જૈન ઇતિહાસનાં પૃષ્ઠો પર નોંધાયેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ

05 January, 2020 05:57 PM IST  |  Mumbai Desk | chimanlal kaladhar

જૈન ઇતિહાસનાં પૃષ્ઠો પર નોંધાયેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ

જૈન ઇતિહાસનાં પૃષ્ઠો પર અનેક રસપ્રદ ઘટનાઓ નોંધાઈ છે. તેમાંની કેટલીક ખેદજનક પણ છે, તો કેટલીક જૈન ધર્મની ગરિમા ખૂબ ઊંચાઈએ લઈ જનારી પણ છે. જૈન ધર્મના અનેક ગ્રંથોમાં આવી સંખ્યાબંધ ઘટનાઓ જોવા-વાંચવા મળી છે. તે પૈકી કેટલીક ઘટનાઓ અહીં સુજ્ઞ વાચકો માટે પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ અનુભવું છું. 

(૧) આજથી ૫૦૦ વર્ષ પૂર્વે શ્રી શત્રુંજય ગિરિરાજ પર પ્રતિષ્ઠા વખતે અનેક ગચ્છોના આચાર્યો, સાધુ, સાધ્વીઓ પધાર્યાં હતાં. ત્યારે શ્રી વિદ્યામંડનસૂરિજીએ શ્રી આનંદવિમલસૂરિની રાય લીધી. અંતે ઠરાવ કરવામાં આવ્યો કે શ્રી શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિશ્વર પ્રભુની પ્રતિમા પર કોઈ આચાર્યનું નામ ન લખતા ‘સર્વસૂરિભિ: પ્રતિષ્ઠિતં’ એમ લખવું. આજે પણ શ્રી શત્રુંજય ગિરિરાજ પર પ્રતિષ્ઠાદિમાં આજ સિલસિલો ચાલે છે, એટલે કે વ્યક્તિગત કોઈ આચાર્યનું નામ ન લખતા ‘સર્વસૂરિ’ એમ જ લખાય છે.
(૨) કુમારપા‍ળ મહારાજાએ જૈન ધર્મ પામ્યા પૂર્વે ૩૨ દાંતથી માંસાહાર કર્યો હતો. ધર્મ પામ્યા પછી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે તેનું પ્રાયશ્ચિત લીધેલ જેમાં... (૧) દંતીવિહાર નામનું એક જિનાલય બંધાવ્યું. ૨. પ્રતિદિન ૩૨ જિનાલયોનાં દર્શન કરવાનો નિયમ લીધો. ૩. રોજ ૩૨ પ્રકાશ, તેમાં યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ અને વીતરાગ સ્તોત્રના ૨૦ પ્રકાશ એમ મળીને ૩૨ પ્રકાશનો સ્વાધ્યાય કરવાનો નિયમ લીધો હતો. (૪) આત્મનિંદાની દ્વાત્રિશિંકા-કુમારપાળ બત્રિસી નામની સંસ્કૃતમાં ૩૨ સ્તુતિઓની રચના કરી હતી.
(૩) આજથી ૧૫૦ વર્ષ પૂર્વે પૂ. મણિવિજયજી દાદાના સમયે સમગ્ર ભારતમાં માત્ર ૧૩ સંવેગી સાધુ ભગવંતો જ હતા. એ પછી આવેલા પૂ. બૂટેરાયજી, મુલચંદજી, આત્મારામજી વગેરે સાધુઓના પ્રતાપે આજે સમગ્ર દેશમાં સંવેગી સાધુ ભગવંતોની સંખ્યા આઠ હજારથી ઉપર પહોંચી ચૂકી છે.
(૪) ‘સમરો મંત્ર ભલો નવકાર’ પદના રચયિતા સિનોર નિવાસી પંડિતવર્ય કવિ ચંદુલાલ નાનચંદ હતા. તેમણે અનેકવિધ કૃતિઓની રચના કરી હતી. તેઓ ભરૂચના પંડિતવર્ય અનોપચંદ મલુકચંદના વિદ્યાર્થી હતા.
(૫) પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં જ્યાં સમવસરણ મંદિર આવ્યું છે, એ સંકુલમાં એક પ્રાચીન કૂવો છે. વિવિધ તીર્થકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિ મહારાજ જણાવે છે કે પ્રભુ મહાવીરના નિર્વાણદિને આ સ્થાને દેવતાઓ પણ નિર્વાણદિનનો ઉત્સવ કરતા. અહીંના કૂવાનું પાણી એવું ચમત્કારી હતું કે દીવાના કોડિયામાં એ કૂવાનું પાણી ભરીને પણ દીવાઓ પ્રકટાવી શકાતા. આ કૂવો રાજા નંદીવર્ધને બનાવેલો એમ કહેવાય છે. અહીં જ્યારે પ્રભુ મહાવીરે ૧૬ પ્રહર દેશના ફરમાવેલી ત્યાં નંદીવર્ધન રાજાએ દેશનાના સ્મારક તરીકે એક સ્તૂપની