૈયારી શરૂ થઈ રહી છે એવા સમયે અગાઉના ફ્લૉપ થયેલા પ્રોગ્રામ વિશે પણ ચર્ચા શરૂ થઈ છે અને એમાં કઈ અને કેવી ભૂલો રહી ગઈ એના વિશે પણ ઇસરો હવે ચર્ચા કરવાનું છે, પણ ત્રીજી વખતનો પ્રયાસ કરવાનું છોડવાની જરાય જરૂર નથી. મંગળ પર જઈને આપણે દુનિયાઆખીને જોતી કરી દીધી હતી. આ વખતે ચંદ્રયાન સાઉથ પોલ પર જઈને સફળતા સાથે લૅન્ડ થશે તો એ પણ એક વિક્રમ હશે અને એ વિક્રમ એક અલ્પવિકસિત કે પછી વિકાસશીલ દેશ કરે તો એનાથી ઉત્તમ બીજું કશું નથી.

સ્પેસ પ્રોગ્રામ દેશના કરન્ટ વાતાવરણમાં કોઈ ફરક લાવે કે નહીં એ મહત્વનું નથી, પણ સ્પેસ પ્રોગ્રામ દેશની શાખ અને દેશની આબરૂના ખાતામાં અઢળક માર્ક્સ ઉમેરી દેવાનું કામ કરે જ છે અને એ હકીકત છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને પણ આપણે સ્પેસ પ્રોગ્રામ માટે ફન્ડ ફાળવતા રહેવું જોઈએ. ફાળવવામાં આવેલું ફન્ડ દરેક તબક્કે વિવાદ ન હોવું જોઈએ, ક્યારેય નહીં. જરૂરી નથી હોતું કે તમે જે ખર્ચ કરો છો એનું પરિણામ કે એનો લાભ તમને એ જ ક્ષણે મળે કે એ ક્વૉર્ટરમાં કે એ ફાઇનૅન્શિયલ વર્ષમાં જ મળે. ના, જરાય જરૂરી નથી. બની શકે કે એનો લાભ તમને વર્ષો પછી મળે અને એ માટે તમારામાં ધીરજ હોવી જોઈએ. જો તમે ધીરજ ન રાખી શકતા હો તો ક્યારેય તમે પરિણામની રાહ ન જોઈ શકો. પરિણામ એના સમયે જ આવે અને એમાં જ એની મજા છે. ચંદ્રયાન સાઉથ પોલ પર જઈને શું શોધશે એ સમય આવ્યે જ કહેશે અને એની શોધ અચંબો જન્માવનારી હશે તો એની પણ જે-તે સમયે જ ખબર પડશે, પણ એ માટે ધીરજ રાખવી હિતાવહ છે અને ધીરજ રાખવાની તૈયારી હોય તો એની સાથોસાથ નિષ્ફળતાની પણ તૈયારી હોવી જોઈશે. નિષ્ફળ જશો તો જ સફળતાના શૉર્ટકટને પણ ઓળખતાં શીખશો.

manoj joshi columnists