રચના કરાવી હતી. આજે પણ આ સ્તૂપ જોવા મળે છે. આ સ્તૂપ અને કૂવો પૂર્વે ગામથી તદ્ન વિખૂટા પડી ગયા હતા. ગોવાળિયાનાં બાળકો સ્તૂપના ગોખલાઓમાંથી પગલાં ઉઠાવીને કૂવામાં નાખતાં. ધબાકો સાંભળી બાળકો રાજી થતાં. દિવ્ય પ્રભાવે આ પગલાં બીજા દિવસે ફરીવાર ગોખલામાં આવી જતાં. પગલાંનો આવો અદ્ભુત પ્રભાવ હતો. આજે આ પગલાં જલમંદિર પાસે નવા સમવસરણ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યાં છે.
(૬) પાકિસ્તાનના મુલતાન શહેરના સરાફા બજાર પાસે ચૂરીસરાયમાં રહેલા જૈન શ્વેતામ્બર મંદિરમાં હાલ મદરેસા ચાલે છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે મંદિર જીર્ણશીર્ણ થઈ ગયું છે. ત્યાં જૈનો મુલાકાતે આવે તે સ્થાનિક લોકોને પસંદ નથી. ત્યાંથી આગળ એક દિગમ્બર મંદિર છે. એમાં એક મુસ્લિમ પરિવાર રહે છે. તેથી ત્યાં અંદર જવાની અનુમતિ મળતી નથી. લાહોરના મ્યુઝિયમમાં પૂ. આત્મારામજી મહારાજની ચરણપાદુકા છે. તેમ જ જૈન વિભાગમાં મંદિરના મુખ્ય દ્વાર, જાળી, ઝરૂખા, શત્રુંજય પટ્ટ, ખંડિત જૈન પ્રતિમાઓ, ગુરુમૂર્તિ, ચરણ-પાદુકાઓ છે. ગુજરાનવાલામાં જૈન દેરાસર છે. મંદિરનું શિખર, ગભારો, રંગમંડપ સુરક્ષિત છે, પણ ઉપાશ્રય ધ્વસ્ત થઈ ગયો છે.
(૭) શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિ મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી લાવણ્યસૂરિ મહારાજ એક વિદ્વાન વિભૂતિ હતા. તેઓનું વ્યાખ્યાન હંમેશાં માલકૌંશ રાગમાં જ રહેતું. તેમને સાંભળીને હજારો લોકો મંત્રમુગ્ધ બની જતા.
(૮) ‘શ્રી હીરસૌભાગ્ય’ નામના મહાકાવ્યમાં શ્રી દેવવિમલગણિએ લખ્યું છે કે ગુજરાત રૂપી લક્ષ્મીનું મૂળ અમદાવાદ છે. ખંભાત અને પાટણ એના ચમકતા કુંડળ છે.
(૯) મુંબઈના પાયધૂની પરિસરમાં જે ચાર જિનાલયોમાં મૂળનાયક પરમાત્મા બિરાજમાન છે તે ચારે રાજસ્થાનના સિરોહી જિલ્લાના અલગ અલગ ગામોમાંથી પધાર્યાં છે. શ્રી ગોડીજી પાર્શ્વનાથ મીરપુર ગામમાંથી, આદિશ્વર ભગવાન કોલારગઢથી, મહાવીરસ્વામી લાજથી અને શાંતિનાથ ભગવાન ભેવ ગામથી પધાર્યા છે.
(૧૦) મહાત્મા ગાંધીએ અમદાવાદમાં એક પુસ્તકાલયનો પાયો નાખતી વેળાએ જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે પ્રત્યેક જૈનોએ ધ્યાનથી સાંભ‍ળવા જેવા છે. તેઓએ એ સમયે કહ્યું હતું કે ‘ગુજરાતમાં જૈન ધર્મના ઘણાં ઘણાં જ્ઞાનભંડારો છે, પણ તે વાણિયાના ઘરે છે. તેઓ પુસ્તકોને સુંદર રેશમી વસ્ત્રોમાં વીંટાળીને રાખે છે. આ પુસ્તકોની દશા જોઈને મારું હૃદય રડે છે, પણ જો રડવા બેસું તો પછી જીવું શી રીતે? મને તો એમ થાય છે કે જો ચોરી ગુનો ન ગણાતી હોય તો એ પુસ્તકો હું ચોરી લઉં. એમને કહું કે તમારા માટે એ લાયક ન હતા માટે મેં ચોરી લીધા છે. વણિકો એ ગ્રંથોને નહીં શોભાવે, વણિકો તો પૈસા ભેગા કરી જાણે અને તેથી જ આજે જૈન સાહિત્ય જીવવા છતાં સુકાઈ ગયું છે!’
(૧૧) ‘મહાનિશિથ સૂત્ર’માં બહુ સુંદર વાત લખી છે. બે-ત્રણ દિવસનો પ્રવાસ કરતો હોય તોય માણસ ભાથું લઈને નીકળે છે, તો પછી ૮૪ લાખ યોનિમાં દીર્ઘ પ્રવાસ કરવો હોય તો ધર્મનું કેટલું ભાથું જોઈએ?

columnists weekend guide